યુધિષ્ઠિર યક્ષ સંવાદ
યુધિષ્ઠિર યક્ષ સંવાદ
પાંડવો વનવાસ ભોગવી રહ્યા હતા. યુધિષ્ઠિરને ખૂબ તરસ લાગી હતી. એમના માટે નકુલ પાણી લેવા ગયો પરંતુ પાણી લઈને પાછો ન આવ્યો. એટલે સહદેવ, ભીમ, અર્જુન, એક પછી એક એને શોધવા ગયા. ચારે ભાઈઓમાંથી એક પણ ભાઈ પાછો ન આવતા ચિંતાતુર યુધિષ્ઠિર પોતે એમને શોધવા નીકળ્યા. કેટલેક દૂર ગયા ત્યાં સરોવરને કાંઠે ચારે ભાઈઓને તેમણે મૃત હાલતમાં જોયા. તેમની આંખોમાંથી અશ્રુધારાઓ વહેવા લાગી. સરોવરમાં તેઓ પગ મૂકવા જાય છે ત્યાં એક યક્ષ બોલ્યો, ‘ખબરદાર, પહેલાં મારા પ્રશ્નોના જવાબ આપો પછી પાણી પીવું હોય તો પીજો. મારી વાત નહીં ગણકારો તો તમારા ભાઈ જેવા જ તમારા હાલ થશે.‘
યુધિષ્ઠિર યક્ષને પ્રશ્નો પૂછવા કહે છેઃ
યક્ષ પૂછે છે (૧) ઉઘાડી આંખે કોણ ઊંઘે છે ? જન્મ્યા પછી હાલે ચાલે નહીં એવું કોણ છે ? પોતાની ગતિને કારણે કોના કદમાં વધારો થાય છે ?
યુધિષ્ઠિર ઉત્તર આપે છેઃ માછલીઓ ઉઘાડી આંખે ઊંઘે છે. ઈંડાં જન્મે પછી હાલતાં ચાલતાં નથી. પોતાની ગતિથી નદીના કદમાં વધારો થાય છે.
(૨) યક્ષઃ પૃથ્વી કરતાં મોટું કોણ ? આકાશ કરતાં ઊંચું કોણ ? વાયુ કરતાં ગતિશીલ કોણ ? ઘાસ કરતાં બાળવામાં ચડે એવું શું ?
યુધિષ્ઠિરઃ પૃથ્વી કરતાં માતા મોટી, આકાશ કરતાં પિતા મોટા. વાયુ કરતાં ગતિશીલ છે મન. ઘાસથી બાળવામાં ચડે એવી છે ચિંતા.
(૩) યક્ષઃ પ્રવાસીનો મિત્ર કોણ ? સંસારીનો મિત્ર કોણ ? રોગીનો મિત્ર કોણ ? મરણપથારીએ હોય એનો મિત્ર કોણ ?
યુધિષ્ઠિરઃ પ્રવાસીનો મિત્ર સાથી પ્રવાસી. સંસારીનો મિત્ર તેની પત્ની. રોગીનો મિત્ર વૈદ્ય અને, મૃત્યુશય્યાએ પડેલાનો મિત્ર દાન.
(૪) યક્ષઃ ધન કમાવાના પ્રકારમાં કયો પ્રકાર શ્રેષ્ઠ ? ધનમાં શ્રેષ્ઠ દાન કયું ? લાભમાં સારો લાભ કયો ? બધી જાતનાં સુખમાં સારું સુખ કયું ?
યુધિષ્ઠિરઃ ધન કમાવા માટે કુશળતા એ શ્રેષ્ઠ પ્રકાર. તમામ પ્રકારના ધનમાં શ્રેષ્ઠ ધન એટલે જ્ઞાાન. બધા પ્રકારના લાભમાં શ્રેષ્ઠ લાભ એ તંદુરસ્તી છે અને બધા પ્રકારનાં સુખમાં શ્રેષ્ઠ સુખ એટલે અંતરમાંથી નીપજતું સુખ.
(૫) યક્ષઃ પુરુષનું મૃત્યુ શાથી થાય છે ? રાજ્યનું મૃત્યુ શાથી થાય છે ?
યુધિષ્ઠિરઃ પુરુષ દરિદ્ર થાય એટલે એને મૃત્યુ પામેલો જાણવો. રાજ્યનું મૃત્યુ અરાજકતાને કારણે થાય છે.
(૬) યક્ષઃ કઈ વસ્તુનો ત્યાગ કરવાથી સુખ થાય છે ? કઈ વસ્તુનો ત્યાગ કરવાથી પસ્તાવો કરવો પડતો નથી. શું ત્યાગ કરવાથી સુખી થવાય છે ?
યુધિષ્ઠિરઃ અહંકારનો ત્યાગ કરવાથી સુખ થાય છે. ક્રોધનો ત્યાગ કરવાથી પસ્તાવો કરવામાંથી બચી જવાય છે. લોભનો ત્યાગ કરવાથી સુખી થવાય છે.
(૭) યક્ષઃ જીતી ન શકાય એવો માણસનો શત્રુ કોણ ? જેનો અંત જ ન હોય એવો રોગ કયો ?
યુધિષ્ઠિરઃ ક્રોધ એ જીતી ન શકાય એવો માણસનો શત્રુ છે. લોભ એ અંત વિનાનો રોગ છે.
(૮) યક્ષઃ માણસ ઉપર શેનું આવરણ આવેલું છે ? કઈ વસ્તુને કારણે મનુષ્યત્વ પ્રકટી શકતું નથી ? કયાં કારણ છે કે જેને કારણે ઉન્નતિ થતી નથી ?
યુધિષ્ઠિરઃ માણસ ઉપર મોહનું આવરણ આવેલું છે. તમોગુણને કારણે મનુષ્યત્વ પ્રકટી શકતું નથી. કુસંગને લીધે લોકોની ઉન્નતિ થતી નથી.
(૯) યક્ષઃ લજ્જા એટલે શું ?
યુધિષ્ઠિરઃ કુકર્મ કરતાં અટકવું એનું નામ લજ્જા.
(૧૦) યક્ષઃ દયા એટલે શું ? જ્ઞાાન એટલે શું ?
યુધિષ્ઠિરઃ સર્વના હિતેચ્છુ થવું એટલે દયા. તત્ત્વનું જ્ઞાાન એટલે જ જ્ઞાાન.
(૧૧) યક્ષઃ કયો ધર્મ શ્રેષ્ઠ છે ? કઈ વસ્તુના સંયમથી સંસારીને દુઃખ વેઠવું પડતું નથી ?
યુધિષ્ઠિરઃ અહિંસા એ શ્રેષ્ઠ ધર્મ છે. મનના સંયમથી સંસારી દુઃખ વેઠવામાંથી બચી શકે છે.
આગળના એક પ્રશ્નનો જવાબ આપતાં યુધિષ્ઠિર કહે છે કે, ‘જે માણસના માથે દેવું ન હોય અને જે માણસ સંપૂર્ણ સ્વતંત્ર હોય તે સુખી છે.‘
આ વાત પરમ સત્ય છે.
