Hina dasa

Drama

3  

Hina dasa

Drama

વિરાટ વ્યક્તિત્વ

વિરાટ વ્યક્તિત્વ

21 mins
264


સમય, કેમ કઈ બોલતો નથી તું તો કંઈક કહે. તારા વિચારો તો કહે અમને તું તો બહુ સરસ વિચારી શકે છે. આ ટોપિક વિશે અમને જણાવ..

સમય એના મિત્રો સાથે ચર્ચા કરતો હતો. ને ટોપિક આવ્યો આજના યુવાનો, બધા પોતાનો વિચાર રજૂ કરતા હતા બસ એક સમય ચૂપ હતો. બાકી સમય તો બધામાં અવલ્લ એને પૂછવાનું જ ન હોય. 

સમયથી કઈ અજ્ઞાત હોય ! આજે એ કશુંં ન બોલ્યો એટલે મિત્રોને આશ્ચર્ય થયું. એ કહે હું કાલે આ વિષય પર ચર્ચા કરીશુંં. બીજા દિવસે બધા મળ્યા એટલે ફરી એ જ વિષય ચર્ચાયો ને આ વખતે સમય બોલ્યો એકદમ ધારદાર... 

સવારે મોડું ઊઠવાનું.. ! ઊઠતા વેંત જ હાથ માં-બાપના પૈસે ખરીદેલો મોબાઈલ લઈ પોતાના મિત્ર મંડળ સાથે વોટ્સએપમાં ચોવટ કરવાની !

ન દાંત સાફ કરવા ! ન નહાવા જવું ! ન માતા પિતા સાથે વાત કરવી ! અને આખો સમય મનમાં ખાંડ ખાવી, કે અમે યુવાનો સ્માર્ટ છીએ !

પણ ભઈલા તારો મોબાઈલ જ સ્માર્ટ છે ! તું તો નથી જ ! તું તો ડોબો જ છે ! નથી તને દેશ- દુનિયાની ખબર કે નથી; પારિવારીક સંબંધોની ખબર; તું શાનો સ્માર્ટ છે.

બકા?અલ્યા કાનમાં ઘોંઘાટ વાળું સંગીત સાંભળી સાંભળી ને તું માત્ર કાનથી નહીં; દિમાગથી પણ તું બેરો થઈ ગયો છે ! અલ્યા આખો દાડો મોબાઈલમાં ડાચું નાખી શુંં જોયા કરે છે ! તારા મા બાપ સામે તો જો કોઈ વાર ! બિચારા બાપે આખી જુવાની તને જુવાન કરવામાં ખર્ચી નાખી !

લાટ સાહેબ; 21×3=63 થાય તે કહેવા તારે મોબાઈલનું કેલ્ક્યુલેટર વાપરવું પડે છે ! તું જેને પછાત સમજે છે; તે તારા મા બાપ સમય આવ્યે મોબાઈલ અને કોમ્પ્યુટર શીખવા પડે તો એ પણ શીખી લેશે !

કસ્તુરબાને તું ગાંધીજીના બા સમજે છે અને ઈન્દીરા ગાંધીને ગાંધીજીના દીકરી છતાંય તને કોઈ વડીલ સલાહ આપે તો તારી કમાન છટકે છે !

પણ બકા; મેથી અને કોથમીર કોને કહેવાય? એ તું સાત વાર શાક લેવા જાય તો પણ શીખી નહીં શકે ! મકોડી પહેલવાન; બે માઈલ ચાલવામાં તને આળસ આવતું હતું અને પોકમોન ગો રમવામાં આખું ગામ મોબાઈલમાં મોં ઘાલીને ઘુમ્યે જાય છે !

અક્કલના બારદાન; માતૃભાષામાં “ઘ” અને “ધ” લખવાનો તફાવત તને ખબર નથી “ઘર ને બદલે “ધર” અને “ધજા” ને બદલે “ઘજા” લખે છે અને માં-બાપને અંગ્રેજી આવડતું નથી તેની ફરિયાદ કરે છે !

અલ્યા ગુગલીયા; “પાટલા સાસુ” કોને કહેવાય તેવું ગૂગલને પૂછવા કરતા કોઈ વડીલને પૂછ બધા સબંધ વાચક નામ તને તુરંતમાં સમજાવશે !

તારા મા બાપનો ફોન ભલે સ્માર્ટ નહીં હોય; પણ માબાપ પોતે ખૂબજ સ્માર્ટ છે ! અને તારો ફોન સ્માર્ટ છે; પણ તું સ્માર્ટ નથી; એટલે બકા તોફાન કરવા રે’વા દે; અને છાનો માનો મા બાપ કહે એમ કર !

વાતવાતમાં માબાપને ઉતારી પાડવાથી તું ઉંચો નહીં આવે ભઈલા !

ઘરમાં જે સગવડો મળે છે એના માટે મા બાપનો આભાર માન ! કારણ કે તને તારી લાયકાતથી વધારે તેઓ સુખ આપે છે ! અલ્યા , જરા સ્માર્ટ ફોન માંથી ડાચું બહાર કાઢ; અને જો તારા મા બાપ દિવસ રાત તારા માટે કેટલું લોહીનું પાણી કરે છે?

તને જનમ આપ્યાની સજા પળે પળે તું એમને આપે છે ! બકા ! કોઈ પણ મા બાપને કારમી સજા કરવી હોય તો; એક જ રીત છે મા બાપની ઈચ્છા વિરુદ્ધ જવુ ! ભઈલા !  

મા બાપ તને સુખી જોવા કદાચ તારી મુર્ખ વાતોને પણ માની જશે; પણ એની આંતરડી અંદરથી બળતી રહે !

‘જન્મદાતા’ ‘અન્નદાતા’ ‘જીવનદાતા’ ને દુભાવનાર કોઈ દિ ઠરતો નથી ! બકા જા; અને તારા સ્માર્ટ ફોનને બાજુમાં મૂકી થોડો વખત મા બાપ સાથ વાતો કર ! કારણ કે કાલ કોણે જોઈ છે?? 

મિત્રો તો અવાચક વાહ રે તું તો બહુ હોશિયાર થઈ ગયો ને વળી. પણ તારી વાત સાચી છે હો આજના મોટાભાગના યુવાનો આવા જ છે. પણ એ તો કહે આ બધું ક્યાંથી શીખી આવ્યો.

સમય કહે,

મેં સમય હું।"હું બધું જ જાણું છું.. 

