STORYMIRROR

Parmar Hetal

Others

3  

Parmar Hetal

Others

વરસાદ

વરસાદ

4 mins
204

 વરસાદ એક માત્ર એવો શબ્દ છે જે દરેક ઉંમરનાં ને પ્રિય હોય. વરસાદ આ સંભાળતાં જ મુખ પર જે આનંદ ઉત્પન્ન થાય એ ઉપરથી જ વ્યક્તિની ઉંમર અને તેની ખુશીનુ કારણ પણ જાણી શકાય. જીવનનો પહેલો વરસાદ કે સિઝનનો પહેલો વરસાદ કે પછી ગમતી વ્યક્તિ સાથે નો પહેલો વરસાદ પહેલા પ્રેમ ની જેમ કહે છે ને, કયારેય ભૂલાતો નથી. ગમતી મોસમ હોય અને ગમતો સાથ હોય પછી તો કેહવું જ શું !

વરસાદમાં ભીંજાતા ભીંજાતા ગમતી વ્યક્તિ સાથેની લોંગ ડ્રાઈવ અને સાથે ગરમ ગરમ શેકેલી મસાલાવાળી મકાઈનો આનંદ દરેક યુગલે લીધો જ હશે.  

  માત્ર માનવી જ નહીં સમગ્ર જીવસૃષ્ટિના પ્રાણીઓ આ ઋતુમાં પોતાના પ્રિયજનનો સહવાસ ઝંખે છે. વરસાદ એ વીતેલા ભૂતકાળની ભીનાશમાં સૌને ભીંજવી જાય છે. આજે મોસમનો પહેલો વરસાદ પડ્યો અને હે પ્રિય મિત્ર મને તારી યાદ આવી આમ તો હવે આપણી બહુ વાતો થતી નથી. અને મોબાઇલના આ જમાનામાં પત્ર નું કોઈ મહત્વ રહ્યું નથી.પરંતુ આપણા સમયમાં પત્રનો પણ એક જમાનો હતો. અને એટલે જ આજે હું તને એક પત્ર દ્વારા વીતી ગયેલી ક્ષણો ની યાદ અપાવું છું. 

પ્રિય મિત્ર, 

આજે ધ્રુવ ભટ્ટની એક પંક્તિ યાદ આવી ગઈ ! આવેલું શમણું પણ અવસર થઈ જાય એવા દિવસોની વાત મને યાદ છે. એવા દિવસો ની વાત્ શું તને યાદ છે ? વાદળા ભલે ને સૂકાતા હોય,વૃક્ષો ભલે ને કોતરાતા હોય,જમીન ભલે ને રાહ જોતી હોય, પણ આ તો વરસાદ છે દોસ્ત, જ્યાં સુધી એની વરસવાની ઇચ્છા ના હોય ત્યાં સુધી તો ના જ વરસે.

  પરંતુ આપણા બંનેના પ્રેમ ની સાક્ષી પણ તો આ માત્ર ને માત્ર વરસાદ છે. જ્યારે જ્યારે એકબીજાને મળવાની ઇચ્છા થાય ત્યારે ત્યારે આ વરસાદ અનરાધાર વરસે.એટલે એને મિલનનો સાક્ષી ગણવો કે મિલનમાં બાધરુપ ગણવો એ જ ન સમજાય. 

 આજે પણ મને યાદ છે એ પહેલો વરસાદ,એ વૃક્ષોનાં પાંદડામાંથી ટપકતું પાણી અને ઝાડ નીચે ઉભેલા આપણે બંને, વિજળીના ગડગડાટ, પંખીઓનો કલરવ ને  વૃક્ષો પરથી ટપકતું પાણી, થોડીવાર પાણી ના ટપકાં પાંદડા પરથી આપણા ઉપર પડે તો જાણે એમ લાગે કે આપણે પ્રકૃતિ સાથે રમી રહ્યા હોય. એમ તારી સાથે વરસાદ ને નિહાળ્યો પણ છે અને માણ્યો પણ છે. આજે જ્યારે બે હાથથી કપડાં સંભાળતાં અને નૃત્ય કરતાં હોય એમ પાણીથી બચી બચીને ચાલતા લોકોને જોઉં છું ત્યારે ઘણું હસવું આવે છે જેને માણવાનો હોય એનાથી બચીને નાસી થોડું જવાય. એ પણ શું કરે બિચારા,  મનમાં તો એમને પણ થતું હશે," તેરી દો ટકિયેકી નોકરી..."

 હર્ષોલ્લાસની અનુભૂતિ કરવાનાર આ વરસાદ જ્યારે રૌદ્ર રૂપ ધારણ કરે ત્યારે એ જ આનંદ ભયમાં ફેરવાઈ જાય એવો સમય પણ આપણે જોયો છે, છતાં કહેવાય છે ને કે સંગ્રહ તો સારી યાદો નો જ કરવો રહ્યો. 

 વરસાદ આપણને જિંદગી નું મહત્વ સમજાવે છે. વરસાદના છાંટા શીખવે છે કે જિંદગી ની સૌથી અદભૂત્ ક્ષણો ને પકડી શકાતી નથી ફક્ત માણી શકાય છે. છે ને, જીવનની સનાતન વાસ્તવિકતા !  વર્ષાની એક છાલકથી જ ભીંજાય જવાનું હોય છે આ આખે આખું ચોમાસું ક્યાં આપણું થવાનું હોય છે.આવું સાંભળતાં જ જે ભીંજાયા હોય એ વાહ વાહ ન બોલે એવું ભાગ્યે જ બને. ક્યારેક ખુશી તો ક્યારેક નિરાશા પણ જોવા મળતી હોય છે. યાદ છે તને ધ્રુવ ભટ્ટની વાંચતાં વેંત જ પલળી જવાય એવી કવિતા  

 ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, 

વાડ પર્ સૂતેલી સઘળી લીલાશ હવે 

નીતરતી થાશે મેદાનમાં.  

આપણને થાય એવું વાદળ ને થાય,  

એવું ઝરણાંને થાય એવું ઘાસ ને,

આવી ઘટનામાં જે ડુંગર ને થાય ને,

નેવે થી દ દડદડતા ગામ નેકયાંક ચોમાસું ગાજે છે રાનમાં.

શબ્દોથી ભીંજવી નાખતાં આ વરસાદ ના અનેક રૂપ રંગ છે. ઘણી યાદોના પોટલાં ઠાલવી દે છે આ પહેલો વરસાદ, ચા ની ચૂસકી, ગરમ ગરમ વડા અને સાથે સાથે પ્રકૃતિમાં ફેલાયેલી હરિયાળી, આંખો માં વસી જાય અને મન ભૂતકાળની ની યાદોમાં જતું રહે.. છાંટાનો એ સ્પર્શ,ભીની માટીની મહેેક જૂની યાદોને નવી નક્કોર બનાવી દે છે આ વરસાદ. વૃક્ષ, વેલ રસ્તા બધું જ અને મન પણ ખીલી ઊઠે. જેના પર સમગ્ર જીવસૃષ્ટિ નિર્ભર છે તેવી આ ઋતુ ને પ્રેમની ઋતુ જ કહી શકાય સૌ કોઇ એના પ્રેમમાં પડી જાય અને નાચી ઊઠે. અને જ્યારે વરસાદ થંભી જાય ત્યારે વિરહ નું વાદળ વીંધીને બહાર આવતો ચંદ્ર મીટ માંડીને જુએ છે તો,પાંદડે પાંદડે તથાં બુંદે બુંદમાં કિરણ ની મધુરી ઝાંય ફૂટી આવેલી એને જણાય છે. ધરતી પર ભરાયેલા ખાબોચિયાની પણ આશા અધૂરી રહી નથી. બહાર જઈને કુદરતી ચીજવસ્તુઓ નો ભરપૂર આનંદ લેવાનું મન થાય પણ બીજી જ ક્ષણે મન ભૂતકાળમાં જતું રહે છે કે હવે આપણી સાથે ભીંજાવાવાળું પણ કોણ હશે ?  અતીતના વિચારો પ્રસન્ન, મધુર મિલનની ક્ષણોના ભાવોમાં રાચવા લાગે છે. અને પ્રકૃતિના બધા તત્વો આપણી ભાવના સંવેદનામાં આપણો સાથ આપતા હોય એમ લાગે.  વૃક્ષો પર થી ટપકતું પાણી પણ એ વાત ની સાક્ષી આપે છે કે એ પણ આપણી સાથે વરસાદમાં ચોધાર આંસુ પાડી રહ્યા છે. આ રીતે સમયનું થંભી જવું અને લાગણીઓનું વહેતુ રહેવું યાદ છે તને યાદ જ હશે? 

હે દોસ્ત પ્રેમ ની આ મોસમ નો પહેલો વરસાદ તને મુબારક, સંભળાય તો સાદ, નહીં તો મારી યાદ મુબારક. સાચે જ આ મોસમનો પહેલો વરસાદ તારી કમી મહેસૂસ કરાવી ગયો કારણકે હું હતી વરસાદ હતો માત્ર તું જ ન હતો. મારો આ પત્ર જો તને સાચે જ લાગણીમાં ભીંજવી ગયો હોય તો કોક દિ આવજે વરસાદમાં, આપણે ફરીથી ભીંજાય શું વરસાદમાં.

લિ. તારી પ્રિય સખી.  

હવે પ્રિય રહી છું કે નહીં એ પણ હવે તું આવે અને વરસાદ આવે ત્યારે જ ખબર પડે. પણ મારો આ પત્ર કદાચ તને વગર વરસાદે ભીંજવી તો ગયો જ હશે. ?


Rate this content
Log in