વિશુદ્ધ પ્રેમ
વિશુદ્ધ પ્રેમ


પતિ અને સાસરિયાના બેહૂદા વર્તનથી ત્રાહીમામ થઈ ગએલ હર્ષાએ અનેકવાર માતા-પિતાના ઘરનો દરવાજો ખખડાવ્યો. દરેક વખતે માતપિતા સમાજ શું કહેશે? તેની બીકે "તું ઘર ભાંગીને પાછી આવીશ તો પાછળની ચાર બહેનોને આપણી માળીની નાતમાં કોણ લઈ જશે?" એમ કહી સમજાવી પાછી મોકલી દેતા. તેના પિતાનો શહેરમાં ફૂલોનો ખૂબ મોટો ધંધો અને આઠ દસ મોટી ફૂલો, હાર અને બુકે વેચવાની દુકાનો હતી. હર્ષા અને તેની બહેનોને પિતાએ ખૂબ સરસ ભણાવી. હર્ષા પણ પેથોલોજીસ્ટ થઈ શહેરની જાણીતી લેબોરેટરીમાં જોબ કરતી હતી.લગ્નબાદ સંકુચિતમાનસવાળા સાસરિયાએ તેની જોબ છોડાવી દીધી. શ્રીમંત પણ અભણ પતિ ખૂબ હોશિયાર ને ચાલાક પત્નીને દબાવીને રાખવા માનસિક ને શારિરીક જુલમ કરતો. હર્ષાથી મોટી બહેન ગરબાના કલાસ ચલાવે. ગરબાના ગ્રુપને લઈને તે અમેરિકા પ્રોગ્રામ કરવા આવવાની હતી. આ સાંભળીને હર્ષાના મગજમાં એક વિચારનો ચમકારો થયો. સાસરામાંથી પિયર રહેવા જાઉં છું કહીને તે ઘરમાંથી નીકળી ગઈ. ગ્રુપ સાથે અમેરિકા આવી ગઈ. અમેરિકામાં જુદાજુદા શહેરોમાં શો કરીને શિકાગોથી ઈન્ડીયા જવાને દિવસે બહેનને સમજાવીને કહી દીધું “મિતા, હું તો હવે અહીં જ રહી જાઉં છું. મારે એ નરકમાં પાછા પતિને ઘેર જવું નથી.પિતાને ત્યાં આશરો નથી,મારી સહનશક્તિની હવે હદ આવી ગઈ છે.” મોટીબહેન મિતા પણ બધું જાણતી હતી એટલે ભારેહૈયે તેને હા પાડી.
શિકાગોના એરપોર્ટ પર હર્ષાના નામની ઉપરા ઉપરી અનાઉન્સમેન્ટ થઈ રહી હતી. ગરબાના ગ્રુપવાળા મિત્રો હસમુખી ને આનંદી હર્ષાની ગેરહાજરીથી ગભરાએલ હતા. તેની બેન મિતા અંદરથી સ્વસ્થ હોવા છતાં લોકો સામે ચિંતાતુર, ગભરાએલ હોવાનો ડોળ કરી રહી હતી. હર્ષાની જિગરજાન બહેનપણી વાત જાણતી હોવાથી ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી કે હવે તેને માટે તેની દિલોજાન જાણે હંમેશ માટે છૂટી પડી ગઈ...........અને જ્યારે પ્લેન આકાશમાં ઉડાન ભરવા રન-વે પર દોડવા લાગ્યું તો ગરબાગ્રુપમાં અંદર અંદરની ગુસપુસે કોલાહલનું સ્વરૂપ લઈ લીધું. મિતાની આંખમાં પણ હવે તો આંસુઓ ઊભરાઈ ગયા.તેના ગળામાં ડૂમો ભરાઈ ગયો હતો. પરાણે ધરબી રાખેલ વેદનાથી તેની છાતી ફાટફાટ થઈ રહી હતી. આ બાજુ હર્ષા પણ પોતાની જાતને પોતે જ હિંમત આપી રહી હતી.
હર્ષા અમેરિકામાં પતિ, ભારતીય સમાજ ને પોતાની મુશ્કેલીઓથી ભાગીને રહી ગઈ હતી પણ હવે અહીં ગેરકાયદેસર રહીને જે મુશ્કેલી પડવાની હતી તેનો અંદાજ તેને નહોતો.
