STORYMIRROR

Jigisha Patel

Children Inspirational Thriller

2.3  

Jigisha Patel

Children Inspirational Thriller

સંવેદનાના પડઘા

સંવેદનાના પડઘા

5 mins
511


બકુ આજે બહુ ખુશ હતી.તેને સ્કુલેથી સીધા મામાને ધેર જવાનું હતું. મામાને ઘેર બકુને જવાનું બહુ ગમતું. એ ય મઝાની મસ્તી જ મસ્તી. એક જાતની નિશ્ચિંતતા, માથે નહીં ભણવાનો ભાર અને મામા લાડ લડાવે એ વધારાના.ભારે ઉત્સાહથી બકુ અને તેની બહેન સ્કુલેથી મામાના ઘેર પહોંચ્યા તો ઘર પાસે એક મોટું ટોળુ ઊભું હતું. કુતૂહલવશ બકુ પણ ટોળામાં ઘૂસી ગઈ. ત્યાંનું દ્રશ્ય જોઈ તે થોડી ગભરાઈ ગઈ.
મામાના ઘરની બાજુના જ ઘરમાં રહેતી તેની બહેનપણી મરચી ટોળાની વચ્ચે ગભરાયેલ બેસહાય આંખો ફાડીને ઊભી હતી.એના લાંબાં કાળા વાળ છુટ્ટા વિખરાયેલ હતા. સામે ઉભો હતો એક બનાવટી વાળનો અંબોડો વાળેલ માણસ જેણે કાળો ઝભ્ભો ને કાળી લૂંગી પહેરી હતી.ગળામાં રંગબેરંગી મણકા અને રુદ્રાક્ષની માળાઓ પહેરી હતી.તેનું કપાળ કંકુથી ખરડાયેલ હતું ને તેની પર કાળો લાંબો ટીકો કર્યો હતો. આંખની આજુબાજુ પણ મેશથી મોટા લીટા કર્યા હતા. તેના એક હાથમાં મોટી દીવી જેવું ધૂપીયું હતું.તેમાં સળગતા કોલસામાંથી ઘૂમાડો નીકળતો હતો.એક હાથમાં મોરપીંછની સાવરણી ને બીજા હાથમાં ઘૂમાડા કાઢતું ધૂપીયું લઈ મોટા મોટા ડોળા કાઢતો તે મરચીંની ગોળ ગોળ ફરતો હતો.એક બે આંટાં મારીને એણે ધૂપીયું નીચે મૂકી એમાં સૂકા લાલ એક બે મરચાં નાંખ્યા ને હાથમાં લાંબો ચીપિયો લઈ તેણે મરચીંના વાળને જોરથી પકડ્યાને ઢેડ હીન્દીમાં બોલવા લાગ્યો "નીકલ રુપલી નીકલ યહાંસે આજ મૈં તુમ્હેં છોડનેવાલા નહીં હું”. ત્યાં તો જોરથી હાકોટો પાડી ને ભૂવાએ ગરમ ચીપિયો લઈ મરચીંના વાંસામાં અડાડયો ને ગભરાયેલ અને મરચાંની ધૂણીથી રુંધાયેલ શ્વાસ સાથે ચીપિયાના ગરમ ડામની વેદનાથી મરચી ચિત્કારી ઊઠી. થરથર કાંપતી મરચીં ચીસ પાડીને જમીન પર ફસડાઈ પડી...... તેના મોંમાથી ફીણ નીકળવા લાગ્યું. તેના હાથપગ એક બાજુથી ખેંચાવા લાગ્યા ને જાણે તેનો ચહેરો વિકરાળ બની ગયો.ભૂવાએ જોરથી હાકોટો કર્યો કે “સબ નીકલ જાઓ યહાંસે રુપલી જા રહી હૈ.” બધાં ગભરાઈને પોતપોતાના ઘરમાં ઘૂસી ગયાં, પોત પોતાના છોકરાંઓને બાથમાં લઈને, જાણે મરચીંમાંથી નિકળીને રુપલી તેમનાંમાં ન ઘૂસી જવાની હોય!!
