વ્યથા
વ્યથા
દરિયાના મોજા ઉછળી ઉછળીને જાણે પોતાનું દર્દ વ્યક્ત કરી રહ્યા છે ! કોઈ ખડક સાથે અફળાતા, ઘૂઘવતા એ નીર એક પળ માટે પણ થંભતા નથી. હું સતત એ ઉછળતા નીરને તાકી રહું છું. મારા મગજની અંદર પણ વિચારોનું ઘોડાપુર ધમસાણ મચાવી રહ્યું છે. દરિયા પરથી આવતો શીતળ પવન પણ મને શાંતી આપી શકતો નથી.
આજથી પાંચ વર્ષ પહેલા સીવીલ એંજીનીયરની નોકરી મળી ત્યારે ઘરના બધા કેટલા ખુશ હતા. હું પણ ખુબ જ ખુશ હતો. કેમ કે, ડોનેશન વગર મને નોકરી મળી ગઈ હતી. મે સંકલ્પ કર્યો હું પણ કદી લાંચ-રુશવત લઈશ નહિ અને પ્રામાણિક પણે નોકરી કરીશ. પરંતુ આજના જમાનામાં પ્રામાણિકતાથી નોકરી કરવામાં પણ ખુબ મુશ્કેલી પડે છે. ભ્રષ્ટાચાર બધે જ ફેલાયેલો છે. ઓફિસમાં મોટા સાહેબોથી માંડી પટાવાળા સુધી ભ્રષ્ટાચાર રૂપી છોડની શાખાઓ ફેલાયેલી છે. તેને મૂળમાંથી ઉખેડી શકાતી નથી. છતાય મેં એકાદ વર્ષ તો સિધ્ધાંત પ્રમાણે કામ કર્યું. ઘણાને એ ગમતું નહિ .પરંતુ હું મારા નિશ્ચયમાં અડગ હતો.
થોડા સમય બાદ મારા લગ્ન કરવામાં આવ્યા. મારી પત્નિ શ્રીમંત કુટુંબની હતી. વળી મોજશોખ પણ ખુબ. આથી મારા પગારથી તેને સંતોષ ન હતો. તે કહેતી તમારી સાથે છે એ બધા તો ખુબ જ કમાય છે. તમારા આટલા પગારમાં શું થાય ? ઘર પણ માંડ ચાલે છે. હું તેને સમજાવવા પ્રયત્ન કરતો એ બધા ઉપરની આવક લે છે. મને તે મંજૂર નથી. મારા આત્માને કચડીને હું નોકરી કરવા માંગતો નથી. પરંતુ મારી પત્નિ તે કંઈ સાંભળવા તૈયાર ન હતી. રોજના ઝઘડા થતા. એને તો ઇંમ્પોટેડ કાર, સાડીઓ ફર્નિચર વગેરેમાં રસ હતો. તે મારી વાત સમજતી ન હતી.
એક દિવસ તે ઝ્ઘડો કરી કહેવા લાગી. તમારામાં તો ત્રેવડ જ નથી. સાવ બાયલા છો. આટલો પગાર તો અમારા ડ્રાઇવરનો છે. મારા પપ્પાના ઘરે નોકરો પણ તમારા કરતા સારી રીતે રહે છે. તેના આવા વાક્યોથી હું સમસમી ગયો. મે પણ બધાની જેમ ઉપરની આવક લેવાની ચાલુ કરી. ડેમ બાંધવાના તેમ જ રસ્તા રીપેરીંગના કામ મને સોંપાયા. તેમાં કોંટ્રાક્ટરો સાથે સાંઠગાંઠ કરી અડધો અડધ રૂપિયા ભાગે પડતા વહેંચી લીધા ! નબળો સીમેંટ અને ઓછા મટીરીયલ્સથી કામ પૂરું કર્યું.
એક વર્ષમાં ઘરમાં ઘણી બધી વસ્તુઓ આવી ગઈ. મારી પત્નિ હવે ખુબ જ ખુશ હતી. પડોશમાં પણ વટથી બધી વસ્તુઓ બતાવતી અને ગર્વ લેતી. પરંતુ મારો આત્મા મને ડંખતો. હું શાંતી ખોઈ બેઠો. ખોટું કર્યાનો અહેસાસ સતત બેચેન બનાવતો.