હા પણ આ બધું મારા મોટાભાઈએ કહ્યું હતું હો. એ બહુ બધું જાણે છે. મિત્રો કહે, ઓહો તારા મોટાભાઈ વળી કોણ તું તો એક જ ભાઈ છે ને...હા પણ સહોદર નહીં વડપણમાં મોટાભાઈ છે મારા... 

કમલેશભાઈ.....

તમને ખબર અમારા બધા પ્રશ્નો ના જવાબ એમની પાસે હોય છે. અમારા ? આ અમારા એટલે બીજા કોના ? મિત્રોએ પૂછ્યું. સમય કહે તમને નહીં સમજાય એ બધું ચાલો હું નીકળું...

સમયે ઘરે પહોંચીને વિચાર્યું કે આટલી વાહવાહી મળી છે તો જેના શબ્દો હતા એમનો તો આભાર માની લઉં..સમયે મોબાઈલ કાઢ્યો ને એક મેસેજ મુક્યો "આભાર મોટાભાઈ, તમારા અવતરણો થકી આજે તો હું મિત્રો મા છવાઈ ગયો. 

સામેથી જવાબ આવ્યો, 'અરે ભાઈ એમાં શુંં આપણે તો બધા એક પરિવાર જેવા હું લખું કે તું શુંં ફરક પડે છે. ને મારે અમથા તમે બધા જ મારો પરિવાર છો ને..બાકી તો હું ને મારો ભોળો બસ...

સોશિયલ મીડિયા પર આમ તો લોકો બહુ વિશ્વાસ નથી કરતા પણ અહીં તો એક અનોખો પરિવાર વસ્યો હતો. એક પરિવાર જે શ્વસે છે, હશે છે, રડે છે..પણ ઓનલાઈન.. 

ને આ બધાના વડીલ હતા મોટાભાઈ કમલેશભાઈ...કોઈ પણ ટોપિક આપી દો એમના જવાબો હાજર જ હોય એ પણ શુંદ્ધ ગુજરાતી મા અને શબ્દોના તો જાણે જુગારી, જેમ નાખે તેમ બાજી સવળી.. કોઈ શબ્દોની રમતમાં તેમને પકડી ન શકે. 

હમેશા વડીલ જેવી જ વાતો કરે. એક વખત એમણે મધર્સ ડે પર કવિ કાગ ની કવિતા મૂકી.

આજના દિવસે કવિ કાગની રચના વિશ્વની દરેક માતાને અર્પણ...

ગિયા માંસ ગળ્યે, તો હાડ હેવાયાં કરે;

માતા જાય મર્યે, કેમ વીસરીએ, કાગડા ?

પંડમાં પીડ ઘણી, સાંતીને હસતી સદા;

માયા માત તણી, કેમ વીસરીએ કાગડા ?

ને પછી તો કમેન્ટ પર કમેન્ટો આવવા લાગી..કોઈએ કહ્યું કે, વાહ શું વાત છે મોટાભાઈ ધન્ય છે તમારી માતા ને કેટલા લકી છે એ બધો પરિવાર કે તમારા જેવા સભ્ય ને દીકરા એમને મળ્યા..ને કમલેશભાઈએ વળતો જવાબ આપ્યો,અજીબ ભૂલભૂલૈયા છે આ હાથોની લકીરોમાં...કોઈ હમસફર નથી આ તનહા સફરમાં...

મિત્રોએ કહ્યું કે કેમ આવું લખ્યું તો રોજની આદત મુજબ કહે, મારા લેખનનો કોઈ એક મતલબ ન હોય, ગર્ભિત અર્થ તો તમારે શોધવો જ રહ્યો.

મિત્રોની જીદ સામે એક વડીલમિત્ર કઈ રીતે ન જુકે, કમલેશભાઈએ પોતાની આપવીતી ચાલુ કરી. એ પણ અનોખા અંદાજ મા કે કઈ રીતે એક વામન મનુષ્ય વિરાટ બની ગયો, પરિસ્થિતિનો દાસ કહેવાતો માણસ કેમ પરિસ્થિતિ સામે લડ્યો. કેમ એ કહે છે કે એનો એકમાત્ર આ ઓનલાઈન ધબકતો જ પરિવાર છે..

તો સાંભળો મારી કથની..

તમારું માન અપમાન વડીલપણું બધું મેં સ્વીકાર્ય. તમે જે કહો એ મને મંજૂર કારણ કે હું રાગ, દ્વેષ, સુખ, દુઃખ, પોતાના, પારકા, બધાથી પર છું. હું તો કઈ છું જ નહીં બસ મારો ભલોનાથ જેમાં રાખે એમ ખુશ છું. મારું કોઈ ભૂતકાળ છે કે ભવિષ્ય હશે હું એ વિચાર કરતો નથી બસ વર્તમાનમાં જીવું છું. ને બસ મારે જે સેવાકાર્ય કરવાનું છે એમાં સફળ થવા ઈચ્છું છું.

એક 23 વર્ષનો ફૂટડો, આશભર્યો યુવાન એટલો પરિપક્વ કેમ બની ગયો હશે. એની હસવા રમવાની ને મસ્તી કરવાની ઉંમરે એ કેમ આટલું ઉમદા વિચારી શકે છે. એક મોટું સેવાકાર્ય કરી રહ્યો છે..

માણસ કશુંં જ નથી બસ શૂન્ય છે. એ જે ધારે છે, વિચારે છે, સમજે છે એ બધું જ નથી થતું. ભોળાનાથે જે ધાર્યું હોય એ જ થઈને રહે છે. મારા માટે પણ ભોળાએ શું વિચાર્યું હતું એ તો એ જ જાણે..

જન્મભૂમિ મારી કચ્છ.. ને મારો કચ્છડો તો બારે માસ હો.. અહાહા શું મારા કચ્છડાની સાહ્યબી. રેતીનું રણ નથી એ તો છે ઉદારીનો પરિપાક, માણસાઈનો વરસાદ, કાચબાની પીઠ જેવો કઠોર પણ ધીમો નહીં હો એકદમ ધીર ગંભીર એવો છે મારો કચ્છડો..

25/12/1995 નો એ શુંભ દિન મા જગદંબાએ મને એના હાથે કચ્છની ધરણી પર રમતો મૂક્યો. 

