Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chirag Popat

Classics

4.0  

Chirag Popat

Classics

ધાક

ધાક

1 min
21.4K


“વિદ્યાર્થીમિત્રો, હવે તમે બધા પાસ થઇને નવમાં ધોરણમાં આવ્યા છો. એ વાતને અઠવાડિયું પણ થઇ ગયું. આજથી બધું નિયમિત ચાલશે. તમને તમારા રોલ નંબર મળી ગયા છે. આઇકાર્ડ માટે હજી જેના ફોટા આપવાના બાકી હોય તે બે દિવસમાં મને જમા કરાવી દે. ટાઇમટેબલ પણ તમને મળી ગયું છે. તે પ્રમાણે આજથી હું તમારા વર્ગનો ‘ક્લાસ ટીચર’ છું. દરરોજ આપણો પહેલો તાસ ગણિતનો રહેશે. તમારે સૌ એ કાલથી બસો પાનાની નોટ લાવવાની રહેશે. તમે અત્યાર સુધી કેટલું ભણીને આવ્યા તે જાણવા આજે હું કેટલાક દાખલા આપું છું, તે કાલે નવી નોટમાં કરી લાવવાના રહેશે.” – છેલ્લા વીસ વર્ષથી અજયભાઇ આમ જ શરુઆત કરતા હતા.

તેમની એક માન્યતા હતી, ‘પહેલા અઠવાડિયામાં વિદ્યાર્થીઓ ઉપર એવી ધાક બેસાડી દેવી કે તેથી આખા વર્ષમાં તેઓ શાંતિ અને અનુશાસનમાં જ રહે.’ દર વર્ષે તેમની આ માન્યતા વધુ ને વધુ દ્રઢ બનતી જતી હતી. પોતે તો આવું માનતા પણ સાથે સાથે બીજા જુનિયર શિક્ષકોને આવી સલાહ વારંવાર પીરસતા રહેતા. ‘ફર્સ્ટ ઇમ્પ્રેશન’ની બાબતમાં તેઓ વધુ પડતા સજાગ હતા.

બીજો દિવસ શરુ થયો. પ્રાર્થના પૂરી થઇ અને અજયભાઇ તેમના વર્ગમાં પહોંચ્યા. હાજરી પૂરાઇ ગઇ. ઔપચારિક વાતો કરીને સૌપ્રથમ તેમણે આપેલા ગૃહકાર્યની તપાસ હાથમાં લીધી. જે વિદ્યાર્થીઓ નવા હતા તેમને ગભરામણ છૂટી ગઇ. આખા વર્ગમાં સાત વિદ્યાર્થીઓ ‘લેશન’ વિનાના હતા. સાહેબને તક મળી ગઇ પોતાની ધાક જમાવવાની. સાતેય ‘ગુનેગારો’ને આગળ બોલાવ્યા. વિદ્યાર્થીઓ ડરતાં ડરતાં સાહેબના ટેબલ પાસે આવ્યા. “હું કોઇ પણ બહાનું ચલાવી લેવાનો નથી.” – સાહેબ તાડુક્યા.

વિદ્યાર્થીઓ કંઇપણ બોલે તે પહેલાં તેમણે ગરજવાનું અને વરસવાનું ચાલુ કરી દીધું. સાતેય વિદ્યાર્થીઓની હથેળીમાં સોટીએ પોતાના નિશાન છોડવાનું શરુ કર્યું. સનન.. સનન.. સનન.. લાકડીના મારનાં પડઘા આખા વર્ગના વિદ્યાર્થીઓના કાનની આરપાર નીકળી ગયા. આ સાતમાં એક દૂબળો પાતળો માસૂમ ચહેરાવાળો વિદ્યાર્થી પણ હતો – નઈમ. નાજૂક બાંધો, ખિસ્સા વગરનું કમીઝ, ટૂંકી પેન્ટ અને પગમાં સાંધેલા સ્લીપર. પણ જયાં નિયમિતતાનું મહત્વ હોય ત્યાં માસુમિયતનું કેટલું ગજું? આ નાનકડા વિદ્યાર્થીએ હાથ ધર્યો ત્યારે સાહેબનાં તરડાયેલા કપાળ પર દયાની એક પણ રેખા જન્મી નહીં. એટલા જ ગુસ્સાથી તેમણે સોટી ઠંડા પડી ગયેલા હાથમાં ઝીંકી દીધી.

