Chirag Popat

Others

2.3  

Chirag Popat

Others

છેલ્લો પગાર

છેલ્લો પગાર

5 mins
7.3K


“વાસુકાકા, તમારો પગાર કરી દીધો છે. ત્યાં ડબા પર મૂક્યો છે. લઇ લેજો. કાલથી તમારે અહીં આવવાનું નથી.” લેપટોપ પર કામ કરતા કરતા અચાનક રવિશ બોલી ઉઠ્યો.

“કેમ ?” વાસુકાકાને તો જાણે ભૂકંપનો આંચકો લાગ્યો. સાવરણી હાથમાંથી ક્યારે પડી ગઇ તેનું ભાન પણ ન રહ્યું. રવિશનાં મોઢે એક્દમ આવી વાત સાંભળીને વાસુકાકાને પોતાના અનુભવી કાન પર ભરોસો બેસતો ન્હોતો.

“કાલથી કશું કામ જ રહેવાનું નથી.” એ જ બેફિકર અંદાજમાં રવિશ બોલ્યે જતો હતો. ‘ક્યાય જવાના સાયેબ ? કે મારાથી કોઇ ભૂલ થઇ સાયેબ ? વાસુકાકાના બે હાથ જોડાવાની તૈયારીમાં હતા. શરીર વળવા માંડ્યું હતું !

“હા, બહુ દૂર જવાનું છે. આજે રાત્રે મારે સુસાઇડ કરવાનું છે.”

થોડીવાર સન્નાટો ફેલાઈ ગયો. વાસુકાકા લગભગ જમીન પર બેસી પડ્યા હતા. રવિશ લેપટોપ પર કામ કર્યે જતો હતો.

“તો રુચા ?” હવે વાસુકાકાને પૂરા શબ્દો પણ મળતા ન હતા. “એને કંઇ ખબર નથી, તમે એની ફિકર ના કરશો. મેં એનો રસ્તો કરી લીધો છે. એક સારું અનાથાશ્રમ છે. જેને આ ઘર અને તમામ મિલ્કત દાનમાં આપી જાઊં છું. એ લોકો રુચાને સારી રીતે રાખશે. આ એના જ કાગળિયા તૈયાર કરું છું.”

ફરી થોડી વાર સન્નાટો…

આખી જિંદગી ખૂબ જ ચોક્સાઇ અને આયોજનથી જીવનાર રવિશને વાસુકાકા નાનપણથી જાણતા હતા. આ જ ઘરમાં વર્ષોથી વાસુકાકાએ ઘરકામ સંભાળ્યું હતું. આ ઘરડી આંખોએ રવિશને મોટો થતા, નોકરી કરતા, લગ્ન કરતા અને પિતા બનતા જોયો હતો. પણ એક પળમાં આખું ઘર આટલી હદે તૂટી જશે એવું એમના માનવામાં ન્હોતું આવતું.

“સાયેબ, મારી એક વાત માનશો ? વાસુકાકાએ આજીજી કરી. લેપટોપના કીપેડ પર ચાલતી આંગળીઓ થંભી ગઈ. રવિશે વાસુકાકા તરફ જોયું.

“આજે રાત્રે ન કરો. બે દિવસ પછી કરો.” વાસુકાકાનો અવાજ રુંધાયેલો હતો.

“કેમ ?”

“સારું મૂહુર્ત છે.” અચાનક જે મગજમાં આવ્યું તે મોઢામાંથી નીક્ળી ગયું.

“હા હા હા હા, હવે શું મૂહુર્ત જોવા. મૂહુર્ત તો લગ્નમાં પણ જોયું હતું, પણ શું થયું ? એ મને છોડીને બીજા સાથે ભાગી ગઇ. મારા પ્રેમમાં ક્યાં કચાશ રહી ગઇ ? હું બહાર કોઇને મોઢું દેખાડ્વાને લાયક નથી રહ્યો. મારું તો ઠીક, પણ પોતાની લાડકી દિકરીનો પણ ખ્યાલ ના કર્યો ?" રવિશની આંખોમાં આગ અને પાણી બંને એક સાથે દેખાતા હતા.

"ઇ આપણાં કરમની કઠિણાઇ સાયેબ. મેડ્મે બહુ ખોટું કર્યું છે. પણ ઇમા તમે તમારી જાતને દોષ શું કામ દયો છો ? મારી વાત હાંભળો, આ બે દિ’ મેં મારા માટે માગ્યા છે. મારી ભાણી છે. શહેરમાં આવી છે. નોકરી માટે. ઇ તમારા જેવું જ કંઇક ભણેલી છે. તમારી ઓફિસમાં તમને બધા બઉ માને છે ઇ મને ખબર છે. તમે એનું કામ જોઈ લ્યો. બરોબર લાગે તો એને ક્યાંક નોકરી અપાવીને પછી..”

“સારું, જતા જતા એક સારું કામ કરી જોઇએ. જો એનામાં આવડત હશે તો મારી ઓફિસમાં જ ગોઠવી દઇશું”

“સારું કાલે સવારે એને બોલાવી લઉં”

રવિશ માટે આમ તો હવે રાત કે દિવસનું કોઇ મહત્વ ન્હોતું પણ અજ્વાળું થતા રુચાને સ્કૂલ માટે તૈયાર કરવા ઉઠ્યો. પણ રુચા બેડ પર ન્હોતી. તરત જ સફાળો રૂમની બહાર આવ્યો તો જોયું કે રુચા યુનિફોર્મ પહેરીને ડાઇનીંગ ટેબલ પર બેઠી હતી. રવિશ જેવો સામેની ખુરશીએ ગોઠ્વાયો કે તરત રુચા બોલી ઉઠી, “ગૂડ મોર્નિંગ પાપા.. સી હીઅર..’’ તે પોતાની ડિશમાં પોતાની ફેવરિટ ટોસ્ટ બ્રેડ બતાવી રહી હતી. રવિશ કંઇ સમજે તે પહેલા વાસુકાકા ગરમ ગરમ ચા અને બટાકાપૌંઆ લઈને આવ્યા.