મને કચ્છની ધરતી પરથી ઉપાડીને આંધ્ર સુધી પહોચાડવાનું ને ત્યાંથી ફીરંગી ભૂમિ અમેરિકા સુધી પહોંચવાના સંજોગોની યુતિ એવી રચાઈ કે ક્યારેક થાય કે પરમાત્મા જેવી યુતિઓ માણસ ફક્ત માણી જ શકે બાકી માણસ તો કશુંં જ નથી.

બસ અહીથી મારા જીવનકાળની શરૂઆત થઈ...એ સમયના ૩૫ સદસ્યોવાળા સંયુકત કુંટુંબમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ, આખા ગામામાં પેંડા વહેંચવામાં આવ્યા.

બરોબર ૨૦મા દિવસે માતા ગૌરીએ મને ઉપાડીને સીધો મુંબઈ પહોંચતો કર્યો,હા મિત્રો મારું બાળપણ મુંબઈમાં વિત્યું છે, મારા પિતાશ્રી નો અહીંયા કપડાંનો વ્યવસાય હતો..

અને હું મુંબઈની ચકાચોનમાં આ જીવ ઉછરવા લાગ્યો, ૧થી ૫ મા ધોરણ સુધીનો અભ્યાસ મુંબઈમાં કર્યો, એક દાયકો વીતી ગયો, પછી પાછી માતા ગૌરીએ એક લીલા રચી મારા પિતાશ્રીને ગંભીર બીમારી થઈ , અને એનો ઈલાજ માત્ર અને માત્ર શુદ્ધ હવા અને સાત્વિક ભોજન હતું. 

તો બસ એ તો ગામડા વિના મળે જ નહીં , અને હું પાછો સિધો પછડાયો કચ્છડામાં,પણ પાછલા દાયકા માં ઘણું બધું બદલાઈ ગયું હતું. આ ૩૫ સદસ્યોવાળો પરિવાર ૪૮ સદસ્યોમાં પરાવર્તિત થઈ ગયો હતો, મારા બધાં સગા આમતો મુંબઈમાં જ રહેતા, બસ વારે તહેવારે બધાં ગામડે આવે, પણ હા આવે ત્યારે ખરેખર મેળો તો અમારા ઘરમાં જ ભરાય હો.

એ પણ સળંગ ૧૫ -૨૦ દિવસનો...અહીથી ૬-૧૦ નો અભ્યાસ મેં પૂર્ણ કર્યો, આ પાંચ વર્ષ હું કચ્છમાં રહ્યો....

પરંતુ આ પાંચ વર્ષમાં કચ્છડો મારા રોમેરોમમાં વસી ગયો,અહીંયાનું પાંડવોનું અજ્ઞાત વાસનું સ્થળ વિરાટ નગરી હોય કે માતા રવેચીનું મંદિર હોય.

માતા મોમાયનું ધામ હોય કે , માતાના મઢ આઈ શ્રી આશાપુરાનું ધામ, જેસલ-તોરલની સમાધીઓ હોય કે અફાટ સફેદ રણ હોય, ધોરાવીરાના હડપ્પીય અવશેષો હોય કે ભૂજનું સ્વામીનારાયણ મંદિર હોય..મુંન્દ્રાનો દરિયો હોય કે માંડવીની પવનચક્કીઓ, રામાપીરનો મેળો હોય કે ૩ દિવસનો રણોત્સવ હોય, ટપકેશ્વર મહાદેવના ડાયરા ઓ હોય અને નારાયણ સ્વામીના ભજનો....આ હાહાહા...મુઝે મેરી મસ્તી , કહાં લે કે આયી...

વાલબાઈનું ભોયરું ,જે કચ્છથી સીધું જુનાગઢ દામોદર કુંડ પાસે નિકળે,લોકવાયકા છે કે વાલીબાઈ રાતોરાત જુનાગઢ દામોદર કુંડ માં સ્નાન કરી આવતાં આ ભોયરું આજે પણ છે.

બીજી ભીમ કાંકરી, અહી એક ગોળ પથ્થર છે ,કહેવાય છે કે જ્યારે પાંડવો અજ્ઞાત વાસમાં અહી રોકાયા હતા ત્યારે મહાબલી ભીમ...હુક્કો પીતા,અને એ હુક્કા પર જે પત્થર મૂકતા એ આ પથ્થર , તમે અભિમાન કરીને એ નાના પથ્થર ને ઉપાડવા જાવ તો એને તમે તલભાર પણ ના ખસેડી શકો અને સાફ મનથી ઉપાડો તો રુ ની જેમ ઉપડી આવે...હજુ તો ઘણું બધું છે જો કચ્છડાની વાત કરીશ તો તો મારું આયખું ટૂંકું પડશે. 

કચ્છડો મારામાં સમાઈ ગયો.. એની કુદરતી નિખાલસતા એ જ મને પરિપક્વ બનાવ્યો. કુદરત તમને સૌમ્ય ને સાત્વિક બનાવે છે. વતનની માટીની તો વાત જ અલગ છે. પણ મારા નસીબ મા એ વતનની માટીની સુગંધ આજીવન નહીં લખી હોય. ને ફરી સંજોગો બદલાયા. 

સંજોગો બદલાયા નહીં આમ તો જે તે વખતે તો મને એવું લાગ્યું કે દુનિયાનો સૌથી બદનસીબ હું છું. અત્યારે એ બધું વિચારું છું તો થાય છે કે એ તો મને ઘડવા માટે અપાયેલી ટપલીઓ માત્ર હતી. 

મારી દસમાની બોર્ડની પરીક્ષાઓ પુરી થઈ. ને બીજી કસોટી ચાલુ થઈ. વાત જાણે એમ બની કે મારા પિતાજીએ મારા લગ્ન નક્કી કરી લીધા હતા એમના એક મિત્રની છોકરી સાથે ને એ પણ મારા જન્મ પહેલાં. હવે લગ્નની વાત ચાલી ઘરમાં એ વખતે મારી ઉંમર 16 વર્ષની ને મારી કથિત પત્નીની ઉંમર 15 વર્ષ. જે કાયદાની રીતે પણ અપરાધ કહેવાય. પણ અહીંયા પરિસ્થિતિ જરા જુદી હતી. મારા કથીત દાદી સાસુ મરણપથારીએ હતા. અને એમના મનની શાંતિ માટે મારી બલી ચઢાવવાની હતી...

હવે આ મારા જીવનકાળની પહેલી એવી પરિસ્થિતિ હતી જેમાં મારે મારી જાતને બચાવવાની હતી અને એ પણ મારા પરિવારથી ઉપરવટ જઈને. 

