સર્જરી
સર્જરી
સવારના ત્રણ વાગ્યા હતા.
ભારતના પ્રધાનમંત્રી અવિનાશ આચાર્યની આંખો ખૂલી. જોકે આજે તો તે સૂતોજ નહોતો. તેણે પત્ની અદિતિ તરફ જોયું. તે પણ જાગી રહી હતી, બલ્કે તે તો તૈયાર પણ થઈ ચૂકી હતી
"ઊંઘ નથી આવી કે શું ?" અવિનાશે નિરર્થક પ્રશ્ન પૂછ્યો.
અદિતિએ જવાબ ના આપ્યો.
અવિનાશે ગમગીન સ્વરમાં કહ્યું, " જો અદિતિ, બીજો કોઈ રસ્તો નથી. . આપણે પૃથ્વી છોડવી જ પડશે. ઘર છોડવાનું દુઃખ તો હોય પણ. . હવે આ એક છેલ્લો ઉપાય રહ્યો છે. "
અદિતિએ ધીમા સ્વરમાં જવાબ આપ્યો," મને ઘર છોડવાનું દુઃખ નથી. મને વિચાર આવી રહ્યો છે એ અબજો લોકોનો જેને આપણે છોડીને જઈ રહ્યા છીએ. તેમનો શું વાંક છે ?"
અવિનાશ નિરુત્તર હતો.
આ વર્ષ હતું ૨૧૨૫ !
માનવજાતે ખૂબ પ્રગતિ કરી હતી. વિજ્ઞાન અને ટેકનોલોજીના નવા સીમાડા સર કર્યા હતા. પણ આ પ્રગતિ બહુજ વસમી કિંમત ચૂકવીને કરવામાં આવી હતી.
છેલ્લા પચાસ વર્ષથી વૈજ્ઞાનિકો ચેતવણી આપી રહ્યા હતા કે બેફામ ઔદ્યોગિકરણથી પર્યાવરણનો નાશ થઈ રહ્યો છે અને તે માનવજાતિ માટે ખતરનાક નીવડી શકે છે. પણ આ ચેતવણી પર કોઈએ ધ્યાન આપ્યું નહોતું. આવી ચેતવણી તો વૈજ્ઞાનિકો છેલ્લા દોઢસો વર્ષથી આપી જ રહ્યા હતા ને ?
પણ આ ચેતવણી છેલ્લી ચેતવણી હતી.
છેલ્લા પચાસ વર્ષમાં ધીરે ધીરે વિનાશના સંકેતો દેખા દેવા માંડ્યા. ગ્લોબલ વોર્મિંગ તેના મહત્તમ સ્તરે પહોંચી ચૂક્યું હતું. વાતાવરણમાં ધીરે ધીરે ઓક્સિજનનું પ્રમાણ ઘટી રહ્યું હતું. વાતાવરણમાં ઓઝોનનું પ્રમાણ ભયજનક રીતે ઘટી ગયું હતું જેને કારણે સૂર્યકિરણો હવે સીધાં પૃથ્વી પર પડતાં હતાં જે સહન કરવા માનવજાત સક્ષમ નહોતી.
ઘરની બહાર નીકળવાનું તો લોકોએ એક દાયકા પહેલાં જ છોડી દીધું હતું. પણ હવે વાવડ આવ્યા હતા કે મનુષ્યો ઘરમાં પણ સલામત નહોતા.
મંગળ ગ્રહને માનવ વસવાટ માટે તૈયાર કરવા વર્ષોથી એક પ્રોજેક્ટ ચાલી રહ્યો હતો: પ્રોજેક્ટ માર્સ કોલોની !
મંગળ ગ્રહને માનવ વસવાટ લાયક બનાવવા માટેનો આ પ્રોજેક્ટ પૃથ્વીના બધાજ દેશોનો સહિયારો પ્રોજેક્ટ હતો. આ પ્રોજેક્ટ અત્યારે તેના અંતિમ તબક્કામાં હતો.
