Chirag Popat

Action

4  

Chirag Popat

Action

છેલ્લું પ્રકરણ

છેલ્લું પ્રકરણ

7 mins
14.2K


“મારે પીશાચિની સિદ્ધ કરવી છે.” – મારી વાત સાંભળીને મહાકાલ હસવા લાગ્યા. ખડખડાટ હસ્યા. હસતી વખતે પણ કોઈ કુરૂપ દેખાઈ શકે એવું મને પહેલી વખત લાગ્યું. એમના તમાકુથી કોહવાયેલા દાંત અને માંજરી આંખોનું મિશ્રણ સમગ્ર ચહેરાને કદરૂપો બનાવવા માટે પૂરતું હતું.

કાળી ટોપી, માથામાં કપાળ વચ્ચે જુના ઘાનું નિશાન અને થોડી વધેલી દાઢી એમાં વધારો કરતા હતા. તેમણે ખૂણામાં ઊભેલા એક પડછંદ વ્યકિતને બોલાવ્યો. તેના કાનમાં કંઈક કહ્યું. તે વ્યકિતએ મને બહાર આવવા કહ્યું. હું તે વ્યકિતની સાથે સાથે ગુફામાંથી બહાર નીકળી આવ્યો. તેણે માત્ર કાળા રંગનું ધોતિયું પહેરેલું હતું.

બાકિના શરીર પર માત્ર બે રુદ્રાક્ષની માળા હતી. વાળ તો જાણે વર્ષોથી ઓળ્યા ન હોય તેવા હતા. તેણે મને પાછળ પાછળ આવવા ઈશારો કર્યો. મેં તેની પાછળ ચાલવા માંડ્યું. થોડી જ વારમાં અમે પહાડ ઊતરી ગયા.

પહાડની સામેના ભાગે એક નાની ઝૂંપડી હતી. એમાં અમે પ્રવેશ્યા. અંદર રાખનું સામ્રાજ્ય હતું. વચ્ચે ઇંટોનો બનેલો એક કુંડ હતો જેમાં સળગેલા લાકડા પડેલા હતા. એક કોથળા પર એ બેઠો અને એક કોથળો મને આપ્યો. હું ખંખેરીને બેઠો. એણે શરૂ કર્યું, “દેખ ભાઈ, આ મહાકાલ છે. તને ભાન ભી છે કે તું શું કે’તો છે? આ પહાડ પર અમે છેલ્લા વીસ વર્ષોથી મહાકાલની સેવા કરીએ છીએ. આજતક આવી જીદ્દ કોઈએ કરી નથી. મહાકાલે પોતાની સાધનાથી આ પહાડને સિદ્ધ કર્યો છે. અહીં મન્નત રાખે તો જેની શાદી નથી થતી તેની શાદી થઈ જાય છે. મહાકાલના આશીર્વાદથી કેટલાયને વિઝા મળી ગયા છે. કેટલાયને બચ્ચાં થાય છે. તારે એવું કંઈ માગવું હોય તો માગ.” તેની ભાષામાં બે ત્રણ પ્રદેશનું મિશ્રણ હતું. એણે મને સમજાવવાની કોશિશ કરી, પણ હું મક્ક્મ હતો. મેં નવો પાસો ફેંક્યો.

“મને મહાકાલ વિશે તાંત્રિક રઘુબાબાએ જ માહિતી આપી છે. મારી સમસ્યા માત્ર મહાકાલ જ ઉકેલી શકે તેમ છે. તે માટે જ હું આટલે દૂર પાડિયા ડુંગર સુધી આવ્યો છું.” રઘુબાબાનું નામ સાભળતાં જ તેની આંખમાં ચમક આવી ગઈ. “હં.. તને ખબર બી હૈ કે પિશાચિની ક્યા હોતી હૈ?” તેણે ખંધુ હસીને પૂછ્યું.

મેં કહ્યું, “હા, મને ખબર છે. મેં આદિગુરુ શંભુનાથે લખેલું પુસ્તક ‘પિશાચ તંત્ર’ વાચ્યું છે. એમાં નટમાર્ગિની પિશાચિનીનો ઉલ્લેખ છે. જો આ અપ્સરા જેવી સુંદર પિશાચિની સિદ્ધ થાય તો તે સાધકની નજર સામે રહે છે. તેને માટે દરેક કાર્યને શક્ય બનાવે છે અને તેની દરેક ઈચ્છા પૂરી કરે છે. મેં એનો મંત્ર પણ સિદ્ધ કર્યો છે. બાર લાખ મંત્રજાપ કરીને આહૂતિ આપી છે.” એ ફરી હી હી હી કરીને હસવા માંડ્યો.

