Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vrajlal Sapovadia

Inspirational

3  

Vrajlal Sapovadia

Inspirational

બાની સદી

બાની સદી

7 mins
742


બા ક્યારેય નિશાળે ગયા નથી એટલે પાક્કી જન્મ તારીખ ખબર નથી. પણ ૧૯૨૯માં બાળ વિવાહ ઉપર બ્રિટિશ સરકારે ભારતમાં પ્રતિબંધ લગાવ્યો તેના ૩-૪ વરસ પહેલા બાના લગ્ન થયા. પહેલા દર ૧૨ વર્ષે અખાત્રીજના દિવસે ફક્ત એક દિવસે બધા લગ્ન થાય. વર અને વહુ ૧ દિવસથી માંડીને મોટામાં મોટા 12 વરસના હોય. માણાવદર, આસપાસના ઇતિહાસ અને કૌટુંબિક પ્રસંગના આધારે અમારું પાક્કું અનુમાન છે કે બા સદી પહોંચવાની બિલકુલ નજીક છે.


બાની યાદદાસ્ત કોમ્પ્યુટરને શરમાવે એવી તો સ્ફૂર્તિ રોબોટ જેવી, ૮૫ વરસ પહેલા પોતે બનાવેલું અને ગાયેલું ગીત એક શ્વાસે ગાય બતાવે. ૧૯૩૦-૩૩ આસપાસ દરબારે નકામી જમીન જે ખેતીમાં વપરાતી હોય તેની ઉપર વેરો લેવાનું ચાલુ કરેલ. મારા બાના ગામ મીતડીમાં કોઈ વડીલે મારા બાને ભલામણ કરી કે તમે એક ગીત બનાવી આ પીડા દરબારના કાને નાખો. નકામી જમીનનો વેરો ભરવા પૈસા ખેડૂત ક્યાંથી લાવે ? મારા બા અને એની સુથાર બહેનપણીએ ૧૯૩૦ના દશકામાં બાલ વયે એક રાસ બનાવી નવરાત્રીના સમયમાં લોકોની વેદના વ્યક્ત કરતી વ્યથા દરબાર સમક્ષ ગાઈ બતાવી, ને દરબારે આ વેરો માફ કરી દીધો. આ ગીત ૨૦૧૭માં મારા બાએ આ ગીત 95 વરસની ઉંમરે ગાઈ બતાવ્યું જે મેં યુ-ટ્યૂબમાં મુકેલ છે. https://www.youtube.com/watch?v=_BFHKgBqLdI


૫-૬ વરસની ઉંમરમાં બાએ માતા, ૨ બહેન અને ૧ ભાઈ ગુમાવ્યા. બા શરીરથી એટલા દુબળા કે હું ૪-૫ વરસનો હતો અને ખેતરેથી આવતા સ્મશાનમાં કોઈ શબ બળતું જોઉં તો મારાથી ૨ વરસના મોટા ભાઈને પૂછતો કે આ આપણા બા તો નહિ હોઈ ને ? મારો ભાઈ કહેતો કે આપણા બા મરે તો આપણે ઘરેના પહોંચીએ ત્યાં સુધી ના બાળે ! પણ બા શરીર અને મનથી પોલાદી, સરકારી વ્યાખ્યા પ્રમાણે અભણ પણ જ્ઞાન અને વિચારથી આધુનિક. સમજણ વિચાર પૂર્વક અને પાક્કી.