રુપલી વાઘરણ મામાની પોળમાં રોજ સીઝનલ ફળો વાંસનાં કરડિયામાં લઈ વેચવા આવતી. રુપ રુપના અંબાર જેવી રુપાળી રુપલીની માંજરી આંખોને તેનો મીઠો મધુર અવાજ હર કોઈના દિલ હરી લે તેવો હતો. લોકો કહેતા આ કોઈ સારા માણસનું ફરજંદ લાગે છે. વાઘરણનો તો એક અણસાર પણ લાગતો નથી. ના મોંમાથી કોઈ ગાળ કે અપશબ્દ, બોલવાની લઢણ ને શું એની એનો માલ વેચવાની આવડત!!! રોજના રોજ તાજા મીઠાં ફાલસા, જાબું, ચણીબોર, ગુંદા, ગોરોસાંબલી, સીતાફળ, જામફળ જેવા સીઝનલ ફળનો કરંડિયો ભરીને આવતી અને પોળમાં જ માલ ખાલી કરીને જતી. પોળમાં આવીને પહેલાં ઊંચા ઓટલાવાળા માધવને ત્યાં કરંડિયો ઊતારતી. તેના આવવાના સમયે માધવના વયસ્થ માતા - પિતા મંદિરે પૂજા કરવા ગયેલા હોય. રુપલી રોજ લગભગ નવ વાગે આવતી ને માધવના મા-બાપુનો પણ એજ સમય હતો મંદિરે જવાનો. રુપલી ઊંચા ઓટલે આવી મીઠા અવાજે ચોકમાં હીંચકા પર બેઠેલા માધવને” માધુ જરા ટોપલો ઊતરાવવા મદદ કરશો?” કહેતી ને માધવ તેને મદદ કરતો. રુપલી માધવ ને “જો માધુ આ જાબું બહુ મીઠા છે, આ ચીકુ તો ચાખને આ..અનારદાણા તો જો કેવા લાલઘૂમ છે. આમ કહી બધું ચખાડી દેતી. તે ફળો વેચતાં પહેલાં ઘરાકને ચખાડીનેજ માલ વેચતી. પોળમાં માધવના આંગણામાં બેસીનેજ બધો માલ ખાલી કરી ઘેર જતી. માધવ સત્તર વરસનો હતો રુપલી કરતાં એક વરસ નાનો. રુપલીને મનમાં એવું વસી ગયું હતું કે માધુનો હાથ એના ટોપલાને અડે છે ને એના શુકનથી એનો બધો માલ વેચાઈ જાય છે ને એટલે એ માધવને જ ગમે તેમ કરીને જુદા જુદા ફળો ચખાડતી. ફળ કાપીને હાથ ધોવાને ગરમીના દિવસમાં પાણી પીવા પણ માધુના ઘરમાં જ જતી. માધવ રુપલી ને તેના સાચા નામ રુપાથી બોલાવતો જે રુપલીને બહુ ગમતું. આમ જુવાન હૈયા ને રુપલીનું ફાટફાટ થતુ