દરમ્યાન પૃથ્વીની હાલત દિવસે દિવસે વધુ ને વધુ ખરાબ થઈ રહી હતી. અંતે વૈજ્ઞાનિકો એ એક ગુપ્ત અહેવાલ દ્વારા અલ્ટીમેટમ આપી દીધું: પૃથ્વીનું આયુષ્ય હવે એક વર્ષ થી વધુ નહોતું !
અને દુનિયાભરની સરકારો સફાળી જાગી ઊઠી. એક ઈમરજન્સી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું.
મિટિંગમાં ફેંસલો લેવામાં આવ્યો કે પૃથ્વીવાસીઓનું સ્થળાંતર માર્સ કોલોની કરવામાં આવે. પણ તકલીફ એકજ હતી ! માર્સ કોલોની ની ક્ષમતા પૃથ્વીની જનસંખ્યાના દસ ટકા સમાવી શકે એટલીજ હતી !
ત્યારે એક ક્રૂર નિર્ણય લેવાયો.
એવું નક્કી કરવામાં આવ્યું કે પૃથ્વીના વિનાશની જાણકારી ગુપ્ત રાખવામાં આવે. માર્સ કોલોની પર બે તબક્કામાં સ્થળાંતર કરવામાં આવે. પહેલા તબક્કામાં વૈજ્ઞાનિકો અને માર્સ કોલોની ચલાવવા માટે જેમની જરૂર પડવાની હતી તેવા પ્રોફેશનલ લોકોનું સ્થળાંતર કરાય અને બીજા તબક્કામાં રાજકારણી, ઉધોગપતિ અને વીઆઈપી લોકોનું સ્થળાંતર કરવામાં આવે. સામાન્ય લોકો વિશે તો વિચારવાની ફુરસદ જ કોઈને નહોતી ! બધા દેશોના વીઆઈપી પોતાનો જીવ બચાવીને ખુશ હતા !
અને આ યોજના ત્વરિત અમલમાં મૂકવામાં આવી. પહેલી ખેપ માર્સ કોલોની પહોંચી ચૂકી હતી અને કઠિન પરિશ્રમ કરીને તે લોકો માર્સ કોલોનીને રહેવાલાયક બનાવી ચૂક્યા હતા. પછી એમણે પૃથ્વી પર સંદેશો મોકલ્યો: તમારા સ્વાગત માટે અમે તૈયાર છીએ !
અને હવે સમય હતો જગતના સૌથી વીઆઈપી લોકોનો માર્સ કોલોની જવાનો !
પણ અદિતિ જેવા ઘણા લોકો હતા જેમને સહાનુભૂતિ હતી એ લોકો માટે જે લોકો પૃથ્વી પર છૂટી જવાના હતા. પણ તે શું કરી શકે ?
અવિનાશે ચૂપચાપ ટેલેપોર્ટેશન મશીન ચાલુ કર્યું. ઘરની બહાર નીકળવાનું તો પ્રદૂષણના લીધે ક્યારનુંય બંધ થઈ ચૂક્યું હતું. હવે તો દરેક ઘરમાં એક પોર્ટલ રહેતું. બસ એ પોર્ટલમાં ઊભાં રહીને ગંતવ્ય સ્થાન ટાઈપ કરો એટલે વ્યક્તિ ટેલેપોર્ટ થઈને ત્યાં પહોંચી જતી હતી.
અને અત્યારે અવિનાશ અને અદિતિનું ગંતવ્ય સ્થળ હતું ઈન્ટરનેશનલ સ્પેસપોર્ટ !
એટલી મોડી રાત્રે ખરેખર તો સ્પેસપોર્ટ પર સૂનકાર વ્યાપેલો હોવો જોઈતો હતો. પણ અત્યારે ત્યાં પગ માંડવો મુશ્કેલ થાય એટલી ભીડ હતી. અવિનાશને સહેજ આશ્ચર્ય થયું.
"એટલા બધા લોકો. . . ફટાફટ સ્પેસશિપમાં બેસી જઈએ" એણે અદિતિને કહ્યું.
જોકે થોડી વાર માં તો બધા શિપ માં ગોઠવાઈ ગયા હતા.
