Valibhai Musa

Thriller

3  

Valibhai Musa

Thriller

ઊલટી ગંગા

ઊલટી ગંગા

9 mins
9.1K


કાળી શાહી સમા અંધકારને ચીરીને પોતાના એંજિનની તેજસ્વી બત્તીઓ થકી ફલાંગો સુધી રેલના પાટાઓ ઉપર અજવાળાં પાથર્યે જતો મુંબઈથી દિલ્હી વચ્ચે દોડતો એ ફ્રન્ટિઅર મેઈલ વડોદરાથી ઊપડીને મધ્યપ્રદેશના રતલામ તરફ જઈ રહ્યો હતો. પાંચ-સાત કલાક પહેલાં જ પાલનપુરના સ્ટેશને પરિચયમાં આવેલો એ ભાઈ નામે ઘનશ્યામ કે જે હવે મારો મિત્ર બની ચૂક્યો હતો એવો તે અને હું એ જમાનામાં જ પ્રાપ્ય એવા રાજા ક્લાસ એટલે કે થર્ડ ક્લાસમાં ઊભાઊભા સફર કરી રહ્યા હતાં. ઘનશ્યામ ગાંધીધામથી ઈંદોર જઈ રહ્યો હતો અને હું પણ પાલનપુરથી તેની સાથે જોડાઈ ગયો હતો. અમારું બંનેનું ગંતવ્ય સ્થાન ઈંદોર હતું. અમે બંને મધ્યપ્રદેશની બાહ્ય વિદ્યાર્થી તરીકે આપી શકાતી સીધી ઈન્ટર આર્ટ્સના પરીક્ષાર્થીઓ તરીકે ઈંદોર જઈ રહ્યા હતા. ગાંધીધામ-પાલનપુર-અમદાવાદ વચ્ચેની ગાડીઓ મીટર ગેજ હતી, તો વળી અમદાવાદથી રતલામ વાયા વડોદરાની ગાડીઓ બ્રોડ ગેજ પાટાઓ ઉપર દોડતી હતી. અમારી રતલામથી ઈંદોર સુધીની સફર વળી પાછી મીટર ગેજ ટ્રેઈન દ્વારા થવાની હતી.

મારા સુજ્ઞ વાચકો, તમારે અમારી સાથે ઊલટી ગંગામાં સહસ્નાન કરવું હશે, તો થોડાક અતિવિસ્તારને પણ સહન કરી લેવો પડશે. સાહિત્યમાં કે એવી કોઈ અન્ય કલામાં અતિવિસ્તારથી માત્ર કંટાળો જ આપી શકાય તેવું નથી હોતું, પરંતુ ભાવકની જિજ્ઞાસા અને ઉત્સુકતાને બહલાવી પણ શકાતી હોય છે અને એ થકી જ સાહિત્યના બહલાવાને માણી શકાતો હોય છે. થોડીક આડા પાટે ચઢી ગયેલી આ વાર્તાને વળી પાછી વડોદરા – રતલામ વચ્ચેના બ્રોડ ગેજ રેલના સીધા પાટે લાવી દઉં છું. પહાડી વિસ્તારોમાં દોડતી ટ્રેઈનો ખૂબ જ હાલકડોલક થતી હોઈ પારણાની ગરજ સારતી હોય છે અને જાગૃતાવસ્થામાં બેઠકો માટે કે સામાન મૂકવા માટે આપસમાં લડી ચુકેલા એ બેઠકાધીન મુસાફરો હવે એકબીજાના ખભે માથાં ટેકવીને આરામથી ઊંઘતા હોય છે. અમારા જેવા ખડા મુસાફરોએ પેલા નિદ્રાધીન મુસાફરોનાં કવિ નાનાલાલનાં કાવ્યોની ડોલનાત્મક શૈલી જેવાં તેમનાં દૃશ્ય ડોલનો સાથે તેમનાં શ્રાવ્ય નસકોરાં માણવાં પડતાં હોય છે!

હવે વળી પાછા આપણા વાર્તાપ્રવાહમાં આગળ તણાવા પહેલાં કિનારે થોડોક વિરામ કરીને તે વખતના રેલવેના અંધા કાનૂનનો આપણે ઉપલકિયો અભ્યાસ કરવો પડશે. મુંબઈથી દિલ્હી સુધીની વાયા રતલામ દોડતી માંડ ડઝનેક સ્ટેશનોએ થોભતી એ ઝડપી મેઈલ ગાડીઓમાં મુખ્યત્વે ફ્રન્ટિઅર અને ડીલક્ષ હતી. આ મેઈલ ગાડીઓમાં ત્રીજા વર્ગનો એક જ ડબ્બો રહેતો હતો. વાત આવી ને ઊલટી ગંગાની! અન્ય ગાડીઓમાં ડઝનબંધ રહેતા રાજા ક્લાસના ડબ્બાઓ સામે આ ટ્રેઈનના આ એક જ ડબ્બામાં આપણા જેવા નાના દેશી રજવાડીઆઓના ધસારાને પહોંચી વળવા રેલવેવાળાઓએ નિયમ બનાવ્યો હતો કે આપણે પાંચસોથી વધુ કિલોમીટરની સફર ખેડવી પડે અને આમ પેલા ફર્સ્ટ અને સેકન્ડ ક્લાસ ઐસીતેસી (!) વાળાઓ માટે સ્વપ્નવત્ એવો ઓછા દરની ટિકિટનો આપણે આર્થિક લાભ મેળવી શકીએ!

ઘનશ્યામની અને મારી સળંગ સફર પાંચસો કિલોમીટરથી વધારે થઈ જતી હોઈ અમને પેલા ફ્રન્ટિઅર મેઈલમાં વડોદરાથી રતલામ સુધી ત્રીજા વર્ગના ડબ્બામાં સફર કરવા મળે કે નહિ તે જાણવું અમારા માટે જરૂરી હતું. એ દિવસોમાં ભારતની ઓછી વસ્તીના કારણે ટ્રેઈનો પણ ઓછી રહેતી હોઈ અમારે સમય બચાવવા વડોદરાથી રતલામ માટે કનેક્ટીંગ ટ્રેઈન આ જ લેવી પડે તેમ હતી. વળી અમારે રતલામથી ઈંદોર માટે બીજી જે ટ્રેઈન લેવાની હતી તે ફ્રન્ટિઅરમાં સફર કરવાથી જ મળી શકે તેમ હતી. આ ખુલાસો આપ મિત્રોને એટલા માટે આપવામાં આવી રહ્યો છે કે અમે કંઈ શોખ કે દુ:ખના માર્યા આ ખતરનાક નીવડી શકે તેવો પ્રયોગ કરવા જઈ રહ્યા ન હતા!

ઘનશ્યામે ગાંધીધામથી ઈંદોરની ત્રીજા વર્ગની સળંગ ટિકિટ લેવા પહેલાં સ્ટેશન સત્તાવાળાઓ પાસે ખાત્રી કરી લીધી હતી અને તેને લીલી ઝંડી મળી જતાં તેણે એવી ટિકિટ ખરીદી લીધી હતી. મારા પાલનપુરના રેલવે સ્ટેશનની ટિકિટબારી ખુલી ન હોઈ હું પ્લેટફોર્મ ઉપર લટાર મારવા ગયો; તો ત્યાં એક બાંકડા ઉપર આ ભાઈ ઘનશ્યામ જે પુસ્તક વાંચી રહ્યા હતા, તે અમારી ઈન્ટર આર્ટ્સ પરીક્ષાનું હતું. મેં તેમની સાથે પરિચય કેળવ્યો અને તેમણે પહેલા પરિચયે જ મને આર્થિક ફાયદો પહોંચાડતી મુલ્યવાન સલાહ સાવ મફતમાં આપી દીધી હતી કે મારે પણ તેમની જ જેમ પાલનપુરથી ઈંદોરની સળંગ ટિકિટ ત્રીજા વર્ગની જ લેવી જોઈએ. આગળ જતાં ભૂલનો ભોગ બનીને રડવાનો સમય આવે તો પોતપોતાનાં આંસુડાંઓ થકી એક બીજાના ખભા પલાડવા માટે અને પરસ્પર આશ્વાસનની લેતીદેતી માટે એકથી ભલા બે ઠીક રહેશે એવું તેમણે કદાચ એમ માન્યું હશે!

મેં દલીલ આપી હતી કે એ પાંચસો કિલોમીટરની સફર મુંબઈ-દિલ્હી વચ્ચેના એ રેલવે રૂટ ઉપર જ થતી હોવી જોઈએ, પણ તેણે પોતાની ટિકિટ બતાવીને મને રાણાજીના ભાલે ભાલોની જેમ તેનાં ખાસડાંમાં મારો પગ ઘાલવા પ્રોત્સાહિત કર્યો હતો. ઘનશ્યામની વાતને માનવા મારું મન હજુય માનતું ન હતું, એટલે અમે બંને જણાએ પાલનપુરના રેલવે સ્ટેશનની પૂછપરછ ઓફિસે પૂછી લીધું. કોઈપણ જગ્યાની પૂછપરછ ઓફિસ ઉપરથી મહિતી મેળવનાર ઈશ્વર ઉપર જેટલો ભરોંસો મૂકે તેટલો જ તે જવાબદાર કર્મચારી ઉપર મૂકતો હોય છે. અમે પણ એ રેલવે યુનિફોર્મવાળા અને ઓળખ માટેના સ્ટેઈનલેસ સ્ટીલના બિલ્લાધારી ભાઈ ઉપર ભરોંસો મૂકી દીધો હતો. એ સાહેબડાએ તો લાકડાના જ ટૉપવાળા ટેબલ ઉપર હાથ ઠોકીને ગાંધીધામવાળા અભિપ્રાયને સમર્થન આપી દીધું હતું. આમ મેં પણ ઘનશ્યામ સાથે સહમુંડન કરાવી દેવાનું નક્કી કરી પાલનપુરથી ઈંદોરની ત્રીજા વર્ગની સળંગ ટિકિટ લઈ લીધી હતી.

અમે પાલનપુરથી અમદાવાદ સુધી વચ્ચે જે જે ટિકિટ ચેકરો આવતા ગયા તેમને પણ પૂછતા ગયા અને તેઓ બધા ‘ચાલશે’, ‘બિલકુલ ચાલશે’, ‘વટથી ચાલશે’ જેવા જવાબો આપીઆપીને અમારી પેલી શંકા ડાકણને અમારા મનથી દૂર કરતા ગયા હતા. ઘનશ્યામ તો ગાંધીધામ જેવા પોતાના હોમ જંક્શન સ્ટેશનેથી આવતો હોઈ તેને તો પૂરો વિશ્વાસ હતો અને તેથી જ તો તે પોતાની મૂછને તાવ દેતો મને હૈયાધારણ આપતાં કહેતો હતો કે, ‘મુસાજી, થર્ડ ક્લાસમેં આગે બઢતે રહો, હમ તુમ્હારે સાથ હૈ!’

હવે મૂળ વાતના તાંતણાને પકડવા આપણે પાછા અમદાવાદના સ્ટેશને જવું પડશે. વડોદરા તરફની ગાડીનો સમય હજુ થયો ન હતો. ઘનશ્યામ તો એક બાંકડે બેઠોબેઠો આવતી કાલના પહેલા પેપરનું વાંચન કરી રહ્યો હતો. કોણ જાણે મને તો રેલવેની પૂછપરછ ઓફિસે બેસાડવામાં આવતા કર્મચારીઓ ઉપર કેમેય કરીને વિશ્વાસ બેસતો ન હતો. એ ખુરશીઓ ઉપર કામના નહિ પણ નકામના કર્મચારીઓ બેસાડવામાં આવતા હોય છે એવું મને કોઈકે કહ્યું હતું! ભલા, એવડા-એવડીઓને કોઈ કાયદા અંગે શંકા હોય તો તેમણે મોટા સાહેબોને પૂછવું જોઈએ, પણ તેમ કરવામાં તેઓ મહેણું સમજતાં હોય તો આપણે શું કરી શકીએ, હેં?

