Abid Khanusia

Inspirational

4  

Abid Khanusia

Inspirational

વાયરા વિદેશના

વાયરા વિદેશના

10 mins
473


લંડનનું હિથ્રો ઇન્ટરનેશનલ એરપોર્ટ દુનિયાના ખૂબ વ્યસ્ત એરપોર્ટ પૈકીનું એક છે. ડિસેમ્બર મહિનાની ખૂબ ઠંડી અને ધૂંધળી સાંજ હતી. લંડનના એરપોર્ટ મુસાફરોની દોડાદોડ અને ઘૂઘવાટથી જીવંત હતું તેમ છતાં ઠંડીના કારણે તેમાં એક અજીબ ખામોશી હતી. પ્રકાશ પટેલ અને તેમની પત્ની ચારુલતા એક માસ કરતાં પણ વધારે સમયથી લંડનમાં હતા અને આજે ભારત પરત જઈ રહ્યા હતા. તેમનો પુત્ર ધીમંત અને તેની પત્ની ધારા પ્રકાશભાઈની ફરમાઇશ મુજબ તેમની બેનના દીકરાના દીકરા માટે ખરીદવાના રહી ગયેલા કપડાં અને રમકડાં એરપોર્ટ પરની ટોય શોપમાંથી ખરીદવા ગયા હતા. 

પ્રકાશ પટેલ અને ચારુલતાબેનનો ઈંગ્લેન્ડનો આ ચોથો અને થોડોક લાંબો પ્રવાસ હતો. તેમના પુત્ર ધીમંતે લંડન યુનિવર્સિટીમાંથી એમ.બી.એ.ની ડિગ્રી મેળવી હતી. તેને લંડન સ્થિત એક મલ્ટીનેશનલ કંપનીમાં ખૂબ સારા પગારની જોબ મળી હતી. વિમાનને ઊપડવાની હજુ ત્રણ કલાકની વાર હતી પરંતુ ધીમંત અને ધારાને સવારે વહેલા જોબ પર જવાનું હોવાથી તેઓ પ્રકાશ પટેલ અને ચારુલતાબેનને થોડાક વહેલા એરપોર્ટ પર મૂકી આરામ કરવા માગતા હતા. પ્રકાશ પટેલ અને ચારુલતાબેન ખરેખર તો પોતાના ચાર વર્ષના પૌત્ર સુરમ્યને, જે ધીમંત અને ધારા સાથે વેકેશનમાં ભારત આવ્યો હતો, વેકેશન પૂરું થતાં લંડન મૂકવા આવ્યા હતા. અગાઉના ત્રણ પ્રવાસમાં તેમનું રોકાણ આઠ દસ દિવસ જેટલું જ રહ્યું હતું પરંતુ આ વખતે તેમને સ્કોટલેંડ અને ફ્રાન્સનો પ્રવાસ કરવો હતો એટલે એક માસ માટે રોકાઈ ગયા હતા.  