બે અઠવાડિયા મિતાના કોઈ સગાને ત્યાં હર્ષા રોકાઈ તે દરમ્યાન કેટલીએ જગ્યાએ નોકરી માટે ધક્કા
ખાધા. ઈલીગલનો પગાર ૭૦ની સાલમાં કલાકના બે ડોલર ચાલતો અને ઈન્ડીયન સ્ટોર, મોટેલ કે રેસ્ટોરન્ટમાં પોતાના દેશના લોકોનું જ શોષણ માલિકો કરતા. અજાણ્યો દેશ, અજાણ્યા લોકોની વચ્ચે બેસહારા હર્ષા કામ માટે દર દર ઠોકરો ખાઈ રહી હતી. દોમ દોમ સાહબીમાં ઉછરેલ, ભણેલીગણેલી, દેખાવડી અને સ્માર્ટ છોકરીની દશા ભિખારીથી બદતર હતી. શરુઆતના બે ત્રણ મહિના તો પાંચ છ લોકો સાથે એક નાના રુમમાં તે રહી. દિવસના ચૌદ કલાક કામ કરીને, તેને દારુની ને ડ્રગની વાસવાળા, ચરિત્રહીન લોકો સાથે રાત જાગતા રહીને, કોઈ અજાણ્યા ભયને બીકના થરથરાટમાં જ ગુજારવી પડતી. ભણેલા ગણેલા હોશિયાર લોકો ભારતમાંથી અમેરિકાની ચકાચૌંધ જોઈ - આ ડોલરિયા દેશમાં રહી જાય છે પણ કાયદામાં આ દેશ કેટલો કડક છે તેનો અંદાજ જ તેમને હોતો નથી ને પછી "નહી ઘરનાં ને નહી ઘાટનાં" જેવી દશા થાય છે.
પોતાના દેશથી માઈલો દૂર કોઈના પ્રેમ કે હૂંફ અને સાથ સહકાર વગર ખૂબ સ્ટ્રગલ કરી ચાર પાંચ
મહિનામાં તો હર્ષા ડીપ્રેસ થઈ ગઈ હતી. હવે શિકાગોમાં શિયાળો શરુ થઈ ગયો હતો.ભૂખ્યા વરુ જેવા માણસોની હવસ ભરી નજરથી બચવા તેણે એક વૃદ્ધના ભોંયરામાં નાની રુમમાં જગ્યા શોધી કાઢી.
હર્ષાની ઉંમર બત્રીસ અને મકાન માલિક લીયોની પંચોતેર. હવે અહીં હર્ષા કામ કરીને આવીને થાકી હોય પણ શાંતિથી રાતે ઊંધી શકતી. પિતાની ઉંમરના લીયો સાથે વાતચીત કરીને પણ તે તેનું દુ:ખ હળવું કરતી.
લીયો ક્યારેક તેને સ્નોમાં ગાડીમાં રાઈડ આપતો.રોજ સવાર સાંજ તેની સાથે વાતો કરીને અમેરિકામાં તે એકલી નથી તેવી હૂંફ અને પ્રેમ આપી તેને ડીપ્રેશનમાંથી બહાર કાઢવા કોશિશ કરતો. એક દિવસ હર્ષાને ઠંડી ચડીને તાવ આવ્યો ચાર દિવસ તે ઊભી ન થઈ શકી. જોબ પર પણ આવી તબિયતે કેવી રીતે જાય? લીયો તેને દિવસમાં ત્રણવાર તેના રુમમાં જઈ કોફી અને દવા આપતો. પાંચમે દિવસે લીયો હર્ષાના રુમમાં ગયો તો તાવમાં ધગધગતી હર્ષા જાણે હોશકોશ ખોઈ લાકડું બની બેભાન જેવી અવસ્થામાં પડી હતી.
લીયો તેને ઈમરજન્સીમાં લઈ ગયો.તે સાજી ન થઈ ત્યાં સુધી તેની પાસે જ બેસી રહ્યો. તેની દીકરીની જેમ કાળજી લીધી. બે દિવસ પછીની સારવાર બાદ જ્યારે હર્ષાએ આંખો ખોલી ત્યારે તેની આભારવશ, લાગણથી લદબદ આંસુ ભરેલ આંખ જોઈ લીયોનાં આંસુ ગળામાં ફસાયા ને મોઢામાં શબ્દો અટવાયા. ક્યાંય સુધી તે હર્ષાના માથા પર હાથ ફેરવતો રહ્યો અને તેના અખંડ પ્રેમના પ્રવાહને રણની તરસી ધરતીની જેમ તે પીતી રહી. તેની અપલક નેત્રોમાંથી આંસુની ધારા પણ વહેતી રહી.
