STORYMIRROR

PRAVIN MAKWANA

Inspirational

4  

PRAVIN MAKWANA

Inspirational

વારસદાર

વારસદાર

5 mins
909

પત્નીને 'આવજે' કહીને મહેશભાઈ બહાર નીકળ્યા. સવારના દસ વાગ્યા હતા. ત્રીજા માળે આવેલા ફ્લેટમાંથી પગથિયા ઉતરીને નીચે આવ્યા. પાર્કિંગમાં જઈને સ્કૂટર ચાલુ કરવા માટે ચાવી શોધવા પેન્ટના ખિસ્સામાં હાથ નાખ્યો ત્યારે ખબર પડી કે ચાવી તો ઘરમાં જ ભૂલી ગયા છે. જુના ફ્લેટ હતા. લિફ્ટની લક્ઝરી ગેરહાજર હતી. શું ફરીથી દાદરા ચડવા પડશે ? એમણે ઉપર જોયું અને હૈયામાં 'હાશ' જન્મી. પત્ની હજુ બાલ્કનીમાં જ ઉભી હતી. 'સ્કૂટરની ચાવી નીચે ફેક..' મહેશભાઈએ હુકમની અદામા વિનંતી કરી.

આ પૂર્વની ભૂમિની પરંપરા છે. અહીં પશ્ચિમની જેમ પતિ-પત્નીના પ્રેમસંબંધમાં પ્લીઝ, સોરી, થેન્ક્યુ જેવા કૃત્રિમ શિષ્ટાચારને માટે કોઈ સ્થાન નથી હોતું. એમાંય ત્રણ ત્રણ સંતાનોના મા-બાપ બન્યા પછી તો જરાયે નહીં. પત્ની હેમાબહેન દોડતા ઘરમાં ગયા. ટીવીસેટની ઉપરથી કિ-ચેઇન પડેલી હતી એ ઉઠાવીને પાછા બાલ્કનીમાં આવ્યા. નીચે કેચ કરવા સ્વામીનાથ તૈયાર ઊભા હતા. હેમાબહેન બાલ્કનીની અને રેલિંગ ઉપર ઝૂકીને કિ-ચેઇન નીચે ફેંકવા ગયા પણ પોતાના શરીર ઉપર કાબુ જાળવી શક્યા નહીં. કદાચ ડ્રોઈંગરૂમમાંથી બહાર આવ્યા એનો વેગ એમને નડી ગયો. પગ તો સ્થિર થઈ ગયા, પણ આખા શરીરને બ્રેક ન લાગી. એ લોખંડના પાઈપની રેલીંગને ઓળંગીને હવામાં ફેંકાયા. એમની મરણચીસ અને નીચે ઊભેલા મહેશભાઈની અરેરાટી એકમેક સાથે ભળી ગયા.

હેમાબહેન પેટભર પછડાયા હતા. નીચે સ્કૂટરો પાર્ક થયા હતા. એમાંથી એક સ્કૂટરનું હેન્ડલ હેમાબહેનના પેટમાં ઘૂસી ગયું. પેટની દીવાલ દરજીએ વેતરેલા કાપડની જેમ ચિરાઈ ગઈ. લોહીનું ખાબોચિયું. આંતરડાનો ઢગલો અને મરણની સરહદ સુધી પહોંચી ગયેલો દેહ. મહેશભાઈએ બૂમાબૂમ કરી મૂકી. આમ પણ ધબાકાનો અવાજ સાંભળીને દસ-બાર માણસો તો દોડી જ આવ્યા હતા મદદની બૂમ સાંભળીને બીજા પંદર-વીસ જણા દોડી આવ્યા.'જલ્દી કરો, રીક્ષા બોલાવો..! બહેનને વી.એસ હોસ્પિટલ ભેગા કરો. રીક્ષા ક્યાં શોધવા જાવ છો ? ફ્લેટમાંથી કોઈની ગાડી બહાર કાઢો..' જેટલા માણસો, એટલા અભિપ્રાયો હતા. પણ મહેશભાઈ સમજી ગયા કે વી.એસ હોસ્પિટલ સુધી પહોંચી શકાય એવી પરિસ્થિતિ ન હતી.

તાત્કાલિક એમણે નિર્ણય લઈ લીધો, જે અલબત્ત, મોંઘો હતો, પણ મહત્વનો હતો.. પત્નીને નજીકના ખાનગી નર્સિંગહોમમાં લઇ ગયા. ડોક્ટર જનરલ સર્જન હતા અને બાહોશ હતા. પણ હેમાબહેનની હાલત જોઇને એ પણ ખળભળી ગયા. રહેલું કામ ધૂળમાં રગદોળાઈ ગયેલા આતરડા પાછા પેટની પેટીમાં પુરવાનું કર્યું. પછી એની ઉપર દવામાં ઝબોળેલું કપડું ઢાંકી દીધું. એટલું કર્યા પછી ડોક્ટર દર્દીના પતિની દિશામાં ફર્યા..'પેશન્ટની હાલત સીરીયસ છે..''જાણું છું..' મહેશભાઈની આંખોમાં ઝળહળીયા છલક્યાં. 'હેમાબહેન ભાગ્યે જ બચી શકશે..!' 'હા, એ પણ જાણું છું. નહીંતર તમારી પાસે શું કામ લાવત ?' 'મોટાભાગે તો તમારી પત્ની ચાલુ ઓપરેશને જ..''સાહેબ, તમને બે હાથ જોડું છું. આગાહીઓ કરવાનું બંધ કરો અને સારવાર ચાલુ કરો..!'

ડોક્ટર શાહે ડોક્ટરોની ટુકડી બોલાવી લીધી. લોહીના બાટલાઓ મંગાવી લીધા. હેમાબહેનના પેટની અંદર ભાગ્યે જ કોઈ અંગ સલામત બચ્યું હતું. આંતરડા, પેશાબની કોથળી, ગર્ભાશય.. જ્યાં જુઓ ત્યાં ખાના-ખરાબી હતી. પૂરા ૧૦ કલાક ઓપરેશન ચાલ્યું. એ દરમિયાન દસવાર મૃત્યુના બારણે ટકોરા મારીને હેમાબહેન પાછા આવ્યા. પુરા ૨૫ દિવસના હોસ્પિટલના રોકાણ પછી હેમાબહેન પાછા ઘરે જઈ શકવા જેવા થયા. જ્યારે ડોક્ટરે સારવારનું બિલ પકડાવ્યું ત્યારે મહેશભાઈએ એક પણ રૂપિયો કાપ્યા વગર રકમ ચૂકવી દીધી. પણ પછી એક નાનકડી મજાક પણ એમણે કરી લીધી..'ડોક્ટર સાહેબ, એક નાનકડી વસ્તુ હું ભૂલી ગયો, એ મને એટલી મોંઘી પડી ગઈ. આજે સમજાયું કે સ્કૂટર કરતાં સ્કૂટરની ચાવી વધારે 'મોંઘી' હોઈ શકે છે..!' ડોક્ટર સહેજ હસ્યા. પછી તરત ગંભીર થઈ ગયા..

'આ તો કાંઈ નથી, મહેશભાઈ..! આ અકસ્માત તમે ધારો છો એના કરતા પણ તમને ઘણો વધારે મોંઘો પડયો છે..''હું સમજ્યો નહીં..!!''તો સમજો..! હેમાબહેનના ગર્ભાશયને પહોંચેલી ઈજા ખૂબ ગંભીર હતી. હવે ક્યારેય તેઓ ગર્ભધારણ ન કરે એ વાતની સાવધાની...' 'પણ ડોક્ટરસાહેબ, મારે તો સંતાનોમાં ત્રણ દીકરીઓ જ છે. અમારી ઇચ્છા એક દીકરા માટે...''એટલે જ કહુંછું કે આ વિચારને પડતો મુકજો. દીકરાની લાલચમાં ક્યાંક તમે પત્નીને ખોઈ બેસશો..'હેમાબહેનને લઈને ઘરે તરફ જઈ રહેલા મહેશભાઈ વિચારતા હતા.. આ અકસ્માત ખરેખર બહુ મોંઘો પડી ગયો...!

***

'મહેશકુમાર, ચાલો મારી સાથે, બાપાના દર્શન કરવા જવાનું છે..'એક દિવસ સવારના પહોરમાં મહેશભાઈના સાળા જયેશભાઈ ગાડી લઈને આવી પહોંચ્યા. 'બાપા' એટલે દુનિયાભરમાં ફેલાયેલા લાખો-કરોડો ભક્તો માટે આસ્થાનું કેન્દ્રબિંદુ બની ચૂકેલા જાણીતા સંતપુરુષ પ્રમુખસ્વામી મહારાજ. ભારતના વડાપ્રધાન કે અમેરિકાના પ્રમુખ પણ જેમને મળવા માટે 'એપોઇન્ટમેન્ટ' ઝંખતા હોય છે એ આધ્યાત્મ-પુરુષ..! સાળા-બનેવી તૈયાર થઈને નીકળી પડ્યા. અમદાવાદથી બે કલાકના અંતરે બાપાનું ધામ હતું. ભકતજનોની ભીડ ઉમટી હતી. એ દિવસ આખા વરસમાં એકવાર આવતો ચોક્કસ દિવસ હતો. મહેશભાઈનો વારો આવ્યો એટલે એ શ્રદ્ધાપૂર્વક બાપાને પગે લાગ્યા. બાપાએ વાંસા ઉપર ધબ્બો માર્યો..'શું જોઈએ છે, બેટા..?' 'કશું નહીં, બાપા..! તમારા આશીર્વાદ..!' મહેશભાઈએ બાળસહજ સરળતાથી જણાવી દીધું. પણ બાજુમાં ઊભેલા એમના સાળા જયેશભાઈ બોલી ગયા..'બાપા, આશિર્વાદ આપો કે એમના ઘરે પુત્રનું પારણું બંધાય..!' બાપાએ એકવાર ઊંચે આસમાન તરફ જોયું. પછી અકળ સ્મિત વેરીને મહેશભાઈના વાંસા ઉપર ફરી એકવાર ધબ્બો માર્યો. મહેશભાઈ રાજી થયા પણ આખાયે ઘટનાક્રમનો અર્થ એ ભોળો માણસ સમજી ન શક્યો. તેમણે ત્રણ દીકરીઓ હતી એ વિષે કોઈ ફરિયાદ ન હતી. એક દિકરાની અપેક્ષા હોવી એમાં ખોટું શું છે..? પણ અત્યાર સુધીમાં મહેશભાઈએ એક પણ વાર ગર્ભનું જાતિપરીક્ષણ કે એબોર્શન કરાવેલું ન હતું અને પત્નીના ગંભીર અકસ્માત પછી તો એમણે પુત્રેષ્ણા ઉપર પૂર્ણવિરામ મૂકી દીધું હતું.

એ મહિનાનો એક ચોક્કસ દિવસ. એ રાત્રે હેમાબહેન પતિની નજીક સરક્યાં. મહેશભાઈએ મનાઈ કરી પણ ન માન્યા. 'ભલે મારી જિંદગી ઉપર જોખમ આવતું, પણ મારે એક તક ઝડપી લેવી છે. મારા ભાઈએ મને બાપાના આશીર્વાદ વિશે જાણ કરેલી છે..' આખા મહિનામાં એ એક જ વારનો સંસર્ગ અને હેમાબહેન ગર્ભવતી બની ગયા. પેલા સર્જન પાસે તો માર્ગદર્શન માટે પણ જવાય એવું રહ્યું ન હતું. એટલે બીજા ગાયનેકોલોજિસ્ટ પાસે ગયા. એ ડોક્ટર પણ ચિંતામાં પડી ગયા, પણ નાછૂટકે એમણે સારવાર હાથમાં લીધી... 'નવ મહિના દરમિયાન ગમે ત્યારે ગર્ભાશય ફાટી જશે... ડિલિવરી વખતે આમ થશે તો તેમ થશે.... સિઝેરીયન કરવું જ પડશે... પણ કદાચ ચાલુ ઓપરેશને કેસ ફેલ થઈ જશે ! આવી આવી તો કંઈક લાલઝંડીઓ એમણે ફરકાવી દીધી. ઉપરોક્ત શક્યતાઓમાંનું કશું જ ન થયું. ૯ મહિના પૂરા થઈ ગયા. સિઝેરિયન ન કરવું પડ્યું. સાડા ત્રણ કિલોગ્રામનો 'બાબો' નોર્મલ ડિલિવરી દ્વારા જન્મ પામ્યો.

જ્યારે મહેશભાઈ પેંડાનું બોક્ષ લઇને પેલા સર્જનને આપવા માટે ગયા ત્યારે એ પહેલાં તો ગુસ્સે થઈ ગયા..'કેવા જંગલી છો..! પત્ની વહાલી નથી..? એ મરી જાય એવું ઇચ્છતા હતા..? મેં તમને ના નહોતી પાડી..? પછી બોક્સમાંથી એક પેંડો ઉઠાવીને મોંમાં મૂક્યો અને કડવાશ ઓગળી ગઈ. સરસ..! સરસ..! અમારા વિજ્ઞાનમાં ક્યારેક આવા સુખદ અકસ્માતો થતા હોય છે, પણ એને ચમત્કાર માનવાની ભૂલ ના કરશો..' ડોક્ટર શાહે કહ્યું એ જ બાપાએ પણ કહ્યું. પુત્ર જન્મના સમાચાર આપવા માટે મહેશભાઈ ફરીથી બાપાના દર્શન કરવા માટે ગયા ત્યારે એ સંતે પણ આ જ શિખામણ આપી..'બેટા, આ જગતમાં ચમત્કાર જેવું કશું હોતું જ નથી. જે કંઈ હોય છે એ શુભેચ્છા, આશીર્વાદ, કે વચનસિદ્ધિનો આવિષ્કાર જ હોય છે. જ્યાં વિજ્ઞાનની વાડ પૂરી થાય છે ત્યાંથી જ શ્રદ્ધાની સરહદ શરૂ થાય છે. વિજ્ઞાને તને ભય આપ્યો હતો, મારા આશીર્વાદે તને હિંમત આપી. બસ, આનાથી વિશેષ કશું જ નથી..' 'એક વિનંતી છે, બાપા.. મારા વારસદારનું નામ પાડી આપો. આપના દર્શને આવ્યો છું..'મહેશભાઈ દંડવત થયા. બાપાએ એમના વાંસામાં ધબ્બો મારીને કહ્યું..'જા, દીકરાનું નામ "દર્શન" પાડજે..' આ સત્ય ઘટના જેવી બની છે તેવી જ આલેખી છે. આ વાતને મારું અંગત મંતવ્ય માનવું નહીં. હું ડોક્ટર છું. વિજ્ઞાનનો માણસ છું, પણ એટલું કબૂલ કરો છું કે ક્યારેક સારવારનું શસ્ત્ર શ્રદ્ધા આગળ ઝુકી જાય છે. 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational