વ્યસન
વ્યસન


મિત્રો, આપણાં જીવનમાં આપણને પણ અમુક ખરાબ આદતો કે ટેવ પડી જતી હોય છે, જેમાંથી અમુક ટેવ કે આદત આપણે ઈચ્છતા હોવાં છતાંપણ છોડી શકતાં નથી. પરંતુ ક્યારેક એવી પરિસ્થિતિનું પણ નિર્માણ થતું હોય છે કે આપણે આ ટેવ કે આદતો છોડવા સિવાય કોઈ વિકલ્પજ નથી વધતો. એવું નથી હોતું કે આપણે એ ટેવ છોડવા નથી માંગતા પરંતુ આપણે એની એટલી હદે આદત થઈ ગઈ હોય છે કે એ છોડી નથી શકતાં !
મોટાભાગનાં વ્યક્તિઓમાં કોઈને કોઈ પ્રકારનાં વ્યસનની ટેવ હોય છે. જેમાંથી મને એક ટેવ હતી માવો (મસાલો) ખાવાની, લગભગ હું દિવસમાં પાંચેક માવા તો ખાઈ જ લેતો હતો. ધીમે - ધીમે એ પાંચના સાત અને છેલ્લે દસ માવા ખવાય જતાં હતાં !
આ બાબતે મારે મારી પત્ની સાથે ઘણીવાર બોલવાનું થયું, ક્યારેક આ માવાને લીધે અમારા વચ્ચે ઝઘડો પણ થઈ જતો હતો, આમ મારી પત્નીએ અંતે હિંમત હારીને મને ''તમને જે ઠીક લાગે એ કરો" - એવું કહીને મારી માવા ખાવાની બાબતમાં માથું મારવાનું બંધ કરી દીધું. અને ધીમે - ધીમે અમારા બનેવ વચ્ચે થતી રકઝક પણ ઓછી થવાં માંડી.
જ્યાં સુધી મારી પત્ની મને માવો છોડવા માટે આગ્રહ કરતી રહી ત્યાં સુધી મને કોઈ ફર્ક પડ્યો નહીં. પરંતુ તેણે જ્યારથી મને કહેવાનું કે માવા બાબતે રકઝક કરવાનું ઓછું કરી દીધું ત્યારથી મને વધુ લાગી આવ્યું. એવું નહોતું કે હું માવા છોડવા નહોતો માંગતો પણ હું મારી આદતથી મજબુર હતો. મેં મારી પત્નીને ઘણીવાર માવા ન ખાવા માટે વચનો પણ આપેલ હતાં જે હું પાળી શક્યો ન હતો !
એક દિવસ હું જ્યારે મારી નોકરી પરથી આવ્યો, ત્યારે મારી પત્ની ઘરેજ હતી. તેનો ચહેરો જોઈને તે રડી હોય તેવું મને લાગ્યું. એટલે મેં પૂછ્યું "શું થયું ?" - એણે કહ્યું કે "મારા મામા ગુજરી ગયાં છે. તેને કેન્સર હતું. રાહુલ ! મને તમેં માવો ખાવ તેના સામે કોઈ વાંધો નથી પરંતુ તેનું પરિણામ કેવું ભયંકર આવે એની મને ચિંતા થાય છે. મેં મારા મામાને તો કેન્સરને કારણે ગુમાવી દીધાં છે, પણ હું નથી ઇચ્છતી કે કેન્સરને કારણે મારે તમને.....!" - મેં મારી પત્નીનાં મોઢા પર હાથ રાખીને તેને અધવચ્ચેજ બોલતી અટકાવી દીધી.
મને મારી ભૂલ સમજાઈ ગઈ. આમ પણ અમે લવ મેરેજ કરેલાં હતાં, મારી પત્નીનું તેની લાઈફમાં મારા સિવાય કોઈ હતુંજ નહીં એવું કહેવામાં પણ કઈ ખોટું ન હતું. કારણ કે અમે અમારા પરિવારજનોની ઈચ્છા વિરુદ્ધ લવમેરેજ કરેલાં હતાં. હવે મને સમજાય ગયું કે મને કંઈ થઈ જશે તો મારી પત્નીનું શું થશે ? જાણે મારી પત્નીએ મને એકજ પળમાં મારી ભૂલ મને સમજાવી દીધી હોય તેવું લાગી રહ્યું હતું.
જાણે મારું હદય પરિવર્તન થઈ રહ્યું હોય તેવું મને લાગી રહ્યું હતું. મનમાં એક પ્રકારનાં દુઃખ સાથે અફસોસ થઈ રહ્યો હતો. આથી મેં મારી પત્નીનાં પીઠનાં ભાગે હાથ ફેરવ્યો, અને એનો હાથ મારા હાથમાં પકડીને કહ્યું કે. "મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. હું માવા છોડવા નથી માંગતો એવું નથી હું માવા ધીમે - ધીમે છોડી દઈશ. એક કામ કરીએ, જે દિવસે તારો પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ આવશે એજ દિવસથી હું કાયમિક કે હંમેશને માટે માવા ખાવાનું બંધ કરી દઈશ !" - આ સાંભળી મારી પત્નીનાં ઉદાસ ચહેરા પર ખુશીઓની રેખાઓ ખીલી ઉઠી. મેં તેને જ્યારે પ્રપોઝ કર્યું હતું. ત્યારે જેટલી ખુશ લાગી રહી હતી એટલીજ હાલમાં ખુશ લાગી રહી હતી. આ સાંભળીને મારી પત્નીએ મને બાથ ભરી લીધી અને મારા ગળે વળગી ગઈ.
ધીમે - ધીમે દિવસો, અઠવાડિયા અને મહિનાઓ વીતવા લાગ્યાં. લગભગ ચાર મહિના બાદ હું મારી જોબ પર હતો, ત્યારે લગભગ સવારનાં 10 કલાકની આસપાસ મારા પત્નીનો મારા મોબાઈલમાં કોલ આવ્યો અને કહ્યું કે "રાહુલ ! મેં તમને વ્હોટ્સ અપમાં એક ઇમેજ મોકલી છે. તે જોઈને મને કોલ કરો. " - આથી મેં એ ઇમેજ ડાઈનલોડ કરી. એ ઇમેજ યુ.પી.ટી. (યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ...પ્રેગ્નન્સી ચેક કરવાં માટેની કીટ)ની ઇમેજ હતી. હું મેડિકલ પર્સન હોવાથી મને એ ઇમેજ જોઈને ખ્યાલ આવી ગયો કે મારા પત્નીનો પ્રેગ્નન્સી ટેસ્ટનું પરિણામ પોઝિટિવ આવેલ છે. આથી મેં તરતજ મારી પત્નીને કોલ કર્યો અને મને તેણે મોકલેલ ઇમેજ જોઈને જે કંઈ આનંદની લાગણીની અનુભૂતિ થયેલ હતી તે તેને કોલ કરીને જણાવી અને આજથી અત્યારથી હવે ક્યારેય માવા નહીં ખાઈશ એવું જણાવી દીધું. એ સમયે મારા ખિસ્સામાં પાંચ માવા પાર્સલ કરેલાં હતાં. તે બધાં જ પાર્સલ માવા મેં ડસ્ટબીનમાં ફેંકી દીધા !
મિત્રો, ત્યારથી માંડીને આજસુધી પછી મેં ક્યારેય એકપણ માવો ખાધેલ નથી. મિત્રો કોઈપણ ખરાબ આદત છોડવી અઘરું નથી. પરંતુ તેનાં માટે જરૂર હોય છે એક મક્કમ ઇરાદાની !