વિજયાનો વિજય
વિજયાનો વિજય


ધર્મજ ગામમાં હાહાકાર મચી ગયો હતો. પેલા સાકરચંદ અમીનની વિજયાવહુ ત્રણ દીકરીઓને લઈને ઘર છોડી રાતોરાત નાસી ગઈ!!!!!!!!! સાકરચંદ અને તેની પત્ની તો સવારમાં ઊઠીને ત્રણે દીકરીઓ અને વિજયાને નહી જોઈને ગભરાઈ જ ગયા ! પહેલા તો તેમના સ્વભાવ મુજબ સાકરચંદ ગુસ્સામાં ખૂબ બરાડ્યા. પછી દીકરો તો બહારગામ હોઈ ઘરની વાત બહાર જવા દેવા માંગતા ન હોવાથી પોતે જ માસ્તરના ગામ વિજયાને ઘેર ઊપડ્યા. બહાર જ જીપ ઊભી રાખી ગાળો દઈ ઘાંટા પાડવા લાગ્યા પણ તેમને ખબર પડી કે વિજયાને છોકરીઓ અહીં નથી તો જરા ખસિયાણા પડી ગયા. હવે ઉપરથી હેડમાસ્તર વિજયાના પિતા તેમને પૂછવા લાગ્યા કે 'તમે એવું તો શું મારી દીકરી સાથે વર્તન કર્યું કે મારી સોના જેવી દીકરીને ઘર છોડવા મજબૂર થવું પડ્યું?' ત્રણ દીકરીઓને લઈને દીકરી કયાં ગઈ હશે તેના વિચાર માત્રથી હલી ગયેલા માસ્તરે સાકરચંદના ખભા હચમચાવી પૂછ્યું “કયાં શોધું મારા આંખના રતનને મને જવાબ આપો???”કહી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. સાકરચંદ “હું બધે તપાસ કરાવું છું ” કહી જીપમાં બેસી ચાલ્યા ગયા. પોતાના દીકરાને તાબડતોબ પાછો બોલાવી લીધો.વિકાસ ઘેર આવ્યો તો કબાટમાંથી વિજયાનો લખેલ કાગળ મળ્યો .
તેમાં જાણે પન્ના નાયકના શબ્દો લખેલા હતા.
કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ
ટહુકા કરવાનું મને મંજૂર નથી.
જે બોલે તે બોલવાનું ને નાગ જેમ ડોલવાનું,
મને આવું અઢેલવાનું મંજૂર નથી.
સાકરચંદે વિકાસને વિજયાને લેવા મોકલ્યો પણ હવે બહુ મોડું થઈ ગયું હતું. વિજયા પાછી ફરવા કોઈપણ ભોગે તૈયાર ન હતી. ન એ વાતાવરણમાં એની દીકરીઓને ઉછેરવા મોકલવા એ તૈયાર હતી. વિકાસના ગયા બાદ જે પરિસ્થિતિમાં તેણે ઘર છોડ્યું હતું તે એક પછી એક તેના માનસપટ પર છવાતું જતુ હતું.
વિજયાનું માથું આખી રાતના ચાલી રહેલ વિચારોથી અને ડહોળાએલ ઉદાસીન મનને લીધે ફાટફાટ થઈ રહ્યું હતું. ગર્ભાવસ્થાને લીધે આમ પણ તેની તબિયત થોડી નરમ ગરમ રહેતી હતી. ખાવાનું કંઈ ભાવતું નહીં અને થોડું ખાય તે પેટમાં ટકતું નહી. સાથે સાથે ત્રણ દીકરીઓનું ધ્યાન રાખવાનું તેમને સ્કૂલે મોકલવા વિગેરે તો ખરું જ. ભણેલી ગણેલી વિજયાને તો બે દીકરીઓ અંબા અને અંબિકા આવ્યા પછી બાળક જોઈતું જ નહતું પરંતુ તેના સરમુખત્યારશાહી ચલાવતા સસરા અને સંકુચિત માનસ ધરાવતા સાસુની આગળ તેના પતિનું કંઈ ઉપજતું નહી. તેમની વાતોમાં આવીને જ ત્રીજી દીકરી અંબાલિકા આવી હતી. દીકરો તો જોઈએ જ. તેના વગર આપણો વંશ આગળ ન વધે. આપણો આટલો મોટો ભર્યો ભાદર્યો કારોબાર કોણ ચલાવે? પોતાના માતા-પિતાના રોજના દબાવથી તેના પતિ વિકાસે પણ વિજયા પર દબાણ કર્યું અને અંબાલિકા આવી.
