STORYMIRROR

Jwalant Desai

Others

4  

Jwalant Desai

Others

ગેરસમજ - એક અરીસાની કેફિયત

ગેરસમજ - એક અરીસાની કેફિયત

3 mins
78


એક અરીસો છું. અને કહે છે કે અરીસો કદી અસત્ય નથી બોલતો. હું પણ નહિ બોલું.

તમે મનુષ્યો ભલે એવો મનમાં ફાંકો રાખો કે બુદ્ધિમતા, લાગણી ફક્ત તેમનામાં હોય છે પણ એ વાત સાચી નથી. જો એ વાત સાચી હોત તો અત્યારે હું આ કેફિયત ના કરી રહ્યો હોત.

એક અરીસો પોતાની સમક્ષ જે દૃશ્ય ઉદભવે છે તેને જોતો જ નથી, અનુભવી પણ શકે છે. એટલે જ મને મનહરલાલ પર બહુ દયા આવતી.

મનહરલાલ મારો માલિક હતો. રસ્તા પરથી તે મને ખરીદી લાવ્યો હતો એટલે મને તે ખૂબ ગમતો. રોજ ધૂળ અને તાપ સહન કરવાની જગ્યા એ એક ચોખ્ખી જગ્યામાં મને એના લીધે રહેવા મળ્યું હતું. જોકે મનહરલાલનું ઘર એટલે એક નાનકડી ઓરડી ! એ પણ તેની ખુદની માલિકીની નહોતી. દર મહિને પહેલી તારીખે મકાનમાલિક ભાડું લેવા આવતો તે હું જોતો. પણ મને નવાઈ તો એ વાતની લાગતી કે તેને મળવા મકાન માલિક સિવાય કોઈ આવતું નહોતું. મને નવાઈ લાગતી કે આ માણસ ના કોઈ મિત્રો નહિ હોય? કોઈ સગા વહાલા નહિ હોય? તો કોઈ તેને મળવા કેમ નહોતું આવતું?

મનહરલાલની દિનચર્યા એકદમ સરળ હતી. સવારે ઉઠીને બ્રશ કરે, ચા બનાવીને પીએ, ઘરની સાફસફાઈ કરે. પછી ખુરશી પર બેસી જાય આરામ કરવા.

ઘણી વાર તો એ કલાકો સુધી બેસી રહેતો ચૂપચાપ. . . અને બોલે પણ કોની સાથે?

ઘણી વાર તેના ચહેરા પરથી આંસુ પડતા મે જોયા હતાં. આ દૃશ્ય જોઈને હું પણ દુઃખી થઈ જતો. મારી પાસે વાચા હોત તો હું મનહરલાલને પૂછત તેના રુદનનું કારણ. શું તે કોઈને યાદ કરી રહ્યો હતો? કોને? હું તો એક અરીસો છું. મનુષ્યને સલાહ આપવાની મારી શું લાયકાત? પણ જો કહી શકત તો હું મનહરલાલને સલાહ આપવા માંગતો હતો કે ગમે તેટલું દુઃખ હોય, એમ દુનિયાથી દૂર થઈને થોડું જીવન જીવાય છે?

એક વાર તો મનહરલાલએ મને ડરાવી જ દીધો હતો. રાત્રે તેને ઊંઘ ના આવતી એટલે એક ગોળી રોજ સૂતા પહેલા ગળતો.

એક વાર જાણે તેને શું સૂઝ્

યું કે મુઠ્ઠી ભરી ને ગોળી હાથમાં ભરી લીધી. મારો જીવ તે સમયે તાળવે બંધાઈ ગયો હતો. આ માણસ દવાનો ઓવેરડોસ લઈને આપઘાત કરશે કે શું?

પણ એ ક્ષણ વિતી ગઈ. મનહરલાલ પાછો બધી દવા તેની બોટલમાં મૂકવા માંડ્યો અને મને હાશકારો થયો.

તો આ હતી મનહરલાલની જીવનશૈલી !

મહિનામાં એક વાર મકાનમાલિક તેને મળવા આવતો. અમુક વાર તે ઘરનો સામાન લેવા બહાર જતો. એના સિવાય મનહરલાલ તદ્દન એકાકી જીવન જીવતો. તેની પાસે મોબાઈલ ફોન મે જોયો હતો, પણ આજ સુધી ના તો તેણે કોઈને ફોન કર્યો હતો અને ના તો તેના પર કોઈનો ફોન આવ્યો હતો.

મને મનહરલાલથી ખુબ સહાનુભૂતિ થતી. પણ મારા હાથમાં શું હતું?

ત્યાં એક દિવસ. . .

મનહરલાલ ચા બનાવી રહ્યો હતો ત્યાં બારણે ટકોરા પડ્યા.

કૅલેન્ડર બતાવી રહ્યું હતું કે આ મહિનાની પહેલો દિવસ નહોતો. એટલે મુલાકાતી મકાનમાલિક સિવાય કોઈ હતો !

મને ખરેખર આનંદ થયો, પણ આ શું? મનહરલાલ તો આનંદમાં નહોતો ! બલ્કે તેના ચહેરા પર ભય સ્પષટતાપૂર્વક જણાઈ રહ્યો હતો. મનહરલાલ એ ધીરેથી બારણું ખોલ્યું, અને અગંતુકને જોઈને ત્યાંજ જમીન પર બેસી પડ્યો.

આગંતુક એ ખાખી કપડાં પહેર્યા હતાં. ખિસ્સામાંથી એક કાર્ડ કાઢીને એણે મનહરલાલ ને બતાવ્યું. "ઈન્સ્પેકટર પ્રધાન" તે બોલ્યો હતો. આગળ ઈન્સ્પેકટર પ્રધાન જે બોલ્યા તેના પર તો મને વિશ્વાસ જ ના થયો ! મનહરલાલ એક ગુનેગાર હતો, પોતાની પત્નીનું જ ગુસ્સામાં આવીને ગળું દબાવીને હત્યા કરનાર ગુનેગાર ! અત્યાર સુધી તે સંતાતો ફરતો હતો પણ અંતે પોલીસે તેના સગડ મેળવી જ લીધા.

મનહરલાલ પોલીસ સાથે વિદાય થઈ ગયો, મને વિચારમગ્ન દશામાં મૂકીને ! તો આ માણસની હું દયા ખાતો હતો એટલા વખતથી ! ખરેખર, દેખાવ કેટલા ભ્રામક હોય છે !

એ વાત તો સાચી કે અરીસો કદી અસત્ય નથી કહેતો. .

પણ અરીસાને ગેરસમજ તો થઈ જ શકે ને !


Rate this content
Log in