Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

અશ્ક રેશમિયા

Inspirational Romance

2.5  

અશ્ક રેશમિયા

Inspirational Romance

વસવસો

વસવસો

7 mins
7.0K


સાંજનો મશરૂમ સમય હતો. ગોધણ ગામમાં વળી રહ્યાં હતાં. પંખીઓના ઉડાનથી ગગન અનેરૂ શોભી રહ્યું હતું.વ ડલાની વડવાઈએ કેટલાંક બાળકો હીંચી રહ્યાં હતાં. કૂવા પર પનિહારીઓની ભીડ ઓસરતી જતી હતી.

છેલ્લે ત્રણેક પનિહારીઓ માથે બેડલા મૂકીને નીકળી.

કૂવો હવે એકલો થઈ પડ્યો. સૂનોભેંકાર ભાસતો હતો.

‎'હે અલી,શું પેલા છોકરાને તે નજરે કર્યો કે નહી ?' દમીની સામે આવીને કેડ પર હાથ મૂકતા ખેમી બોલી. એની આંખમાં યુવાનીનો ઉત્સાહભર્યો ઉમંગ હતો. હૈયે તલપાપડ થતી તાલાવેલી હતી.

'ક્યો છોકરો અલી ?' વનિતાએ વચ્ચે જ પૂછ્યું.

'અરે વનું ! શું તને ખબર નથી'ખેમીએ એનેય સવાલ કર્યો.

'ના રે બાઈ ના,મને કુણ કે તે ખબર્યું હોય ?

ખેમી અને વનિતાના વદનના ભાવો વાંચતી દમી શૂન્યમનસ્ક બની ઊભી હતી.

‎'અલી દમી ! તે આ વનિતાને કેમની વાત્યું કરી નહી ?'દમી તરફ જોતા ખેમીએ ફરી સવાલ કર્યો. પછી આગળ ઉમેર્યું: 'અલી,આપણે ત્રણેય સખી છીએ. અને સખી-બહેનપણી એને જ કહેવાય જે એકમેકના મનની અંદરની અને બહારની સઘળી જ અરે,રજેરજની વાતો જાણતી હોય.'

'હા,પણ હું હવે કહેવાની જ હતી. અને આ એક વાત સિવાય બીજી કંઈ વાત મે મારા મનમાં ખાનગી રાખી છે ! બોલો,તમે જ કહો. તમેં મને રજે રજ જાણો જ છો પછી શું ?'

અને એ જ વેળાએ વનિતાને મનમાં થયું: 'પણ તમે મારા મનની એક સાવ અંગત વાત નથી જાણતી.' એનાથી અંતરમાં ડૂસકું મૂકાઈ ગયું.

દમી,વનિતા અને ખેમી ત્રણેય પાક્કી સહેલીઓ હતી. ત્રણેયના મહોલ્લાઓ અલગ પણ હૈયા એક જ.ગામ કૂવે જ. એમના વહાલપના બહેનપણા બંધાયા હતાં. સવાર,બપોર અને સાંજે ગામકૂવે પાણીએ આવવાનો એમનો નિત્યક્રમ હતો.

ખેમીને હજી હમણાં જ સોળમું બેઠું છે. એનું વિકસતું જતું શરીર એને રોજ અહેસાસ કરાવતું રહે છે કે એ હવે યૌવનના ઉતુંગ મિનારે પહોંચી રહી છે.

એક વખત પેલા શંભુલાલની દીકરીએ પૂછ્યું હતું: 'અલી ખેમી,તું હમણાંથી દનમાં દહ વખત કેમ નહાય છે ?'ત્યારે 'બકા,તું હજી થોડી નાનકડી છે. યુવાનીનો ઉંબરો ઓળંગીશ એટલે આપમેળે તને આ સવાલનો ઉકેલ જડી આવશે.' કહીને ખેમીએ ન કળી શકાય એવા ભાવથી અડધો ઉત્તર વાળ્યો હતો.અને એ જ પળે ખેમીને હૈયે એક જબકારો થયો. એ સ્વગત બબડી હતી:'હાય રે અલા ! લ્યો,મારીયે જવાની ખીલખીલાટે ચડી છે ! બળ્યું આ ઉંમરનું તો શું કરવું?'

દમી બે દાયકાને ઓળંગી ચૂકેલી, કૌટુંબિક વ્યવહાર જાણી ચૂકેલી,સંસારની સારી-નરસી ઘટનાઓ-બાબતોને સુપેરે જાણી ચૂકેલી યુવતી છે. ભરયુવાની અહેસાસમાં સફર કરી રહી છે. ક્યાં,ક્યારે અને કેવી રીતે તથા કોની સાથે કેમ હરવું-ફરવું અને કોને કેમ મળવું એનો વહેવાર એ સારી પેઠે જાણે છે. વાને શ્યામ પણ બુધ્ધિએ તેજવાન છે.

ક્યારેક પરગામ જવાનું હોય કે સંજોગોવસાત દાડીએ જવાનું થતું ત્યારે આ ત્રિપુટી સાથે જ હોય.

આછું અંધારૂ ભળવા માંડ્યું હતું. છતાંય એ ત્રણેય બહેનપણીઓ એ જ જગ્યાએ વાતો કરતી ઊભી હતી. ગામ ભોળું,માયાળું અને સંસ્કારી હતું. એટલે કોઈ ભય નહોતો. વળી,ઘેર કોઈને કશી ચિંતા નહોતી. માટે એ નિર્ભિક રહી વાતોની મોજ માણી રહી હતી.

‎'લો હવે,જે હોય એ છોકરાની વાત પૂરી કરો. મનેય કંઈક ખબર પડે.' વનિતાએ અતિઉત્સાહથી પૂછ્યું.

'અલી, પેલો છોકરો...! જ્યાં મારા સગપણની ચર્ચા ચાલે છે.એ છોકરાની વાત કરે છે આ ખેમલી!' દમીએ શાંત ભાવે કહ્યું. એના ઉરમાં 'સગાઈ' શબ્દનો શૂર ઊઠતાં જ લાગણીઓના અસંખ્ય ફુવારાઓ ઊડી ગયા. હૈયે મીઠી ધ્રુજારી થઈ.આંખોમાં ગજબની ચમક ઉપડી.          ‎         

'હા,એની જ વાત કરૂ છું. પણ તું જવાબ તો દે કે તે એને નજરોનજર કર્યો કે નહી ? 'ખેમી ફરી ઊધડો લેતી હોય એવા ભાવે કહ્યું.

'પણ એમાં ભાળવાનો શું હોય ? એને તો હું સુહાગની સંગીન સૅજ પર જોઈશ !' અસ્તાચળ તરફ મીટ માંડતી દમીએ આગળ ક્હ્યું: 'માવતર જે નક્કી કરે છે એ યોગ્ય જ હશે. માવતરે એ જોયો, જાણ્યો એટલે બસ !જોઈ જોઈને આપણે તો રૂપ જ જોવાના ને !બાકી ગણઅવગણ તો માવિતરો જ પારખી શકે ને?'

'હા, એ વાત ખરી હો દમી ! છોકરો દેખાવ કરતાં વ્યવહારે વધું કુશળ હોવો જોઈએ.' ખેમીએ વળી ટાપસી પૂરી.

'તો પછી શું કામ જોવા માટેના સવાલ કરે છે?'

 ‎'એ તો અમથું જ ! બળ્યું જીવ જ એવો કે જોયો હોય તો આંખોને ટાઢક વળે. હૈયાને ઉમંગ થાય. ક્યારેક શમણા જોવા હોય તો કામ આવે. બાકી જોયા જાણ્યા વના તો બળ્યા શમણાંય શે જોવા-સજાવવા ?' ખેમી એકસામટું બોલી ગઈ.

વળી, જાણે કંઈક ખૂટતું હોય એમ ઉતાવળે બોલી: 'પણ ખરૂં કહું દમી,વનું ! મને તો શરીરે સપ્રમાણ પાતળા, ખભે જરાક પહોળા અને ફરવાના મસ્ત શોખીન તથા દેખાવે એકદમ અલ્લડ, વાતોમાં સાવ બેશરમ યુવાનો જ ગમે હો!' અને એ જાતે ને જાતે જ તાળી લઈ ઉમળકા ભરવા લાગી.

'બળ્યું,ભાળવાનો તો જીવ મનેય ઘણો થાય છે. પણ મેળ કેમનો થાય? હાલ ક્યાંય મેળાય ક્યાં ભરાવાના છે તે મેળ પડે?' મોઢા પર ઉદાસી ભરીને દમી બોલી. વળી એણે આગળ વાત વધારી: 'ખેમી,વનું કિન્તું બાપુજીની વાતો પરથી લાગે છે કે આ ઉનાળો તો કોઈ કાળે ટળી શકે એમ નથી. હવે તો ઠેઠ સુહાગ રાતે જ દીદાર પામશું ?' કહી એણે નિશાશો ભર્યો.

‎'છતાંય એકવાર મળ્યા હોઈએ,નજરે ચડ્યા હોઈએ તો ઠીક.એવું મને લાગે છે. વળી,મળીએ એટલે મોહ જાગે, લાગણી ઉમટે અને એ ઉમટેલી લાગણી સમજાય. ને વળી કંઈ કંઈ નહી તો એકમેકના મનના ભાવો તો જાણી શકીએ ને ?' ખેમીએ કૅડ પરથી બેડા પર હાથ મૂકતા એની વાત મૂકી.

‎'પણ મારી બાઈ હજી તો વાત જ ચાલે છે. વેવિશાળ નક્કી થાય પછી જ કંઈક ગોઠવીએ ખરા હો! વનું,તું સાથે આવશે ને !' આટલી વારની ગૂમસૂમ રહેલી વનિતા તરફ ઈશારો કરીને દમી બોલી. જેમાં ખેમીએ પણ હા ભરી.

પણ આ શું ?

    'હજી તો વાત જ ચાલે છે,નક્કી થાય પછી જ મળીએ.' આ શબ્દો કાને અથડાતાભેંર જ વનિતાના હૈયે સો-સો તીર ભોંકાયા.એ હલબલી ઊઠી. એના ગોરા ગાલ પરની ગોરાડું જમીન પર પાંપણના ભરપૂર પાણી ફરી વળ્યા.

એ પાણી માટલું છલકાવાથી ઊભરાયા કે વનિતાની કોઈ વણકહી વેદનાના હતાં એ પેલી બેય સહેલી કળી શકી નહી.

વનિતા ડિલે ભરપૂર છે. પુરુષોને આકર્ષવાના સઘળા લક્ષણો એના શરીરમાં વિદ્યમાન છે. અલ્લડ,નટખટ અને ભારે નખરાળી છે એ.વારેતહેવારે બનીઠનીને તૈયાર રહેવું એ એનો અલાયદો શોખ. એને તૈયાર થવું ખૂબ જ ગમે. એવી કળાથી આંખોમાં કાજલ આંજે કે પુરૂષને પ્રથમ નજરે જ મોહમાં પાડી દે !

કેડે પાતળી,છાતીએ ભરપૂર અને કાજળભરી નમણી નજરોવાળી એકદમ અલ્લડ અને ઊભરતી યુવાનીની મસ્તીમાં મસ્તાન છોકરીઓ પુરૂષોને વધારે પસંદ હશે, શાયદ !

   ‎વનિતાને અઢારમું ઊતરવાની તૈયારીઓ થઈ રહી હતી. સારા માઠા પ્રસંગે એ સૌપ્રથમ પુરૂષોની અડફેટે આવતી. એનું એ એની બહેનપણીઓ સમક્ષ ગૌરવ લેતી. મનોમન ખુશ થતી.સમજદાર હતી. કિન્તું એક ભયંકર અને ગોઝારી ગફલત કરી બેઠી હતી એ.અને એ ગલતી એની સખીઓથી છૂપાવી રાખી હતી. માત્ર ત્રણ જ જણ જાણતા હતાં એ ખતા વિશે. ત્રણેયની મૂઠી બંધ હતી એટલે એ આબાદ હતી.

'શું થયું વનું ?' ખેમીએ વનિતાના વિખરાયેલા વદન તરફ અમીદ્રષ્ટિ કરી પૂછ્યું.એય ગળગળી થઈ ઊઠી.

‎'કંઈ જ નહી અલી, અમથું જ !'

       'ના મારી બેન, આ ઉદાસ આંખોમાં કંઈક તો ગમ છે જ ? આજ તારે ઈ કહેવું જ પડશે. તારા સીનામાં કંઈક ભારે દુ:ખ સળવળે છે. મને એ તારી ઉતરી ગયેલી કીકીમાં કળાય છે.' દમીએ પણ સાંત્વનાભેર વાતનો તાગ જાણવા કહ્યું.

'બસ અલી ! તમે ધારો એવું કશું જ નથી ! વનિએ વાત છુપાવવા કોશિશ કરી.' આ તમે જે કરો છો એ વાત સાંભળું છું. ગમે છે.સારી સમજભરી વાતો છે તમારી.' પછી આંસું લૂંછતા આગળ કહે:' પણ હા દમી હો ! મળવું તો સગપણ ઠેકાણે થાય પછી જ હો! લગન પછીનોય સંબંધ તૂટી જાય છે તો આ તો સગપણ ? ને વળી હૈયા ? હૈયા અને વેવિશાળ તૂટતા આ જમાનામાં ક્યાં લગીરે વાર લાગે છે'

‎એવું તું ક્યાં આધારે કહી શકે વનિતા ?'

એ તો હજી આપણે કોઈને દેહના કે દિલના દાન આપ્યા નથી કે પ્રેમમાં પડ્યા નથી એટલે નહી જ જાણી શકીએ.

દિલ અને દેહના દાન તો પતિદેવને જ કરાય. વળી પારકાને પ્રેમ કરવાની જરૂર જ શી છે. એ પણ પતિદેવને જ કરાય ને!' દમીએ કહ્યું.