પણ આપણે તો આદર્શ સંતાન કહેવાયે એટલે વચલો રસ્તો કાઢ્યો. પહેલાં હુ કંઈક બનીશ પછી જ લગ્ન કરીશ, મારે પરીવારની શાખની આંચ પર રોટલો નથી શેકવો, હા સગાઈ કરવા માટે તૈયાર છું ,પણ લગ્ન તો નહીં જ.

અમારા સંયુકત કુંટુંબમાં આ પહેલો બનાવ હતો જેમા...વડિલોના નિર્ણય વિરુદ્ધ કોઈ ગયું હોય , અહીયા તો ભાઈ આપણાથી અહ્‌મ ઘવાઈ ગયો. 

હવે પરિણામ તો તમે સમજી જ શકો છો કે શુંં આવવાનું હતું. ખરું ને? મને ઘરેથી કાઢી મૂક્યો..? અરે ના યારો....એવા સદ્‌ભાગ્ય મારા ક્યાંથી...? 

અહીંયા તો માતા ગૌરી હાથ ધોઈને નહીં અપિતુ આખેઆખા નાહિધોઈને પાછળ પડી ગયા હતા. તો હવે શરુ થયો ઈમોશનલ અત્યાચાર....

જે મારી પર બ્રમ્હાસ્ત્રનું કામ કરતું.એટલે ભોળો ભાવનાઓમાં ભોળવાઈ ગયો, અને લગ્નની તૈયારીઓ શરુ થઈ ગઈ , પણ માતા ગૌરી એમ થવા દે કંઈ...?

એમણે મારા દાદાશ્રી ની મતી ભરમાવી...બન્યું એવું કે મારા દાદાશ્રીએ મને એકાંતમાં બોલાવ્યો અને " હા "પાડવા માટેનું કારણ પૂછ્યું.તો આપણે તો જે હતું એ કહી દીધું. દાદાશ્રી ખીજાયા આખા પરિવાર પર , અને બળજબરીના વિવાહ પર નારાજગી બતાવી, અને હું પણ આખી વાત જાણી ગયો હતો એટલે હવે કોઈ બીજા માટે મારી જાતને તો બલી નહીં ચઢાવું એવું મનોમન નક્કી કર્યું.

બસ બાપ- દિકરા વચ્ચે પ્રથમ ક્લેશ થયો અને મને લગ્ન અને કરિયર કોઈ એક પસંદ કરવાનું કહ્યું. મેં પણ હિંમત કરી ને કહ્યું કે સગાઈ કરું તો પણ લગ્ન તો નહીં જ કરું, કઈક બનીને પછી જ કરીશ. અહીં તો નહીં જ..

ને બસ આપણી વિદાયની ઘડીની વેળા આવી ગઈ, માતા ગૌરીની લીલા આગળ વધી, ગળામાં ૨ તોલાનો સોનાનો ચેન અને દાદાશ્રી એ ચોરી છૂપે આપેલા ૬ હજાર રૂપિયા લઈને નિકળી પડ્યો આ સંસારની માયાજાળમાં.

ખરેખર આ દુનિયા શુંં છે એ જાણવાની મારી સફર શરુ થઈ , હા તમે આને પેલી અંગ્રેજી ભાષા વાળી "સફર " પણ સમજી શકો. ક્યાં જવું ? શુંં કરવું ? કોની પાસે જવું ? કંઈ જ ખબર નહીં.માવતરને એમ કે ગુસ્સામાં નિક્ળયો છે ને સાંજ પડે આવી જાશે પાછો...કોણ સાચવશે આને...પણ એમને ક્યાં ખબર હતી કે આ મહાદેવનો ભકત કેટલાયને સાચવવા નિક્ળયો છે.

એક મિત્રએ અમદાવાદ જવાની સલાહ આપી ને એના ભાઈના નંબર ને એડ્રેશ આપ્યા. ભુજથી અમદાવાદની ટ્રેનનું રિઝર્વેશન કરાવી આપ્યું. 2010ની એ સાલ ને સહયાદ્રી એક્સપ્રેસ મને હજી નજરે તરે છે.

મારી સામેની સીટ પર એક માસી બેઠા હતા. એટલો માયાળુ ચહેરો કે મને માની યાદ આવી ગઈ. સામે બેઠા બેઠા મારું અવલોકન કરતા હતા. સુજેલી આંખો, આસુંથી ખરડાયેલો ચહેરો ને પ્રથમ વખત ઘરથી દૂર રહેવાનો રંજ. એ માસી આવ્યા મારી પાસે ને બધી વાત કઢાવી લીધી..

આ દુઃખ વસ્તુ જ એવી છે તમને કોઈ પૂછે એટલે બમણું થઈ જાય. ને એમાંય કોઈ કહે કે ચિંતા ન કર હું છું ને એટલે તો બંધાઈ જ જઈએ. ને સામેવાળી વ્યક્તિ તો ભગવાન ને સારી જ લાગે. માસી પણ મને મા જેવા જ લાગ્યા. ને એમનો એ 66 હજારનો ઘરનો બનાવેલો માવાનો પેંડો.

ઓહોહો...શું એ ચેનની ઉંઘ આવી છેક વિરમગામથી અમદાવાદ વચ્ચે ઊઠ્યો. ભાનમાં આવ્યો ત્યારે ખબર પડી કે સોનાનો ચેઈન, પર્સ, વીંટીઓ બધું ગાયબ..

જીવનની એ પ્રથમ કસોટી હતી કે કોઈ પર વિશ્વાસ કરો પણ અંધવિશ્વાસ ન કરો. હવે અમદાવાદ તો પહોંચી ગયો પણ હવે શુંં? મિત્રએ આપેલું એના ભાઈ નું સરનામું ને બધું તો પર્સ મા જ રહી ગયું. ઘડીભર થયું કે પાછો જતો રહું પણ જવું તો ક્યાં મોઢે. ને દાદાજી ના શબ્દો યાદ આવી ગયા કે

" જા બેટા આમને કંઈક કરીને બતાવજે"

બસ દાદાશ્રી ના આ શબ્દોએ મને પાછાં ન જવા પર બાધ્ય કરી દીધો , જે શબ્દો માતા ગૌરીએ , માઁ સરસ્વતી બનીને દાદાશ્રી ના મુખે થી કહેવડાવ્યા હતા. આખો દિવસ પ્લેટફોર્મ નંબર ૩ ના બાંકડા પર સાઈન બોર્ડ ને તાકતો તાકતો એકદમ શૂન્યમનસ્ક બેઠો રહ્યો. સમયનું કોઈ ભાન નહીં. અચાનક ભૂખનો અનુભવ થયો. ખીસ્સું સાવ ખાલી. સારા ઘરના છોકરાવને ભીખ પણ ના મળે. તો સ્ટેશનની બહાર જવાનું નક્કી કર્યું અને પ્લેટફોર્મ નંબર ૧ પર આવ્યો...પણ બહાર નિકળવા દે એ માતા ગૌરી ના કહેવાય. સામે ટિસી. મળ્યો. કહે કે ચાલો ટિકિટ...

