ટોમ કિરણ ડેવિસ : ઓર્ગેનિક ખેતીના ક્રાંતિવીર
ટોમ કિરણ ડેવિસ : ઓર્ગેનિક ખેતીના ક્રાંતિવીર
કેરળના ત્રિશુર જિલ્લાના થંબુરના વતની ટોમ કિરણ ડેવિસની. ટોમનો જન્મ ખેડૂત કુટુંબમાં થયો હતો. તેણે ઈકોનોમિક્સમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. તેને વોલીબોલ રમવાનો ખૂબ શોખ છે અને તે કેલિકટ યુનિવર્સિટીની ટીમમાં વોલીબોલ પ્લેયર તરીકે રમી ચૂક્યો છે. તેણે ઈકોનોમિક્સમાં માસ્ટર ડિગ્રી મેળવી એ પછી કેરળના ઘણા યુવાનોની જેમ વિદેશમાં નોકરી મેળવવા માટે કોશિશ શરૂ કરી.
કેરળના ઘણા યુવાનો ભણીગણીને યુ.એ.ઈ. (યુનાઈટેડ આરબ અમીરાત)માં નોકરી કરવા માટે જતા હોય છે. ટોમે પણ દુબઈમાં હોસ્પિટલ એડમિસ્ટ્રેશન ક્ષેત્રે ઊંચા પગારની નોકરી મેળવી લીધી. તેણે થોડાં વર્ષો દુબઈમાં હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશનની નોકરી કરી એ પછી તે એક વખત તેના ગામમાં ગયો. એ વખતે તેને થયું કે ત્યાં જે બિનઉપજાઉ અને ખરાબ જમીન પડી છે એમાં ખેતી કરવી જોઈએ.
તેને ખેતી પ્રત્યે બાળપણથી આકર્ષણ હતું, પરંતુ યુવાનીમાં પૈસા કમાવવાના ધ્યેય સાથે તેણે દુબઈમાં નોકરી સ્વીકારી લીધી હતી. એક વખતે તે વતનમાં આવ્યો અને તેને ફરી ખેતી પ્રત્યે આકર્ષણ થયું. તેણે નક્કી કર્યું કે તેની દોઢ એકર જમીન હતી એના પર ખેતી શરૂ કરવી જોઈએ.
વેલુક્કારા પંચાયતની હદમાં કુલ બસો એકર જેટલી જમીન બે દાયકાથી વધુ સમયથી એમને એમ પડી રહી હતી. બે દાયકા અગાઉ ત્યાં ખેડૂતો ખેતી કરતા હતા, પરંતુ તેઓ ત્યાં ખેતી કરીને હંમેશાં ખોટ કરતા હતા એટલે પછી તેમણે એ જમીન પર ખેતી કરવાનું બંધ કરી દીધું હતું. ટોમે વિચાર્યું કે મારે આ જમીનને ફરી ખેતીલાયક બનાવવી જોઈએ અને ગામના બીજા લોકોને પણ એ જમીન પર ખેતી કરવા માટે તૈયાર કરવા જોઈએ. વર્ષો સુધી દુબઈમાં સરસ મજાની નોકરી કર્યા પછી ટોમે એક દિવસ અચાનક એ નોકરી છોડી દીધી અને તેઓ પોતાના વતનમાં રહેવા માટે પાછા આવી ગયા.
ટોમ જ્યારે દુબઈથી નોકરી છોડીને પોતાના ગામ પાછા આવી ગયા અને તેમણે ખેતીની શરૂઆત કરી તો તેમના કુટુંબના સભ્યો, સગાંવહાલાં, મિત્રો બધાને લાગ્યું કે આટલી સરસ નોકરી છોડીને ખેતીનો - ખોટનો ધંધો કરવા માટે ટોમ શા માટે આવી રહ્યો છે ? તેને કુટુંબના સભ્યોએ, સગાંવહાલાંઓએ તેના સહાધ્યાયી રહી ચૂકેલા મિત્રોએ અને ગામના લોકોએ પણ સમજાવ્યો કે ભાઈ આ શું કામ પોતાની જિંદગી બરબાદ કરે છે. અહીં કમાણી તો થશે નહીં ઉપરથી પૈસા ગુમાવવા પડશે અને બીજી બાજુ તું તારો ઊંચો પગાર પણ છોડી રહ્યો છે!
પરંતુ ટોમ ૨૦૧૪ના વર્ષમાં પાછા આવી ગયા. તેમણે પોતાની દોઢ એકર જમીન પર ખેતીની શરૂઆત કરી. સૌ પ્રથમ તો તેમણે ત્યાં ઊગી નીકળેલું જંગલી ઘાસ કાઢી નાખવા મહેનત કરવી પડી અને પછી એ જમીનને સમથળ બનાવવી પડી. ટોમના ગામ નજીકથી એક કેનાલ પસાર થતી હતી એ કેનાલમાં કચરો ભરાઈ ગયો હતો. ટોમે એ બે કિલોમીટર લાંબી કેનાલમાં ભરાયેલો કચરો સાફ કર્યો. તેમણે કેનાલની સફાઈની શરૂઆત કરી એ પછી બીજા ખેડૂતો પણ તેમની મદદે આવ્યા. તેમણે દોઢ મહિના સુધી મહેનત કરીને એ બે કિલોમીટર લાંબી કેનાલમાંથી કચરો સાફ કર્યો. એ વિસ્તારમાં કેનાલ પણ પસાર થાય છે અને એ વિસ્તારમાં વરસાદ પણ સારો થાય છે એટલે પાણીની કોઈ સમસ્યા હતી નહીં. એ પછી તેમણે ત્યાં ઓર્ગેનિક ખેતીની શરૂઆત કરી. તેમના વિસ્તારના અન્ય ખેડૂતો જંતુનાશક દવાનો ઉપયોગ કરતા હતા, પણ ટોમે નક્કી કર્યું હતું કે હું જંતુનાશક દવાઓનો કોઈપણ કાળે ઉપયોગ નહીં કરું કે અન્ય કોઈપણ કેમિકલ્સનો ઉપયોગ મારા ખેતરમાં નહીં કરું.
ટોમે ખેતી શરૂ કરી અને ૨૦૧૫માં પહેલીવાર પાક લીધો ત્યારે તેના ખેતરમાં અનાજનું ખાસ્સી માત્રામાં ઉત્પાદન થયું. એ પછી ટોમે વચેટિયાઓને એટલે કે દલાલોને વચ્ચે રાખ્યા વિના પોતાના ખેતરમાં થયેલાં પાકનું સીધું વેચાણ કરવા માટે માર્કેટિંગ સ્ટ્રેટેજી બનાવી. તેમને સમજાઈ ગયું હતું કે તેમના વિસ્તારના ખેડૂતોની ખોટનું એક અને મોટું કારણ એ પણ હતું કે તેઓ દલાલોના માધ્યમથી પોતાના ઉત્પાદનોનું વેચાણ કરતા હતા. એમાં મોટાભાગનો નફો દલાલો ખાઈ જતા હતા અને ખેડૂતોએ મોટે ભાગે તો ખોટ સહન કરીને જ પોતાની ખેતીમાં થયેલાં ઉત્પાદનો વેચવા પડતા હતા.
ટોમે પોતાના ઉત્પાદનો વચેટિયાઓના માધ્યમથી વેચવાને બદલે સોશિયલ મીડિયાનો આશરો લીધો. પોતાના ખેતરમાં ઉગેલા ચોખા ફેસબુક, વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયાની મદદથી તેમણે સીધું ગ્રાહકોને જ વેચાણ કર્યું. એને કારણે ગ્રાહકોને પણ ફાયદો થયો અને ટોમને પણ પણ ખાસ્સો નફો થયો.
તેમણે પોતાના ખેતરમાં થતા ઉત્પાદનોનું બ્રાન્ડિંગ કરવાનું નક્કી કર્યું અને ‘પેપેનરો’ નામની બ્રાન્ડ બનાવી. તેમણે એમેઝોન ઉપર પણ પોતાના ખેતરમાં થતા ઉત્પાદનો વેચવાનું શરૂ કર્યું.
ટોમ બિનઉપજાઉ અને ખરાબ જમીનમાં ખેતી કરીને કમાતા થયા એ જોઈને તેમના વિસ્તારના બીજા ખેડૂતોને પણ પ્રેરણા મળી. તેમણે એ ગ્રામપંચાયતની હદમાં પડી રહેલી એવી જમીનનો અમુક-અમુક હિસ્સો લીઝ પર લઈને એમાં ખેતી શરૂ કરી.
ટોમે એ બધા ખેડૂતોને એ જમીન ખેતીલાયક બનાવવામાં મદદ કરી અને ધીમે ધીમે એ બસો એકર બિનઉપજાઉ જમીન પર અનાજની ખેતી શરૂ થઈ ગઈ. એ પછી ટોમે બીજી અઢી એકર જમીન લીઝ પર લીધી અને એમાં ફળફૂલ, શાકભાજી, નાળિયેર, કેળાં, હળદર, આદું, જાયફળ જેવી વસ્તુઓની ખેતી પણ શરૂ કરી. અન્ય ખેડૂતો પણ તેમના માર્ગદર્શન હેઠળ કમાતા થઈ ગયા પછી ટોમે ખેડૂતોનું એક નેટવર્ક બનાવ્યું અને ગ્રાહકોનું પણ એક નેટવર્ક બનાવ્યું એ પછી ગ્રાહકો તરફથી આવતી માગણીને હિસાબે તેમણે ઓર્ગેનિક ખેતી શરૂ કરી. ઘણા ગ્રાહકો મરી, આમલી, હળદર, જાયફળ જેવી વસ્તુઓના ઓર્ડર આગળથી આપે અને એના આધારે ટોમ અને તેના સાથી ખેડૂતો એ વસ્તુઓ વાવીને એનો પાક લેતા થઈ ગયા.
આમ ટોમને કારણે તેમના વિસ્તારમાં અન્ય સેંકડો ખેડૂતો પણ કમાતા થઈ ગયા. ૩૭ વર્ષના ટોમ અત્યારે તેમના વિસ્તારના ખેડૂતો માટે રોલમોડેલ બની ગયા છે અને કેરળના અન્ય વિસ્તારના ખેડૂતો પણ તેમના પરથી પ્રેરણા લઈને ઓર્ગેનિક ખેતી તરફ વળી રહ્યા છે.
હવે ટોમે વધુ જમીન લીઝ પર લઈ લીધી છે અને તેઓ પંદર એકર જમીનમાં ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે. ટોમને તેમની સિદ્ધિ માટે કેરળ સરકાર દ્વારા ૨૦૧૮માં સ્વામી વિવેકાનંદન યુવા પ્રતિભા એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. તેમનું કેરળના યુથ વેલ્ફેર મિનિસ્ટર ઈ.પી.જયરાજનના હાથે સન્માન કરાયું હતું. તેમને કેરળ સરકાર દ્વારા પચાસ હજારનું રોકડ ઈનામ પણ અપાયું હતું. એક વ્યક્તિ પણ ધારે તો પરિવર્તન લાવી શકે એનું વધુ એક ઉદાહરણ ટોમ કિરણ ડેવિસ છે.