ં યૌવન કે માધુનો સૌજન્યપૂર્ણ વ્યવહાર કોણ કોને સ્પર્શી ગયું તેતો ભગવાન જાણે પણ બંનેને પ્રેમ થઈ ગયો..........વાત ને વહેતા કેટલી વાર.......ને માધવને તેના પિતા એ મુંબઈ કાકાને ઘેર મોકલી દીધો ને વાત વહેતી મૂકી કે માધવ ભણી રહે એટલે મુંબઈમાં જ ધંધો કરવાનો છે. રુપલીએ થોડા દિવસો તો માધવ પાછો કયારેક તો આવશે સમજી વિતાવ્યા પણ તેને જયારે વાત મળી કે તેનો માધુ કયારેય પાછો નથી આવવાનો ત્યારે તેણે કેરોસીન છાંટીને પોતાની જાતને જલાવી દીધી. અને આમ આપઘાત કરીને મરી ગયેલ રુપલી ભૂત થઈ છે ને મરચીં ને તે જ વળગી છે એવું પોળની અભણ પંચાતિયણ બહેનો એ મરચીની મા મંગુને મગજમાં ભરાવી દીધું! ને હવે તો ભૂવો જ ભૂત ભગાડશે તેમ તેને ઠસાવી દીધું.

હજી તો બેભાન જેવી અવસ્થામાં મરચીં પોળની વચ્ચે ચત્તાપાટ સૂતેલ પડી હતી. મંગુકાકી વ્હાલસોયી દિકરીને મોં પર પાણી છાંટીને રડતાં રડતાં તેના માથે હાથ ફેરવતાં, ફેરવતાં બોલતાં હતાં "મૂઈ રુપલી મારી દિકરીનું લોહી પી ગઈ, બેટા, હવે તો ઊઠ એ ગઈ....”
એટલામાં તો પોળના નાકા પરનું દવાખાનું ચલાવતા ને લંડન જઈને ભણી આવેલ ડોકટર કીકુભાઈ સીતવાલા સ્કુટર લઈને ત્યાં કોઈની વિઝીટ પર જવા આવ્યા હતા ને મંગુકાકી ને આમ પોળ વચ્ચે બેસીને રડતાં જોઈને અને મરચીં ને આમ પોળના ચોકમાં સૂતેલી જોઈ તેમણે સ્કુટર પાર્ક કર્યું ને પૂછ્યું ”આ નિરુ, કેમ આમ સુતી છે તેને હિસ્ટેરિયાનો એટેક આવ્યો લાગે છે!” મંગુકાકીના ફેમિલી ડોકટર કીકુભાઈ જ હતા ને તે મરચીંને તેના સાચા નામ નીરુથી જ ઓળખતા હતા. મંગુકાકીએ કીધું "છેલ્લા એક મહિનાથી એની તબિયત સારી નથી આ રુપલી વાઘરણનું ભૂત વળગ્યું હતું તે આજે ભુવો બોલાવી ભૂતને ભગાડયું." ડોક્ટર એની નાડી તપાસવા લાગ્યા ને તેના કચકચાવીને ભીડાયેલ દાંત ને મોંમાંથી નીકલેળ ફીણ જોઈ ડોક્ટર બોલ્યા “કોઈ ભૂત બૂત વળગ્યું નથી આને હિસ્ટેરીયાના એટેક આવ્યો છે એને માનસિક રોગ કહેવાય, પરિસ્થિતી પ્રમાણે તેમાં વધઘટ થાય.” એટલામાં બકુના મમ્મી જે સ્કૂલના પ્રિન્સિપાલ હતા તે આવી પહોંચ્યાં. ડોકટરને જોઈને તે બોલ્યા "કીકુભાઈ મરચીંને શું થયું ? કેમ આમ રસ્તા વચ્ચે ચોકમાં સૂતી છે?” ડોકટર કહે "શારદાબેન તમે ભણેલા ગણેલા લોકો, તમારા પડોશીઓને એટલું તો સમજાવો કે નીરુને માનસિક રોગ છે તેની સારવાર ને દવા કરવી પડે. આમ દોરાધાગા ને ભૂત-ભૂવા કરવામાં છોકરી ગુમાવશે.” ડોકટરે નીરુને બે ઈંજેક્શન આપ્યા ને ચાર જણા ભેગા થઈ તેને ઘરમાં લઈ જઈ સુવાડી. ડોકટરે તેને કાલે સારું લાગે ત્યારે દવાખાને લઈ આવવા કીધું ને ત્યાંથી પોતાના કામે નીકળી ગયા.
શારદાબેને મંગુભાભીને સાંત્વન આપી શાંત પાડ્યા અને સમજાવતા કહ્યું.
"ભાભી આપણી નિરુને હીસ્ટેરિયા નામનો મગજનો રોગ છે. તે એક જાતનું માનસિક અસમતુલન છે.જયારે તેને એટેક આવે ત્યારે તે તેના વર્તન અને લાગણી પર પોતાનો કાબુ ગુમાવે છે તેથી તે ખૂબ રડે છે, ચીસો પાડે છે, એકલી એકલી વિચિત્ર હસે છે, ખૂબ ગુસ્સો કરે છે, તેને એટેક આવે એ પહેલાં અસહ્ય માથુ દુ:ખે છે, ગભરામણ થાય છે ને શ્વાસ લેતા તકલીફ પડે છે ને કયારેક બેભાન થઈ જાય છે. એના મગજને શાંત પાડવા દવા જ કરવી પડે. તેની લાગણીઓ દુભાય નહીં તેવું વર્તન કરી તેને રોગમાંથી બહાર લાવવા પ્રયત્ન કરવો જોઈએ. તે કેમ કરીને ખુશ રહે તે તમારે વિચારવું જોઈએ. બહુ ગુસ્સો કરે છે એટલે તીખી મરચાં જેવી છે કહીને તમેજ એને મરચીં કહી ને બોલાવો તો ગામની તો વાત જ શી?
ડોકટરની વાત સાવ સાચી છે. કોઈ ભૂત બૂત વળગ્યું નથી ને પરાણે મીઠી લાગે એવી રુપલી પણ કોઈને વળગતી હશે એતો દેવ થઈ ગઈ!!
બકુ પણ મમ્મીની પાછળ ઊભી રહી બધી વાત ધ્યાનથી સાંભળતી હતી ને તેની બહેનપણી મરચીંને ભૂત નથી વળગ્યું સાંભળી ખૂબ ખુશ થઈ મમ્મીને જોરથી વળગી પડી.


Rate this content
Log in

Similar gujarati story from Children