વરસાદ અને તારી યાદ
વરસાદ અને તારી યાદ
વરસાદ એક માત્ર એવો શબ્દ છે જે દરેક ઉંમરનાંને પ્રિય હોય.વરસાદ આ સંભાળતાં જ મુખ પર જે આનંદ ઉત્પન્ન થાય એ ઉપરથી જ વ્યક્તિની ઉંમર અને તેની ખુશીનું કારણ પણ જાણી શકાય. જીવનનો પહેલો વરસાદ કે સિઝનનો પહેલો વરસાદ કે પછી ગમતી વ્યક્તિ સાથે નો પહેલો વરસાદ પહેલા પ્રેમ ની જેમ કહે છે ને, કયારેય ભૂલાતો નથી. ગમતી મોસમ હોય અને ગમતો સાથ હોય પછી તો કહેવું જ શું ! ત્યારે એક પંક્તિ યાદ આવે પાણીના ટીપે ઘાસ માં જઈએ , ચાલ કોઈ પ્રવાસમાં જઈએ પેહલી વર્ષામાં એક થઈને પછી , માટીના ભીના શ્વાસમાં જઈએ .
વરસાદમાં ભીંજાતા ભીંજાતા ગમતી વ્યક્તિ સાથેની લોંગ ડ્રાઈવ અને સાથે ગરમ ગરમ શેકેલી મસાલાવાળી મકાઈનો આનંદ દરેક યુગલે લીધો જ હશે. વરસાદ એટલે મન સુધી પહોંચવાનો પ્રવાસ છે.
માત્ર માનવી જ નહીં સમગ્ર જીવસૃષ્ટિના પ્રાણીઓ આ ઋતુમાં પોતાના પ્રિયજનનો સહવાસ ઝંખે છે. વરસાદ એ વીતેલા ભૂતકાળની ભીનાશમાં સૌને ભીંજવી જાય છે.
આજે મોસમનો પહેલો વરસાદ પડ્યો અને હે પ્રિય મિત્ર, મને તારી યાદ આવી.આમ તો હવે આપણી બહુ વાતો થતી નથી. અને મોબાઈલ ના આ જમાનામાં પત્રનું કોઈ મહત્વ રહ્યું નથી.પરંતુ આપણા સમયમાં પત્રનો પણ એક જમાનો હતો.અને એટલે જ આજે હું તને એક પત્ર દ્વારા વીતી ગયેલી ક્ષણોની યાદ અપાવું છું. પણ હા, ટેક્નોલોજી ના આ યુગ માં મારો પત્ર પણ ડિજિટલ જ છે .એટલો ફર્ક કે પેહલા પેન થી લખતા હતા અને હવે આંગળી ના ટેરવે થી .
પ્રિય મિત્ર,
આજે ધ્રુવ ભટ્ટ ની એક પંક્તિ યાદ આવી ગઈ. આવેલું શમણું પણ અવસર થઈ જાય એવા દિવસો ની વાત મને યાદ છે. એવા દિવસો ની વાત્ શું તને યાદ છે ?
વાદળા ભલે ને સુકાતા હોય,વ્રુક્ષો ભલે ને કોતરાતા હોય,જમીન ભલે ને રાહ જોતી હોય, પણ આ તો વરસાદ છે દોસ્ત, જ્યાં સુધી એની વરસવાની ઇચ્છા ના હોય ત્યાં સુધી તો ના જ વરસે.
પરંતુ આપણા બંનેના પ્રેમ ની સાક્ષી પણ તો આ માત્ર ને માત્ર વરસાદ છે. જ્યારે જ્યારે એકબીજાને મળવાની ઇચ્છા થાય ત્યારે ત્યારે આ વરસાદ અનરાધાર વરસે.એટલે એને મિલનનો સાક્ષી ગણવો કે મિલનમાં બાધારુપ ગણવો એ જ ન સમજાય.
આજે પણ મને યાદ છે એ પહેલો વરસાદ,એ વૃક્ષોનાં પાંદડામાંથી ટપકતું પાણી અને ઝાડ નીચે ઉભેલા આપણે બંને, વિજળીના ગડગડાટ, પંખીઓનો કલરવ, વ્રુક્ષો પરથી ટપકતું પાણી, થોડીવાર પાણી ના ટપકાં પાંદડા પરથી આપણા ઉપર પડે તો જાણે એમ લાગે કે આપણે પ્રકૃતિ સાથે રમી રહ્યા હોય. એમ તારી સાથે વરસાદ ને નિહાળ્યો પણ છે અને માણ્યો પણ છે.
આજે જ્યારે બે હાથથી કપડાં સંભાળતાં અને નૃત્ય કરતાં હોય એમ પાણીથી બચી બચીને ચાલતા લોકોને જોઉં છું ત્યારે ઘણું હસવું આવે છે જેને માણવાનો હોય એનાથી બચીને નાસી થોડું જવાય. એ કરે પણ શું બિચારાં મનમાં તો એમને પણ થતું હશે, तेरी दो टकिये की नौकरी में, मेरे लाखों का सावन जाए रे ,हाय हाय ये मज़बूरी ।
હર્ષોલ્લાસની અનુભૂતિ કરવાનાર આ વરસાદ જ્યારે રૌદ્ર રૂપ ધારણ કરે ત્યારે એ જ આનંદ ભયમાં ફેરવાઈ જાય એવો સમય પણ આપણે જોયો છે, છતાં કહેવાય છે ને કે સંગ્રહ તો સારી યાદોનો જ કરવો રહ્યો.