પ્રકાશના પિતાજી પાસે વિશાળ ખેતી લાયક જમીન હતી. તેમને બે બાળકો હતા પુત્ર પ્રકાશ અને પુત્રી વિદિશા. તે ઇચ્છતા હતા કે તેમનો પુત્ર ખેતી કરે પરંતુ પ્રકાશને ખેતી કરવામાં કોઈ રસ ન હતો. તેણે ભણીને શિક્ષક થવાનું વિચારી રાખ્યું હતું. તે ગણિત વિષય સાથે એમ.એસ.સી બી.એડ. ની ડિગ્રી ધરાવતો હતો. ભણતર પૂરું કરી સરકારી નોકરી માટે પ્રયત્નો શરૂ કર્યા પરંતુ એક વર્ષ સુધી સરકારી નોકરીનો જોગ ન થયો એટલે તેણે શહેરમાં એક કોચિંગ ક્લાસમાં વિદ્યાર્થીઓને કોચિંગ આપવાનું શરૂ કર્યું. પ્રકાશનો ટીચિંગ પાવર ખૂબ સારો હતો. તે થોડા સમયમાં વિદ્યાર્થીઓમાં ખૂબ લોકપ્રિય થઈ ગયો. પ્રકાશ સરના નામનો શહેરમાં ડંકો વાગવા માંડ્યો હતો એટલે તેણે પોતાનો ટ્યુશન ક્લાસ શરૂ કર્યો અને જુદા જુદા વિષયના નામાંકિત શિક્ષકોને હાયર કર્યા. જોત જોતામાં તેનો ટ્યુશન ક્લાસ ખૂબ પ્રખ્યાત થઈ ગયો. પચાસ પચાસ વિદ્યાર્થીઓની દિવસમાં સાત બેચો ચાલતી હતી. પ્રકાશ સવારે સાડા પાંચ વાગ્યાથી વિદ્યાર્થીઓને ટ્યુશન આપવાનું શરૂ કરતો જે રાત્રિના દસ વાગ્યા સુધી ચાલુ રહેતું. સતત સત્તરથી અઢાર કલાક કાર્યમાં રચ્યો પચ્યો રહેતો હતો. ઘરમાં પૈસાની રેલમછેલ હતી. 

તેના લગ્ન ચારુલતા સાથે થયા હતા. ચારુલતા પણ શિક્ષિકા હતી. તેણે થોડાક વર્ષો સુધી સરકારી નોકરી કરી હતી પરંતુ ત્યારબાદ તે સરકારી નોકરી છોડી પ્રકાશ સાથે કોચિંગ ક્લાસમાં જોડાઈ હતી. લગ્ન જીવનના ત્રણ વર્ષ પછી તેમના ઘરમાં પુત્ર તરીકે ધીમંત અવતર્યો. તેમનું ઘર આનંદથી ભરાઈ ગયું. ધીમંત ત્રણ વર્ષનો થયો ત્યારે પ્રકાશના માતાજીનું અવસાન થઈ ગયું. માતાજીના મૃત્યુ પછી તેના પિતાજી પણ બે વર્ષમાં સ્વર્ગે સીધાવી ગયા હતા. 

ધીમંતે પોતાનું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું એટલે પ્રકાશ અને ચારુલતાએ તેને તેમની સાથે કોચિંગ ક્લાસમાં જોડાઈ જવા સમજાવ્યો પરંતુ ધીમંતને ભણાવવામાં કોઈ રુચિ ન હતી. તેણે સફળ બિઝનેસમેન થવાનું સ્વપ્ન સેવ્યું હતું એટલે બિઝનેસ એડ્મીનીસ્ટ્રેશનના વધુ અભ્યાસ માટે લંડન જવાની જીદ પકડી. પ્રકાશ જાણતો હતો કે તેણે તેના પિતાજીના ઉપરવટ જઇ ખેતીના બદલે શિક્ષક થવાની જીદ કરી હતી અને તેના પિતાજીએ તેની જીદ પૂરી કરી હતી માટે હવે તેનો વારો હતો. તેણે ધીમંતને બિઝનેસ એડ્મીનીસ્ટ્રેશનના વધુ અભ્યાસ માટે લંડન જવાની પરવાનગી આપી. વિદેશ ભણવા જતાં પહેલાં ચરુલતાએ સગાઈ કરીને જવાની શરત મૂકી હતી જે ધીમંતે માન્ય રાખી હતી. 

તેમના કોચિંગ ક્લાસમાં બે વર્ષ પહેલાં ધારા નામની તેમના સમાજની છોકરી ટ્યુશન માટે આવતી હતી. તેના પિતાજીની આર્થિક સ્થિતિ નબળી હોવાથી ચારુલતાની ભલામણથી પ્રકાશે ધારાને વિના મૂલ્યે કોચિંગ આપ્યું હતું. ચારુલતાએ ધારાને ધીમંતના જીવન સાથે જોડવાનો મનોમન સંકલ્પ કરી લીધો હતો. ધારા ખૂબ દેખાવડી અને ગુણિયલ છોકરી હતી. તેના માતા પિતા ખૂબ સંસ્કારી હોવાથી તે પોતાના દીકરા ધીમંતને સુખી કરશે તેમ માની તેણે ધારા સાથે ધીમંતની સગાઈ કરવાનું મનોમન નક્કી કર્યું હતું. ધીમંતે ધારા સાથે તેની સગાઈની સંમતિ આપી હતી. લંડન જતાં પહેલાં ધીમંત અને ધારાની સગાઈ થઈ ગઈ. ધારા ત્યારે કોલેજના છેલ્લા વર્ષમાં ભણતી હતી. ધીમંતે એમ.બી.એ.નો અભ્યાસ પૂરો કર્યો ત્યારે તેના કોન્વોકેશનમાં હાજરી આપવા પ્રકાશ અને ચારુલતા પ્રથમવાર લંડન આવ્યા હતા. ધીમંત અભ્યાસ પૂરો કરી ભારત પાછો આવ્યો એટલે તેના અને ધારાના લગ્ન ઉકેલી લેવામાં આવ્યા હતા. 

ધીમંતને લંડનમાં નોકરી મળી એટલે તે ધારાને લઈ લંડન આવી ગયો હતો. ધીમંતે થોડા સમય પછી લંડનમાં પોતાનું મકાન ખરીદવાની ઈચ્છા દર્શાવી એટલે પ્રકાશે સંમતિ આપી અને જોઈતી રકમ પણ ધીમંતને મોકલી આપી હતી. ધીમંતના લંડન સ્થિત નવા ઘરમાં ગૃહ પ્રવેશ વખતે પ્રકાશ અને ચારુલતાને બીજીવાર લંડન આવવાનું થયું હતું. જયારે ધીમંતની પત્ની ધારાની કુંખે દીકરો સુરમ્ય અવતર્યો ત્યારે ત્રીજી વાર લંડન આવવાનું થયું હતું. આ તેમનો ચોથો લંડનનો પ્રવાસ હતો.  

ધીમંત પોતાના ડેડીની ફરમાઇશ અનુસાર પોતાની ફોઈના દીકરાના દીકરા માટે કપડાં અને રમકડાં લઈ પાછો ફર્યો ત્યારા તેના અને ધારાના ચહેરા પર અણગમાના ભાવ સ્પષ્ટ જણાઈ આવતા હતા. ધીમંતે કપડાં અને રમકડાંના બોક્ષ તેની મમ્મીને આપતાં કહ્યું “ ઉફ... મમ્મી અહી એરપોર્ટ પર ખરીદી ખૂબ મોંઘી હોય છે. જો તમે પહેલાં યાદ દેવરાવ્યું હોત તો લંડનના મોલમાંથી ખરીદી લેત. ત્યાંથી આ વસ્તુઓ ત્રણસો પાઉન્ડમાં મળી જાત જયારે અહી પાંચસો પાઉન્ડ આપવા પડ્યા. આમેય તમે અહી એક મહિનો રોકાયા અને ફરવા ગયા તેનો મને વધારાનો પચીસ હજાર પાઉન્ડનો ખર્ચો થયો છે જેને પહોંચી વળવા માટે મારે અને ધારાએ બે મહિના સુધી ઓવર ટાઈમ કામ કરવું પડશે “

ધીમંતની વાત સાંભળી પ્રકાશ અને ચારુલતાના ચહેરા પર વિષાદ ફરી વળ્યો. પ્રકાશની આંખોમાં ગુસ્સો સ્પષ્ટ વરતાતો હતો પરંતુ તે ગમ ખાઈ ગયો. ચારુલતા ધીમંતને કઇંક સંભળાવવા જતી હતી બારાબર તે સમયે જ પબ્લિક એડ્રેસ સિસ્ટમ પરથી તેમની ફલાઇટ માટેના બોર્ડિંગ પાસ મેળવી ઇમિગ્રેશનની વિધિ પૂરી કરાવી લેવાનો સંદેશો વહેતો થયો અને સાથોસાથ એરપોર્ટના ટીવી મોનીટર પર તે અંગેની જાહેરાત પ્રગટ થઈ. 

