વ્હિલચેર
વ્હિલચેર
શમીતા, ફ્લેટની બારીમાંથી બહારની દુનિયાને નિરાશ નજરે જોઈ રહી હતી. ક્યારેક ઉત્સાહથી થનગનતી શમીતાને આજે કોઈ જુએ તો માની ન શકે કે આ એ જ શમીતા છે. શમીતાની આંખ નીચે રસ્તા પરથી પસાર થઈ રહેલી દસ વર્ષની એક નાનકડી છોકરી પર પડી. એ એના હાથમાં રહેલા ફુગ્ગાની દોરી ફીટ પકડીને બીજા હાથથી મોબાઈલમાં સેલ્ફી લેવાનો પ્રયત્ન કરી રહી હતી. આ દ્રશ્ય જોઈને શમીતા બે વર્ષ પાછળની દુનિયામાં પહોંચી ગઈ.
કૉલેજમાંથી બે બસ ભરીને બોટનીના વિદ્યાર્થીઓ ડાંગના જંગલોમાં જુદા જુદા ઝાડ, છોડ અને વનસ્પતિ પરના રિસર્ચ માટે ગયાં હતાં. મજાક મસ્તી કરતાં પોતાનું કામ પણ કરતાં જતાં હતાં. તેમના પ્રોફેસર પણ સારા સ્વભાવના હતા એટલે સૌને શીખવામાં પણ મજા પડતી હતી.
જુદાં જુદાં નમૂનાઓ ભેગાં કરી એની બધી વિગત ભરતાં બપોર થઈ એટલે બધાં ભોજન કરવા બેઠાં. ભોજન કરીને પરવાર્યા એટલીવારમાં એક ફુગ્ગાવાળો ત્યાંથી પસાર થયો. એની પાસેના બધાં ફુગ્ગા ખરીદી લીધા અને બધાં જાણે બાળપણમાં પહોંચી ગયા હોય તેમ મસ્તી કરવા લાગ્યા. મોબાઈલમાં સેલ્ફી લેવાની શોખીન શમીતા આગળ પાછળ કંઈ જોયા વગર સેલ્ફી લેતી હતી. સેલ્ફી લેતાં લેતાં તે એક ટેકરીની ધાર પર પહોંચી ગઈ. હજી બધાં કંઈ સમજે એ પહેલાં તો એનો પગ લપસ્યો અને એ નીચે પટકાઈ. જો કે એ પડી તે જગ્યા બહુ ઊંડી નહોતી પણ એ પડી એ સાથે જ એના પગ પર એક મોટો પથ્થર પડ્યો અને એનો પગ ખૂબ ખરાબ રીતે છુંદાઈ ગયો. બધાનો આનંદ શોકમાં પલટાઈ ગયો. સ્થાનિક લોકોની મદદથી એને તાત્કાલિક નજીકના આહવાની હૉસ્પિટલમાં લઈ જવામાં આવી. ત્યાં એનો ઘૂંટણ નીચેથી છુંદાયેલો પગ કાપી નાંખવો પડ્યો.
ત્યાં તો ધડામ દઈને ફુગ્ગો ફૂટવાનો અવાજ આવ્યો અને શમીતા વર્તમાનમાં પાછી ફરી. એ સેલ્ફી લેતી છોકરીનો ફુગ્ગો ફૂટી ગયો હતો. શમીતાએ જોયું તો એ કાખઘોડીના સહારે ઊભી રહી આનંદથી તાળીઓ પાડી રહી હતી. શમીતાએ પોતાની 'વ્હિલચેર' પર નજર કરી. પોતાના કરતાં તો એ નાની છોકરી વધારે બહાદુર હતી અને પોતે આમ નિરાશ થઈ બેઠી છે. એણે તે જ ઘડીએ વ્હિલચેર પરથી ઊભા થઈ નિરાશા ખંખેરી ઉત્સાહથી જીવવાનું નક્કી કર્યું.