નિર્મળાબેનની આ વાત કોઈને ખપમાં લેવી હોય તેના માટે ઉપદેશરૂપ છે. બાપુજી થોડા સમય પહેલા નર્વસ નાઈન્ટીમાં આઉટ થયા તેના એક પ્રસંગમાં અમારા વતનમાં ગોધરાથી માણાવદર જવાનું હતું. બાએ આવવાની ના પાડી કે મારી ઈચ્છા તો બહુ છે. પણ મને ય તકલીફ પડે ને તમને બધાને મને મુસાફરીમાં સાચવવામાં હેરાન થવું પડે તેના કરતા મને ગૂગલમાં બતાવી દેજે !  તેમના વ્યવહારિક જ્ઞાન, સમજણ અને આધુનિક ટેક્નોલોજીની જાણકારી દાદ માંગી લે તેવી છે. સમય સાથે ચાલવું, બીજાને તકલીફરૂપ ના થવું અને રૂઢિચુસ્ત માનસથી ઉપર ઉઠવાની તેમની સમજદારી અદભુત છે. આ ૩-૪ દિવસ બાની પાસે રહી તેમને સમજવાનો મોકો મળ્યો. મેં બાને પૂછ્યું 'બા કંઈ છેલ્લી ઈચ્છા હોય તો બોલો.' બાએ 'એકજ ઈચ્છા વ્યક્ત કરી કે મર્યા પછી દેહ દાન કરવું છે.' મેં કહ્યું, 'હું લખાણ કરી દઉં તમે સહી કરી આપો.' મને કહે 'મારે દેહદાન કરવું છે તે લખી નાખ અંગુઠો મારી દઉં ને વધારામાં હું બોલું તેનો વિડિઓ રેકોર્ડ કરી લે.' વિડિઓ રેકોર્ડ કર્યો તેમાં સ્પષ્ટ કહ્યું કે 'જે અંગ કામમાં આવે તે કોઈને આપી દેવા ને દેહ મેડિકલ કૉલેજમાં છોકરાઓને ભણવા આપી દેવો !' 


એક દિવસ સવારમાં નાહિ ધોઈ, પૂજા પાઠ કરી, સુડી લઇ તુલસીનો રોપ અને ક્યારો સરખો કરવા મંડ્યો તો મેં કહ્યું 'લાવો હું કરી આપું'. બા કહે 'પોતાનું કામ થાય ત્યાં સુદી પોતે જ કરવું જોઈએ, મારાથી ના થાય ત્યારે તને કહીશ.' બાએ જે રીતે નિંદામણ અને સાફ સફાઈ કરી તે જોઈ થયું કે હું આટલી ચીવટથી તો ના જ કરત. બાને ખબર કે મને લાપસી બહુ ભાવે એટલે જાતે અમારા માટે લાપસી બનાવી. મેં કહ્યું 'ઘી ઓછું નાખજો. બાએ ખોરાક અંગે તેની ફિલસૂફી બતાવી કે રોજ ઓછું ખાવું, મોળું ખાવું, સમયસર ખાવું પણ તહેવારે, વહેવારે અને મહેમાને બરોબર ખાવું - ખવડાવવું.'


બા સ્વચ્છતાના અનન્ય આગ્રહી. તેમના કહેવા પ્રમાણે શરીર, મન, ઘર અને ફળિયું સ્વચ્છ હોવું જોઈએ. ઘર ભલે નાનું હોય પણ સ્વચ્છ અને સુઘડ હોવું જોઈએ. વસ્તુ ઓછી હોય પણ યથાસ્થાને ગોઠવેલી હોવી જોઈએ અને કપડાં સાંધેલા પણ ધોયેલા હોવા જોઈએ. શરીર અને મન શુદ્ધ અને નિયમિત હોવા જોઈએ. રાતે વહેલું સુવાનું અને વહેલું ઉઠવાનું, નાહી ધોઈને દિવસનો કામનો પ્રારંભ કરવાનો. શિયાળો, ઉનાળો, ચોમાસુ, બીમારી કે અન્ય કોઈ પરિસ્થિતિમાં દરેક કામ સમયબદ્ધ કરવાનું એ એમનો નિત્યક્રમ. નવરા બેસવાનું નહિ, પરચુરણ કામ કર્યા કરવાનું. બા ભણેલ નહિ પણ કેટલાય ભજન, કીર્તન અને ધોળ રાગ સહીત કંઠસ્થ, આજે પણ ૧૦-૧૨ ગીત એક જ સાથે સળંગ ગાય નાખે કે લહેકા પૂર્વક શબ્દસહઃ વાર્તા કરી બતાવે. મેં પૂછ્યું, બા તમને વાંચતા તો આવડતું નથી, આ કેવી રીતે શીખ્યા ? બા કહે, તારા બાપુજી વાંચતા જાય, તેમને રાગ ના આવડે પણ હું યાદ રાખી રાગ બેસાડી દઉં. મેં આગળ પૂછ્યું આ બધાનો અર્થ સમજો છો ખરા ? બા કહે તું પૂછી જો, ને મેં ૫-૭ કડીને શબ્દ પૂછયા તો બાએ વિગતવાર સચોટ જવાબ આપ્યા.