પ્રકાશ અને ચારુલતા ચૂપચાપ પોતાની બેગો લઈ ધીમંત અને ધારા સામે નજર નાખ્યા સિવાય એરપોર્ટની વેઇટિંગ લાઉંજ છોડી આગળ વધી ગયા.   લંડનથી રાત્રે ઉપડેલી ફ્લાઇટ બીજા દિવસે બપોર પછી અમદાવાદના એરપોર્ટ પર લેન્ડ થઈ. પ્રકાશ અને ચારુલતા પોતાના દીકરાના વહેવારથી ખૂબ દુખી હતા એટલે ફ્લાઈટમાં પણ બંને વચ્ચે કોઈ ઝાઝો સંવાદ થયો ન હતો. બંનેનું મગજ વિચારોના વાવાઝોડાથી ઉભરાઇ રહ્યું હતું. લાગતું હતું કે તેમણે બંનેએ ખૂબ મનોમંથન કર્યું હતું. અમદાવાદ એરપોર્ટની બહાર નીકળ્યા ત્યારે ડ્રાઈવર ગાડી લઈને તેમને લેવા હાજર હતો. તેઓ મોડી રાત્રે ઘરે પહોચ્યા. પડોશીએ ઘર સાફ કરાવી રાખ્યું હતું અને રસોઈ પણ તૈયાર હતી. બંનેને જમવામાં રુચિ ન હતી તેમ છતાં થોડુક જમીને સૂઈ ગયા. 

બીજા દિવસે સવારે પ્રકાશે આવેલી ટપલો જોઈ લીધી. મળેલ ટપાલમાં એક ખુશીના સમાચાર હતા. પ્રકાશે એક સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ ખોલવાની મંજૂરી માગી હતી જેને સરકારે માન્ય રાખી હતી. તેણે તે પત્ર ચારુલતા સમક્ષ ધર્યો. ચારુલતા તે પત્ર વાંચીને ફક્ત એટલુ જ બોલી “ હવે આ બધુ કોના માટે ...?. પ્રકાશને લાગ્યું કદાચ ચારુલતાને ધીમંતના વહેવારથી તેના કરતાં વધારે માઠું લાગ્યું છે પરંતુ સૌ સારાવાના થઈ જશે તેમ વિચારી તે કોચિંગ ક્લાસ જવા રવાના થઈ ગયો. ધીમંતે તે દિવસે ચારુલતાને તેમના સુખરૂપ પહોંચી જવાના સમાચાર જાણવા ફોન કર્યો જે ચરુલતાએ જાણી જોઈ રિસીવ ન કર્યો એટલે તેણે “ મોમ, ડેડ તમે સુખરૂપ પહોંચી ગયા હશો” તેવો મેસેજ કર્યો. 

બે દિવસ પછી ધીમંતને તેની માતાનો મેઈલ મળ્યો. ચારુ લતાએ લખ્યું હતું....  

"ચિ. ધીમંત, ધારા અને સુરમ્ય. તમે બધા કુશળ હશો અને હમેશાં કુશળ રહો તેવી કામના કરું છુ.