વરસાદ આપણને જિંદગીનું મહત્વ સમજાવે છે. વરસાદના છાંટા શીખવે છે કે જિંદગી ની સૌથી અદભૂત્ ક્ષણો ને પકડી શકાતી નથી ફક્ત માણી શકાય છે. છે ને, જીવનની સનાતન વાસ્તવિકતા !
વર્ષાની એક છાલક થી જ ભીંજાય જવાનું હોય છે આ આખે આખું ચોમાસું ક્યાં આપણું થવાનું હોય છે.આવું સાંભળતાં જ જે ભીંજાયા હોય એ વાહ વાહ ન બોલે એવું ભાગ્યે જ બને. ક્યારેક ખુશી તો ક્યારેક નિરાશા પણ જોવા મળતી હોય છે.
યાદ છે તને ધ્રુવ ભટ્ટ ની વાંચતાં વેંત જ પલળી જવાય એવી કવિતા
ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં,
વાડ પર્ સૂતેલી સઘળી લીલાશ હવે
નીતરતી થાશે મેદાનમાં.
આપણને થાય એવું વાદળ ને થાય,
એવું ઝરણાંને થાય એવું ઘાસ ને,
આવી ઘટનામાં જે ડુંગર ને થાય ને,નેવે થી દડદડતા ગામને.
કયાંક ચોમાસું ગાજે છે રાનમાં.
શબ્દોથી ભીંજવી નાખતાં આ વરસાદ ના અનેક રૂપ રંગ છે. ઘણી યાદો ના પોટલાં ઠાલવી દે છે આ પહેલો વરસાદ.બાળકોના મન માં પલળવાની ખેવના હોય છે. તો ક્યાંક કિશોરાવસ્થા સુધી પોહચેલી વ્યક્તિ ને માત્ર કોઈના વિચારોમાં ભીંજાવાની ઇચ્છા થતી હોય છે. ક્યાંક કાગળ ની હોડીના જાહોજ્લાલી હોય છે તો ક્યાંક ગરમ ભજીયાં અને ચા ની પ્યાલી હોય છે. દરેક ને વરસાદ ગમે છે અને દરેક ની કોઈ સ્મૃતિ તેની સાથે જોડાયેલી હોય છે. અને સાથે સાથે પ્રકૃતિ માં ફેલાયેલી હરિયાળી, આંખો માં વસી જાય અને મન ભૂતકાળની યાદોમાં જતું રહે, છાંટાનો એ સ્પર્શ,ભીની માટીની મહેક , સાચે જ જૂની યાદો ને નવી નક્કોર બનાવી દે છે આ વરસાદ. વ્રુક્ષ, વેલ ,રસ્તા બધું જ અને મન પણ ખીલી ઉઠે.જેના પર સમગ્ર જીવસૃષ્ટિ નિર્ભર છે તેવી આ ઋતુ ને પ્રેમની ઋતુ જ કહી શકાય સૌ કોઇ એના પ્રેમમાં પડી જાય અને નાચી ઊઠે.
અને જ્યારે વરસાદ થંભી જાય ત્યારે વિરહ નું વાદળ વીંધીને બહાર આવતો ચંદ્ર મીટ માંડીને જુએ છે તો પાંદડે પાંદડે તથાં બુંદે બુંદમાં કિરણ ની મધુરી ઝાંય ફૂટી આવેલી એને જણાય છે. ધરતી પર ભરાયેલા ખાબોચિયા ની પણ આશા અધૂરી રહી નથી.
બહાર જઈને કુદરતી ચીજવસ્તુઓનો ભરપૂર આનંદ લેવાનું મન થાય પણ બીજી જ ક્ષણે મન ભૂતકાળમાં જતું રહે છે કે હવે આપણી સાથે ભીંજાવાવાળું પણ કોણ હશે ? અતીતના વિચારો પ્રસન્ન,મધુર મિલનની ક્ષણોના ભાવોમાં રાચવા લાગે છે. અને પ્રકૃતિના બધા તત્વો આપણી ભાવના સંવેદનામાં આપણો સાથ આપતા હોય એમ લાગે. વ્રુક્ષો પર થી ટપકતું પાણી પણ એ વાત ની સાક્ષી આપે છે કે એ પણ આપણી સાથે વરસાદમાં ચોધાર આંસુ પાડી રહ્યા છે. આ રીતે સમયનું થંભી જવું અને લાગણીઓનું વ્હેતું રહેવું યાદ છે તને ? યાદ જ હશે ને ?
હે દોસ્ત પ્રેમ ની આ મોસમનો પહેલો વરસાદ તને મુબારક, સંભળાય તો સાદ, નહીં તો મારી યાદ મુબારક.
સાચે જ આ મોસમનો પહેલો વરસાદ તારી કમી મહેસૂસ કરાવી ગયો, કારણકે હું હતી વરસાદ હતો માત્ર તું જ ન હતો.
મારો આ પત્ર જો તને સાચે જ લાગણીમાં ભીંજવી ગયો હોય તો, કોક દિ આવજે વરસાદમાં, આપણે ફરીથી ભીંજાય શું વરસાદમાં.
લિ. તારી પ્રિય સખી.
હવે પ્રિય રહી છું કે નહીં એ પણ હવે તું આવે અને વરસાદ આવે ત્યારે જ ખબર પડે. હમણાં તો વરસાદ ન હોવા છતાં મારો આ પત્ર તને લાગણીઓથી ભીંજવી તો ગયો જ હશે? Hetal parmar