ભણતર ઉપર બાના આગવા વિચાર. ગામ મૂકી દીધું એને ૨૫-૩૦ વરસ થઈ ગયા, પણ ગામમાં કોના દીકરા દીકરી મેડિકલ, એન્જિનિરીંગમાં કે કોલેજમાં ક્યાં ભણે તેનો પૂરો અહેવાલ જયારે પણ મને મળે ત્યારે આપે. મેં પૂછ્યું કઈ લાઈન ભણવા માટે સારી કહેવાય ? બા નો જવાબ સચોટ હતો કે ગમે તે લાઈન ભણાય પણ પૂરું ભણાય ને છેલ્લે સુધી ભણાય. છેવટ સુધી ભણાય એટલે સ્નાતક કે અનુસ્તાક થવાય. જેમાં ફાવટ હોય તે ભણાય, બીજા કહે એમ લાઈન ના લેવાય. મને એમ કે બાને પી. એચ. ડી. શું છે એ ખબર નહિ હોય, એટલે મેં પૂછ્યું, 'તમને ખબર છે હું કેટલું ભણેલો છું ?' તેમનો જવાબ, હા તું મનમોહનસિંહ જેટલું ભણ્યો છે એ એમનો જવાબ !'


અમે નાના હતા તો બા ટોકે કે મેં તને ઘણા દિવસથી ગણિત કરતા નથી જોયો. મારો ભાઈ દલીલ કરે કે આજેજ ગણિત કર્યું છે. બા તરત જોવા માંગે ને કહે આ તો નિશાળનું લેસન છે, ફક્ત નિશાળના લેસન કરવાથી આગળ ના અવાય, ઘરનું લેસન પણ કરવું પડે. મારા ઘરે એક વાર આવ્યા તો મારી દીકરીને કહે 'પપ્પા જોડે ઇંગલિશ બોલવાનું ને અમારી જોડે ગુજરાતી, ઇંગલિશ વગર આગળ ના અવાય. ઇંગલિશ તો બોલતા લખતા આવડવું જોઈએ !' મારી દીકરીએ દલીલ કરી કે 'નિશાળમાં તો એક વિષય છે ઇંગ્લિશનો,' બા કહે 'એક વિષયથી ના ચાલે, ઇંગલિશ છાપું વાંચવું પડે.'


ભણવાની કોઈ ઉમર નથી. બા કે મારા મોટા બહેન નિશાળે નથી ગયેલા. ભારત આઝાદ થયું ત્યારે આપણે ત્યાં શિક્ષણ બહુ ઓછું હતું. કોંગ્રેસ સરકારની વિચારસરણી ખુબ પ્રગતિશીલ અને સમાજવાદી હતી. ૧૯૫૫ આસપાસ અમારા ગામમાં પ્રૌઢ શિક્ષણના મફત વર્ગ ચાલતા. અમારા ઘરની બાજુમાં રહેતા ભુરાબાપાના દીકરી લીલાબેન બારોટ આવા વર્ગ ચલાવતા એમાં મારા બા અને બહેન સાથે બંને ભણવા જતા. બા કક્કો બારાક્ષરી ત્યાં શીખેલા, તેનો લાભ એમને થયો કે નહિ તેની મને ખબર નથી, પણ મને ખુબ થયો ! અક્ષર મોતીના દાણા જેવા થવા જોઈએ તેવો તેમનો આગ્રહ, મારા અક્ષર બા-બાપુજીની જહેમતથી સરસ થયા. તેવો મને કે ભણવાની કોઈ ઉમર નથી. જેમ મોટી ઉંમરે ને લગ્ન પછી પણ ભણાય તેમ મને ૪ વર્ષે નિશાળમાં બેસાડી દીધો. હું ભણતો તે સમયમાં ગાંધીજીના સમયની જેમ હોંશિયાર વિદ્યાર્થીને એક જ શૈક્ષણિક વરસમાં બે ધોરણ કરવા દેવામાં આવતા. નાનડિયા ગામમાં તે સમયમાં મારા સહીત ૪ વિદ્યાર્થીને અર્ધ વાર્ષિક પરીક્ષા પછી ઉપલા વર્ગમાં બેસાડવામાં આવ્યા તેમાં મારા બા-બાપુજીનો અમૂલ્ય ફાળો છે. મને ૬ મહિના પાંચમા ધોરણ પછી સીધો એજ શૈક્ષણિક વરસમાં છઠા ધોરણમાં બેસાડવામાં આવ્યો.  બંને ધોરણમાં હું પ્રથમ નંબર મેળવી પાસ થયો. જોકે મારા સિવાયના ત્રણ વિદ્યાર્થી મેટ્રિક સુધી પણ ના પહોંચ્યા જયારે મેં ડોક્ટરેટ સહીત છ માસ્ટર્સ પ્રાપ્ત કર્યાં.


