STORYMIRROR

Kalpana Naik

Inspirational

4  

Kalpana Naik

Inspirational

વારસદાર

વારસદાર

6 mins
29.1K


પરોઢના આછા અંધારામાં સિલ્વર કલરની મોંઘીદાટ મર્સિડીઝ ભારે વરસાદ હોવા છતાં પૂરપાટ દોડી રહી હતી. કારમાં નીરવ શાંતિ છવાયેલ હતી!

વરસાદને કારણે કારના આગળના કાચ પર લયબદ્ધ રીતે વાઈપર ફરતાં હતાં. ડ્રાઈવરની સીટ પર બેઠેલ કેશવની વેદનાભીની આંખો થોડીથોડી વારે મિરરમાંથી પસાર થઈને પાછલી સીટ પર મોટા શેઠાણીની બાજુમાં બેઠેલ નાના શેઠાણી શર્વરીની વેદનાનાં મૂંગા સિસકાર અને ચિત્કારભરી રડમસ આંખો પર જઈને અટકતી હતી અને મન વિચારતું હતું કે સહુની આંખ કે જે બધાને જોઈ શકે છે, પરંતુ નાના શેઠાણીના હૃદયરૂપી આંખના અરીસાને કેમ કોઈ જોઈ શકતું નથી!

સંપત્તિની ચકાચૌંધમાં ખુદ માવતર થઈ મોટા શેઠાણી મમતાની કાંચળી આમ સાવ સરળતાથી કેવી રીતે ઉતારી શકતાં હશે!

યંત્રવત કાર ચલાવતો કેશવ ઊંડા વિચારોમાં સરકી પડયો, ઊગતી પરોઢના આગમન પહેલાં જ મુંબઈના પોશ ગણાતા મરીન ડ્રાઈવ જેવા એરિયામાં આવેલ 'સ્વપ્ન' નામના વિશાળ બંગલાના ડ્રોઈંગરૂમમાં શર્વરીનાં ભીનાં ડૂસકાં દબાઈ ગયાં. શ્રાવણનો મેઘ જાણે અનરાધાર વરસવા માંડ્યો, પણ તેનાં પાણી શર્વરીની આંખોના સમંદરમાં જઈને સૂકાઈ જતાં હતાં.

સરવન્ટ કોટેજમાંથી પોતે ઝટપટ આવી ગયો, કથ્થઈ શાલ ઓઢી રતનશેઠ લાચાર થઈ ચાની ચુસ્કી ભરી રહ્યા હતા.

"ચાલો શર્વરી, વરસાદ બહુ છે એટલે આપણે નીકળવું જોઈએ." પેરટ ગ્રીન કલરની કલકત્તી કડક સાડી, ખભા પર સિલ્કની મોંઘીદાટ શાલ, હાથમાં પર્સ તેમજ ડાર્ક બ્રાઉન કલરના ગોગલ્સ લઈને જાનકીદેવી ડ્રોઈંગરૂમમાં પ્રવેશતાં જ બોલ્યા.

"દાદી, મમ્મીને ક્યાં લઈ જાવ છો? મારી મમ્મી તમારી સાથે નહીં આવવા માટે આખી રાત પપ્પાનો હાથ ઝાલી રડી છે, પપ્પા પણ ઉદાસ છે, દાદી... પ્લીઝ..." શિવમ અને શર્વરીની સાત વરસની જીયા અચાનક દોડતી આવી અને રડતાં રડતાં બોલવા લાગી.

"આશાબાઈ, જીયાને અંદર લઈ જઈ સૂવડાવી દ્યો." એકદમ સત્તાવાહી અવાજમાં જાનકીદેવી બોલ્યાં.

"મા, હું છેલ્લી વાર કહું છું, માની જાવ, આમેય શર્વરીની તબિયત... મા તું કયા ગુનાની સજા આપે છે?" માવતર સામે શિવમ જાણે કરગરી રહ્યો.

વેદનાનાં આવરણમાં બીડાયેલ આંખોવાળી શર્વરીને લઈ જાનકીદેવી સડસડાટ બંગલાની બહાર નીકળી ગયાં!

"આશાબાઈ, દાદી મારી મમ્મીને ક્યાં લઈ જાય છે, મારી મમ્મી રાતે ઘડીકમાં પપ્પાને તો ઘડીકમાં મને વળગીને ખૂબ રડી છે..." નાનકડી જીયાની આંસુભરી આંખો બેડરૂમની બાલ્કનીમાંથી પોતાની માતાને તાકી રહી હતી પરંતુ એ ભોળી આંખોને દાદી ક્યાં સમજી શકતાં હતાં!

"બેટા, તારી માતા સંપત્તિના ગુમાનમાં આંધળી થઈ ગઈ છે, ખરાખોટાનો વિવેક વિસરી ગઈ છે, શર્વરીની આંખોના દર્દને સમજવાની ક્ષમતા ગુમાવી બેઠી છે. કુદરત સિવાય એને હવે કોઈ પાઠ ભણાવી શકે નહીં!" શિવમ "ધબ્બ" દઈને પિતા પાસે જઈ ફસડાઈ પડ્યો ત્યાંરે રતનશેઠ લાચાર બની શિવમના માથે હાથ ફેરવતાં ફેરવતા બોલી રહ્યા.

વરસો પહેલાં આશાબાઈ અને અશોકરાવ પાંચ વરસના કેશવને લઈને રતનશેઠની હવેલી પર કામ શોધતાં આવ્યાં હતાં. નાના શેઠ ત્યારે ત્રણ વરસના હતા. બંનેની વફાદારી જોઈ રતનશેઠે થોડા સમય બાદ બંગલાની બાજુમાં જ સરવન્ટ કોટેજમાં જ આશરો આપ્યો અને બેત્રણ વરસમાં તો અશોકરાવ તાવની બીમારીમાં જ ભગવાનને પ્યારો થઈ ગયો!

રતનશેઠની તે સમયની ભારે જાહોજલાલી આજે અનેક ઘણી થઈ ચૂકી હતી. નાના શેઠ હવે પિતાનો કારોબાર સંભાળતા, મુંબઈના પોશ એરિયામાં ઠેક ઠેકાણે પ્લોટ, વૈભવી ફ્લેટ તેમજ શેર બજારમાં કરોડો રૂપિયાં રોક્યા હતા. જ્યારે શર્વરી સાથે શિવમના લગ્ન થયાં ત્યારે શિવમ જેવાં રાજકુંવરને પરણવાના કેટલીયે કુંવારી કન્યાનાં સપના રોળાઈ ગયાં!

"શેઠાણી બા, નાનાશેઠની વહુ તો જાણે સાક્ષાત લક્ષ્મી છે, રૂપરૂપના અંબાર સમી આવી વહુ તો આખા મલકમાં નહીં હોય, અને વળી કેટલી સંસ્કારી!" આશાબાઈ રસોઈ કરતાં કરતાં જાનકીદેવીને કહેતાં ત્યારે જાનકીદેવી ગર્વથી ફૂલ્યા નહીં સમાતા.

કહેવાય છે કે સંપત્તિ અને શાણપણ સાથે હોય તો એવી સંપત્તિને ચાર ચાંદ લાગી જાય! પરંતુ "સ્વપ્ન" બંગલામાં જાનકીદેવીનું એકચક્રી શાસન હતું, રતનશેઠ પણ જાનકીદેવીની અમુક જીદ સામે લાચાર થઈ જતા. શિવમ પણ માતાની આજ્ઞાનું મનેકમને સમ્માન કરતો! શર્વરીના આગમન સમયે જ જાનકીદેવીએ ઘરનાં નીતિનિયમો બતાવ્યા હતાં, ત્યારથી જ શર્વરીને સમજાઈ ગયું હતું કે પોતે શિવમને પરણી ધન્ય તો બની છે પરંતુ સંપત્તિના એક એવા રૂપાળા પિંજરામાં કેદ થઈ ગઈ છે કે જ્યાં જાનકીદેવીની મરજી વિરુદ્ધ પાંખ ફફડાવવાની પણ મનાઈ હતી!

રતનશેઠની ફેકટરીમાં કામ કરતાં એક ગરીબ વર્કરની દીકરી ગૌરી સાથે કેશવના લગ્ન પણ જાનકીદેવીએ જ કરાવી આપ્યા હતા. આઠ આઠ વરસ પછી પણ કેશવ અને ગૌરી સંતાન સુખથી વંચિત હતાં.

શિવમ અને શર્વરીનાં સુખદ દામ્પત્યનાં ફળરૂપે જીયાનું આગમન થયું ત્યારે આટલી સંપત્તિના વારસદાર શિવમના કુળદીપકની વાટ જોઈ રહેલ જાનકીદેવીના મુખ પરથી આનંદ ઓસરી ગયો તે વાત શર્વરીની આંખો સ્પષ્ટ રીતે જોઈ શકતી હતી! શિવમના ગાઢ પ્રેમના સહારે ખુશ રહેતી શર્વરી હવે ઉદાસ રહેતી હતી, માંસલ દેહવાળું ગોરું અંગ જાણે કોઈક ચિંતાની આગમાં શેકાઈ રહ્યું હતું! શર્વરીની આંખોમાં જે વ્યથા હતી તે જાનકીદેવી ક્યાં જોઈ શકતાં હતાં?

જીયા સાત વરસની થઈ ત્યાં સુધીમાં આ ત્રીજી વાર... ઓહ... વિચારોમાં ખોવાયેલ કેશવે અચાનક કારને ચરરર કરતી બ્રેક મારી!  પોતે ગૌરી સાથે આટલા સમયથી સંતાન માટે ઝૂરી... ઓહ...ડ્રાઈવિંગ કરતાં કરતાં કેશવનું મન જોરજોરથી ચિત્કારતું હતું!  કારના ડેશબોર્ડ પર મુકેલ ગણપતિની પ્રતિમા સામે જોઈ વિચારી રહ્યો કે ભગવાન તું પણ આટલો ક્રૂર કેમ હશે!

છેવટે ડામરના રસ્તા પરથી કારને કાચી સડક પર ઉતારી ખાડા ટેકરાવાળા રસ્તા પરથી બેલાપુર ગામમાં ડૉ.નીરવ શાહની નાનકડી હોસ્પિટલના દરવાજે ઊભી રાખી. આ ત્રીજી વખત ઈતિહાસનું પુનરાવર્તન થનાર હતું પરંતુ પોતે એક મરદ થઈને પણ કેટલો લાચાર હતો!

"બધું જ રેડી છે, શેઠાણી બા, પહેલાં સોનોગ્રાફી અને પછી નક્કી કરીએ કે..."  આ ડૉ.નીરવ એ જ હતા કે જેઓ રતનશેઠના મિત્ર હતા અને દસેક વરસ પહેલાં મુંબઈમાં પ્રેક્ટીસ કરતા હતા અને "ગર્ભ પરિક્ષણ"ના ગુના હેઠળ કેસમાં સંડોવાયા હતા ત્યારે રતનશેઠે જ તેમને જામીન પર છોડાવ્યા હતા અને રૂપિયા થકી નિર્દોષ પણ છોડાવ્યા હતા. ત્યારપછી તેમણે મુંબઈ મહાનગર છોડી નાનકડા ગામમાં પ્રેક્ટીસ ચાલુ કરવાનું મુનાસિબ માન્યું હતું. વળી મુંબઈ જેવા મહાનગરમાં "ગર્ભ પરિક્ષણ" કોઈ કરી નહીં આપે એ વાતથી જાનકીબેન વાકેફ હતાં તેથી બે વખતથી તેઓ અહીં જ આવીને કામ પતાવી દેતાં!

ગામનાં લોકો સોનોગ્રાફી કે ગર્ભ પરિક્ષણમાં માનવાને બદલે ઉરમાં ઉછરી રહેલ બાળકને ઈશ્વરનો પ્રસાદ સમજીને સ્વીકારી લેતાં તેથી સોનોગ્રાફી મશીન પણ ઝાઝું વપરાશમાં નહીં આવતું.         

"ગર્ભ પરિક્ષણ ગુનો છે." એ પાટીયા હેઠળ જ શર્વરીની તપાસ ચાલુ થઈ.

"શેઠાણી બા, આ વખતે પણ.. છોકરી..." ડૉ.નીરવ બોલી ઊઠ્યા!

જાનકી દેવીના પગ તળેથી જમીન ફરીથી સરકી ગઈ! શર્વરીની આંખોમાંથી આંસુ વહેવા માંડ્યા!

"કરી નાંખો... ડોક્ટર." જાનકીદેવીનાં આદેશથી નર્સ શર્વરીને ઓપરેશન થિયેટરમાં લઈ ગઈ, સાથે ડોક્ટર અને જાનકીદેવી પણ અંદર ગયાં.

કેશવને જોરથી ચિચિયારી પાડી ઓપરેશન થિયેટરમાં દોડી જવાનું મન થયું! પોતાના કહેવાય એવા એક સંતાનનું મુખ જોવા માટે આટલા વરસથી ગૌરી સાથે તડપી રહેલ કેશવ આજે પણ લાચાર હતો! ઓપરેશન થિયેટરનાં બારણાં પરના ગોળ કાચમાંથી કેશવની બે આતુર આંખો વિમૂઢ થઈને તાકી રહી!

અતિ વૈભવભર્યા બંગલામાં પણ સાવ ખાલીપાથી ઘેરાયેલ નાના શેઠાણીના ઉરમાં આકાર લઈ રહેલ પાંચ મહિનાના જીવનો શું વાંક હતો! જે જીવને ભગવાને આકાર આપ્યો તે જીવને એટલે કે પોતાના જ લોહીને આ દુનિયામાં કદમ મૂકતાં પહેલાં જ મારી નાંખવાનો અધિકાર જાનકીદેવીને કોણે આપ્યો? એમની લખલૂંટ સંપત્તિએ? એમના કહેવાતા આ સામાજિક દરજ્જાએ? કે પછી જાનકીદેવીની અંદર રહેલા ઘમંડે? કેશવની આંખોમાં વેદનાના લાખો તીર વાગી ગયાં!

સંતાનસુખ ન હોય તેને જ બાળકની સાચી કદર થઈ શકે બાકી આ જાનકીદેવી! ધિક્કાર છે એમની કરોડોની સંપત્તિને!

શર્વરી તો બેહોશ પડી હતી, નાના શેઠાણીના ઉરમાં આકાર પામેલ જીવ કાતર અને સોયના સંગાથે પીડા પામી પ્રાણહીન થઈ અબોલ બની લોહીના રેલા સાથે એક લોચાની જેમ એક પ્લેટમાં પડ્યો!

"શેઠાણી બા... આ... ઓહ..." ડોક્ટર અચાનક સમસમી ઊઠ્યા! બાવરા થઈ આમતેમ જોવા માંડયા! પરસેવે રેબઝેબ થઈ ગયા!

"ડોક્ટર... આ શું... આવી ગંભીર ભૂલ... હું તો લૂંટાઈ ગઈ... સોનોગ્રાફીમાં તો દીકરી... હે ભગવાન... મારા જ પાપની સજા..." જાનકીદેવી શર્વરીના પેટમાંથી નીકળેલ પાંચ માસના પોતાના લોહીયાળ અને પ્રાણહીન કુળદીપકને જોઈ બેહોશ થઈ ઢળી પડ્યાં!

ઓપરેશન થિયેટરમાં સ્ટીલની ટ્રેમાં પડેલ શિવમ અને શર્વરીના પાંચ માસના દીકરાના લોહિયાળ મૃતદેહરૂપી માંસના લોચામાં આકાર લઈ રહેલ બે ઝીણી માસૂમ આંખો જાનકીદેવીને કેટલાંયે પ્રશ્નો પૂછવા અધીરી બની હતી!


Rate this content
Log in

Similar gujarati story from Inspirational