હવે નવાનવા મિત્ર બનેલા ઘનશ્યામની નજરમાં હું વેદિયો ન ગણાઈ જાઉં, તે માટે પેશાબ કરવા જવાના બહાને અમદાવાદની બ્રોડગેજ ટ્રેઈનોની પૂછપરછ ઓફિસે ફરી એક વાર પૂછપરછ કરી આવ્યો. પરંતુ તે સાહેબ ઉપર પાલનપુર અને ગાંધીધામથી ફોન આવી ગયા હશે કે શું, પણ તેમણે મારા પ્રશ્ન ‘ચાલશે?’નો જવાબ ‘હમ્બા!’ એમ આપી દીધો હતો. અમારી ગાડી વડોદરા તરફ ગતિ કરી રહી હતી. વરાળગાડીમાંના ભવિષ્યના અમારા સંભવિત નિસાસાની વરાળથી બચવા કે કેમ પણ વચ્ચે કોઈ ટિકિટ ચેકરસાહેબ ફરક્યા નહિ. કદાચ એવું પણ બન્યું હોય કે અમે જેમનાં મગજ ખાઈ ચૂક્યા હતા તેમણે તમામ રેલવે સ્ટેશનોએ જાણ કરી દીધી હોય કે, ‘બે પાગલ છોકરડાઓથી દૂર રહેજો. પાંચસો કિલોમીટરથી વધારે અંતરની ત્રીજા વર્ગની સળંગ ટિકિટો હોવા છતાં વડોદરાથી રતલામ વચ્ચે ત્રીજા વર્ગમાં બેસવાથી એ લોકો ડરે છે અને એકનો એક જ કાયદો જેને અને તેને પૂછતા રહીને સામેવાળાઓની મગજની નસો ખેંચી રહ્યા છે!’

હવે ઝેરનાં ખરાં પારખાં તો વડોદરા અને રતલામ વચ્ચે થવાનાં હતાં. અમારે મુંબઈથી આવતા ફ્રન્ટિઅરમાં બેસવાનું હતું, જે અંગે અમે વારંવાર કહી ચૂક્યા છીએ અને જરૂર જણાયે ફરીથી કહેતા પણ રહીશું! હું પ્લેટફોર્મ ઉપર ઊભોઊભો પાણીની પાઈપલાઈનો ઉપર બેઠેલા કાગડાઓને કાગારોળ કરતા સાંભળી રહ્યો હતો અને કંઈક અશુભ અશુભનો આભાસ મને થઈ રહ્યો હતો! મને એમ થયા કરતું હતું કે મધ્યપ્રદેશમાંથી પસાર થતી આ ટ્રેઈનને ત્યાંના કુખ્યાત બહારવટિયાઓ તો નહિ લૂંટે, પણ ભૂતકાળમાં પોલિસ સાથેની મુઠભેડમાં માર્યો ગયેલો અને અવગતિયો બનેલો એવો કોઈ બહારવટિયો રેલવેના ટિકિટચેકર તરીકેનો પુનર્જન્મ લઈને અમને બંનેને જરૂર લૂંટી લેશે.

આ વખતે ઘનશ્યામના મગજ ઉપર છેલ્લું છેલ્લું પૂછી લેવાનો વાયરો ચઢ્યો હતો અને તે પૂછપરછ ઓફિસે પૂછવા દોડ્યો કે ‘ફ્રન્ટિઅરમાં અમારી આ ટિકિટ ચાલશે?’ આ સમયગાળામાં મને લાગ્યું કે હું નવરો ઊભો રહું તેના કરતાં લાવ ને થોડાક રેલવેના બિનઅધિકૃત માણસોને આ કાયદા વિષે પૂછી લઉં! મેં બેત્રણ હમાલોને, એક ભજિયાંની રેંકડીવાળાને, બે બુટપોલિશ કરવાવાળા છોકરાઓને, ‘પાણી-પાણી’ પોકારતા એક આધેડને, ‘છાય, લ્યો છાય!’ પોકારતા ચાવાળાને, ‘નિરાધાર ગાયોના ઘાસચારા માટે એકએક આનો આપો, મારા ભાઈ.’ એવી ટહેલ નાખતા ફંડફાળાવાળા ગૌભક્તોને, પાન-બીડીના ખુમચાવાળાઓને, સોડા-લેમનવાળાઓ વગેરે જે કોઈ મારી નજીકથી પસાર થતા ગયા તે સઘળાને પૂછતો જ રહ્યો, બસ પૂછતો જ રહ્યો! બધાએ અંદરોઅંદર ફિફ્સ થતી ક્રિકેટમેચોની જેમ ફિક્સ કરેલો એક સરખો રોકડો જવાબ મને પરખાવ્યે જ રાખ્યો, ‘અરે ભાઈ, આ ટિકિટની ચાલવાની વાત શું પૂછો છો, એ તો દોડશે અને એવી દોડશે કે તમારા પકડવામાં પણ નહિ આવે!’ હું આ સાંભળીને પ્લેટફોર્મ ઉપર અમારી ટિકિટો દોડતી હોય તેવી કલ્પનામાં સરી પડ્યો હતો!

થોડીકવાર પછી જાગીને જોઉં તો ઘનશ્યામ મારા તરફ ડીલક્ષની ઝડપે દોડતો આવી રહ્યો હતો. મને વહેમ પડ્યો કે ‘ઘનશ્યામને નક્કી અમે માનતા હતા, તે જ જવાબ મળી ગયો હશે! તે મારા સમર્થન પછી જ પેલી તફાવતની પૂરક ટિકિટો બનાવી લેવડાવવા માટેનું પૂછવા મારી તરફ આવી રહ્યો હશે!’ પણ, મારા-અમારા સારા નસીબે તેણે હસતાં હસતાં કહી દીધું કે ‘જોયું? હું સાચો છું. એ બધા રેલવે કર્મચારીઓ છે, કંઈ રાજકારણીઆઓ નથી કે જે ઠોકમઠોક કર્યે રાખે!’ મેં પણ ઘનશ્યામની વાતને સમર્થન આપી દીધું, એમ કહીને કે મેં પણ વડોદરાના પ્લેટફોર્મ ઉપરના કેટલાય પોતાની રોજીરોટી માટે રેલવે સાથે સંકળાયેલાઓને પૂછી લીધું છે અને તે બધાએ પેલી કોલ્ડ્રીન શરદીની ટિકડીની જાહેરાતમાંની ‘હા, ભાઈ હા!’ ની જેમ મને ‘હા’ કહી દીધી છે!

હવે આપ સૌ વાચકોમાંથી કોઈ એકબે જણ અમારા ફ્રન્ટિઅર મેઈલના ત્રીજા વર્ગના ડબ્બામાં ઊભા રહેવા માટે પકડી રાખવાનાં રેક્ઝિનનાં લટકણિયાં પકડીને હાલકડોલક થવા અમારી સાથે જોડાઈ જાઓ અને અમારી આગામી સંભવિત થનારી વલે જોવા કે રેલવે બાબુઓની ગેરવલ્લે ગએલી બુદ્ધિને શોધવામાં મદદરૂપ થવા આવી જાઓ. એ વખતની ગાડીઓમાં હાલની જેમ એક ડબ્બાથી બીજા ડબ્બામાં ચાલુ ટ્રેઈને અવરજવર થઈ શકતી ન હતી. અમારો ફ્રન્ટિઅર મેઈલ વડોદરા સ્ટેશનેથી ઊપડ્યો ત્યાં સુધીમાં અમારા ડબ્બામાં કોઈ ટિકિટ ચેકર પ્રવેશ્યા ન હતા. વળી હવે અમારે સીધા રતલામ સ્ટેશને ઊતરી જવાનું હતું અને વચ્ચે કોઈ સ્ટેશને મેઈલ ઊભો પણ રહેવાનો ન હતો. અમને આટઆટલી ખાત્રીઓ મળી હોવા છતાં અમને બંને જણાને અમારી ઈંદોરની પરીક્ષા કરતાં અગ્નિરથમાંની અમારી સફરની આ અગ્નિપરીક્ષા અમને વધારે દઝાડી રહી હતી.

રતલામનું સ્ટેશન આવી ગયું. અમારા દરવાજા આગળ ટિકિટ ચેકર તો શું કોઈ હમાલ પણ આવી ઊભો ન હતા. અમારો ડબ્બો છેલ્લો હતો, ત્રીજા વર્ગનો હતો અને પ્લેટફોર્મ બહાર હતો. આ ડબ્બાના પેસેન્જર પાસેથી તેમને કોઈ લગેજ ઊપાડવા મળે તેમ પણ ન હતું, કેમ કે એ લોકો લગેજ સમેત હમાલને પણ ઉપાડી શકે તેવા સક્ષમ હતા! અમે બંને જણાએ રતલામની ભૂમી ઉપર ઊતરીને હાશકારો અનુભવ્યો. મારા સુજ્ઞ વાચકો, આટલા સુધી અમારી દાસ્તાન સાંભળવા કે વાંચવા તમે અમારી સાથે રહ્યા એટલે સ્વાભાવિક છે જ કે આપણી વચ્ચે મૈત્રીભાવ બંધાય જ અને આમ તમે લોકોએ પણ હાશકારો અનુભવ્યો હશે. પરંતુ અમે આ ઘટનાનો અંત જાણીએ છીએ, કેમ કે આ ઘટના ભૂતકાળની છે અને અમે તેને વર્તમાનમાં લખી રહ્યા છીએ. તમે લોકો આ ઘટના વિષે હવે જાણી રહ્યા હોઈ તમને ક્યાંથી ખબર હોય કે પેલો અવગતિયો થએલો બહારવટિયો ટિકિટચેકરના જન્મે રતલામના સ્ટેશન ઉપર અમને દંડવા નહિ, પણ લૂંટવા આમતેમ ભમી રહ્યો હશે!

અમારે ઈંદોર તરફની મીટર ગેજ ગાડીના પ્લેટફોર્મે જવાનું હતું. અમારી મતિ ભ્રષ્ટ થઈ હશે કે શું પણ અમે સામા પગે પેલા પૂર્વજન્મીય બહારવટિયા પાસે પકડાવા જઈ રહ્યા હતા. અમારો ફ્રન્ટિઅર તો બે જ મિનિટના રોકાણ પછી ઊપડી ગયો હતો. હવે અમે તો પ્લેટફોર્મ ઉપર હતા અને એ ખુમારીમાં હતા કે કયા માઈના લાલની તાકાત હતી કે અમને ગેરકાયદેસર હોય તો પણ અમારી વડોદરાથી રતલામ સુધીની ત્રીજા વર્ગમાં ઊભાઊભા કરેલી સફર બદલ રતલામના પ્લેટફોર્મ ઉપર ઊભેલા એવા અમને દંડ ફટકારી શકશે! અમને રંગે હાથે ઝડપી શકાય તેવો સબળ પુરાવો તો દિલ્હી જવા ક્યારનોય રવાના થઈ ચૂક્યો હતો! પરંતુ કાચી ઉંમરના અમને એ ભાન રહ્યું ન હતું કે અમારા વિરુદ્ધનો પુરાવો એ અમારી ટિકિટો જ હતો, જે અમારાથી જાણ્યેઅજાણ્યે થઈ ગયેલા ગુનાને સાબિત કરતો હતો!


Rate this content
Log in

Similar gujarati story from Thriller