ટિકિટ તો સલામત હતી. પણ એનો સમયકાળ પૂરો થઈ ગયો હતો. એટલે એ ભાઈએ ફાઈન ભરવાનું કહ્યું , હવે ખાવાના વાંધા હતા ત્યાં ફાઈન ક્યાં ભરવી ? મેં વિનમ્રતા પૂર્વક આખી ટ્રેનવાળી ઘટના સંભાળાવી એ ટિસી સાહેબને...તો એમણે મને રસ્તો બતાવ્યો , ફાઈન નહીં ભરે તો જેલ થશે...કારણ મારા પહેરવેશ પરથી મારી વાત એમને ગળે ના ઉતરી...સાહેબ , આ હતું બીજું લાઈફનું લેસન....કે કોઈને કોઈની તકલીફોથી કંઈજ લેવા દેવા નથી...બસ પૈસા ફેક તમાશા દેખ...મારી આંખો સામે તો ફિલ્મમાં જોવેલું જેલનું દ્રષ્ય આવી ગયું અને હું વધુ ડરી ગયો...

હવે જેલમાં તો જવું ન હતું. સામે રાજધાની એક્સપ્રેસ પડી હતી. બસ ટિસીની નજર ચૂકાવી ને દૌડ મારી ઓવરબ્રીજ તરફ. પેલાને કંઈ ખબર પડે એ પહેલાં તો હું દોડીને સીધો રાજધાની એક્ષપ્રેસ ના એસી કોચમાં ચઢી ગયો, ૨-૩ કલાક ગાડી ચાલી હશે કે ત્યાં રેલ્વે પોલીસ વાળા આવી ગયા. કોઈ પેસેન્જરે મારી કમ્પ્લેન કરી હતી કે કોઈ વચ્ચે સૂતું છે એમ...આખી ટ્રેન એસી કોચ વાળી , અને પાછી નોનસ્ટોપ દિલ્હી જતી ટ્રેન એટલે વચ્ચે ક્યાંય ઉતારી પણ ના શકે. મને રેલ્વે પોલીસે પકડીને બધી પૂછપરછ કરી. એ લોકો શુંં સમજ્યા એ તો હું આજે પણ નથી સમજી શક્યો.

પરંતુ મારી આખી ઈંક્વાયરી થઈ એ આંધ્રપ્રદેશ ના વતની વેકેટેશ્વર રેડ્ડી એ સાંભળી. મારી સાથે વાત કરવા લાગ્યા. 

મુંબઈમાં ભણેલો હતો એટલે હિન્દી અને મરાઠી બંને ભાષા પર પ્રભુત્વ સારું હતું. રેડ્ડી અંકલે મારી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. પણ પીગળે એ બીજા.. મેં તો હરફ સુધા ન ઉચારી. એમણે મારી વાતો સાંભળી હતી. એટલે કહે,

દેકો બેટા, દુનિયામે સબ લોક એક સરિકા નહીં હોતા. સબ ફ્રોડ નઈ હોતા.

મેં વાત કરવાનું ટાળ્યું પણ એમણે હિંમત ન હારી. એમણે મને સાથે લાવેલા વડા ધર્યા.... કહે કે બેટા તેરે પાસ કોને કો કુછ નહીં, ઓર મુજે શિવાને બહુત કુછ દીયા હૈ..બસ તું કા લે થોડા સા..

હવે વિશ્વાસ આવ્યો એટલે નહીં કે અંકલ સારા હતા પણ ભૂખ આંટો લઈ ગઈ હતી.. તો જાપટવાનું ચાલુ કર્યું. 

ધીમે ધીમે વાતો થઈ..., આખો રેડ્ડી પરિવાર જઈ રહ્યો હતો ઉત્તરાંચલ....કેદારનાથના દર્શને. રેડ્ડી અંકલે મારી ટિકિટના પૈસા ભર્યા. એમનું કર્જ ઉતારવા હું એમનો કુલી બની ગયો. કારણ કે ભીખ તો આ પટેલ બચ્ચાને હજમ થાય એમ ન હતી.

2010ની એ સાલ હતી હું એ બધાની સાથે ગૌરીકુંડ પહોંચ્યો. શું એ અદભુત ક્ષણો હતી. મને જાણે મા ગૌરીનો દોરીસંચાર થયો. એક નવી જ આહલેક્ જગાવી ગયા મારામાં. લાગ્યું કે જાણે એમને મબે સાક્ષાત પોતાના અંક માં બેસાડ્યો. આગળની રાહ બતાવી. કે બેટા તું કોઈને ખુશી આપીશ તો જ મહાદેવ તને ખુશી આપશે. 

બસ એક વાત ધ્યાન રાખજે કે તું બીજાનું ધ્યાન રાખીશ તો ઈશ્વર તારું ધ્યાન રાખશે જ...તો જે કરે એ બીજા માટે કરજે પરોપકાર માટે કરજે. નામ આપોઆપ થઈ જાશે...હવે આ મારી ઈમેજીનેશન હતી કે શુંં એ મને આજ સુધી ખબર નથી પડી. પણ હા એકવાત તો છે કે ત્યાર બાદ મેં કદીયે પાછળ ફરીને નથી જોયું...જેમ મહાદેવ રાખે એમ રહું છું.

તો કેદારનાથની યાત્રા પૂરી કરી. અને રેડ્ડી પરિવાર સાથે ૮ વર્ષ પહેંલાં મેં આંધ્રપ્રદેશ માં પગ મૂક્યો...હવે કરવું શુંં ? કંઈ ભણતર નહીંં, કોઈ ડિગ્રી નહીંં, સાહેબ સાઉથની એક વાત પર તો બધાંએ સલામ કરવી. અહીં 99% માણસો ગ્રેજ્યુએટ.. ને આપણે તો ભણેશરીઓ વચ્ચે અભણ. હવે આવા ભણેશરીઓ ની વચ્ચે આપણે શુંં કરી શકીયે ?