તારા હિથ્રો એરપોર્ટ પરના વહેવારથી અમને પારાવાર દુખ થયું છે તે તું સમજી ગયો હોઈશ માટે તે બાબતે મારે કઇં કહેવાનું મને ઉચિત લાગતું નથી. અમારા રોકાણ અને સ્કોટલેંડ તેમજ ફ્રાન્સના પ્રવાસના કારણે તારે વધારાનો પચીસ હજાર પાઉન્ડનો ખર્ચો થયો છે જેને પહોંચી વળવા માટે તમારે બે મહિના સુધી ઓવર ટાઈમ કામ કરવું પડશે તેવું તેં જણાવ્યુ હતું પરંતુ તમારે હવે ઓવરટાઈમ નહીં કરવો પડે કેમકે મેં મારા બેન્ક એકાઉન્ટમાંથી તારા એન.આર.આઈ. એકાઉન્ટમાં પચીસને બદલે ત્રીસ હજાર પાઉન્ડ ટ્રાન્સફર કર્યા છે જે બે દિવસમાં તારા ખાતામાં ક્રેડિટ થઈ જશે. 

બેટા !, કદાચ તું ભૂલી ગયો છે કે તું ધોરણ પાંચમાં ભણતો હતો ત્યારે તને કમળો થઈ ગયો હતો. સારવાર ચાલુ હતી તેમ છતાં તને કમળામાંથી કમળી (હેપિટાઈટિસ-બી) થઈ ગઈ. ડૉક્ટરોના અભિપ્રાય મુજબ તારું લીવર ડેમેજ થઈ રહ્યું હતું અને તને તાત્કાલિક સારવાર આપવામાં ન આવે તો તારા જીવને જોખમ હતું. તે વખતે હેપિટાઈટિસ-બી ની સારામાં સારી સારવાર સીંગાપુર ખાતે ઉપલબ્ધ હતી તેથી તારા ડેડીએ તાત્કાલિક તને સીંગાપુરની હોસ્પીટલમાં ખસેડવાનો નિર્ણય લીધો હતો. સીંગપુરની હોસ્પીટલમાં ચાર મહિના સુધી સતત મોંઘી સારવાર આપાઈ ત્યારે તું સાજો થયો હતો. તને ખબર છે બેટા ! તારી સારવાર પાછળ કેટલો ખર્ચ થયો હતો ? તને ક્યાંથી ખબર હોય ? તું તો તે વખતે નાનો અને અબુધ હતો અને મોટા થઈ તે કદી તે બાબતે પૂછ્યું પણ ન હતું. તો આજે જાણી લે તારી સારવાર પાછળ ફકત હોસ્પિટલનો ખર્ચ લગભગ પચાસ લાખ થયો હતો.

તને એ પણ ખબર નહીં હોય કે જો જરૂર પડે તો તારા ડેડી અને હું તને અમારું લીવર ડોનેટ કરવા તૈયાર હતા. અમે તે માટેના બધા રિપોર્ટ કઢાવી તૈયાર રાખ્યા હતા. રિપોર્ટ મુજબ તારા ડેડીનું લીવર તને વધારે મેચ થતું હતું એટલે જો જરૂર પડી હોત તો આજે તેમનું લિવર તારા શરીરમાં હોત. તેથી વધુ આજે એ પણ જાણી લે કે આપણા ટ્યુશન ક્લાસમાં દાખલ થયેલા વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે તે માટે તારા ડેડી દર અઠવાડિયે સીંગપુરથી ભારત આવતા અને અઠવાડિયું રોકાઈ કોર્સ પૂરો કરી ફરી પાછા સિંગાપુર પરત આવી જતા હતા. તારી બીમારીના કારણે મારે સરકારી નોકરીમાંથી રાજીનામું આપી દેવું પડ્યું હતું. ચાર મહિના પછી તારી સારવાર પૂરી થયે આપણે ભારત પાછા આવ્યા પરંતુ ડૉક્ટરોએ તને છ માસ સુધી સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી હતી એટલે હું અને તારા ડેડી અવિરત તારી કાળજી લેતા હતા. દિવસે હું તારી સંભાળ રાખતી હતી અને એ છ મહિનાની બધી જ રાત્રીઓ તારા ડેડીએ અનિમેષ નયનોએ જાગી તને સાચવ્યો હતો જેના પરીણામે તું સંપૂર્ણ સ્વસ્થ થયો હતો.  