અંબાલિકાના જન્મ સમયના તેના સાસુના શબ્દો હજુ તેને યાદ છે. આ ત્રીજો પાણો જણ્યો વિજીએ. ત્રીજી દીકરી આવી જાણ્યા પછી તો એ તેને જોવા દવાખાને પણ આવ્યા નહોતા.અને ઘેર આવી ત્યારે તેના ઘરમાં પગ મૂકતા જ કહે “કોણ જાણે દીકરાનું મોં જોવાનું મારા નસીબમાં ભગવાને ક્યારે લખ્યું હશે? " આવી સાસુની વાહિયાત વાતો સાંભળીને વિજયા સમસમીને રહેતી. એને માટે તો એની દીકરીઓ દીકરા જેવી જ હતી. તેને તો દીકરા દીકરીમાં કંઈ જ ભેદ નહોતો અને એની દીકરીઓ તો નામ પ્રમાણે ગુણ ધરાવતી સાક્ષાત્ દુર્ગાના અવતાર સમી તેજસ્વી અને શાણી. વાકચાતુર્યમાંતો એકથી એક ચડે. અંબાલિકાના જન્મસમયે તેની સાસુએ ઘરફેરો કરીએ તો દીકરો આવે એમ કહી વિજયાને પિયર ન મોકલી. તેમનાં ઘેર કામ કરતા શારદાબેન જ તેની પાસે રહેતા.એણે કેટલા વાના કર્યા છતાં બાળક બંધ થવાનું ઓપરેશન પણ ન કરાવવા દીધું. અને વિજયાને ઓપરેશન કરાવવું છે તેવી ખબર પડતાં જ વિકાસને અગત્યનું કામ છે કહી બહારગામ મોકલી દીધો હતો.
પણ હવે તો પાણી હદ વટાવી ચુક્યુ હતું.આગલી રાત્રે તેણે તેની સાસુને રુમમાં રાત્રે દૂધ આપવા જતા જે વાત સાંભળી તેનાથી તો તે સાવ ડઘાઈ જ ગઈ અને આખી રાત સૂઈ ન શકી.હવે તેણે શું કરવું તે માટે પોતાનું મન મજબૂત કરી લીધું હતું. તેના સ
ારા નસીબે તે બીજે દિવસે દીકરીઓને સ્કુલે મૂકવા ગઈ ત્યાં તેને રસ્તામાં તેના મામાની દીકરીનો ડોકટર પતિ સ્કુલના બાળકોના હેલ્થ ચેકઅપના કેમ્પ માટે આવેલ તે મળ્યો. તેને જોતાંજ તેનું ભરાએલ મન વરસી પડ્યું. વિજયાએ પોતાનું મન ખાલી કરતા બઘી વાત કરી અને એ પણ કે હવે તો આ લોકોએ હદ વટાવી દીધી છે જૂઓને કાલે મારા સાસુ મારા નણંદને કહેતા હતા કે
“લે ડોકટર ને આટલા પૈસા પહેલા આપી આવજે. સોનોગ્રાફીમાં ખબર પડે કે દીકરી છે તો તેને એવું ઈજેક્શન અને દવા બંને આપી દે કે વિજ્યાને ખબર ન પડે અને ગર્ભપાત થઈ જાય.”
વિજયાના બનેવી ગવર્મેન્ટ હોસ્પિટલના ડિરેક્ટર બોર્ડમાં હતા. તે રહેતા પણ અમદાવાદ હતા. વિજયાના સાસરિયાઓની વાતો તેણે ઘણીવાર પોતાની પત્ની પાસેથી સાંભળી હતી પણ આજે વિજયાના મોંએથી સાંભળ્યા પછી તેમણે વિજ્યાને પોતે બધીજ પ્રકારની મદદ કરશે તેવી ટાઢક બંધાવી.
વિજયાદશમીને દિવસે જન્મી હોવાથી ગામના હેડમાસ્તર પિતાએ તેનું નામ વિજયા રાખ્યું હતું. એમ.એસ.સી થએલ વિજ્યાને તેના સસરાએ તેના પિતા પાસે સામેથી માંગીને પુત્રવધુ બનાવી હતી. કેટલાય વીઘા જમીનના માલિક સસરા ધર્મજ ગામમાં તમાકુની ખેતી ખેડૂતો પાસે કરાવી અઢળક કમાતા. તેની સાસુ પણ ગરીબ ખેડૂતોને ઊંચા વ્યાજે પૈસા આપી તેમના દરદાગીના પૈસાપેટે રાખતા, એવો ધીરધારનો ધંધો કરતા. મદયમવર્ગી હેડમાસ્તર પિતા આવા સુખી ઘરના લોકો પોતાની દીકરીને સામેથી માંગીને લઈ જાય છે તો મારી દીકરીના સદ્દભાગ્ય એમ તે વખતે સમજતા. ઘરમાં પૈસાની તો કોઈ કમી જ ન હતી તેથી વિજયા આટલું ભણેલી હોય તો પણ તેને નોકરી કરવા તો જવા જ ન દે!!પણ માત્ર પૈસાથી જ સુખ ઓછું મળે છે?
વિજ્યાનો તેના સાસરાના કુટુંબના વિચાર સાથે કોઈ તાલમેલ નહતો. કયાં વિજયા અને તેના શિક્ષક પિતાની ઉચ્ચ, માનવતાવાદી સુશિક્ષિત વિચારસરણી અને કયાં તેના તાનાશાહી સાસુ-સસરાની જુનવાણી, સંકુચિત અભણ વિચારસરણી. વિજ્યા હમેશાં અકળાતી પણ તેના પિતા હમેશાં તેને ધીરજ ધરવાનું કહેતા. એમાં વિજયા એકદમ કુશાગ્રબુદ્ધિવાળી અને ભણવામાં પણ અવ્વલ અને વિકાસ સરળ સામાન્ય અને પિતાની તાનાશાહીથી દબાએલો.
પણ હવે વિજયાની ધીરજનો અંત આવી ગયો હતો. પહેલાંતો એક સણસણતો કાગળ લખી તેના પતિના કબાટમાં મૂક્યો. તેની ત્રણે દેવી લક્ષ્મી, સરસ્વતી અને દુર્ગા જેવી દીકરીઓને પોતાની સાથે લઈને અડધી રાત્રે, પોતાની જાત પર સંપૂર્ણ વિશ્વાસ સાથે, પતિનું ઘર અને ધર્મજ ગામ સદાય માટે છોડી અમદાવાદ જવા નીકળી પડી.
પોતાની મામાની દીકરી બહેન પણ ડોકટર હતી. તેણે વિજયાને ખૂબ સહારો આપ્યો. તેની ત્રણે દીકરીઓને અમદાવાદની શાળામાં ભણવા મૂકી દીધી. વિજ્યાને પણ તેના બનેવીની હોસ્પિટલમાં લેબમાં જોબ મળી ગઈ. થોડો દિવસ બહેન સાથે રહી ત્યાંતો તેના માતા-પિતા આવી ગયા અને કહે “બેટા ચાલ આપણા ઘેર પણ હવે વિજયા ક્યાંય જવા માંગતી નહતી. તેની માતા તેની સાથે થોડો સમય રહી. તેને ચોથી પણ દીકરી જ અવતરી અને તેનું નામ તેણે ચામુંડેશ્વરી પાડ્યું જેને ઘરમાં બધા ઈશ્વરી કહી બોલાવતા. પછી તો તેણે ટ્યુશન પણ કરવા માંડ્યા. તેની એકલીની આવક પર ચાર દીકરીઓને ઉછેરવામાં તેને તકલીફ તો ખૂબ પડી પણ કઠણાઈના તાપમાં તપીને નીકળેલ તેની ચાર દીકરીઓ એક ડોકટર, એક એન્જિનયર, એક પાયલોટ અને સૌથી નાની IAS ઓફીસર બની.
સાકરચંદ અમીનના છેલ્લા દિવસોમાં તેમણે જ્યારે કહેણ મોકલ્યું કે “મારા દીકરાસમ ચાર દેવીઓના દર્શન તો મને જતા જતા કરાવ.”ત્યારે વિજયા -અંબા,અંબિકા,અંબાલિકા અને ચામુડેશ્વરીને લઈને તેમની પાસે ગઈ. પોતાના કાન પકડી, હાથ જોડી આંખમાં આંસુ સાથે સાકરચંદે કહ્યું,
“હું આજે ગૌરવ સાથે દુનિયાને કહેવા માંગું છું કે આજે મારો વંશ એક નહી પણ મારી આ ચાર દેવી
જેવી દીકરીઓ વધારશે.”
સ્ત્રીની બુદ્ધિનો સ્વીકાર, તેની લાગણીનું જતન અને તેના શરીરનું ગૌરવ તો કરવું જ રહ્યું.
તેને માત્ર ગૃહલક્ષ્મી જ ન બનાવી રાખી તેની આંતરિક શક્તિને પણ વિકસવા જ દેવી જોઈએ.