લીયો તેને ઘેર લઈ જઈને સીધો પોતાના રુમમાં જ લઈ ગયો અને હવે તેને ઉપર તેની સાથે જ હંમેશ માટે રહેવાનું ફરમાન કરી દીધું. સાજી થઈ હર્ષા જોબ પર ગઈ તો આટલા દિવસ નહી જવાથી તેની જગ્યાએ
બીજા કોઈને લઈ લીધી હતી. પરાણે મળેલ જોબ જતી રહેવાથી તે દુ:ખી ને નિરાશ થઈ પાછી ફરી. નવી જોબ
શોધવાના પ્રયત્નો તેણે શરુ કર્રી દીધા પરંતુ લીયો ના પ્રેમ, હૂંફ અને સહકારથી તેનામાં નવી તાજગી આવી ગઈ હતી. પહેલાની હસતી, રમતી હર્ષા હવે પહેલા જેવી જ વસંતની લહેર બની ફરકી રહી હતી. તેણે લીયોના ઘરને ચોખ્ખું ચણાક કરી,પોતાની રીતે રાચરચીલું ગોઠવી દીધું. રસોઈમાં માહિર હર્ષા રોજ અવનવી વાનગી કરી લીયો ને ગરમ ગરમ જમાડતી. આમ દિવસો વીતતા જતા તેમ તેમ લીયોને હર્ષાની કાબલીયત ને પ્રેમાળ સાફદિલીનો પરિચય થતો જતો હતો. તેને જાણે ગયા જન્મની તેની દિકરી પાછી મળી હોય તેમ લાગતું. હવે તેઓ સાથે બહાર હરવા, ફરવા ,જમવા અને મોલમાં ગ્રોસરી કરવા પણ જતા.
અને અરે !!!!!!! એક દિવસ સવારે ઊઠી ને તેણે હર્ષાને કીધું"ચાલ તૈયાર થઈ જા" હર્ષા કહે સવાર સવારમાં કયાં જવું છે?તો કહે “કોર્ટમાં” હર્ષાને કંઈ સમજાયું નહી એટલે કહે “પણ કેમ કોર્ટમાં?”તો કહે “આપણે લગ્ન
કરી લઈએ એટલે તું લીગલ થઈ જાય. એક બે કોર્સ કરીને તું તારા ફીલ્ડની જોબ કરી શકે. ગાડી ચલાવી શકે.
તું તારી જિંદગી ખરેખર માણીને જીવી શકે.” આટલું સાંભળતા તો હર્ષા દોડીને આવી ને લીયોના શર્ટના કોલર પકડી તેના છાતીમાં ગુંમ્બા મારતી મારતી હૈયા ફાટ રુદન કરવા લાગી “હેય લીયો ! તેં મારા પ્રેમને અભડાવી દીધો.............હું તો તને મારા પિતાની જેમ પ્રેમ કરું છું” લીયોએ તેને છાતી સરસી ચાંપી દીધી
અને વહાલથી તેના માથાને ચૂમી લીધું ને કહ્યું "મારી વહાલ સોયી દીકરી, હું પણ તને દીકરીની જેમજ પ્રેમ કરું છું.” તને અમેરિકામાં લીગલ કરવા અને કાલે હું મરી જાઉં તો મારું આવતું મોટું પેન્શન ને બધી મિલકત ને પૈસા તને કાયદેસર મળે તે માટે આ સિવાય કોઈ રસ્તો નથી. મારી પાસે જિંદગીના થોડા દિવસ છે જેમાં મારે તને ખુશખુશ જોવી છે.”
કોઈ અનોખા આનંદને અનુભવતી હર્ષા અનિમેષ નજરે લીયોને જોતી રહી. ભારતમાં તો બધા વાતો કરે છે કે “પેલી માળીની દીકરી હર્ષા કોઈ તેનાથી ચાલીસ વર્ષ મોટા અમેરિકનને પરણીને જલસા કરે છે.” પણ બે વિશુદ્ધ પ્રેમી બાપ-દીકરીને સમાજની કોઈ પરવા નથી. તેમનું જીવન ફક્ત ને ફક્ત એક બીજા માટે જ છે.
સમાજની સ્વીકૃતિની તેમને કોઈ જરુર નથી.