ચકલી.
ચકલી.


ચકલી ચીં ચીં કરતી આવે
સળી મોઢામાં લેતી આવે.
છબી પાછળ માળો બનાવે,
ઘરને એ તો જીવંત ગણાવે.
નથી એ ઘર કેવળ મારું તારું,
પંખી માનવનું હોય સહિયારું.
કરી કિલ્લોલ સૌને સંભળાવે,
ઘરને એ તો જીવંત ગણાવે.
દાણો મુખમાં લૈને એ જાતી,
ડગલે પગલે કેવી હરખાતી,
બચ્ચાંને ભાવથી ખવડાવે,
ઘરને એ તો જીવંત ગણાવે.
ઉનાળે મોં ખુલ્લું રાખનારી,
શ્વાસોશ્વાસ કેટલા ભરનારી.
માયા માનવને એ તો લગાવે,
ઘરને એ તો જીવંત ગણાવે.
વર્ષાૠતુમાં હોય મલપતી,
ખાબોચિયામાં રખે નહાતી,
કદીક રેણુ સ્નાન પણ કરાવે
ઘરને એ તો જીવંત ગણાવે.