થોડા સમય બાદ ચોમાસું બેઠું. ખૂબ જ વરસાદ પડ્યો. નવા બાંધેલા ડેમો તૂટી ગયા. નીચાણવાળા ગામોમાં પાણી ભરાયું એ બધાની ઘરવખરી પાણીમાં તણાઇ ગઈ. રસ્તાઓ પણ તૂટી ગયા હતા. રેડિયો પર હું સમાચાર સાંભળતો હતો. હું એકદમ ચોંકી ગયો.એ ડેમ મારા હસ્તક બનાવેલો હતો. હું મારી જાતને ગુનેગાર માનવા લાગ્યો. કેટકેટલા ઘર બરબાદ થઈ ગયા હતા. કેટલા માણસો બેઘર બની ગયા હતા.પરંતુ મારી પત્નિ ખુશ હતી. એ કહેતી આ વરસે તો ચોમાસું જતા ખુબ જ કામ રહેશે. આવક પણ ઘણી થશે તે વસ્તુ ખરીદવા માટે લીસ્ટ બનાવવા લાગી. પરંતુ હું સતત બેચેન બનતો જતો હતો. મારા આત્માના અવાજને દાબી દિલનું કહ્યું માનતો હતો. મને વાલિયા લુંટારાની વાત યાદ આવી. એ તો એની પત્નિ, બાળકો અને મા-બાપે પાપના ભાગીદાર બનવાની ના પાડતા વાલિયામાંથી વાલ્મિકિ બની ગયો હતો. પરંતુ મારું શું ? મારા પાપનું ભાગીદાર કોણ ? વિચારો અટકતા જ નથી સાંજ ઢળી ગઈ. અંધારું તેનું સામ્રાજ્ય ફેલાવવા લાગ્યું. દરિયાનું શ્યામ પાણી અંધારામાં વિલિન થવા લાગ્યું. પરંતુ તેનો ઘુઘવાટ તો ચાલુ જ હતો.
આમને આમ અડધી રાત વીતી ગઈ. હું સાગરના એ ઘુઘવાટમાં ઓતપ્રોત બની ગયો. સર્વત્ર અંધકાર ફેલાઈ ગયો. એવામાં દરિયાના એ જળ પર દૂર લાઈટ દેખાઈ. એક વહાણ આવતું હતું. થોડો કોલાહલ પણ સંભળાયો. વહાણ દરિયાકાંઠે આવ્યું તેમાંથી ઘણો બધો સામાન ઉતારવામાં આવ્યો. ઝડપથી બધા એ સામાનને ઉતારી લેતી-દેતી કરી. એવામાં એક કાર આવી તેમાં સામાન મૂકી દીધો. કોઈ આજુબાજુ છે નહિ તેની ખાતરી કરી એ માણસો અંદરોઅંદર ગુસપુસ કરતા હતા. હું થોડે દૂર અંધારામાં બેઠો હતો. આથી મારા પર કોઈની નજર પડી ન હતી. એ માલ બધો સ્મગલીંગનો હોય તેવું લાગ્યું. થોડી વારે ફરી બધુ શાંત પડી ગયું.
ફરી દરિયાના એ ઘૂઘવતા નીરનો વિષાદ સંભળાયો. મને થયું એમાં બિચારા દરિયાનો શો વાંક ? એ તો એક માધ્યમ બની ગયો. તેના પરથી સોનું તેમજ ખતરનાક હથિયારોની હેરાફેરી થતી. એ એક મૂક સાક્ષીની જેમ બધુ જોયા કરતો.એ કરી પણ શું શકે ? હા ક્યારેક રોદ્ર બની એ વહાણોને અને માણસોને પોતાનામાં ગરકાવ કરી શકે!
મને ઘર યાદ આવ્યું. ધીમે ડગલે ઘર તરફ આગળ વધ્યો. રાત્રીનો એક વાગી ગયો હતો. ડોરબેલ પર યંત્રવત આંગળી ગઈ. પત્નિ એરકંડીશન વાળા રૂમમાંથી ઉઠી બારણું ખોલવા આવી અને કહેવા લાગી આજે તો બહુ મોડા આવ્યા. અત્યાર સુધી ઓફિસમાં જ હતા. મે જવાબ આપ્યો હા આજે ઓફિસમાં ચેકિંગ હતું ડેમ તૂટ્યો તેની વિગતો આપવાની હતી. પત્નિ બોલી એ તો બધું ચાલ્યા કરે. અધિકારીને પણ પેટ હોય છે. પૈસો પરમેશ્વર. તમારી આગળ આપવા માટે રૂપિયા હોય એટલે બધુ બરાબર થઈ જાય. મારા હોઠ પર એક કડવું હાસ્ય ફરી વળ્યું.
મને નોકરી પરથી સસ્પેંડ કરવામાં આવ્યો હતો. એ સસ્પેંડ ઓર્ડર લઈ સીધો જ હું દરિયે(બંદરે) પહોંચી ગયો હતો. મારા મન પરથી બોજ હળવો થઈ ગયો હતો.