"બસ થોડી વાર માં ઉપડીશું. . . અને આ જ સમયે બીજા દેશો ના સ્
પેસપોર્ટમાંથી પણ સ્પેસશિપ રવાના થશે. અને એકસાથે બધા માર્સ કોલોની પહોંચીશું. "અવિનાશે અદિતિને કહ્યું.
પણ માણસ જે વિચારે છે તે બધું સાચું નથી પડતું !
અચાનક જ સ્પેસપોર્ટની અને સ્પેસશિપની બધી લાઈટ ગુલ થઈ ગઈ ! હાથને હાથ ના સૂઝે તેવું અંધારું છવાઈ ગયું હતું.
"શું થયું ?"અવિનાશે બૂમ પાડી. પણ પૂછવું તો પણ કોને ? સ્પેસશિપ સંપૂર્ણપણે સ્વચાલિત હતી. મુસાફરો સિવાય કોઈ હાજર જ નહોતું !
અચાનક !
સ્પેસપોર્ટની દીવાલો અચાનક ઝળહળી ઊઠી !
એક વૃદ્ધ માણસનો ચહેરો સ્પેસપોર્ટની દીવાલ પર ઉપસી રહ્યો હતો.
"જઈ રહ્યા છો ?" એક કટાક્ષ ભરેલો સ્વર આખા સ્પેસપોર્ટમાં ગુંજ્યો.
હતપ્રભ થઈને બધા દીવાલ સામે તાકી રહ્યા.
"મને ઓળખ્યો ? હું પ્રોફેસર ચક્રઘર ! માર્સ કોલોનીનો પ્રમુખ ! અને ચિંતા ના કરતા, હું અહીં હાજર નથી. આ તો ફક્ત એક ઈમેજ એન્ડ સાઉન્ડ પ્રોજેક્શન છે. હવે તમે વિચારતા હશો કે હું તમારી સામે કેમ આવ્યો છું. તો જવાબ સાંભળી લો ! પૃથ્વીની દુર્દશા માટે જવાબદાર તમે જ છો, પેલા અબજો લોકો નહિ જે વિના વાંકે મરી રહ્યા છે. અને એ અસહાય લોકોને મૃત્યુ ને હવાલે કરીને તમારે નાસી છૂટવું છે ? શરમજનક ! એક સદી થઈ ગઈ, અમે વૈજ્ઞાનિકો ગળું ફાડી ફાડીને બૂમો પાડી રહ્યા હતા. . . ચેતવી રહ્યા હતા કે પૃથ્વીની દરકાર કરો . . પર્યાવરણની દરકાર કરો. પણ અમારી એ ચેતવણી બહેરા કાને અથડાઈ હતી ! દરેક દેશને પોતાની પ્રગતિનો જ મોહ હતો. . . અને આ મોહમાં બધાએ પર્યાવરણ નો કચ્ચરઘાણ વળી દીધો ! અને આ પાપમાં તમે બધા સામેલ છો !"
"પણ. . આ બધું અત્યારે અત્યારે અમને કહેવાનો શું અર્થ છે ? આપણે રૂબરૂમાં જ વાત કરીશું ને ?"અવિનાશ બોલ્યો.
અને પ્રોફેસર હસી પડ્યો ! "તો તમને હજી આશા છે કે તમે માર્સ કોલોની પહોંચી શકશો, એમ ને ? ભારે આશાવાદી ભાઈ તમે ! જેવું હું બોલવાનું ખતમ કરીશ કે તરત દુનિયાભરના બધા સ્પેસપોર્ટમાં એક પ્રચંડ વિસ્ફોટ થશે. . અને એ વિસ્ફોટમાં તમે બધા ખતમ થઈ જશો !"
"પણ. . . શું કામ ?" અવિનાશ માંડ માંડ બોલી શક્યો.
"અત્યારે સ્પેસ શીપમાં જેટલા લોકો બેઠા છે એ બધા જ આ પૃથ્વીના ગુનેગારો છે. . . અને અમે આ ગુનાસર તમને મૃત્યુદંડ આપીએ છીએ !" કહીને પ્રોફેસર ખડખડાટ હસી પડ્યો.
