મને ગર્વ છે,હું શિક્ષક છું
મને ગર્વ છે,હું શિક્ષક છું
"બેન, તમે કહો છો એટલે હું તો માની જઈ પણ એના દારૂડિયા બાપા ને કુણ હમજાવહે ?"
મારો જવાબ તૈયાર જ હતો.."હું"
સુજલ મારી સાથે પ્રથમ ધોરણથી હતો. લખવામાં, કામ કરવામાં સૌથી આગળ પણ ભગવાને એને સાંભળવાની ક્ષમતા ના આપી. એટલે જ કદાચ એ બોલતા પણ ના શીખી શક્યો. શાળા માં મોકલવાની જ ના પાડે માબાપ.બહુ ધમાલી. પણ હું અને અરુણા ના માન્યા અને એને શાળા એ લાવીને બસ આખો દિવસ બેસાડી રમતો જ રમાડતા. ધીરે ધીરે બધું શીખવા લાગ્યો. બધા એની મજાક ઉડાવે એટલે ભાગી જાય. અરે,એક વાર તો મને અને અરુણાને શાળા ના રૂમ માં પુરી પણ દીધેલા બોલો.
રમતા રમતા લખવાનું શીખ્યો. મેં ઇન્ટરનેટ પરથી થોડી મુકબધીરની સાઈન લેંગ્વેજ શીખી એને શીખવવાનું ચાલુ કર્યું. ઝડપથી શીખવા લાગ્યો મારો સુજલ. એટલો હોશિયાર બની ગયો કે કોઈની મજાલ કે શાળાના ગેટ માં પરવાનગી વગર આવે ?
ભરૂચ જિલ્લાનું છેક છેવાડાનું આદિવાસી ગામ. મજૂરી કરી રળી ખાય. ત્યાં એટલી સમજ ક્યાંથી કે આવા બાળક માટે અલગ શાળા હોઈ શકે. હવે તો સુજલ 5માં ધોરણમાં આવી ગયો. ખરી ચિંતા હવે હતી. અહીં તો 5 ધોરણ સુધીનીજ શાળા. પછી એ ક્યાં ભણશે ?એ ચિંતા મને ખુબ સતાવતી. જો ધ્યાન ન આપું તો એને ક્યાંય ભણવાના મોકલે અને એનું જીવન આમ જ રખડી જાય. મેં આવા બાળકોની સરકારી શાળાનું સંશોધન ચાલુ કર્યું અને મારા નસીબે એ મને નજીક રાજપીપળામાં જ મળી ગઈ.ત્યાં જઈ તપાસ પણ કરી આવી.
હવે સવાલ હતો એના માબાપને સમજાવાનો. ગામડામાં બાળકોને આમ ભણવા ક્યાય મોકલે એ વાત જ ગળે ના ઉતરે ત્યાં આવા બધિર બાળકને કેમ મુકશે ? અમે આટલા વર્ષોમાં એના સર્ટિફિકેટ કરાવી એને શહેરમાં લઇ જઇ ચેકઅપ પણ કરાવેલું. મશીન પણ અપાવ્યા પણ કોઈ ફેર ના પડ્યો.
હવે વાત અટકી હતી એના બાપા પાસે. એ દારૂડિયો માણસ છોકરો કઇ કમાઈને મને આપશે એવી આશાએ ના જ પાડતો રહ્યો. હું ય જિદ્દી. મેં સુજલના મમ્મીને મનાવી લીધા. સુજલ તો મારા કહ્યામાં જ હતો.એ પણ તૈયાર. આજે એના મમ્મી મને એ જ કહેવા આવ્યા હતા કે સુજલનો બાપુ માનતો નથી.
એક રસ્તો કાઢ્યો. સુજલ ના બાપા સાથે વાત કરવા ઉપડી એના ઘરે.ઓટલા પર જ દારૂથી ગંધાતું મોઢું. નસાથી ચકચૂર એવો એનો બાપ પડ્યો હતો. એને કહ્યું તને દર મહિને હું પૈસા આલિશ. પણ એક શરતે. ભાવતું તું ને વૈદે કીધું. એને બીજું શું જોઈએ.બાપા પણ તૈયાર. અને એક દિવસ ઉપડ્યા હું,સુજલ અને એના માબાપ.સુજલને હોસ્ટેલ બતાવી,શિક્ષકો સાથે મુલાકાત કરાવી. હસતા હસતા આવજો કર્યું.
એ પછી એકાદ વર્ષ એના શિક્ષકો સાથે વાતચીત થાય. વિડીઓ કોલ થાય.માબાપ સાથે વાત થાય. બાપા પણ માની ગયા. દારૂ ઓછો કરી કામે જાય. ત્યારબાદ મારી બદલી થતા હું તે શાળા છોડી બીજી શાળામાં આવી ગઈ. ધીમે ધીમે વાતચીત બંધ થઈ. કોઈકવાર ત્યાંની શાળાની શિક્ષિકા અરુણાને ફોન કરું તો સુજલ વિશે પૂછી લેતી..
એ પછી એકવાર મારા દીકરાના જન્મદિવસની ઉજવણી કરવા સુજલની હોસ્ટેલ જવાનું વિચાર્યું અને મારા બંને પરિવાર સાથે હું ત્યાં પહોંચી. મંજુરી લઇ જેવી એના વર્ગમાં ગઈ એ સીધો જ મને ભેટી પડ્યો. મારો પરિવાર સાવ બાઘાની જેમ મને જુએ. એમના માટે આ પહેલીવાર હતું ને ? સુજલ સાથે વાત કરી એના શિક્ષકો સાથે એની પ્રગતિની વાત કરી જન્મદિવસ ઉજવી અમે ઘરે આવ્યા..
આજે અચાનક આટલા વર્ષે હું કેમ એને યાદ કરી હતી ?કોઈ કારણ ? હા, કારણ છે જ. હમણાં કોરોનાને લીધે અમે સૌ ઘરે.શાળા પણ બંધ. બાળકો યાદ આવે પણ આ બાળકોમાં હું સુજલને ભૂલી જ ગઈ હતી. સાત વર્ષ ના લાંબા સમયગારા બાદ એ યાદ પણ ન રહે ને...પણ અચાનક આજે વોટ્સપ પર મેસેજ આવ્યો.
'હાય'
'હેલ્લો' મારો જવાબ.
'કેમ છો બેન ?'
'સારી છું. તમે કોણ ?'
'સુજલ...'
નિઃશબ્દ. હું ધબકારો ચૂકી ગઈ. સુજલ ? આ મારો સુજલ હશે ?એને વોટ્સઅપ મેસેજ કરતા આવડી ગયું ?એ જ હશે કે બીજું કોઈ ? હજારો સવાલો.અંતે પૂછી જ નાખ્યું
"સુજલ છીતુભાઈ વસાવા ?"
'હા બેન હું સુજલ.'
આજે આટલા વર્ષે 2020માં સુજલ સાથે મારી મુલાકાત પાછી થઈ. કેટલો મોટો થઈ ગયો મારો સુજલ અને મેં પછી એના અભ્યાસની ચર્ચા કરી.કોરોનાને કારણે હોસ્ટેલ બંધ એટલે ઘરે જ છે અને હવે તો એ અમદાવાદની હોસ્ટેલમાં ભણે છે. કોરોનાનું વર્ષ મોટેભાગે બધા માટે ઘણું કપરું બન્યું પણ મને તો 2020 એ મારો સુજલ પાછો આપ્યો.
