લલીના લાડુ
લલીના લાડુ
રાવજીભાઈ ને લલીતાબેન મહેસાણા નજીકના ગામનાં પટેલ પહેલી જ વાર અમેરિકા આવ્યા હતા.દીકરા હરીશ સાથે હજુ એરપોર્ટની બહાર ઊભા હતા.ત્યાં તેમની બાજુમાં જ ઊભેલ એક યુગલ કીસ કરીને ભેટીને એકબીજાને આવજો કહી રહ્યું હતું.રાવજીભાઈ તો આ જોઈને અવાચક થઈ ગયાં!!!!!
રાવજીભાઈનો દીકરો હરીશ માતાપિતાને ગાડીમાં બેસાડી પોતે બેગો ડીકીમાં મૂકવા લાગ્યો.પૈસેટકે સુખી રાવજીભાઈએ બેગો તો સેમસોનાઈટની લીધી હતી પણ એમાં ઠાંસી ઠાંસીને ભરેલ સામાનથી ખુલી ન જાય એટલે ચારેબાજુ દોરીઓ બાંધી હતી. બેગની ઉપર મોટા સફેદ કાગળ પર હરીશનું સરનામું લખ્યું હતું .બંને બાજુના બેગના હેન્ડલ પર લાલ માતાજી ના પ્રસાદની ગોલ્ડન કીનારવાળી બાંધણીનાં ટુકડા બાંધ્યા હતા.અમેરિકામાં દસ વર્ષ રહી બદલાઈ ગયેલ હરીશ ઉર્ફે હેરી બેગો સામે જોઈ મનમાં જ હસ્યો.લલીતાબેનના પર્સમાંથી તો તેને ઢેબરાં ને સુખડીની સુવાસ આવી જ રહી હતી.રસ્તામાં એક પછી એક નીકળતી અને વીજળીવેગે જતી ગાડીઓ અને વ્યવસ્થિત ટ્રાફીક જોઈ રાવજીભાઈ અચંબામાં પડી ગયા!!દીકરાને પૂછે “અહીં આટલા ટ્રાફીકમાં પણ કોઈ હોર્ન નથી મારતું ને ભારતમાં તો બધી ગાડીઓવાળા જાણે એકબીજાની ઉપર ચડી જાય એટલી ઉતાવળ કરે.” ત્યાં જ અંદરના રસ્તા પર દીકરાને સ્ટોપ સાઈન પર ઊભો રહેલ જોઈ બોલ્યા “કોઈ નથી “ ત્યારે હરીશે કીધું “મોટાઈ આ દેશમાં બધુ નિયમથી ચાલે.બધાં નિયમો પાળે એટલેજ બધું શિસ્ત પ્રમાણે ચાલે અને એટલે જ કોઈને હોર્ન મારવાની પણ જરુર ન પડે.
બીજે દિવસથી હરીશ તો પોતાની જોબ પર જવા લાગ્યો. રાવજીભાઈ લલીતાબેનને કહે “લલી આ અમેરિકામાં તો ખરું-બારીબારણા ખોલવાના નહીં,પાડોશીઓ સાથે વાતો કરવાની નહીં,માટલી ભરવાની નહીં,ઘરની બહાર રસ્તા પર ગાડીઓ સિવાય ખાસ કોઈ દેખાય નહી અને રાત્રે આઠ વાગ્યા પછીતો જાણે કર્ફ્યુ.ખાવાનું પણ ફ્રીજમાંથી કાઢીને જૂનું ગરમ કરીને ખાવાનું.” લલીબેન કહે “એકનો એક દીકરો અહીં આવીને વસ્યો છે તો આપણે પણ આ દેશને જ ગમતો કરીને રહેવું પડશે.બધાં કહે છે કે આપણા દેશ કરતા બહુ આગળ છે અમેરિકા, એતો ધીરે ધીરે ગમવા માંડશે.”
હવે સાંજ પડે બંને જણા બાજુના પાર્કમાં બેસવા જતા.પાર્કમાં બહુ ભારતીય લોકો આવતા .થોડું ચાલી બધાં દેશની, મોદીની, દેશની મોંઘવારીની, ચૂંટણીની ચર્ચા કરતા.રાવજીભાઈ અને લલીતાબેન ને હવે અહીં ગમવા લાગ્યું હતું. રાવજીભાઈની સાંઠમી વર્ષગાંઠ હતી.આજે તો લલીતાબેને ચુરમાના લાડુ ને ફૂલવડી બનાવ્યા હતાં.લલીતાબેન તેમના પાર્કના મિત્રો માટે મોટો ડબ્બો ભરી લાડવા અને ફૂલવડી લઈ ગયા.બધાંને તો આ ઘંઉ-ચણાનો બદામ,પિસ્તા,ચારોળ,ઇલાયચી ને સાકરનો ખસખસ ભભરાએલ લાડુ નેAdvertisementતીખી મસાલેદાર બહારથી કડકને અંદરથી પોચી ફૂલવડી ખાવાની મઝા પડી ગઈ. પ્રવીણભાઈના પત્ની મીનાકાકી કહે” લલીબેન મને તમારા જેવા લાડવા ને ફૂલવડી બનાવતા નથી આવડતું,આ હોળીમાં ખાવા મને બનાવી આપશો? મારે ત્રણ છોકરાને તેનાય છોકરાઓ એટલે પચ્ચીસ લાડુ તો જોઈએ.હા પણ પૈસા તો લેવા પડે !”ત્યાંતો ત્યાં બેઠેલા બધા વારાફરતી લલીબેનને લાડુ લખાવા માંડ્યા. લલીબેન રાવજીભાઈને કહે “તમે કાગળમાં નામ સાથે લખવા માંડો મને યાદ ન રહે.” રાવજીભાઈ તો લખવા માંડ્યાને આંકડો ત્રણસો તો ત્યાં જ પહોંચી ગયો.રાવજીભાઈ તો ઉત્સાહમાં આવી ગયા ને કહે દસ લાડુ લે તેને એક lbવાલ બનાવેલા ફ્રી.રાવજીભાઈ તો પટેલ ને ધંધો કરવામાં હોંશિયાર. પટેલ સ્ટોરમાં લાડુનો સામાન લેવા ગયા તે ત્યાં પણ માલિકને લાડુ, ફૂલવડી ચખાડ્યા. તે પટેલ સ્ટોરનો પણ હોળીનો ઓર્ડર લેતા આવ્યા.પાર્કમાં થોડા બહેનોને કીધું કે તમે મદદ કરવા આવશો તો કલાક પ્રમાણે પૈસા આપશું.પાંચ બહેનો મદદ કરવા આવી ગયા.
હોળી આવતા સુધીમાં તો રાવજીભાઈએ હજાર લાડુનો આર્ડર લઈ લીધો. લલીના લાડુની સાથે સાથે લલીની થાળી પણ જાહેર કરી જેમાં -લાડુ,ગુજરાતી દાળ,બટાટાનું ફોતરાવાળુ રસાદાર શાક,વાલ,કાકડીનું રાયતું,સારેવડાની સેવ -પાપડ ને ભાત.રાવજીભાઈના બેકયાર્ડમાં તો લગ્ન હોય તેમ તૈયારીઓ થવા લાગી. રાવજીભાઇએ તો એડીસનમાં ઠેરઠેર મોટા ચાંલ્લાંવાળા લલીબેનના ગુજરાતી સાડી અને એક હાથમાં લાડવા ભરેલ થાળી અને બીજા હાથમાં લલીની ફૂલ થાળી સાથેના ફોટા લગાવી દીધા.તેમનો દીકરો જોબ સાથે પોતાનો ઘેરથી ધંધો પણ કરતો.રાવજીભાઈએ તો એના દીકરાના બે માણસો જે દીકરાએ ઘેરથી કામ કરે તેને માટે રાખેલા તે બે જણને પણ કામે લગાડી દીધા.એક સાંજે દીકરો ઘેર આવ્યો ને બહાર લલીબેનનો લાડવા સાથે ફોટો અને અંદર આવ્યો તો તેના બે માણસને લાડવાના ડબ્બા પેક કરતા જોઈ રઘવાયો થઈ ગયો.તેણે જહોન અને સેમ ને પૂછ્યું "હેય મેન વોટ આર યુ ડુઇંગ?”તો એ લોકો કહે "લલી એન્ડ રાજીવ આર પેઈંગ મોર ધેન યુ સો વી આર વર્કીંગ ફોર ધેમ.”હરીશ પપ્પાને પૂછવા ગયો “મોટાઈ શું છે આ બધું?” તો મોટાઈ એ બધી વાત સમજાવી.હોળી ના દિવસે “લલી ના લાડુ”ને લલીની થાળી” બંને ખૂટી ગયા.
રાવજીભાઈનો ધંધો હવે ધમધોકાર ચાલે છે.એડીસનનું ઘર હવે વર્કશોપ બની ગયું છે.હવે તો હેરી ઉર્ફ
હરીશ પણ “લલીના લાડુ”માં જોડાઈ ગયો છે કારણકે રાવજી પટેલ કહે છે “પોતાના ધંધા જેવા પૈસા નોકરીમાં ના મળે અને પટેલો તો ધંધો જ કરે!!!
(લલીના લાડુને લલીની થાળીની વાતો સાંભળી જેના મોમાં પાણી આવ્યું હોય તેને ઓર્ડર નોંધાવાની છૂટ છે !)