અને સાચેજ. . પ્રોફેસર ચૂપ થયો કે તરત એક ગગનભેદી વિસ્ફોટ થયો !
***
માર્સ કોલોની પર !
પ્રોફેસર ચક્રઘરના ચહેરા પર એક મંદ હાસ્ય હતું. ડોક્ટર રિચાર્ડ સામે જોઈને તે બોલ્યો,"પત્યું !"
પણ ડોક્ટર રિચાર્ડનો ચહેરો ગંભીર હતો. "શું જરૂર હતી આટલા બધા લોકોને મારી નાખવાની ! પૃથ્વી પર મરનારા લોકો નો બદલો લેવો તે આપણું કામ નથી. "
"બદલો ? તમને લાગે છે કે મેં જે નેતાઓ અને ઉધોગપતિઓ ને માર્યા તે બદલો લેવા માર્યા છે ?"
"તો બીજું શું કારણ હોય ?"
પ્રોફેસર ચક્રધરે એક ઊંડો શ્વાસ લીધો. પછી કહ્યું, " જો રિચાર્ડ, કુદરતની સેલ્ફ હીલિંગની શક્તિ અપરંપાર છે. જો આપણે કુદરત પર ઘા કરવાના બંધ કરીએ તો કદાચ ધીરે ધીરે પોતાને સંભાળી પણ શકે. પણ આ માટેની કિંમત છે ! આ માટે સૌપ્રથમ તો એ બધા કામ બંધ કરવા પડે જે પ્રદૂષણ માં. . ગ્લોબલ વોર્મિંગમાં ફાળો આપે છે. . રેડિયેશન ફેલાવે છે. પણ એના માટે શું કરવું પડે ? પ્રથમ તો આપણે એવું જીવન જીવવું પડે જે ઔદ્યોગિકરણ પહેલા જીવતા હતા. નો ગેજેટ, નો મોબાઈલ,નો કોમ્પ્યુટર્સ, નો ઈન્ડસ્ટ્રી, નો વિહિકલ, નો કેમિકલ્સ ! પણ આ રીતે જીવવા શું કોઈ તૈયાર થાય ? એટલે આ પગલું લેવું પડ્યું. અત્યારની પરિસ્થિતિ જો, કોઈ રાજનેતા નથી જે પોતાના દેશના હિત માટે પર્યાવરણને ખતરામાં નાખે. કોઈ ઉધોગપતિ નથી જે પોતાના ફાયદા માટે પર્યાવરણને નુકસાન પહોંચાડે. ટેકનીકલ લોકો પણ માર્સ કોલોનીમાં છે. એટલે હવે પૃથ્વીવાસીઓની મજબૂરી છે એક સાદું જીવન જીવવું. અને કદાચ. . . મારી ગણતરી કહે છે કે અમુક દાયકા પછી પૃથ્વીની હાલત સુધરી પણ શકે. "
"પણ એક વર્ષમાં તો. . . "
"ના રિચાર્ડ ! એક વર્ષમાં પૃથ્વીનો અંત નથી થવાનો. આ થિયરી મારી જ હતી પણ સમયગાળો એક વર્ષ નહિ સો વર્ષ હતો. પણ મને ખબર હતી કોઈ સુધરશે નહિ. . એટલે આ યોજના બનાવી. સો વર્ષ સુધીમાં તો પછી પૃથ્વી પોતાની સંભાળ કરી જ લેશે ! "
રિચાર્ડ આશ્ચર્યથી પ્રોફેસર સામે તાકી રહ્યો.
"મને ખબર છે જો આ વાત જાહેર થાય તો મને હત્યારો જ સમજવામાં આવશે. પણ બીજો કોઈ રસ્તો જ નહોતો. જ્યારે કોઈ અંગ સડી જાય છે ત્યારે સર્જરી કરીને તે અંગને શરીરથી અલગ કરવું પડે છે. સમજો આ આવી જ એક સર્જરી હતી. "
કહીને પ્રોફેસર ચૂપ થઈ ગયા.