STORYMIRROR

Jwalant Desai

Comedy

3.9  

Jwalant Desai

Comedy

ટ્યુશન

ટ્યુશન

3 mins
128


સાંજે હું ઘરે આવ્યો ત્યારે મે જોયુ કે બાજુ માં રહેતો છોકરો સાગર સોફા પર બેઠેલ હતો.

"અરે સાગર ! તું અહીંયા?" મેં આશ્ચર્ય વ્યક્ત કર્યું.

"હમ આયે નહિ ભેજે ગયે હૈ" સાગરે ફિલ્મી સ્ટાઈલમાં જવાબ આપ્યો.

"સાગરની મમ્મી કહેતી હતી કે તેને ભણવામાં રસ નથી. એટલે હું તેને રોજ ભણાવીશ." પત્ની એ કહ્યુંં.

મેં સાગર તરફ જોયું. તેના ચહેરા પર કંટાળાના ભાવ હતા. જાણે કહી રહ્યો હતો, "તમે પણ પ્રયત્ન કરી લો. અહી તો કેટલા આવ્યા અને કેટલા ગયા પણ મને કોઈ ભણાવી નથી શક્યું !"

"તો અત્યારે શું ચાલી રહ્યું છે?" મેં રસ બતાવ્યો.

"વ્યાકરણ" પત્ની એ જવાબ આપ્યો." સાગર મને કહે, હું સુંદર છું એ કયો કાળ કહેવાય?"

"ભૂતકાળ જ હોય ને ! અત્યારે તમને કોણ સુંદર કહે ?" સાગરે ટપ દઈને જવાબ આપ્યો.

પત્ની આ સાંભળી ને સ્તબ્ધ બની ગઈ ! મામલો હાથથી બહાર જઈ રહ્યો હતો એ જોઈને હું વચ્ચે પડયો.

"એમ નહિ બેટા, ફરી વાર પ્રયત્ન કર. મેં ચોરી કરી છે એનું ભવિષ્યકાળ શું હશે?"

સાગરે મારી તરફ તિરસ્કારથી જોયું, "તમે જેલમાં જશો."

પત્ની એ કહ્યું, "મને લાગે છે કે વ્યાકરણ તને પછી સમજાવીશ. અત્યારે આપણે વિજ્ઞાન ભણી લઈએ"કહીને એણે ગુરુત્વાકર્ષણ વિશે એક નાનકડું પ્રવચન આપ્યું.

અચાનક તેનું ધ્યાન ગયું કે સાગર ઝોકાં ખાઈ રહ્યો હતો.

પત્ની એ ગુસ્સો દર્શાવ્યો,"સાગર ! તું સૂઈ રહ્યો છે?"

"ના ! એ તો ગુરુત્વાકર્ષણ ના લીધે મારી ડોક જમીન તરફ જઈ રહી છે." સાગરે સ્પષ્ટતા કરી.

હવે હું વચ્ચે પડયો, "જોકે, છોકરો કોન્સેપ્ટ બરાબર સમજી ગયો છે હોં !"

પત્ની બોલી, "સારું. વિજ્ઞાન માં કંટાળો આવતો હો

ય તો ભૂગોળ ભણી લે. મને કહે, ભારતની સૌથી ખતરનાક નદી કઈ છે?"

"ભાવના, કારણ કે તેમાં સૌ કોઈ વહી જાય છે !"

"આ નદી નથી બેવકૂફ ! સારું ગંગા ક્યાંથી નીકળે છે અને કોને મળે છે?"

સાગર ને આ જવાબ તો આવડતો હતો, " ગંગા ટ્યુશન ના બહાને ઘરેથી નીકળે છે અને તેના બોયફ્રેન્ડને મળે છે !"

પત્ની કશું બોલી નહિ. પછી તેણે કહ્યુંં, "હું થોડીવારમાં આવું છું. ત્યાં સુધી તું નોટબુકમાં એક થી સો લખી નાખ."

કહીને તે જતી રહી. હું પણ ઊભો થઈને ફ્રેશ થવા ગયો.

થોડો સમય શાંતિ છવાયેલ રહી. પછી અચાનક પત્ની ની બૂમાબૂમ સંભળાઈ. હું દોડીને લીવિંગ રૂમમાં પહોંચ્યો.

પત્ની સાગર ને કહી રહી હતી, "તું મારા ઘર માં ઊંઘી ના શકે !"

"તમે થોડો અવાજ ઓછો કરો તો ઊંઘ આવી જાય. બાકી આવા ઘોંઘાટમાં તો કોણ ઊંઘી શકે?" સાગર બોલ્યો.

"તું અહી સૂવા આવ્યો છે? મેં તને એક થી સો લખવાનું કહ્યુંં હતું ને?"

"એ તો ક્યારનું લખી નાખ્યું !' કહીને સાગરે નોટબુક પત્ની

આગળ ધરી. તેની ત્રણ શબ્દો લખ્યા હતા, "એક થી સો"

મને હસવું આવી ગયું. પત્ની એ મારી સામે ડોળા કાઢયા.

ત્યાં સાગર બોલ્યો, "તો હું જઈ શકું? એક કલાક તો થઈ ગયો !"

પત્ની ગિન્નાઈ હતી. તેણે સાગરને કહ્યુંં, "તે આજે ટાઇમપાસ જ કર્યો છે. સારું હું એક સવાલ પૂછીશ. એ તને આવડી ગયો તો તું જઈ શકે છે."

આ સાંભળી ને સાગરે રસોડા તરફ દોટ મૂકી અને થોડીવારમાં પાછો ફર્યો.

"કિચનમાં કેમ ગયો હતો?" પત્નીએ પૂછ્યું.

"પાણી પીવા" સાગરે જવાબ આપ્યો." અને મે તમારા સવાલનો જવાબ આપી દીધી છે, એટલે શરત પ્રમાણે હું જઈ રહ્યો છું."

કહીને તે વિદાય થઈ ગયો !


Rate this content
Log in

Similar gujarati story from Comedy