વાછરડા પર વ્હાલ
વાછરડા પર વ્હાલ


થોડાક હૃદયના થડકારા સાથે ગાડી ફરીયાના મુખ્ય દરવાજામાંથી પસાર થઇ ગઈ. હજી પાર્વતીની નજર ઘરના મુખ્ય દરવાજે ચોટેલી જ રહી. એ દરવાજેથી એનો એકનો એક વ્હાલો દીકરો વરુણ અભ્યાસ માટે પાટણ ગયો હતો. ગામમાંથી અને આસપાસથી ઘણા બધા છોકરાઓ પાટણ ભણતા હતા, એમાં કોઈ પ્રકારની ચિંતા કરવા જેવું ન હતું. પણ આતો કાયમી નજર સામે જ રહેલો અને અઆટલે દુર જાય એટલે પાર્વતીને ચિંતા તો થાયજ. એના પપ્પા મોહનલાલ ગાડી લઈને વરુણને મુકવા માટે પાટણ ગયા હતા. હજી એ દરવાજા બાજુ જોઇને ઉભીજ રહી હોત પણ એની માંકડી ગાય ખીલે ભાંભરવા લાગી એટલે એ ગાય તરફ ગઈ.
ગાયની ગમાણ પાસે ઉભી રહી અને થોડું ઘાસ નાખ્યું, ગાય પણ ઘરથી કોઈ વિદાય થયું એના વિયોગમાં હોય એમ ઘાસ ખાધા વગર એની સામે નજર કરીને ઉભી રહી ગઈ. આ ગાયની ત્રીજી પેઢી પાર્વતી દોહતી હતી. વરુણ આ સાલ ચૌદ વર્ષનો થયો એ આ ગાયનાં ઘી દૂધ ખાઈને મોટો થયેલો.
ગાયના નાના વાછરડાને વરુણ સવારે ઉઠીને રમાડે નહિ ત્યાં સુધી એને ચેન ન પડતું, આજે વરુણ ઘેર નથી એટલે ઘર સુનું-સુનું લાગતું હતું. પાર્વતી પણ સવારે ઉઠે ત્યારથી વરુણની આસપાસ અને એના કામમાંજ રોકાયેલી રહેતી.
એને સવારે બ્રશ કરાવવાથી કરીને એને લેશન કરાવા સુધી. વરુણને સાચવવો અને ગાયને સાચવવા સિવાય એને કોઈ બીજાં મોટા કામ હતા નહી. સાંજે ગાય દોહતી વખતે પાર્વતીએ સમય વધારે લીધો જેમાં ગાયનું દૂધ ઓછું દોહ્યું પણ ગાયના વાછરડાને ખુબ પાયું. વરુણના ભાગનું જે દૂધ હતું એ પણ ગાયના વાછરડાને પાવી દીધુ.
આજે પાર્વતીને દૂધ કરતાં વાછરડા પર વ્હાલ વધારે ઉભરાઈ રહ્યું હતું.