“વાસુકાકા, તમે આજે વહેલા આવી ગયા ? આ બધું તમે બનાવ્યું ?” રવિશ પૌંઆની સુગંધ લેતા બોલ્યો. વાસુકાકા ઠાવકાઇથી બોલ્યા, ‘સાયેબ, મને ક્યાં આવું બધું આવડે છે ? આ તો પ્રિયાએ…’ એમનું વાક્ય અધુરું રહી ગયું અને કીચનમાંથી પ્રિયા બહાર આવી. દેખાવે સાવ સાદગી ભરેલી યુવતિ. સફેદ સલવાર, માથે બે ચોટલા.. થોડી શ્યામ પણ કામણગારી. ક્દાચ પહેલી નજરે કોઇને પ્રભાવિત ન કરી શકે પણ તેના હાથનાં બટાકાપૌંઆ ખાઇને રવિશને પોતાની મા યાદ આવી ગઇ. પ્રિયાએ રુચાને તૈયાર કરી. રવિશ પ્રિયાને જોઇ રહ્યો અને વાસુકાકા રવિશને.

રુચાના ગયા બાદ રવિશે પ્રિયાને થોડા ઔપચારિક સવાલો કર્યા. પ્રિયાએ પોતાના ભણતર અને આવડત અંગે ખુલીને વાત કરી. નાસ્તાની ડિશ ખાલી થઇ એટલે પ્રિયા ડિશ અંદર લઇ ગઇ. વાસુકાકાની આંખમાં પ્રશ્નાર્થ ઓળખીને રવિશે કહ્યું, ‘ડોન્ટ વરી, બાકી બધું બરાબર છે. ક્યાંક તો નોકરી મળી જ જશે. પણ ડ્રેસીંગ બદલવું પડ્શે.’

‘જેમ તમને ઠીક લાગે તેમ સાયેબ. બાપ વગરની દિકરી છે. તમે તો જાણો છો કે અમારામાં દહેજ વગર તો જાન આવે જ નઇ. બસ કેમે કરીને આ છોકરીને નોકરી મળી જાય તો અમે એના લગન કરી શકીશું.’ આટલું બોલી કાકા સાફ સફાઇમાં લાગી ગયા.

બરાબર બે કલાક પછી રવિશ અને પ્રિયા એક મોટા શોપિંગ મોલ મા હતા. રવિશે કોર્પોરેટ ઓફીસને છાજે તેવા કેટ્લાક ડ્રેસ પસંદ કર્યા. ત્યાર બાદ તેને બ્યુટી પાર્લર લઇ ગયો. સાંજ પડતા ગામડાની ગોરી ‘મિસ પ્રિયા’ બની ગઇ. પોતે આટલી સુંદર છે તે તેને પોતાને પણ ખબર ન્હોતી. નવા અવતારમાં પોતાને અરીસામાં જોઇને તેની આંખો ભીની થઈ ગઇ, તે રીતસર ની રવિશને ભેટી પડી. ઘરે પહોંચતા જ વાસુકાકાએ પ્રિયાના ઓવારણા લીધા. તેને નજર ન લાગે એ માટે કાજળ લગાવ્યું. પછી રોજ સવાર સાંજ ટ્રેનિંગ ચાલતી. ઓફિસ મેનર્સ, એકાઉન્ટ્સ, ટેબલ ટિપ્સ, બોસ નીડ, સ્ટાફ બિહેવિયર વગેરે વગરે. વાસુકાકાને આમાં કંઇ સમજાતું નહીં પણ તેમને મઝા આવતી. ઘણા વખત પછી તેમણે સાયેબને હસતા જોયા હતા. રવિશના મગજમાંથી મરવાનો ખયાલ ક્યારે બાજુ પર મૂકાઇ ગયો એ ખબર જ ન રહી. જીવવાનું કારણ મળી ગયું. રુચા પણ પ્રિયા સાથે એટલી ભળી ગઈ હતી કે એને એની મા ની ખોટ વર્તાતી ન હતી.

એક મહિનો નીકળી ગયો.

ફરીથી બેડરૂમમાં થી અવાજ આવ્યો, “વાસુકાકા, તમારો પગાર કરી દીધો છે. ત્યાં ડબા પર મૂક્યો છે. લઇ લેજો. કાલથી તમારે અહીં આવવાનું નથી. કાલે અમે લગ્ન કરી રહ્યા છીએ !”

વાસુકાકાએ હાથમાં ઉચકેલા મેલા કપડાં વોશિંગ મશીનમાં નાખ્યા અને બટન દબાવી દીધું. એક અજાણ્યા આનંદ સાથે મશીન સામે બેસીને જોઇ રહ્યા. ગોળ કાચની અંદર મેલા કપડાઓ એક બીજાને વળગીને ગોળ ગોળ ઘૂમતા રહ્યા. થોડીવારમાં બધા પર સાબુના સફેદ ફીણ ફરી વળ્યા.


Rate this content
Log in