રેડ્ડી અંકલનો મિનરલ વોટર નો પ્લાન્ટ હતો. તો બસ આપણે નક્કી કર્યું કે આ ભણેશરીઓને પાણી પીવડાવવું...રેડ્ડી અંકલ પાસેથી રૂ.૫ માં ૨૦ લિટરના જારમાં પાણી ભરી ને સપ્લાયનું કામ શરુ કર્યું , ૫ રુ. નો ૨૦ લિટરનો જાર ત્યારે હું ૩૫ રુ. માં સેલ કરતો હતો. ખભે ઉચકીને ૩-૪ માળા ચઢવાના , ફિણ આવી જાય હો સાહેબ , પણ જેવા ૫ ના ૩૫ રુ હાથમાં આવેને એટલે બધો થાક ગાયબ...બસ આમજ મહાદેવની કૃપાથી બિઝનેસ ફાલતો ગયો...બે વર્ષમાં તો પોતાની વેન ખરીદી લીધી. 

હવે "એક્વાહેલ્થ "એક બ્રાન્ડ બની ગઈ હતી. હવે સેલ પણ વધવા લાગ્યું.. 2014 મા પાણીનું ટ્રેડિંગ બંધ કર્યું ને પોતાનો પ્લાનટ લગાવ્યો. ને ખુદનું મેન્યુફેક્ચરિંગ શરૂ કર્યું. 

કેવી સમયની ગોઠવણ રચાઈ કે હું તો બસ જોતો જ રહ્યો. એક નાનો જીવ કયા હતો ને કયા પહોંચી ગયો.. હજી તો સફર લાંબી છે. કચ્છથી આંધ્ર સુધીની આ સફર હતી. હવે આંધ્રથી અમેરિકા સુધીની સફર કમશઃ કહીશ..

આજથી બે વર્ષ પહેલાં એટલે કે ૨૦૧૬ની સાલમાં મારા પ્લાન્ટ પર ૩-૪ વ્યકિતઓ આવી, અનાથ બાળકો માટે ડોનેશન લેવા. મેં એમને ૧૦૧/- રુપિયો આપીને રવાના કર્યા. પછી સમય આમ જ કામમાં ચાલ્યો જતો હતો કે એક દિવસ પેલા અનાથાલય વાળાઓની ૧૦૧/- આપેલાની રસીદ હાથમાં આવી, અને અચાનક કંઈક વિચાર આવ્યો. કે આ અનાથાલયની મદદ કરીયે તો કેવું...??? 

મનની શાંતિ તો અહીં જ મળશે...

બીજે ક્યાંય નહીંં...

બસ પછી શુંં એ અનાથાલયની મુલાકાત લીધી, બધાં સંચાલકો સાથે મળ્યો, અને બધી વાતચીત કરી. અને સેવાના પ્રથમ કાર્યનું શ્રી ગણેશ કર્યું. અઠવાડિયામાં એકવાર અચૂકપણે મારા બાળકોની મુલાકાત લેવી, હા મારા બાળકો... હવે મને એક પરિવાર મળી ગયો હતો...૧૦૨ નાના ભાઈઓ અને ૬૦ નાની બહેનો... આમ કુલ ૧૬૨ અને એક હું ૧૬૩ જણનો આ મારો પરિવાર.... ભોળાનાથે વણમાગ્યે આટલો મોટો પરિવાર આપી દીધો હતો..

હવે જ્યારે મનને શાંતિ જોઈતી હોય ત્યારે હું મારા બાળકો પાસે પહોંચી જતો... હા મિત્રો... હું કોઈ મોટો દાનવીર નથી, એક નંબર નો લાલચુ બિઝનેસબોય છું...જે ઈશ્વર પાસેથી મળેલું દાન કરી અને સાચી પ્રિત, સાચો પ્રેમ, બાળકોની નિખાલસ હસી... બધું એમની જાણ વગર લઈ લઉં છું... મારા બાળકો તો મને નિસ્વાર્થ પ્રિત આપે છે પણ હું મારા મનની શાંતિ મેળવીને મારી લાલસાને સંતોષ આપું છું.

જ્યારે ઈશ્વરે આપણને આવા કાર્યો કરવા અવતાર આપ્યો છે તો આપણે આપણું કર્તવ્ય કેમ ચૂકી શકીએ.... અને ક્યાં ઈશ્વર આપણા ખિસ્સામાંથી આપવાનું કહે છે? આ તો જે એણે આપ્યું છે એ જ આપણે સૌ એ બાંટવાનું છે ને ? આમ તો આપણે સૌ ઈશ્વરની જ સંતાન છિયે તો આ ન્યાયે આપણે સૌ ભાઈ-બહેન થયાં ને ? તો પિતાની મિલકતમાં તો સૌ નો ભાગ હોય... એય પૂરા હક્કથી... તો એમાંથી એક અંશ તમે આપો એમાં શુંં? અરે આપણે શુંં લઈને હતા? અને શુંં લઈને જવાના?? 

મારા મત પ્રમાણે તો દરેક વ્યક્તિ એ પોતાની ક્ષમતા પ્રમાણે થોડું ઘણું દાન કરવું જોઈએ... અને સૌથી મોટું છે અન્નદાન અને આ દુનિયામાં કોઈ એવું તો નથી જ કે એક ભૂખ્યાને ભોજન ના કરાવી શકે... અરે બે જણની રસોઈ બને તો એમાં ત્રીજું એની મેળે જ સચવાઈ જાય... વધેલું કચરામાં નાખવા કરતાં કોઈ ભૂખ્યાના પેટમાં નાખો... એની આંતરડી ઠરશે અને દિલથી ઓડકારમાં આશિર્વાદ આપશે... અને પછી જોજો એનો સૌથી મોટો ફાયદો એ થશે કે તમારી ઈશ્વર પાસે ભીખ માગવાની આદત છુટી જશે... ઈશ્વર વગર માગ્યે તમને આપી દેશે... તમને ટેલ નાખવાની જરુર પણ નહીં પડે... જુઓ છું ને પાક્કો બિઝનેસ બોય...?