'પતિ પણ પારકો નીકળે એવા જોગ સંસારમાં છાછવારે ક્યાં નથી બનતા ?' દમીની નજરોમાં અને ખેમીની છાતી પર આંખ ઠેરવતી વનિતા વધારે કહે:' તમને નથી લાગતું કે સુહાગની સૅજ સુધી કૌમાર્ય જાળવી રાખવું એ દરેક સ્ત્રીનો પવિત્ર ધર્મ હોવો જોઈએ ?'

‎'બધાની તો શું ખબર,પણ આપણે તો એ જાળવીએ જ છીએ ને !

'લેકિન હું....હું....!' કહેતી વનિતા ધ્રુસકે ભરાણી.

પછી છાના રહીને એણે વીગતે વાત કરવા માંડી.

‎'સખીઓ,હજું પોર સાલની જ વાત છે. મને સત્તરમું ચડતું હતું ને પિતાજી....

'અરે, ગમે ત્યારની વાત હોય પણ અમરાથી છાની રાખી જ કેમ ? શું અમે તારી દશમન હતી ?' દમી ગુસ્સાભેર વચ્ચે જ બોલી પડી.

ત્રણેય ત્રિભેટે આવીને ઊભી હતી.ત્યાં થી ત્રણેયના રસ્તા ફંટાતા હતાં. ખેમીના શાંત આગ્રહથી વનિએ વાત આગળ વધારી.

    ‎'મારા પિતાજીને લાગ્યું કે હું હવે ઉંમરલાયક થઈ ગઈ છું. એટલે મારો સંબંધ નક્કી કરવાનું વિચાર્યું. માં એ ઘણાયે વાર્યા પણ પિતાજી એકના બે ન થયા. આખરે માનપુર ગામે મારા સગપણની વાત ચલાવી. સગપણની વાત આવે એટલે હૈયામાં કેટલી અને કેવી ઉથલપાથલ થાય એ તમે જાણો જ છો. મને પણ એવા કેટલાંય લખલખા હૈયા સોંસરવા થયા. પછી એક દિવસે અમે એકમેકને જોયા.પસંદ થયા. ત્યારબાદ એકવાર મારા મામાની દીકરીના લગનમાં મળ્યા.

એમ કરતા અમે એકમેકની લાગણીમાં ઓળખોળ થયા. એવામાં બાદલપુરમાં મેળો ભરાયો.અને અમે ફરી મળ્યા. મેળાની મોજ માણીને બપોર બાદ અમે એકાંતમાં નજીકના જંગલમાં ગયા.ત્યાં...' અને એ ફરી રડી પડી.

થોડીવારે ઉમેર્યું:'ત્યાં શાંત વાતાવરણમાં લાગણીની લીલીછમ્મ લીલાઓ કરી. ભેગી તનમનની તરસ પણ છીપાવી લીધી !મારી તો ના હતી પણ પેલો કહે હવે આપણી સગાઈ થઈ જવાની છે, લગન પણ થશે પછી આમ ઊઘાડેછોગ મળવામાં વાંધો શો ? અને હુંય લાગણીમાં તણાઈ. તનતૃષા છીપાવવા બહાવરી બની અને મે મારી મોંઘેરી મિરાતસમું કૌમાર્ય ખોયું !'

દમી અને ખેમી ધડકતા હૈયે ઉકળતા શરીરે બાઘી બનીને સાંભળતી હતી.

'એ ગોઝારી બીનાને માંડ મહિનો વીત્યો હશે ને મારા બાપુજી અચાનક કહે કે એ છોકરા સાથે વેવિશાળ ગોઠવી નહી શકાય. કારણમાં કહે કે છોકરો ઉંમરમાં મોટો અને રખડેલ છે.

હું ફસાણી.હૈયું ઘડીક ધબકારો ચૂકી ગયું. જીવ નીકળું-નીકળું થવા લાગ્યો. ક્યાં મોઢે પિતાજીને કહું કે હું.....!'

વળી ધીરે રહીને એણે વાત માંડી....'પછી મહિનોએક થયો ને મારૂ પેટ પાક્યું. હું થરથરી ઊઠી.આંખે ભયંકર અંધારા ઊતર્યા.વખ ઘોળવા વખત થયો. જીવન ખોતા જીવ ના હાલ્યો. બીતા બીતા પેલી આંગણવાડીવાળી બેનના કાને વાત નાખી.એ વહારે આવી.દવા લાવી આપી ને પેટ સાફ કર્યું. આખરે સઘળું હેમખેમ પાર ઊતર્યું. કિન્તું મે મારૂં અખંડ કૌમાર્ય ખોયું એનો વસવસો મને જીવતરના આખરી શ્વાસ સુધી ડંખતો રહેશે'

દમી અને ખેમીના આઘાતભર્યા હ્રદયમાં ઉની લાય ઉપડી ગઈ.અને હૈયા ધબાક કરતા ઘડીભર બેસી ગયા.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational