ટીચર્સ ગિફ્ટ
ટીચર્સ ગિફ્ટ
"આજે પણ તું ઓનલાઈન કલાસમાં હાજર નતો ?"
મારી આંખ પાણીથી ભરાઈ આવી. ઘરમાં ખાવાના ફાંફાં ત્યાં મોબાઈલની તો વાત જ શું કરવી.
મિત્રોના ઘરે જઈએ તો એમના માબાપ એવી રીતે જુએ કે મને ત્યાં જવાનું મન જ ન થાય. બહેને શીખવાડેલું કે જીવવું તો ખુમારીથી જ. અને એ જ મને કોઈને કાલાવાલા કરતા રોકે છે.
અભ્યાસ બાકી રહી જાય છે એનું દુઃખ અને ઉપરથી બાપાની મજૂરી આ કોરોના એ બંધ કરાવી. ઘરકામમાં મદદ કરું તો બા બાપુ કંઈક ખાવાનું થાય એટલું રળી આવે.
એમ તો હું વર્ગમાં અવ્વલ. બહું યાદ આવે એ મારી શાળા. જ્યાં પ્રોજેક્ટર પર ભણવાનું, બપોરે જમવાનું, સ્કેટિંગ-કેરમ રમવાનું અને સાહેબો તરફથી મળતો વ્હાલ તો જાણે અમારા બીજા માબાપ જ જોઈ લો.
મારી બાજુમાં જ મોટા ઘર માં રહેતી જીગી તો કહે કે મારી શાળામાં તો આવું કાઈ ના કરાવે. એને પણ આવવું છે મારી સરકારી શાળામાં પણ એના બાપા તો નોકરી કરે એટલે શે'ર માં ભણવા જાય.
એની પાસે ઘરે મોબાઈલ પણ.ઓનલાઈન ભણવા માટે. પણ એના બાપા મને એની સાથે બેસવા જ ન દે.
અચાનક એક દિવસ મારી શાળાના બહેન ઘરે આવ્યા અને કઈ દાતાની વાત કરી. કહ્યું કે તું હોંશિયાર એટલે તારું નામ કહ્યું છે.મને કાઈ સુજ ના પડી. 2 દિવસ પછી હાથમાં એક ખોખું લાવ્યા અને મને આપી કહે બેટા હવેથી આમાં ભણજે.
આહહા......ટેબ્લેટ....બહેને જે મને ભણવા માટે ભેટ આપી હું એમનો અને એ દાતાનો આભાર માનીશ. મારુ આગળ ભણવાનું સપનું હવે પૂરું થશે...
બાજુવારી જિગલી ના પાપા એ મને કહ્યું કે મારી જિગલીનો ફોન બગડ્યો છે તું સાથે બેસાડીસ તારા વર્ગમાં ?
"મોકલી આપજો."
કારણ બસ એટલું જ મને મારા સાહેબો તરફ થી માત્ર ટેબ્લેટ્સ નહીં પણ સંસ્કારો પણ ભેટમાં મળ્યા છે.
