વસંતના વધામણાં
વસંતના વધામણાં
વસંતના વધામણાં વૃદ્ધાશ્રમમાં ઉદાસ ચહેરે બેઠેલાં સતીશના રૂમનું બારણું ખખડ્યું. એણે ઊંચું મોઢું કર્યા વગર જ કહ્યું, "બારણું ખુલ્લું જ છે, જે હોય તે અંદર આવી જાઓ."
"અરે! જરા મોઢું તો ઊંચું કર."
"અરે! સાધના તું ? તું અહીં ક્યાંથી ? તને પણ તારા દીકરા વહુએ કાઢી મૂકી છે કે શું?"
"અરે, અરે! જરા ધીરો પડ. મને તો કોઈએ કાઢી નથી મૂકી પણ તું અહીં ક્યાંથી ? તું તો મુંબઈ ગયો હતો ને ?"
"હા, સરસ નોકરી અને છોકરી મળતાં તને છોડી મુંબઈ જતો રહ્યો હતો. મારો સંસાર સરસ ચાલતો હતો. ગયા વર્ષે પત્નીનું મૃત્યુ થયું. એના ગયા પછી પણ વહુ દીકરા મારી સાથે સારી રીતે વર્તતાં હતાં. એક દિવસ મને મારા દીકરાએ કહ્યું, "પપ્પા, આપણે મોટો ફ્લેટ લેવો છે. થોડા પૈસા ઘટે છે, જો તમે રાજકોટનું ઘર કાઢી નાંખો તો મારે લોન ન લેવી પડે." એટલે મેં વળી લાગણીમાં તણાઈને રાજકોટનું ઘર વેચી બધી રકમ દીકરા વહુના હાથમાં મૂકી દીધી. રકમ હાથમાં આવતાં જ બંનેએ પોત પ્રકાશ્યું. મને માર મારીને કાઢી મૂક્યો. થોડા દિવસ તો અહીં તહીં રખડીને પસાર કર્યા પણ મુંબઈમાં પૈસા વગર ટકવું મુશ્કેલ. એક દિવસ પેપરમાં આ વૃદ્ધાશ્રમની જાહેરાત વાંચી એટલે અહીં આવ્યો. પણ તું કેમ અહીં ?"
"રાજીવ, હું આ વૃદ્ધાશ્રમમાં મેનેજરનું કામ કરું છું. બે દિવસ રજા પર હતી. આજે આવી અને તારું ફોર્મ વાંચ્યું એટલે મને થયું કે તને મળીને હકીકત જાણું."
"પણ તેં લગ્ન નથી કર્યા ?"
"ના, તું છોડી ગયો પછી લગ્નસંસ્થા પરથી વિશ્વાસ ઊઠી ગયો હતો. એટલે આ વૃદ્ધાશ્રમમાં નોકરી જોઈન્ટ કરી લીધી. હજી બે વર્ષ પહેલાં જ મેનેજરની પોસ્ટ મળી છે. ચાલ, કંઈ વાંધો નહીં, અહીં તને કોઈ જાતની તકલીફ નહીં પડે. પણ તારે મને એક વચન આપવું પડશે. આમ ઉદાસ થઈને ફરવાનું નથી. તું તો ખૂબ સરસ કવિતાઓ લખતો હતો. ફરી તારા એ શોખને જીવંત કર. તારા હૈયામાં છૂપાયેલી લાગણીઓને શબ્દ દેહ આપવા માંડ."
સાધનાની વાત માનીને રાજીવે ઉદાસી ખંખેરી નાંખી. બધાં સાથે આનંદથી રહેવા લાગ્યો અને બાકીના સમયમાં કાગળ પર પોતાની લાગણીઓને ઉતારવા લાગ્યો. એના પરિણામે આજે એનું કવિતાનું પુસ્તક પ્રકાશિત થવા જઈ રહ્યું હતું જેનું નામ હતું 'ઉડે શબ્દ રંગ' આખા વૃદ્ધાશ્રમમાં આનંદની છોળ ઊડી રહી. આવું સુંદર પુસ્તક પ્રકાશિત કરવાની આ પહેલી ઘટના 'વસંતના વધામણાં' વૃદ્ધાશ્રમમાં બની હતી.