મને હાથ જોડીને કહે, “ઓહો.. બાર લાખ.. આપતો સ્વામીજી બન ગયે. કુછ મને ભી શીખાવો!” મને એના હસવા પર ગુસ્સો આવતો હતો. એને તરત એ વાત ખ્યાલમાં આવી ગઈ. એટલે ગંભીર થઈને બોલ્યો, “યહ તો બડી ખતરનાક છે બચ્ચા. કોઈ ભૂલ થતે તો પિશાચિની તમારા મુંહમાં હાથ ડાલકે આંતે બહાર નીકાલ લેતી. યે પિશાચ યોની ખૂનકી પ્યાસી રહતી હૈ. આપ બચ ગયે. હી..હી..હી..” ખબર ન પડી કે એ મને ડરાવે છે કે સમજાવે છે.

મેં પૂછ્યું, “ક્યા મહાકાલ મુઝે કોઈ વિધિ દેંગે?” જવાબમાં તેણે ગોળ ગોળ વાત કરી, “ઈસ બારેમેં મને કંઈ માલૂમ નહીં હૈ, વો તો મહાકાલ હી જાને. લેકિન એક વાત તો છે કે તુને મહેનત કરેલી છે. બાર લાખ જાપ મુશ્કિલ છે. પણ તેં કર્યા છે યાનિકે તું કુછ કરના ચાહતા હૈ. અચ્છી બાત હૈ.”

તેણે પહેલી સારી વાત કરી હોય એમ મને લાગ્યું. પ્રોત્સાહન મળ્યું. આટલા મોટા તાંત્રિકના શિષ્યએ આટલા શબ્દો કહ્યા એટલે જાણે કે કોઈ મોટો લોખંડનો દરવાજો ખૂલ્યો હોય એમ લાગ્યું.

મેં તેને આજીજી કરી, “હું એક સપ્તાહથી અહીં આવું છું. મારી માત્ર એક જ ઈચ્છા છે, પિશાચિની. આપ યે બતાઈએ કે યે હો શકતા હૈ યા નહીં?”

એણે ડુંગરની દિશામાં હાથ બતાવી કહ્યું, “હો તો બહોત કુછ શકતા હૈ મગર ક્યા હોગા વો તો મહાકાલ જાને.”

વાત ફરી ફરીને ત્યાં જ આવી ગઈ. મને હજી સમાધાન નહોતું મળતું. હું નીચું જોઈને બેસી રહ્યો. તેણે પોતાની લાંબી મૂછ પર હાથ ફેરવતા કહ્યું, “ઠીક હૈ, હમ મહાકાલસે પૂછ લેતે હૈ.” આમ કહીને તેણે આંખો બંધ કરી. બંને હાથની ત્રણ આંગળીઓને વિશેષ રીતે જોડીને તે ધ્યાનમુદ્રામાં બેઠો. બસ, થોડી થોડી વારે હોંકારાનો અવાજ આવતો રહ્યો. મારા માટે આ કપરો સમય હતો. થોડી વારમાં તેણે આંખો ખોલી અને મારી સામે જોઈ રહ્યો. મારી ઉત્તેજના અપાર હતી. મેં કોઈ દિવસ કોઈના બોલવાની આટલી રાહ નહોતી જોઈ.