“ઓ...હ...” – નઈમ કમરેથી વાંકો વળી ગયો. છોકરીઓના મોઢામાંથી સિસકારો નીકળી ગયો. સાહેબે સાતેયને સજા કરીને પોતાનું શિક્ષણ (શિક્ષા) કાર્ય પૂરું કર્યું. વર્ગમાં સન્નાટો છવાઇ ગયો. સાહેબે સાતેય છોકરાઓને માફીપત્ર લખીને રીશેષમાં આપી જવા કહ્યું. સાહેબ તાસ પૂરો કરીને વર્ગની બહાર નીકળ્યા ત્યારે તેમના ચહેરા પર ‘ધાક’ જમાવ્યાનો વિશિષ્ટ ગર્વ છવાયેલો હતો.

રીશેષ પૂરી થઇ. સાતેય વિદ્યાર્થીઓ પોતપોતાના માફીપત્ર આપી ગયા. રીશેષ પછી અજયભાઇનો ફ્રી તાસ હતો. તેમણે આ ચબરખીઓ ઉપર નજર ફેરવવા માંડી. પહેલી છ ચબરખીઓમાં સામાન્ય બહાના અને તે અંગેની માફીની વાતો લખેલી હતી. પરંતુ છેલ્લો કાગળ વાંચતા જ અજયભાઇ થંભી ગયા. એ કાગળ નઈમનો હતો. જેમાં ગોળમટોળ અક્ષરોમાં લખ્યું હતું, “સાહેબ, મને માફ કરો. બે દિવસ માટે મારે દવાખાને જવું પડ્યું હતું. મારા પેટમાં સળિયો લાગ્યો હતો. જેથી હું આપનું લેશન નથી કરી શક્યો. હવેથી આવું નહીં થાય તેની ખાત્રી આપું છું.” સાહેબને આ વાત ગળે ન ઉતરી. તેમણે તાત્કાલિક ટેબલ પર પડેલી બેલ વગાડી. પટાવાળો હાજર થયો પણ ઉપર જોયા વિના જ સાહેબ બોલી ગયા, “ધોરણ ૯માંથી નઈમને બોલાવી લાવ” પટાવાળો સાહેબના ગુસ્સાને પારખી ગયો. તેને તરતજ નઈમને હાજર કર્યો. “મે આઇ કમ ઇન સરરર..?” –નઈમ ગભરાતો ગભરાતો અંદર આવ્યો. પટાવાળાએ સમય જોઇને ચાલતી પકડી. હાથમાં રહેલી ચબરખી ઉંચી કરીને સાહેબે પૂછ્યું, “આ શું લખ્યું છે?” જવાબમાં નઈમ નીચું માથું રાખીને ઉભો રહ્યો. સાહેબ અવાજમાં તીવ્રતા વધારીને બોલ્યા, “ક્યાં લાગ્યો છે સળિયો, જૂઠૂં બોલે છે? બતાવ જોઇએ!” નઈમે ધીમેથી પોતાનું કમીઝ ઉંચું કરીને કમર પર વીંટેલો પાટો બતાવ્યો. આખી કમરને ફરતે મોટો પાટો બાંધેલો હતો. પાટો જોઈને સાહેબના અવાજની તીવ્રતા ઓછી થઈ પણ શંકાઓ વધતી જતી હતી. તેમણે બીજું તીર છોડ્યું, “કોની સાથે લડાઈ કરી?” નઈમે રડમસ ચહેરે જવાબ આપ્યો, “કોઈ નહીં સાહેબ, આ તો ઘરમાં જ લાગી ગયું.” “ઘરમાં જ? ઘરમાં આટલું બધું કંઈ લાગે? મને ઉલ્લુ ના બનાવ. આ ઘા મારામારીનો જ છે. જે હોય તે સાચ્ચું કહી દે.” –સાહેબ ઝડપથી જવાબ મેળવવા માંગતા હતા.

