એ રાતે
એ રાતે
બસ માં ચડતા જ એક બે પેસેન્જર છોડી ને કોઈ જ ન'તું. એ સ્ત્રી રડી રડી સુજી ગયેલ આંખો સાથે, કપડાં પણ લઘરવઘર અને ઉતાવળમાં હોઈ એમ બસ માં ચડીને પાછળ છેલ્લી સીટ ની બારી પાસે બેસી ગઈ. એની આંખ ના આસું હજી સુકાયા ન હતાં. રડવાનું ચાલુ જ હતું. થોડી થોડી વારે ઊંચી થઈ ને આગળ જોઈ લેતી હતી. કોઈ અસમંજસ માં હતી એ.
બસ હાઈવે પર થી એનો રસ્તો કાપી મંજિલ તરફ આગળ વધી રહી હતી.
કોણ હતી એ સ્ત્રી ? જોઈને તો કોઈ સારા ઘરની લાગતી હતી. ઉંમર પણ વીસ બાવીસની જ લાગતી હતી અને એનું યૌવન પણ એના મુખ પર ચમકતું હતું. બસ જો રડતી ના હોત તો એનો ચહેરો કેટલો સુંદર લાગત ?
થોડી થોડી વારે એ સ્ત્રી નું ધ્યાન ઘડિયાળ તરફ જતું હતું. ક્યાં જવાની ઉતાવળ હતી એને ?
અચાનક બ્રેક વાગી અને બસ કોઈ હોટલ પર ઊભી રહી. ડ્રાઇવરે દસ મિનિટ નો સમય આપ્યો. જે બે ત્રણ પેસેન્જર હતાં એ ઉતર્યા પણ પેલી સ્ત્રી ત્યાં જ બેઠી બેઠી હજુ રડી જ રહી હતી.
બધા પેસેન્જર આવી ગયા હતાં. બસ ઉપડવાની તૈયારી માં હતી અને એક એના જેવી જ સ્ત્રી બસ માં ઉતાવરે ચઢી અને ડ્રાઈવર સાથે કઈક વાત કરી સીધી પાછળ છેલ્લી સીટ બાજુ આવી ને પેલી સ્ત્રી ની વિરુદ્ધ બારી પાસે બેસી ગઈ. રડતી સ્ત્રી ની નજર એના પર ગઈ પણ એના આંસુઓ ના પડદા ને કારણે એ બહુ ધ્યાનથી ના જોઈ શકી.
રાત ના 12 થવા આવ્યા હતાં બસ એની મંજિલ પર સીધી સવારે જ પહોંચવાની હતી. બીજી સ્ત્રી આ રડતી સ્ત્રી ને ક્યારની જોયા કરતી હતી, થોડીવાર પછી એ પહેલી સ્ત્રી પાસે ગઈ અને એની બાજુ માં બેસી ગઈ. રડતી સ્ત્રી એ દેખ્યુંના દેખ્યું કરી દીધું. . . બીજી એ પહેલી સાથે વાત કરવા પ્રયત્નો કર્યા.
હેય,હું નિશા. હું તમને ક્યારની જોઉં છું તમને કોઈ તકલીફ હોય તો મને જણાવો. પણ આમ રડ્યા ના કરો.
મારે કોઈ વાત નથી કરવી. તમે જાઓ અને તમારું કામ કરો.
આછા સ્મિત સાથે બીજી સ્ત્રી એ ફરીથી કહ્યું કે હું સમજુ છું કે કોઈ અજાણી વ્યક્તિ ને પોતાની વાત તમે ના કરી શકો પણ તમે રડવાનું પહેલા બંધ કરો. પહેલી સ્ત્રી નો ગુસ્સો થોડો શાંત પડ્યો. એણે નિશા પાસે પાણી માંગ્યું. નિશા પાસે એણે ફોન માંગ્યો. નિશા એ કંઈપણ સવાલ વગર એને આપ્યો. કોઈક ને વારે વારે ફોન કરતી હતી પણ કદાચ સામેથી ફોન કટ થતો હતો. પાછી એ સ્ત્રી રડવા લાગી. .
શું થયું છે ? નિશા એ ફરી પૂછ્યું. .
અચાનક તે નિશા ના ખોળા માં માથું નાંખી રડવા લાગી. લાંબા સમય સુધી એ રડતી રહી અને નિશાએ પણ એને ખલેલ પહોંચાડવું યોગ્ય ન માન્યું.
થોડી વાર પછી એને કહેવાનું ચાલુ કર્યું કે તે કોઈ છોકરા ને પ્રેમ કરતી હતી અને એની સાથે જ લગ્ન ન શમણાઓ જોયા હતાં. એ પણ એને ખૂબ પ્રેમ કરતો. સ્ત્રી એ એનું નામ સંધ્યા જણાવ્યું. બંને પ્રેમ માં તરબોળ ! નિશાએ પૂછ્યું કે તો પછી આજે આમ કેમ ?