મિત્રો મારા મત પ્રમાણે તો દરેક વ્યક્તિએ ઈશ્વર પાસેથી કંઈ પણ માગવા કરતાં ઈશ્વરના નામે આપતા શિખવું જોઈએ... ઊદાહરણ તરીકે તમે જો પોતાની જાતને કદાચ ૧૦૦ જણને આપવા યોગ્ય બનાવશો તો ઈશ્વર તમને પહેંલા જ ૧૦૧ જણ પૂરતું આપી દેશે... કારણ કે, મારા મત પ્રમાણે ઈશ્વર ૧૦૦ જણ પાસે સેપરેટલી જઈ અને આપવા કરતાં એક ને આપવાનું વધારે પસંદ કરશે, ઈશ્વર પણ સમઝશે કે એક આ વ્યકિતને જ આપી દઈશ તો બીજા ૧૦૦ જણ પાસે એની મેળે જ આના થકી પહોંચી જશે...ખરું ને?

બસ પોતાની જાતને એટલી વિશાળ બનાવો કે ઈશ્વરનેય આપતા મોજ આવે... બાકી દેનારો દાતાર છે એની પાસે ક્યાં કદીયે ઓછપ છે, અને એ વચનબદ્ધ છે કે ભૂખ્યા ઊઠાડીશ પરંતુ ભૂખ્યા સૂવા તો નહીં જ દઉં પણ મનુષ્યની તો ભૂખ જ અલગ છે... 

પૈસા-ગાડી-બંગલો-જાહોજલાલી-શાનોશૌકત-એશોઆરામ આહાહાહા.... આવું બધું માગે બોલો, જેનાથી ઈશ્વરને દૂર દૂર સુધી કંઈ જ લેવા-દેવા નથી... ક્યારેય સાંભળ્યું છે કે સિંહની સંતાને ઘાસ ખાધું???... ના ને??? તો આપણે ઈશ્વરની સંતાન થઈને આ બધું શુંં કરી રહ્યા છીએ... આ કેવી ભૂખ લઈને જીવીયે છિયે??? જે ભૂખ કદીયે ઈશ્વરે આપી જ નથી... અને વળી પાછા એ જ લોકો ઈશ્વરની ખામીઓ કાઢે... મેં તો આટલાં વ્રત કર્યાં,આમ કર્યું તેમ કર્યું... તોય ઈશ્વરે મને આ ના આપ્યું... અરે ઈશ્વરે તમને કહ્યું હતું કે આમ કરજો... એણે તો તમને ભૂખ્યા નહી સૂવાડું એમ કહ્યું હતું ને...??? તો ક્યારે સૂવાડ્યા હોય તો જ ફરિયાદ કરજો... નહીંતર બસ બે હાથ જોડી તમને મનુષ્ય અવતાર આપ્યો એ બદલ આભાર માનજો... કદી માન્યો છે??? ના માન્યો હોય તો એક વખત સાચા મનથી માની લેજો, પરમશાંતિ ના મળે તો કહેજો...

ઓહ, વિષય ભટકવા બદલ ખેદ છે...

તો ક્યાં હતાં આપણે...? હા મને ૧૬૨ સભ્યોનો પરિવાર મળી ગયો,અને હું નિયમિત અનાથાલયની મૂલાકાત લેવા માંડ્યો... બાળકોની તકલીફ મારી તકલીફ બની ગઈ, કોઈ અચાનક બિમાર થાય, રમતાં રમતાં લાગે ભાગે તો દોડીને બધાં કામ પડતા મૂકી ત્યાં જવાનું... મહિનામાં ક્યારે એકવાર પિકનિક લઈ જવા,મંદિર લઈ જવા... વગેરે વગેરે... જાણે એક નવી અલગ દુનિયા વસી ગઈ હતી...જે દુનિયામાં આજની તારીખમાં ૨૦૮ સભ્યો વસે છે.

હવે પ્રશ્ન થશે કે હું પાછો ઘરે ગયો કે નહીં તો સાંભળો એ પણ, 

હું મારા અંગત કામ સબબ રાજકોટ પહોંચ્યો અને એજ દિવસે મને અમારા જ ગામનો એક મિત્ર મળ્યો. એણે મને મારા દાદાનું ૧૦ દિવસ પહેંલાં દેહાંત થઈ ગયાના સમાચાર આપ્યા. ઓહોહોહો... આ શુંં? મારા દાદા. મારું પ્રિય પાત્ર. આ દુનિયામાં નહોતું અને મને કોઈએ જાણ પણ ના કરી? આવી તે શુંં દુશ્મની? મારું હ્રદય ધબકારો ચૂકી ગયું. પણ આ જીવ હવે મહાદેવમય બની ગયો હતો. વિચાર્યું કે હશે હવે,છૂટ્યા. હ્રદયમાં અત્યંત પિડા હતી. પણ દુનિયાના ઝેર પીધેલું હ્રદય આ ઘૂંટડોય પી ગયું.

 બસ પછી શુંં હતું. ગાડી વાળી કચ્છની વાટે. ૬ કલાકમાં ગામડે પહોંચ્યો. ગામના એક મિત્રને ત્યાં રોકાયો. સવાર પડ્યે સીધો ઘેર. ડેલીમાં પથારી બેઠી છે. બધાં અવાક્‌. આ અહીયાં કઈ રીતે? મેં કહ્યું મારે કોઈ નથી જોઈતું બસ "અસ્થિ"ઓ લાવો. એમાંય આનાકાની બોલો. મેં દાદીને સમજાવ્યા કે મારે દાદાને કાશી ભેગા કરવા છે. તમે કહો તો. દાદી સમજ્યા. અને હુકમ થયો કે "અસ્થિઓ" આપી દેવામાં આવે અને કાશી લઈ જવાય. મેં દાદીને સાથે લીધાં અને ગાડી વાળી સીધી યૂ. પી."કાશી વિશ્વનાથ " તરફ. ત્યાં જઈ દાદાનું તારવણું કર્યું અને દાદીને પણ મહાદેવના દર્શન કરાવ્યા.

અહીયાં વળી પાછો એક બનાવ બન્યો. દાદા બધી વસિયત મારા નામે કરી ગયા. એમને એમ કે જો આના નામે કરી દઈશ તો આખો પરિવાર સામેથી મને ઘેર બોલાવશે.

પણ મને આ બધાંથી કોઈ નિસ્બત નહોતી. જબરજસ્તી ના સંબંધમાં હું કદીયે નથી માનતો. એટલે દાદીને ઘેર મૂકી અને બધી વસિયત પાછી દાદીના નામે કરી,રાજકોટ રવાના થયો. મારું અધૂરું કામ પૂર્ણ કરવા. 

