વાંચન
વાંચન
છ ચોપડી ભણેલી સવિતા ઉર્ફે સવલીને આગળ ભણાવવાનું માંડવાળ કરી ઘરકામ અને ખેતીકામ શીખવવા માંડ્યું. અઢાર વર્ષની થતાં જ વેલણપોર ગામનો રાઘવ ત્રણ ચોપડી ભણેલો પરંતુ સુરતમાં નોકરી એટલે એની જોડે પરણાવી.
સવલી રાઘવનાં શેઠને ત્યાં ઘરકામ કરે એમને ત્યાં જ બંને જણા સર્વન્ટ ક્વાર્ટરમાં રહેવાનું. સવલીને વાંચનનો ભારે શોખ.સવલીના શેઠાણી બાજુમાં પુસ્તકાલયમાંથી પુસ્તકો લાવીને વાંચે ત્યાં સવલીને કચરાપોતાનું કામ બંધાવ્યું એટલે શેઠાણીની ભલામણથી પુસ્તક પણ વાંચવા મળે આમ સવલીના વાંચનના શોખને પ્રોત્સાહન મળ્યું.
વખત જતાં સવલીને સારા દિવસો રહ્યા. પુરા મહિને તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો. શેઠાણીએજ નામ રાખ્યું વીરા. વીરા શાળાએ જતી થઈ. સવલી ફુરસદના સમયમાં વીરાના પુસ્તકો વાંચી વીરાને શીખવાડે. શાળામાં વીરા બધાજ જવાબ આપે. પ્રથમ નંબર વીરાનોજ હોય. વીરાને પણ માનો વાંચન શોખ જોઈ વાંચનનો શોખ જાગ્યો. ધીમે ધીમે લખતી થઈ.
આજે માત્ર સોળ વર્ષની ઉંમરે વીરાનાં પ્રથમ વાર્તા સંગ્રહ વિમોચન પ્રસંગે વીરાએ કહ્યું, "મારી માના વાંચન શોખને લીધે હું વાંચતી થઈ અને લખતી થઈ."
સીધી વાત છે કે જો આપણને મારી માની જેમ વાંચતા આવડતું હોય અને તમારામાં વાંચનનો શોખ જાગે અને વાંચતા રહો એથી રૂડું શું ?
