વિષ્ણુ પંડ્યા : સાહિત્ય સફર
વિષ્ણુ પંડ્યા : સાહિત્ય સફર
પત્રકાર જગતના વરિષ્ઠ પત્રકાર, ઈતિહાસ સંશોધક ચરિત્ર લેખક, કવિ, નવલકથાકાર, લેખક, રાજકીય વિશ્લેષક અને ઇતિહાસકાર તરીકે આદરપૂર્વક લેવાતું નામ છે વિષ્ણુ પંડયા. ખૂબ જ જાણીતા ગુજરાતી સર્જક વિષ્ણુ પંડયાનો જન્મ તારીખ 14/9/1945 ના રોજ જુનાગઢ જિલ્લાના માણાવદરમાં થયો હતો. તેમના પિતાજી દક્ષિણ આફ્રિકામાં વ્યવસાય કરતા હતા પરંતુ બીજા વિશ્વયુદ્ધ પછી ભારત પરત ફરેલા માણાવદર જિલ્લા શિક્ષણ અધિકારી હતા.
માધ્યમિક શિક્ષણથી જ તેમને વાંચનનો ખૂબ શોખ હતો.એ વખતના માણાવદર સ્ટેટની લાઈબ્રેરીના મોટાભાગના પુસ્તકોનું વાંચન કરેલું. દરરોજનું એક પુસ્તક વાંચવવાની તેમની આદત હતી. દસમા ધોરણથી જ લેખન કાર્ય શરૂ થઈ ગયું હતું. વાર્તા અહેવાલ, ઈતિહાસ વગેરેના લેખો વગેરે લખાતું જે કોલેજ કાળમાં પણ સતત ચાલુ રહયું. તેમણે પોતાની પત્રકારત્વની કારકિર્દી વિશે વાત કરતાં જણાવ્યું કે, ' સાધના' સાપ્તાહિકમાં બાવીસ વર્ષની ઉંમરે સંપાદક બન્યા હતા, તેમણે બહાઉદ્દીન કોલેજમાં શિક્ષણ લીધું હતું. કોલેજની બી.એ.ની પરીક્ષા પૂર્ણ કરીને અમદાવાદ આવી ગયા હતા.રાષ્ટ્રીય સ્વયં સેવક સંધના પ્રાંત પ્રચારક લક્ષ્મણરાવ ઈનામદાર (વકીલ સાહેબ)એ કહેલું કે ગુરુજી ગોલવલકરે આ યુવાનને સાધના'ના તંત્રી તરીકે બોલાવી લેવા કહ્યું હતું.આમ તેઓએ 1967થી1983 સુધી 'સાધના'ના તંત્રી તરીકે ફરજ બજાવી.તો જનસત્તા', ચાંદની', રંગ તરંગ, બિરાદર વગેરેના પણ સહ તંત્રી અને કાર્યવાહક તંત્રી તરીકે ફરજ અદા કરી છે. 1975 ની કટોકટીમાં સેન્સરશીપ વિરુદ્ધ લેખન કર્યું. 'મિસા' હેઠળ એક વર્ષ જેલમાં જેલવાસ પણ ભોગવી ચૂક્યા છે, જેલવાસ દરમિયાન તેમના અનુભવોના પુસ્તકો છે. 'મિસા વાસ્યમ' પુસ્તકને સાહિત્ય પરિષદનું કાલેલકર સન્માન મળેલ છે .તેમના બીજા મહત્વના પુસ્તકો 'સમયના હસ્તાક્ષર', શહીદકથા, કવિ અને કવિતા, આંધીઓમે જલાયે બૂઝતે દીયે, શબ્દની રણભૂમિ, 'સમગ્ર ગુજરાત, 'વસંત અને ઈહામૃગ, 'સમગ્ર ભારત , રાજકીય ઝંઝાવાતના વર્ષો, મહાન ક્રાંતિકારી પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા, ગાંધી સુભાષ સરદાર',જેવાં આશરે એકસો દસ જેટલાં પુસ્તકો આપ્યા છે, જેમાં નવલકથા, ચરિત્ર, નિબંધ, રાજકીય વિશ્લેષણ, ઈતિહાસ અને પત્રકારત્વ મુખ્યત્વે છે. પત્રકારત્વ અને ઈતિહાસ લેખનની ક્ષેત્રમાં છેલ્લા પચાસેક વર્ષથી સક્રિય છે. 2017માં તેમની ગુજરાત સાહિત્ય અકાદમીના અધયક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી હતી, હાલમાં તેઓ તેઓ ગુજરાત સાહિત્ય અકાદમી સહિત હિન્દી સંસ્કૃત, કચ્છી, અને ઉર્દુ સાહિત્ય અકાદમીના અધ્યક્ષ તરીકે ફરજ બજાવી રહ્યા છે. અને વિવિધ અખબારો અને સામયિકોમાં નિયમિત કટાર લેખક તરીકે કાર્યરત છે. તેઓ વિશ્વ ગુજરાતી સમાજના જનરલ સેક્રેટરી છે.
પુરસ્કારો/ સન્માન
હથેળીનું આકાશ' ગુજરાત સરકાર
દ્વારા પુરસ્કાર પામ્યું હતું
(પરંતુ પુરસ્કારનો સ્વીકાર કર્યો નહોતો.)
ભારતીય કટોકટીનો વિરોધ કરવા માટે તેમનું ઓલ ઇન્ડિયા ન્યૂઝપેપર એડિટર દ્વારા સન્માન
કરવામાં આવ્યું હતું.
નર્મદ સુવર્ણ ચંદ્રક (1991)
(નર્મદ સાહિત્ય સભા તરફથી)
પદ્મશ્રી એવોર્ડ ભારત સરકાર દ્રારા પત્રકારત્વ અને શિક્ષણ ક્ષેત્ર ના મહત્વના પ્રદાન માટે (2017)
તેમના 50 વર્ષના ઇતિહાસ અને પત્રકારત્વના ક્ષેત્રે પ્રદાન માટે ગુજરાત યુનિવર્સિટી દ્વારા માનદ ડોક્ટરની ડીગ્રી આપેલ છે.
તેમના પંદરેક જેટલા પુસ્તકોને ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદના શ્રેષ્ઠ પુસ્તકો તરીકેના પારિતોષિક મળી ચૂકેલ છે.