ગાંધીજીએ પોતાની આ વાત તેમની આત્મકથામાં આ રીતે વર્ણવી છે. “વિવાહને લીધે એક વર્ષ ભાંગ્‍યું તે બચાવી લેવાનો બીજા ધોરણમાં માસ્‍તરે મારી પાસે વિચાર કરાવ્‍યો. મહેનતું વિદ્યાર્થીને એમ કરવાની રજા ત્‍યારે તો મળતી. આથી ત્રીજા ધોરણમાં હું છ માસ રહ્યો ને ઉનાળાની રજા પહેલાંની પરીક્ષા પછી મને ચોથા ધોરણમાં મૂકયો.” (સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પહેલો:૫. હાઈસ્કૂલમાં). બા-બાપુજીની દીર્ઘ દ્રષ્ટિ અને સાહસિક્તાથી હું બીજા કરતા બે વરસ આગળ નીકળી ગયો, કેમકે બીજા ૫ વર્ષે ભણવા બેસે ને હું ૪ વર્ષે બેસી ગયો અને ૫-૬ ધોરણ મેં એક જ વર્ષમાં પૂરું કર્યું.


મારા દીકરાએ બીજા રાજ્યમાં લગ્ન કર્યા એની મેં જાણ કરી તો બાનો જવાબ અચંબામાં નાખી દે તેવો હતો. બા કહે 'બહુ સરસ કહેવાય, બે રાજ્યની ભાષા, રસોઈ, સંસ્કાર, રહેણીકરણી અને વિચારથી સુખ અને સમૃદ્ધિ આવે. આપણે વહુ ગોતીએ તો સામાજિક રીતે મા-બાપ આપણા જેવા કે સરખા હોય પણ દીકરા-દીકરી વિચારથી સરખા હોય તો સુખી થાય. આવું બધા વિચારે તો ઓનર કિલિંગ બંધ થાય જાય.


બોલવા, વિચારવા અને હુન્નર વિષે બાના વિચાર પ્રગતિશીલ છે. સાચું બોલવું ને મોટું વિચારવું. ખોટું બોલીએ તો બહુ યાદ રાખવું પડે. મોટું વિચારીએ તો મોટા માણસ થવાય, પણ કોરે કોરા વિચારવાથી કાંઈ ના થાય. હુન્નર કરીએ તો નસીબ સાથ આપે. નીતિથી કરો તે બધા હુન્નર સારા, કોઈ કામ નાનું કે મોટું નથી. અમારું ગામ ખેડૂતનું ગામ પણ ખેતી વરસાદ આધારિત એટલે નિર્વાહ ચલાવવા બીજા કામ પણ કરવા પડે. મારા બાએ બહુ મોટી ઉંમરે ચિત્ર દોરવાનું અને ભરત ભરવાનું શીખ્યું. મેં પૂછ્યું 'ગ્રાહક કેમ મેળવતા અને કિંમત કેમ નક્કી કરતા ?' બા કહે, 'કોઈને ત્યાં સારો પ્રસંગ હોય તોપ્રસંગ આધારિત વસ્તુ બનાવી આપતા અને કોઈ પાસે પૈસા મંગાવા કે કિંમત નહિ કહેવાની, ઈચ્છા અનુસાર પૈસા કે વસ્તુ આપે તે લેવાની, પણ પછી વસ્તુ સારી હોય એટલે લોકો સામેથી વિનંતી કરેને પૈસા આપે. કોઈ પૈસા ના આપે કે ઓછા આપે તો બોલવાનું નહિ કે મોઢું નહિ બગાડવાનું. સમય બદલાયો, સમયની સાથે બા પણ બદલાતા ગયા, પણ મૂલ્યો ના બદલાયા. તેમની તંદુરસ્તીનું રહસ્ય તેમની જીવન શૈલી અને અલૌકિક વિચારની દ્રઢતામાં રહેલું છે. બા આજે તેમની પાંચમી પેઢી જોઈ રહ્યા છે ! 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational