આત્મવિશ્વાસની પ્રબળ જ્યોત-બાપુ
આત્મવિશ્વાસની પ્રબળ જ્યોત-બાપુ
પરમાર્થ કાજે સ્વાર્થ છોડ્યાં ને કર્યાં અનોખા કામ,
પુતળીબાઈના પ્યારા જાયા, તમને સો સો સલામ !
અહિંસાનો એ ધારક મોહન; હતો સાચનો પૂજારી,
સાદગીના કાયમ પહેર્યાં વાઘા, તમને સો સો સલામ !
છૂત અછૂતને સમાન ગણ્યાં ને ચરખો કાંત્યો જાતે,
નાતજાતના ભૂલાવ્યાં વાડા, તમને સો સો સલામ !
પહેરી પોતડી, હાથે લાકડી ને ગળે સૂતરની આટી,
હિંદ આખું ભમ્યાં પગપાળા, તમને સો સો સલામ !
સાબરમતીના સંત અનોખા; હતાં દ્રઢ નિશ્ચય ધારી,
એકાદશ વ્રતો પૂર્ણ પાળ્યાં, તમને સો સો સલામ !
અમાપ ભર્યો ઈશે આપમાં 'ચુંબકીય' શક્તિનો સ્ત્રોત,
ઘરે ઘરેથી વીરલા જગાડ્યાં, તમને સો સો સલામ !
આત્મ વિશ્વાસની પ્રબળ જ્યોત, સૂકલકડી કાયામાં,
મહાસત્તાના મુળિયાં ઉખેડયાં, તમને સો સો સલામ !