જેવો પેટ્રોલ પંપ પર ગાડી ફૂલ ટેંક કરાવીને એ.ટી.એમ.કાર્ડ સ્વાઈપ કરવા જાઉં,ત્યાં આ શુંં? કાર્ડ કામ જ ના કરે. ઈન્ક્વાઈરી કરી તો જાણ થઈ કે બધાં ખાતાં બ્લોક કરી નાખવામાં આવ્યા છે. એ. પી. માં મારો પિતરાઈ ભાઈ મારી સાથે હતો બે વર્ષથી. મેં પાવર ઓફ અટર્નિ એના નામે કરી હતી. દેશમાં જ્યારે જાણ થઈ કે દાદાએ બધી જ વસિયત મારા નામે કરી દીધી છે,ત્યારે જ આ ભાઈએ બધો બિઝનેસ પોતાના નામે કરી લીધો.  

  આ મારી માટે પડતાં ઉપર પાટું,જેવી સ્થિતિ હતી. દાદાની વસિયત મેં રાખી નહીં અને મારી મહેનતની કમાઈ પર આ ભાઈ બેસી ગયાં. મારી પાસે વધ્યું હવે એક ફ્લેટ,એક વેન અને એક એક્ટિવા. જે ત્રણેયની લોન ચાલુ હતી. મારી જગ્યાએ બીજો કોઈ હોત તો ભાઈ-ભાઈ લડી મર્યા હોત. પણ આ મારા દાદાના સંસ્કાર નહોતા. એમણે મને હંમેશા સ્વાવલંબી બનવાની જ રાહ બતાવી હતી.

ભાઈને કહી દીધું," ભાઈ બિઝનેસ નામથી નહીં,કામથી ચાલે છે ". અને તારે આ બધું કરવાની શુંં જરુર હતી? ફક્ત કહી દીધું હોત તો ય એમનામ આપી દેત". અને આમજ દોઢ કરોડની ભીખ આપી દીધી. મને તો "શૂન્યમાંથી સર્જન " કરવાની આવડત છે જ. હું મારું કરી લઈશ.ભોળો મારી ભેળો જ છે.

મારા વર્કર્સ હતા એ બધાં મારી પાસે આવી ગયા.ધન્ય છે એમને જેમણે સામેથી કહ્યું કે,"૬ મહિના અમને પગાર નહીં આપજો. થશે ત્યારે બમણું આપી જ દેશો તમે."બસ આવા માણસો હોય એને શુંં ફેર પડે. ૪ મહિનામાં સામ્રાજ્ય ફરી ઊભું કરી દીધું."અપ્સરા ઓફિસ વર્લ્ડ" અને "એક્વા હેલ્થ" બંને કંપનીઓ આજેય સાઉથ ઝોનમાં ધૂમ મચાવે છે સાહેબ. "અપ્સરા ઓફિસ વર્લ્ડ "ની તો "પ્લે સ્ટોર"માં એપ પણ છે.

 એ અરસામાં અમેરિકન ફ્રેન્ચાઈઝી સાથે અનાથાલયની મદદ માટે ફંડ આપવાની વાત થઈ. તો એ લોકોએ શર્ત મૂકી કે તમે જે કામ ઈંડિયામાં કરો છો એ જ ચેરીટીને લગતાં કામ અમારી કંપનીના બેનર હેઠળ અહીયાં અમેરિકામાં કરો તો અમે તમારા અનાથાલયને નાણાકીય મદદ કરીશુંં. અથવા તો જે લોકો અહીયાં આવશે એમને સારી એવી સેલેરી આપશુંં જે અનાથાલયના એકાઉન્ટમાં જમા થશે.

 મેં પ્રસ્તાવનો સ્વીકાર કર્યો અને અમારી ૬ જણની ટીમે ૩ વર્ષ માટે યુ. એસ. જવાનું નક્કી કર્યું. બસ આ કામ માટે જ આજે આ પરાઈ ધરતીને પોતીકી બનાવી છે. 

  તો બસ... આ છે મારી આપવીતી...

સાવ સાદી અને સરળ... મારા મહાદેવ જેવી જ... એકદમ..

ફરી સમય બોલ્યો, તો મોટાભાઈ આ તમારી પ્રીત કોણ છે? 

પ્રીત ! ! એના પર તો આખું પ્રીતપુરાણ રચ્યું હશે મહાદેવે, પ્રીત તો મારી પ્રેરણા છે, મારું જીવન છે ને મારું સર્વસ્વ છે. ભોળોનાથ જાણે મને એ ક્યારે મળશે. અમારી રુહ તો એક જ છે બસ ખોડીયા અલગ અલગ છે. જેમ શિવ ને શિવાંગી. મારી પ્રીત ની મુલાકાત તો રોજ સપનામાં થાય છે, એ મારા અરમાનો હરી જાય છે, પણ વળી 'આવું છું' કહી ને ભાગી જાય છે. એને પણ ક્યાં ખબર છે કે હું ચાહું ત્યાં સુધી જ એ દૂર છે, હું ચાહીશ કે નજીક બોલાવવી છે ત્યારે એને પણ મજબૂર થવું પડશે આવવા માટે. પણ અનોખી તો અનોખી જ હોય ને. બસ મારી પ્રીત પણ એવી અનોખી જ છે ને રહેશે...

સમયે કહ્યું, એટલે મોટાભાઈ કમલપ્રીત અમરપ્રીત છે એવું..

હા એવું જ કંઈક સમજી લો.....

અહીં આ વાર્તા પૂર્ણ થાય છે એક આશાવાદ પૂર્ણ નથી થતો. સમયને બધો હક હોય છે બધું કરવાનો બસ એની કોઈ ફરજ નથી હોતી. માણસ સમય પાસે ખરેખર તણખલું જ છે. પણ બહુ જૂજ હોય છે જે સમય ને સ્વીકારીને સમય ને પણ વિચારવા મજબૂર કરી દે છે કે હું ખરાબ હતો કે સારો. આની મોજ કેમ ખતમ નથી થતી. ને સમયને આવું વિચારવા પર મજબૂર એ જ કરી શકે જેને પરમાત્મા પર અતૂટ શ્રદ્ધા હોય. ઈશ્વર એમની શ્રદ્ધા કાયમ રાખે ને એમનું વ્યક્તિત્વ આમ જ વિરાટ રાખે.


Rate this content
Log in

Similar gujarati story from Drama