તે ધીમેથી બોલ્યો, “સુન બચ્ચા, આ તારી જીદ તારો જાન પણ લઈ શકે છે. આટલી મોટી સાધના કરતા પહેલાં તારી હિંમત કેટલી છે તે મહાકાલ જોવા માગે છે. કલ અમાવસ છે. કલ આપણે ‘સ્મશાન જાગરણ’ માટે જઈશું. ત્યાં બધી આત્માઓને બોલાવીને બલિ આપીશું. જો તુ ટિક ગયા તો ઠીક અને જો ડર ગયા તો મર ગયા. મંજૂર હૈ?” મેં તો ઉત્સાહમાં આવીને હા પાડી દીધી. તેણે તરતજ કુંડમાંથી રાખ લઈ મારા કપાળે લગાડીને જોરથી ડુંગર તરફ જોઈને બોલ્યો, “જય મહાકાલ” મેં પણ સાથે ઉમેરી દીધું, “જય મહાકાલ.” હું ખુશ થયો. લાગ્યું કે રસ્તો હવે ખુલવાની તૈયારીમાં છે. જે સાધના કરવા માટે હું સાત વર્ષથી અઘોરીઓ અને તાંત્રિકોને જંગલોમાં શોધતો રહ્યો તે હવે પૂરી થશે એવું મને લાગ્યું. પણ સ્મશાન જાગરણ શું છે તેના વિશે મને વધુ ખબર ન હતી.

અમાસની રાત. સ્મશાનમાં એક મોટા વડનાં ઝાડ નીચે હું મહાકાલ સાથે બેઠો હતો. બાજુમાં નદી વહી રહી હતી. અમારાથી થોડે દૂર એ મુંછવાળો શિષ્ય એક પથ્થર પર કંઈક વાટી રહ્યો હતો. મહાકાલે હવનની તૈયારી કરી. મને કંઈ પણ ન બોલવાની સુચના હતી. સૌપ્રથમ મહાકાલે તલવારથી અમારી બેઠકની ફરતે જમીન પર એક વર્તુળ દોર્યું. શિષ્ય પણ પોતાનો સામાન લઈને કુંડાળાની અંદર આવીને બેસી ગયો. મને પહેલેથી કહેવામાં આવ્યું હતું કે આ વર્તુળ અમારું રક્ષા કવચ છે. આની અંદર કોઈ આત્મા પ્રવેશી શકશે નહીં. ગમે તે થાય આ વર્તુળની બહાર જવું નહીં.

થોડી વારમાં મહાકાલે પોતાની વિધિ શરૂ કરી. ગુરુ શિષ્યએ મોટે મોટેથી મંત્રોચ્ચાર શરૂ કર્યા. મંત્ર મને સમજમાં ન આવ્યા પણ એટલું જણાયું કે એ ગોરખનાથ પ્રણિત સાબર મંત્રો હતા. રાત વધુ કાળી થતી જતી હતી. થોડી વાર પછી શિષ્યએ થેલામાંથી એક ખોપરી કાઢી. આ જ થેલામાંથી એક જીવતું ઘુવડ કાઢયું. તેની પાંખો બાંધેલી હતી. મહાકાલે ખોપરીનું પૂજન પૂરું કર્યું તે સાથે જ શિષ્યએ ઘુવડની બલિ ચઢાવી. ઘુવડનું માથું તલવારથી અલગ કરીને તેની ખોપરી સાફ કરી. તેને ઊંધી કરીને તેમાં દિવો પ્રગટાવ્યો. હું બારીકાઈથી જોઈ રહ્યો હતો. મહાકાલે ઘુવડની ડાબી આંખ અને ડાબો પગ હવનકુંડમાં નાખ્યો. હવનનો ધુમાડો ઊંચે સુધી જતો હતો. મને એક કાગળમાં થોડી આહૂતિની વસ્તુ આપી. જેમાં વિચિત્ર પ્રકારનાં દાણાઓ અને વનસ્પતિના મૂળ જેવું કંઈક હતું. તેમના મંત્રોની સાથે હું પણ અગ્નિમાં આહૂતિ આપતો ગયો.

કલાકેક થયો હશે ત્યાં અચાનક બે નાગ અમારી સામે આવ્યા. મહાકાલ અને શિષ્ય તેને જોઈને ખુશ થયા પણ મારો પરસેવો પડી ગયો. આટલા લાંબા નાગ મેં ક્યારેય જોયા નહોતા. એ બંન્ને ખાસ્સો સમય અમારી સામે બેઠા રહ્યા. તેમના ફૂંફાડા જેવા શ્વાસનો અવાજ મને આટલા મંત્રોચ્ચાર વચ્ચે પણ સ્પષ્ટ સંભળાતો હતો. થોડી વારમાં અમારા કુંડાળાની ફરતે ફરીને પાછા ક્યાંક ગાયબ થઈ ગયા. મેં રાહતનો શ્વાસ લીધો. આહૂતિ સતત આપતા જવાની હતી. થોડી વારમાં એક સાથે અનેક ચામાચીડિયા અમારી ઉપર આવીને ઉડવા લાગ્યા. એક સાથે આટલા બધા ચામાચીડિયાનું દ્રશ્ય ભયાનક હતું. એમની વાસ અમારા સુધી આવતી હતી. મારું ધ્યાન ઉપર હતું જ્યારે ગુરુ ચેલા આહૂતિમાં વ્યસ્ત હતા. એમના માટે આ બધા સાધનાની સફળતાના ચિન્હો હતા. થોડી વારમાં એ પણ શાંત થઈ ગયું.

ત્રીજો પ્રહર શરૂ થયો. આહૂતિની ગતિ વધતી જતી હતી. મને લાગવા માંડ્યું કે હવે સૌથી ખતરનાક સમય છે. અચાનક ક્યાંકથી કોઈ સ્ત્રીના રડવાનો અવાજ આવ્યો. અવાજ ધીમે ધીમે મોટો બનતો ગયો. તેની સાથે સાથે બીજા અનેક વિચિત્ર અવાજો આવવા માંડ્યા. મારી હાલત કફોડી હતી. મહાકાલે થોડા લીંબુ અને બીજી કંઈક સામગ્રી હવનમાં નાખી. તરત જ સામે એક ધુમાડાનો ગોળ આકાર ઉપસ્થિત થયો. એમાં એક ચહેરા જેવું કંઈ દેખાયું. મારા પગ ધ્રુજવા માંડ્યા. ધીમે ધીમે આ આકાર મોટો થતો ગયો. તેમાંથી અનેક ચહેરાઓ નીકળ્યા. તેમના હાથ પગ નહોતા. દરેક ચહેરાઓ મોટું મોઢું ફાડીને વિચિત્ર અવાજો કરતા હતા. આ અવાજો સાંભળવા અસહ્ય હતા. આ ચહેરાઓ અમારી નજીક આવતા જતા ગયા તેમ વધુ સ્પષ્ટ બનતા ગયા. તેમના લાંબા દાંત અને સતત હલતી જીભ ભયાનક લાગતી હતી.

મારા હાથમાંથી આહૂતિ ક્યાં પડતી હતી તેનું ભાન પણ મને ન રહ્યું. આટલી ઠંડી રાતે મારા આખા શરીરમાંથી પરસેવાના રેલા ઉતરતા હતા. એમાંથી એક વિશાળ ચહેરો જાણે મને જ જોઈ રહ્યો હતો. અચાનક એ મારી તરફ આગળ આવ્યો. મારાથી રહેવાયું નહીં અને હું ઊઠીને ભાગ્યો. જેવો હું વર્તુળની બહાર નીકળ્યો ત્યાં મોટો ધડાકો થયો અને મારી આંખો બંધ થઈ ગઈ.

આંખ ખૂલી ત્યારે હું હોસ્પિટલમાં હતો. મારો પરિવાર મારી સામે હતો. આજે જ્યારે પણ એ દિવસને યાદ કરૂં છું ત્યારે શરીરમાંથી એક ધ્રુજારી પસાર થઈ જાય છે. આજે હું મારી ડાયરી ‘રહસ્યની શોધમાં’ લખવાનું બંધ કરું છું. આ પ્રકરણ મારી ડાયરીનું છેલ્લું પ્રકરણ છે. હવે મારે કોઈ સાધના નથી કરવી તથા એના વિશે કંઈ લખવું નથી. મને ખબર પડી ગઈ છે કે આ એક અલગ દુનિયા છે. તેને અલગ જ રહેવા દેવી સૌના હિતમાં છે. એના રહસ્યોને ઉજાગર કરીને હું કુદરતના કાર્યોમાં દખલ ન દઈ શકું. મારી એટલી લાયકાત પણ નથી અને ઈચ્છા પણ નથી.

આટલું લખીને એણે ડાયરી બંધ કરી. ડાયરી અને ‘પિશાચ તંત્ર’ પુસ્તક તેણે પસ્તીના થેલામાં મૂકીને પલંગ પર લંબાવ્યું. જેવી આંખ બંધ કરી કે તરત જ એક અવાજ સંભળાયો, “જય મહાકાલ”.


Rate this content
Log in

Similar gujarati story from Action