છે ભળ્યો વરસાદમાં
છે ભળ્યો વરસાદમાં
હળવો નશો આજે હવામાં છે ભળ્યો વરસાદમાં,
શ્વાસો થકી મારી ભીતર કેવો ચડ્યો વરસાદમાં.
લજ્જા અમારી જોઈ રહી પણ વચ્ચે ના બોલી કશું,
એક સ્પર્શ જો ઉન્માદથી વળગી પડ્યો વરસાદમાં.
લ્યો, એની આગળ પાણી ભરતાં થઈ ગયાં બધ્ધા નશા,
પીધા વિના એક શખ્સ જો બહેકી રહ્યો વરસાદમાં.
એવો હતો ઇરાદો મારો કે અબોલા તોડુ નહિ,
ભાંગીને ભૂક્કો થઈ ગયો એ ક્યાં ટક્યો વરસાદમાં
મારી અગાશી છોડી દે,વાદળ બીજે જઇ તું વરસ,
એનો વિરહ તો આ વરસ મોંઘો પડ્યો વરસાદમાં.