“સાહેબ, મારા અબ્બા અને અમ્મી વચ્ચે ઝઘડો ચાલતો હતો. બકરાનો ધંધો બરાબર ચાલતો નથી. રોજ સાંજે અબ્બા દારુ પીને ઘરે આવે છે. પછી અમ્મી ને અને અમને મારે છે. આ વખતે પણ અમ્મી પર ખૂબ ગુસ્સે હતા. તેમના હાથમાં ક્યાંકથી સળિયો આવી ગયો હતો. તે અમ્મીને સળિયો પેટમાં મારવા જતા હતા ને હું વચ્ચે આવી ગયો. મેં અમ્મીને બચાવી લીધી સાહેબ..” – નઈમ સડસડાટ બોલી ગયો.

તેનો જવાબ સાંભળીને સાહેબ અવાચક બની ગયા. થોડીવાર માટે શું બોલવું, શું કરવું તેનું ભાન ન રહ્યું. ભરચક વર્ગખંડ વચ્ચે જન્મેલી ધાક સ્ટાફરુમનાં એકાંતમાં ઓગળતી જતી હોય એવું લાગ્યું. સાહેબે થોડીવાર પછી નઈમને માથે હાથ ફેરવ્યો ને કહ્યું, “તારે મને પહેલા તો કહેવું જોઈએ?”

“પણ સાહેબ પહેલા જ તમે...” નઈમનું વાક્ય અધુરું રહી ગયું. બંને આંખોના બંધ તૂટી ગયા. નઈમ ચોધાર આંસુએ રડી પડ્યો. સામે સાહેબનેય આંખમાં ઝળઝળિયાં આવી ગયા. આવું દ્રશ્ય આ શાળામાં પહેલીવાર સર્જાયું હતું. શાળામાં સૌથી વધુ કડક અને અનુશાશનપ્રિય વ્યકિત આજે પહેલીવાર આટલી લાગણીશીલ થઈ રહી હતી. તેમણે નઈમનો હાથ પોતાના હાથમાં લીધો જેમાં પોતે સોટીનો માર માર્યો હતો. એ નાનકડા હાથમાં સોટીની ભાત બરાબર ઉપસી આવી હતી. થોડીવાર માટે અજયભાઈને થયું કે આ બાળકને છાતીસરસો ચાંપીને તેની સાથે હું ય રડી લઉં, થોડું પ્રાયશ્ચિત કરી લઉં. પણ તરત જ તેમને પોતાના શિક્ષક હોવાનો ખ્યાલ આવ્યો. સ્થળની પ્રતીતિ થઈ. તેમણે પોતાની જાતને વ્યવસ્થિત કરી અને નઈમને વર્ગમાં જવાનું કહ્યું. પણ તે દિવસે સાહેબને રાત્રે ઊંઘ ન આવી. આખી રાત “મેં અમ્મીને બચાવી લીધી સાહેબ” – આ વાક્ય તેમના ઓશિકા પર પડઘાતું રહ્યું.

બીજે દિવસે સવારે પહેલા તાસમાં સાહેબે નઈમને ઉભો કર્યો. તેની બહાદુરીના આખા વર્ગ સમક્ષ વખાણ કર્યા, જાહેરમાં માફી માંગી અને પહેલી પાટલીએ બેસાડ્યો. આખા વર્ગને ચોકલેટ વ્હેંચી. નઈમના ચહેરા પર ક્યારેય ન હોય તેવી ખુશી ઝળકી ઉઠી હતી. આ નાનકડી ઘટનાએ અજયભાઈના વીસ વર્ષના અહમના કિલ્લાને ભેદી નાખ્યો હતો. આજે સાહેબને વર્ષો પછી હળવાશનો અનુભવ થયો. સ્ટાફરુમનાં મિત્રો માટે પણ આ બદલાવ અકલ્પનિય હતો. આજે એક વાત ખાસ બની, આ વખતે તાસ પૂરો કરીને સાહેબ બહાર નીક્ળ્યા ત્યારે તેમના ચહેરા પર ધાક જમાવ્યાનો નપૂંષક ગર્વ ન્હોતો પણ બીજો જ આનંદ હતો.


Rate this content
Log in

Similar gujarati story from Classics