બેટા ! હું તને વિદેશ ભણવા મોકલવા બિલકુલ તૈયાર ન હતી પરંતુ તારા ડેડી ફક્ત તારી ખુશી માટે મારી નારાજગી વહોરીને પણ તને વિદેશમાં ભણવા જવાની મંજૂરી આપી હતી. તારે લંડનમાં ઘર લેવા માટે પૈસાની જરૂર હતી તો તારા ડેડીએ એક પળનો પણ વિલંબ કર્યા સિવાય પંચોતેર લાખ જેવી માતબર રકમ તને મોકલી આપી હતી જેથી તારે બેંકમાંથી લોન લેવી ન પડે અને દરમાસે હપ્તા ભરવા માટે વધારે કમાવવા માટે દોડાદોડી કરી તારે શરીર બગાડવું ન પડે. એ પણ જાણી લે કે ધારાના પિતાજીની આર્થિક સ્થિતિ નબળી હોવાથી મારી ભલામણથી તારા ડેડીએ તેને વિના મૂલ્યે કોચિંગ આપ્યું હતું. એટલુજ નહીં તેને અભાવોમાં જીવવું ન પડે તે માટે મેં ધારાને તારા જીવન સાથે જોડવાનો મનોમન સંકલ્પ કરી લીધો હતો. 

બેટા ધીમંત ! તને કદાચ ખબર નહીં હોય તારા દાદાજીની મિલકતોમાંથી થતી આવક તારા ડેડી આપણા ઘરમાં વાપરતા નથી. તે મિલકતોની આવકમાંથી દર વર્ષે તારા ડેડી ગરીબ વિદ્યાર્થીઓને ભણાવવા માટે રૂપિયા દસ લાખ કરતાં વધારે રકમ ખર્ચે છે અને આપણા સમાજની લગભગ સો જેટલી ગરીબ અને વિધવા બાઇઓના ઘરમાં દર માસે જરૂરિયાત મુજબનું રાશન ભરી આપે છે તેમજ માંદગીમાં સપડાએલા ગરીબોનું હોસ્પિટલનું બિલ ભરવા ઉપરાંત તેમની દર માસની જરૂરિયાત મુજબની દવાઓ વિના મૂલ્યે તેમના ઘરે પહોંચાડવાની વ્યવસ્થા તેમણે ગોઠવેલ છે. આ બધુ હું તને સંતાપવા માટે નથી જણાવતી પરંતુ તેં પચીસ હજાર પાઉન્ડ જેટલી નાની રકમ માટે જે અણગમો દર્શાવી અમારું અપમાન કર્યું હતું તેની સામે તારા ડેડી દર વર્ષે કેટલું ગુપ્ત દાન કરે છે તે સમજાવવા માટે જણાવું છું. બેટા તેં એટલો પણ વિચાર ન કર્યો કે અમે અમારા ખર્ચે અમારી પ્લેનની રિટર્ન ટિકિટ લઈને આવ્યા હતા. અરે તું એ પણ ભૂલી ગયો હતો કે અમે રખડવા નહીં પરંતુ તારા દીકરાને તારી પાસે પહોંચાડવા આવ્યા હતા ? તારા દીકરાના એર ફેર પેટે અમે કેટલી રકમ ચૂકવી હતી તે પૂછવાનો વિવેક પણ તું ચૂકી ગયો હતો, બેટા ? 

અમે લંડન પહોંચ્યાને અઠવાડીયા પછી મોલમાં ગયા ત્યારે તારા ડેડીએ મને તારી ફોઈના દીકરાના દીકરા માટે કપડાં અને રમકડાં ખરીદવા કહ્યું હતું પરંતુ “આપણે ફ્રાંસથી ખરીદી કરીશું” તેવું કહી મેં તારા ડેડીને ખરીદી કરતા રોક્યા હતા. ફ્રાંસમાં તે ખરીદી કરવાનું મારાથી ભુલાઈ ગયું હતું અને છેક એરપોર્ટ પહોંચ્યા ત્યારે યાદ આવ્યું એટલે તને તે વસ્તુઓ ખરીદી લાવવા કહ્યું હતું. જો અમે ફ્રાંસથી ખરીદી કરી હોત તો તે પાંચસો પાઉંડની નહીં પરંતુ બે હજાર યુરોની હોત !. સામાજિક વહેવારોમાં તને શું સમજ પડે, બેટા ? મારાથી થયેલી ભૂલના કારણે તેં તારા ડેડીનું અપમાન કર્યું તે મને હાડોહાડ લાગી આવ્યું છે. તારા ડેડી મારા જીવનમાં ભગવાન કરતાં પણ ઊંચા સ્થાને બિરાજે છે. તારા ડેડી તે કડવો ઘૂંટ તેમના ગળા નીચે ઉતારી પચાવી ગયા છે પરંતુ હું તેમ કરી શકું તેમ નથી. હું તને આજીવન માફ કરી શકીશ નહીં. બેટા, તેં તારા ડેડીનું નહીં આપણી આખી પેઢીનું અપમાન કર્યું છે. જવાદે તને સામાજિક મૂલ્યોની વાત નહીં સમજાય !. મને એ નથી સમજાતું કે તારા ઉછેરમાં અને સંસ્કાર સિંચનમાં અમારી કચાસ રહી ગઈ છે કે વિદેશી વાયરામાં તું અટવાઈ ગયો છે ?  

એક વાત યાદ રાખજે બેટા કે પૈસો તો હાથનો મેલ છે. આજે છે અને કાલે નથી. જીવનમાં ભૌતિક સુખ એ સુખ નથી પરંતુ પરોપકારથી જે સુખ મળે છે તેનો આનંદ અવિસ્મરણીય હોય છે. બેટા હજી મોડુ નથી થયું પૈસા ભેગા કરવા કરતાં તેનો સદઉપયોગ કરવો વધારે સુખદાઈ છે તે વાત તું જેટલી વહેલી સમજીશ તેટલો વહેલો સુખી થઈશ. 

બેટા, તને કદાચ ખબર નહિ હોય અમે તારા ભવિષ્ય માટે કેટલું વિચારી રાખ્યું હતું. તારા માટે એક સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ ખોલવાની મંજૂરી માટે તારા ડેડીએ એપ્લાય કર્યું હતું જેની મંજૂરી આવી ગઈ છે પરંતુ થાય છે કે હવે આ બધુ કોના માટે કરવું ? 

બેટા, તારા દાદાજીની મિલકતો તારી ફોઈના નામે કરી અને કોચિંગ ક્લાસ તારી ફોઈના દીકરાના હવાલે કરી સમાજસેવાના કામમાં જોતરાઈ જવાનું અમે નક્કી કર્યું છે. તું લંડનમાં સુખી રહે તેવા મારા ખરા અંતરના આશીર્વાદ છે. 

તમારા કાયમી સુખની કામના કરતી તારી મમ્મીના દિલના ઊંડાણથી આશીર્વાદ.

 તેની મમ્મીનો મેઈલ વાંચી ધીમંતને તેનું શરીર આગની જવાળાઓમાં ભડ ભડ બળતું હોવાનો એહસાસ થયો. ધીમંતને તેની ભૂલ સમજાઈ ગઈ હતી પરંતુ હવે ખૂબ મોડુ થઈ ગયું હતું. તેની આંખોમાંથી બોર જેવડાં આસુઓની સરવાણી વહેતી હતી તેણે રડતી આંખે તે મેઈલ ધારાને ફોરવર્ડ કર્યો, ધારા પણ મેઈલ વાંચી સડક થઈ ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational