વિસ્ફોટ
વિસ્ફોટ
સ્થળ હતું મુંબઈ અમદાવાદ હાઇવે ! વહેલી સવાર નો સમય હતો. જોકે આ હાઇવે પર સવાર, બપોર કે સાંજ તેનાથી કોઈ ફરક નહોતો પડતો. આખો દિવસ હાઇવે ટ્રાફિક થી ધમધમતો રહેતો.
આ ટ્રાફિક ને ચીરી ને એક ઇન્ડિકા પૂરઝડપે આગળ ધપી રહી હતી. ઇન્ડિકા એવી ખતરનાક ઝડપ થી ચલાવવામાં આવી રહી હતી કે ગમે તે ઘડી એ અકસ્માત થઈ શકે તેમ હતો. પણ ડ્રાઈવર નો કાર પર કન્ટ્રોલ જબરદસ્ત હતો. આ ડ્રાઈવર હતો વિક્રમસિંહ ઝાલા ! ઇન્સ્પેકટર, મુંબઈ પોલીસ ! જે રીતે વિક્રમસિંહ દાંત ભીંસી ને પૂરઝડપે કાર ચલાવી રહ્યો હતો તે જોતાં કોઈ ને પણ એ ભ્રમ થઈ જાય કે વિક્રમસિંહ ને કશે જવાની ખૂબ ઉતાવળ છે ! પણ આ વાત સાચી નહોતી. ઝડપ અને વિક્રમસિંહ એક બીજાના પર્યાય હતા !
વિક્રમસિંહ એક એકાકી માણસ હતો. પચાસ વર્ષની ઉમરમાં તેણે પાંચ મિત્રો પણ નહોતા બનાવ્યા. ગુના સામે લડવાનું ઝનૂન એટલું હતું કે જ્યારે તેના અમેરિકા માં રહેતા પુત્ર એ તેને પોતાની સાથે રહેવા માટે કહેણ મોકલ્યું હતું તો તેણે ઘસીને ના પાડી દીધી હતી. પત્નીનું તો માર્ગ અકસ્માતમાં પાંચ વર્ષ પહેલાં જ મૃત્યુ થઈ ગયું હતું.
એટલે વિક્રમસિંહ અત્યારે એકલતા ભર્યું જીવન જીવી રહ્યો હતો. અને આ વાત નો તેને કોઈ અફ્સોસ પણ નહોતો. હા,પત્નીની યાદ આવી જાય તો તે થોડો સમય ગમગીન જરૂર થઈ જતો. પણ આ ગમગીની પણ વઘુ ટકતી નહિ.
"હજી અમદાવાદ પહોંચવાને એકાદ કલાક તો લાગશે" વિક્રમસિંહ બબડ્યો. જોકે તેને કોઈ ઉતાવળ હતી નહિ. તે જે મિટિંગ માં ભાગ લેવા જઈ રહ્યો હતો તે બપોર ના સમયે હતી. પણ વિક્રમસિંહની ઝડપ પર આનો કોઈ કોઈ જ ફરક નહોતો પડ્યો.
અચાનક ડ્રાઇવ કરતા કરતા રોડની એક તરફ પાર્ક થયેલી એક મારુતિ કાર પર વિક્રમસિંહ ની નજર પડી. તે સાથે જ તેણે બ્રેક મારી.
જે ખતરનાક ઝડપ થી કાર ચાલી રહી હતી, એ જોતા કાર પલટી ના ગઈ એ પણ એક આશ્ચર્યની વાત જ હતી. વિક્રમસિંહ ઝડપથી કારની બહાર નીકળ્યો અને મારુતિ તરફ આગળ વધ્યો.
મારુતિ હાઇવે ના એકદમ ખૂણે પાર્ક થયેલી હતી. વિક્રમસિંહે મારુતિનો દરવાજો ખોલવા પ્રયત્ન કર્યો તો તેના આશ્ચર્ય વચ્ચે તે ખુલી ગયો ! કાર ને લોક કરવામાં આવી નહોતી.
વિક્રમસિંહ ની છઠ્ઠી ઇન્દ્રિય તેને સતેજ કરી રહી હતી. અચાનક કારનું નિરીક્ષણ કરવાની છોડી ને વિક્રમસિંહે બોનેટ ખોલ્યું. તે હજી બોનેટ નું નિરીક્ષણ કરી રહ્યો હતો ત્યાં તેણે જોયું સામે થી બે ગ્રામીણ આવી રહ્યા હતા.
"રામ રામ સાહેબ !" એક ગ્રામીણ બોલ્યો."શું થયું ગાડી બગડી ગઈ?"
"ના.પણ આ લોક મર્યા વગર ની ગાડી હાઇવે પર ઊભી છે તે શંકા ઉપજાવે તેવું નથી લાગતું ?" વિક્રમસિંહે વળતો પ્રશ્ન કર્યો.
"શું આ ચોરી ની ગાડી હશે? તો તો પોલીસ ને જાણ કરવી જોઈએ !" એક ગ્રામીણ બોલ્યો.
"અરે હું જ પોલીસ છું !" વિક્રમસિંહ બોલ્યો અને બોનેટ બંધ કર્યું. પછી મોબાઈલ કાઢી ને નજીક ના પોલીસ સ્ટેશન પર ખબર પહોંચાડી દીધી.
થોડો સમય વિક્રમસિંહે રાહ જોવા કાઢ્યો. પેલા બે ગ્રામીણ પણ ત્યાં ઊભા રહી ગયા હતા. સમય પસાર કરવા વિક્રમસિંહે બંને સાથે વાતચીત શરૂ કરી. જોકે પછી એનાથી પણ કંટાળ્યો. એક ગ્રામીણ બોલ્યો, સાહેબ તમે ક્યાં સુધી રાહ જોશો? તમારે મોડું થતું હશે.
એક કામ કરો, તમે નિકળી જાવ, અમે અહી ઊભા છીએ."
વિક્રમસિંહે માથું ધુણાવ્યું. તે બોલ્યો," અલ્યા તમારી પોલીસ તો બહુ ધીરી. હું તો આ ચાલ્યો."
"જી સાહેબ" એક ગ્રામીણ બોલ્યો.
અને વિક્રમસિંહ એ બંને ની વિદાય લઈ ને પોતાની ઇન્ડિકા માં બેઠો.
અમદાવાદ પહોંચી ને તે મિટિંગ માં બીઝી થઈ ગયો. સાંજે પાંચ વાગ્યે મિટિંગ ખતમ થઈ. ઇન્સ્પેકટર રાઠોડ તેને વિદાય આપવા તેની સાથે પાર્કિંગ સુધી આવ્યો.
"જરા તપાસ કરો તો...થોડા કલાક પહેલા હાઇવે પર કોઈ વિસ્ફોટ થયો છે ?"
ઇન્સ્પેકટર રાઠોડ તેને વિચિત્ર નજરે જોઈ રહ્યો. પછી તેણે મોબાઈલ કાઢી ને વાત ચાલુ કરી. વાત જેમ જેમ આગળ વધતી ગઈ તેમ તેના ચહેરા ના ભાવ પલટવા માંડ્યા.
"સાચી વાત છે ! ખરેખર મુંબઈ અમદાવાદ હાઇવે પર એક કારમાં વિસ્ફોટ થયો હતો...બે લાશ પણ મળી છે ! પણ આ વાત હજી જાહેર નથી કરાઈ. તમને ક્યાંથી ખબર પડી ?"
વિક્રમસિંહ હસ્યો."પાક્કી ખબર તો નહિ, પણ અંદાજો હતો. આજે જ્યારે હું અમદાવાદ આવી રહ્યો હતો ત્યારે મને રસ્તા માં એક બિનવારસી કાર દેખાઈ હતી. મને શંકા ગઇ કારણકે હું ત્યારે વડોદરા અને અમદાવાદ વચ્ચે ના એક્સપ્રેસ હાઇવે પર હતો જ્યાં વાહન રોકવાની છૂટ નથી. બ્રેકડાઉન થયું હોય તો પણ આસપાસ કોઈ વ્યક્તિ તો હોય ને ? એટલે મને શંકા ગઈ કે કૈંક તો અજુગતું છે. અધૂરા માં પૂરું કાર ને લોક પણ નહોતું. એટલે કોઈ ગડબડ તો જરૂર હતી !"
"પછી ?" હવે ઇન્સ્પેકટર રાઠોડને રસ પડ્યો.
"મેં બોનેટ ખોલી ને જોયું તો સ્થિતિ એકદમ સાફ થઈ ગઈ. વાયરીંગ જોઈ ને હું સમજી ગયો કે કારમાં ટાઈમ બોમ્બ ફીટ છે. ત્યાંજ ત્યાં બે ગ્રામીણ આવી પહોચ્યા, જે ખરેખર ગ્રામીણ નહોતા."
"એટલે ?"
"એક્સપ્રેસ હાઇવે પર ટુ વ્હીલરની પણ મંજૂરી નથી તો પગપાળા ચાલનારા વ્યક્તિ ક્યાંથી આવે ? તે જગ્યાથી નજીક કોઈ ગામડું પણ નહોતું, અને દૂરથી એક્સપ્રેસ હાઇવે પર પગપાળા ચાલવું તે મૂર્ખતા જ કહેવાય !"
"તો તમે એમને પકડ્યા નહી ?"
"ના. આવી જગ્યા એ ફિલ્ડ પર તો પ્યાદા જ હોય છે. અને બોમ્બનું ફીટીંગ જોઈને લાગતું હતું કે આ કોઈ શિખાઉનું કામ છે. કદાચ હાઇવે પર ટેસ્ટિંગ કરીને પછી કોઈ મોટો કાંડ કરવાની એમની યોજના હોય.."
"તો પછી?"
"પછી કંઈ નહિ ! કદાચ તમને ખબર નહિ હોય..હું એક્ષપ્લોસિવનો નિષ્ણાત છું. ટાઈમ બોમ્બનું સેટિંગ બે મિનિટ આગળ કરવું મારા માટે રમતવાત હતું. પછી પોલીસ ને કોલ કરવાનું નાટક કર્યું અને તેમની રાહ જોવાના નામે છેક છેલ્લી ઘડી સુધી ત્યાં હાજર રહ્યો. ગ્રામીણ મને જતા રહેવા સમજાવવા માંડ્યા..અને છેવટે હું ત્યાંથી નીકળી ગયો. પછી નું મારું અનુમાન એવું છે કે નિર્ધારિત સમયે બોમ્બ વિસ્ફોટ ના થવાથી બંને ચેક કરવા આવ્યા હશે અને એ જ સમયે વિસ્ફોટ થયો હશે ! ખેલ ખતમ !"
"પણ તેને પકડ્યા હોત તો ?"
"કયા ગુનાસર ? અને મેં કહ્યું તેમ, મને પ્યાદામાં નહિ વજીરમાં રસ છે. જે મોટા ખેલાડી હોય છે તે પોતાને ગુપ્ત રાખીને જ આવા બકરા શોધતા હોય છે, મારવા અને મરવા.. ! ધે આર યુઝલેસ ફોર અસ !"
રાઠોડ અવાચક બનીને જોઈ રહ્યો જ્યારે વિક્રમસિંહ ફરી પૂરઝડપે પાર્કિંગમાંથી કાર કાઢી ગયો !