STORYMIRROR

હર્ષદ અશોડીયા

Inspirational

5  

હર્ષદ અશોડીયા

Inspirational

તુલના નું દુઃખ

તુલના નું દુઃખ

3 mins
4

अन्याश्रयेण नैव स्यात् सुखं कदापि कस्यचित्।

आत्मसंस्थं तु यत् सौख्यं तदेव परमं सुखम्।।

 

બીજાના આશ્રયે અથવા બીજા સાથે સરખામણી કરવાથી ક્યારેય કોઈને સાચું સુખ મળતું નથી. પરંતુ, જે સુખ પોતાના આત્મામાં સ્થિત (આત્મસાક્ષાત્કાર) છે, તે જ પરમ સુખ છે.


એક સુંદર અને શીતળ છાંયડાવાળા આંગણામાં, માટીનો એક વિશાળ, પાણીથી ભરેલો ઘડો અવિરતપણે સ્મિત વેેરતો બેઠો હતો. એના મસ્તક પર એક નાની, સ્વચ્છ કટોરી હંમેશાં ઢંકાયેલી રહેતી. ઘડાનો સ્વભાવ જન્મજાત પરોપકારી  હતો. તરસ્યા પાત્રો એની પાસે આવતા, પોતાના જીવનની પ્યાસ બુઝાવવા માટે પોતાના મુખ નમાવતા. ઘડો અત્યંત પ્રસન્નતાથી નમી જતો અને એ સૌને પોતાના અમૃત સમાન શીતળ જળથી તૃપ્ત કરી દેતો. પવિત્રતાથી છલકાતા એ વાસણો આનંદિત થઈને ચાલ્યા જતા.

કટોરી ઘણા દિવસોથી આ દૃશ્ય મૂકભાવે જોઈ રહી હતી. એક દિવસ એનાથી રહેવાયું નહીં. એના અંતરની પીડા અને વલોપાત શબ્દો બનીને હોઠ પર આવી ગયા. એણે ઘડા સામે શી ફરિયાદ કરી: "જો હું ખોટું ન બોલતી હોઉં અને તમને મારો પ્રશ્ન અપ્રિય ન લાગે, તો એક વાત પૂછું?"


ઘડા એ  શાંત અને ગંભીર સ્વરે કહ્યું : "અવશ્ય પૂછો, કટોરી બહેન!"


કટોરીએ પોતાના હૃદયની વેદના ઠાલવતા કહ્યું, "હું રોજ જોઉં છું કે જે પણ વાસણ તમારી પાસે આવે છે, તમે તેને તમારા જળથી ભરીને સંતુષ્ટ કરી દો છો. હું તો સદાય તમારી સાથે રહું છું, છતાં તમે ક્યારેય મને જળથી ભરતા નથી. આ મારા પ્રત્યેનો સ્પષ્ટ પક્ષપાત નથી તો બીજું શું છે?"


ઘડાના મુખ પર કોઈ ક્રોધ નહોતો, પણ એના શીતળ જળ જેવી જ ગંભીર અને મધુર વાણી પ્રગટી. નીતિ અને વિવેકનું દર્શન કરાવતા ઘડાએ કહ્યું: "કટોરી બહેન, તમે મને ખોટી રીતે સમજી બેઠા છો. મારા આચરણમાં ક્યારેય પક્ષપાત હોઈ શકે નહીં. તમે જોયું હશે કે જે વાસણો મારી પાસે આવે છે, તેઓ જળ ગ્રહણ કરવા માટે અત્યંત વિનમ્રભાવે ઝુકે છે. ત્યારે હું પણ સહજપણે નમીને તેમને શીતળ જળથી ભરી દઉં છું. કિંતુ, તમે તો અહંકાર અને ગર્વથી ભરાઈને સદાય મારા મસ્તક પર બિરાજમાન રહો છો!"


नमन्ति फलिनो वृक्षा नमन्ति गुणिनो जनाः।

शुष्कवृक्षाश्च मूर्खश्च न नमन्ति কদাचन॥  ચાણક્ય નીતિ

 

ફળવાળા વૃક્ષો નમે છે, ગુણવાન લોકો નમે છે; પરંતુ સૂકા વૃક્ષો અને મૂર્ખ માણસો ક્યારેય નમતા નથી.

 

ઘડાએ આગળ સમજાવતા કહ્યું: "જરા વિનીત  ભાવથી ક્યારેય મારા સામે ઝુકો, પછી જુઓ કે તમે પણ મારા શીતળ જળથી કેવા છલકાઈ જાઓ છો! જે નમ્રતાથી ઝુકતા શીખે છે, તેનું પાત્ર ક્યારેય ખાલી રહેતું નથી."


કટોરીએ થોડું લજ્જિત થઈને, મંદ મંદ મુસ્કાઈને પૂછ્યું, "તો હવે બોલો, મારે શું કરવું જોઈએ?"


आत्मवत् सर्वभूतेषु यः पश्यति स पण्डितः। શ્રીમદ ભગવદ ગીતા

 

જે મનુષ્ય દરેક જીવમાં પોતાને અને પોતામાં દરેક જીવને જોવે છે, તે જ વાસ્તવિક જ્ઞાની છે.

ઘડાએ સ્નેહસભર અવાજે કટોરીને એનું સાચું મૂલ્ય સમજાવ્યું: "સત્ય વાત તો એ છે કે આ સંસારમાં દરેકનું પોતાનું અનન્ય મહત્ત્વ છે. તમારું મહત્ત્વ પણ કંઈ ઓછું નથી! જો તમે મારા ઉપર ઢંકાયેલા ન હોત, તો બહારની ધૂળ-માટી મારા પાણીમાં સરળતાથી જમા થઈ જાત અને આ સ્વચ્છ જળ પીવાલાયક ન રહેત. તમે છો, એટલે જ લોકોને મારા પાણીની સ્વચ્છતા પર અતૂટ વિશ્વાસ બેસે છે અને તેઓ આ નિર્મળ જળનું પાન કરી શકે છે."


 

નમ્રતાના સાગરમાં ડૂબીને કદી રત્નોને શોધો;

જે સમજે છે જગતમાં પ્રત્યેકનું સાચું સ્થાન અહીં,

એ જ માનવ જીવનના સાચા અર્થને પામી જાઓ!

ઘડાએ પોતાની વાતને પૂર્ણ કરતા અંતમાં કહ્યું:


ઘડા એ પૂર્ણવિરામ મુકતા કહ્યું : "મહત્ત્વની વાત માત્ર એટલી જ છે કે જ્યારે તું પોતાની તુલના અન્યો સાથે કરીને તારા પોતાના અસ્તિત્વને ભૂલી જાય છે, ત્યારે જ દુઃખ અને અસંતોષ જન્મ લે છે. મને પૂર્ણ આશા છે કે તું મારી આ વાત હૃદયથી સમજી ગઈ હઈશ."


કટોરીની આંખોમાં જ્ઞાનનો દીવો પ્રગટ્યો. એણે પ્રેમથી સ્મિત આપતા કહ્યું: "આજ મેં માત્ર જળ પામવાનું નહીં, પરંતુ જીવનના ગાઢ આત્મ-અનુભવનો દિવ્ય ગુણ શીખી લીધો છે!"




સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Inspirational