સંધ્યા આગળ બોલવા લાગી કે પ્રેમ ને 2 વર્ષ થતા મેં લગ્ન ની વાત એની આગળ જણાવી. એ કઈ ને કઇ બહાને મને હજુ વાર છે એમ કહી વાત ટાળી દેતો. મારા ઘરમાં લગ્નની વાત ચાલુ થઈ ગઈ હતી અને ઘરના મને ખુબ જ પ્રેમ કરતા હતાં. પણ હું એમને અમારા પ્રેમ વિશે જણાવી શકુ એમ ન'તું. એનું કારણ કે મારા પિતાજી સમાજ ના નીતિનિયમો નો ચુસ્તપણે પાલન કરતા અને જો કદાચ હું એમને અમારા પ્રેમ વિશે જણાવું તો કદાચ અમે એકબીજાને મળી પણ ન શકીએ એવી હાલત થાય. એ ડરે જ હું ઘરમાં આ વાત જણાવી ન શકી.
એક છોકરા એ મને પસંદ કરી અને ઘરનાએ એને પસંદ કર્યો. લગ્ન ની વાત આગળ ચાલી. હું મારા પ્રેમ ને કહી કહી ને થાકી કે તું મને લઈ જા. પણ એનું વર્તન પણ બદલાઈ ગયેલ લાગ્યું. .
હું એ સાગર વગર રહી ન શકુ. હું એક એવા પડાવ પર આવી પહોંચી હતી કે સાગર વગર જીવી ના શકુ અને ઘરમાં કહી પણ ના શકું. સગાઈ થઈ ત્યાં સુધી તો ઠીક પણ હવે થોડા જ દિવસમાં મારા લગ્ન થવાના છે. અને હું સાગર ને ફોન કરીને થાકી એટલે ગઈ કાલે જ મારા ઘર ને અંતિમ વિદાય આપી સાગર ના ઘરે જવા રવાના થઈ હતી. એનું ગામ મારા ગામ થઈ પચાસ કિલોમીટર ના અંતરે હોવાથી હું સવાર માં જ બસ માં બેસી થોડા પૈસા લઈ ઘર છોડ્યું. . ફોન પણ ત્યાં જ મૂકી હું નીકળી પડી મારા પ્રેમ ને પામવા. સાગર ને સરપ્રાઈઝ આપી એને ખુશ કરવા માંગતી હતી. જ્યારે એના ગામમાં પહોંચી એનું ઘર પૂછતી હું એના દરવાજે પહોંચી . દિલ માં ધડકનો વધી રહી હતી. બસ હવે એક જ પળ અને અમે હંમેશા માટે એક થઈ જઈશું. અને. . . .
દરવાજો કોઈ સ્ત્રીએ જ ખોલ્યો. મને આશ્ચર્ય સાથે જોઈ રહી જેમ હું એને જોતી હતી. બે નાના બાળકો રમતા હતાં એ પણ ઊભાં રહી મને જોવા લાગ્યા અને એ સ્ત્રી ને પૂછવા લાગ્યા કે મમ્મી એ કોણ છે. મેં જ સામે થઈ કહ્યું કે હું સાગરની મિત્ર છું. અંદર બોલાવી અને પાણી લેવા ગઈ. હું રૂમનું નિરીક્ષણ કરતા વિચારતી હતી કે આ કોણ હશે ?
અને અચાનક મારી નજર ફેમિલી ફોટા પર પડી અને હું સીધી જ બહાર નીકળી ગઈ. પેલી સ્ત્રી પાણી માટે મને બુમ પણ પાડી પણ હવે ઊભું રહેવાય એમ હતું નહીં.
રસ્તા પર ચાલતા ચાલતા હું ક્યાં પહોંચી ખબર નથી પણ ત્યાં એક બસ સ્ટેન્ડ હતું ત્યાં જઈ આ બસમાં બેઠી ત્યારે લગભગ સાંજના 6 થવા આવ્યા હતાં. હવે તો ઘર માં પણ મારી શોધખોળ ચાલુ થઈ ગઈ હશે. રડતા જઈ એ નિશા ને બધું જણાવી રહી હતી. નિશાએ પાણી આપી એને શાંત રહેવા કહ્યું. પછી ધીરેથી પૂછ્યું હવે આગળ ? સંધ્યા એ ઊંડો શ્વાસ લઈ કહયું કે સાગર પરણેલો હતો અને તેને બે સુંદર નાની બાળકીઓ હતી. તો પછી . . . પછી એણે મને કેમ આમ કર્યું. એના જ ભરોસે હું મમ્મી પપ્પા નું ઘર છોડી ચાલી આવી. ત્યાં બધાને ખબર પડી ગઈ હશે કે હું ઘરથી ભાગી ગઈ. સાગર નું ઘર તો મારા માટે છે જ નહીં તો હું હવે ક્યાં જાઉં ? . . .
થોડીવારની નિઃશબ્દ શાંતિ પછી નિશા એ કહ્યું કે જેને ભરોસે તું ઘર છોડી આવી એતો તારો હતો જ નહીં અને જે તારા છે એમને તું છોડી ને આવી છે. પણ યાદ રાખો સંધ્યા કે માં બાપ ગુસ્સામાં હશે પણ તને પ્રેમ પણ એટલો જ કરતા હશે. તને આટલા વર્ષો મોટી કરી પ્રેમ આપ્યો અને તું હવે એમને એકલા મૂકી ને આમ જતી રહેશે તો ?
સંધ્યા રડતા રડતા કહેવા લાગી કે મારાથી ઘણી મોટી ભૂલ થઈ ગઈ છે. મારી પાસે હવે મરી જવા સિવાય કોઈ ઉપાય નથી. નિશા ગુસ્સામાં બોલી ખબરદાર મરવાની વાત કરી છે તો. આમ કરવાથી તને શું મળવાનું? માં બાપ તો એમ જ વિચારશે કે દીકરી ક્યાંય કોઈની સાથે ભાગી ને સંસાર માંડી ને બેઠી હશે. સાગર એમ વિચારશે કે તે ક્યાંક લગ્ન કરી લીધા હશે. પણ આ બધામાં તારા માતાપિતા ને કેટલું દુઃખ થશે. તું એકવાર એમને વાત કર . . એઓ તને માફ કરી જ દેશે.
હું એ ભૂલ કરી ચૂકી છું જેનો પસ્તાવો આજદિન સુધી મને છે. હું મારા માતાપિતા ને સમજી ન શકી. નિશા એટલું બોલતા અટકી ગઈ. સંધ્યા રડવામાં જ હતી તેથી નિશા શું બોલી ગઈ એનો ખ્યાલ એને ના આવ્યો.
સંધ્યામાં આત્મવિશ્વાસ આવ્યો અને એણે નિશા ને કહ્યું કે કાલે સવારે જ વળતી બસ માં ઘરે પહોંચી મમ્મી પપ્પા ને બધું જણાવી દઈશ. અને આગળનું જીવન એમને સમર્પિત કરીશ. પણ મેં મારા માતાપિતા ની ભાવનાઓ ને સમજ્યા વગર બીજા પર ભરોસો કરી ઘણી મોટી ભૂલ કરી છે. પોતાના એ પોતાના હોઈ છે એનું તે ભાન કરાવ્યું. ખૂબ ખૂબ આભાર તારો દોસ્ત. .
બસ અચાનક બ્રેક સાથે ઊભી રહી. કન્ડેક્ટરે પાછળ આવી સંધ્યા ને કહ્યું કે બારી બંધ કરી દેજો. આગળ જરા ભય છે. એમ હોઈ તો થોડી વાર તમે આગળ આવી જાવ. સંધ્યા કાઈ સમજી નહીં. પણ નિશા એ ઈશારો કરતા એ એકલી જ આગળ ની સીટ પર જઈ બેઠી. નિશા ત્યાં જ એની બારી પાસે બેસી રહી.
એક નનાકડી દેરી જતા જ બસ આગળ વધવા લાગી. સંધ્યા થી ના રહેવાતા એણે પૂછ્યું તો કન્ડટરે કહ્યું કે અહીં એક સ્ત્રી એ આત્મહત્યા કરી હતી. અને એની આત્મા હજુ અહીં આસપાસ ભટકે છે. પણ એ સારી આત્મા છે. કોઈએ એને દગો આપ્યો હતો અને પ્રેમ માં દિવાની એવી એણે આ દેરી પાસે મૃત્યુ ને વહાલું કર્યું હતું. કહેવાય છે કે આવતા જતા ઘણા ને દેખાય છે પણ કોઈને કનગડતી નથી. એના માબાપ એને માટે આ જગ્યા એ દેરી બનાવી એને મળવા રોજ આવે અને અહીં આવી આંસુ સારે છે. પણ ના તો એમની દીકરી પાછી આવી શકે ના એ દીકરી પોતાની ભૂલની માફી માંગી શકે.
સંધ્યાને પોતાની વાત યાદ આવી ગઈ અને નિશા એ સમજાવેલ વાતથી એ પોતે આ ભૂલ ન કરી માબાપ પાસે પાછી જઈ રહી છે એ વિચારે નિશા નો આભાર માનવા પાછળ ફરી અને. . . . . અને ત્યાં બારી પાસે કોઈ ન'તું. સંધ્યા ધબકારો ચૂકી ગઈ. એને પોતાની જાત ને સાંભળતા કન્ડટર ને એનું નામ પૂછ્યું. . . . જવાબ આવ્યો. . . . "નિશા". . . !
આજે જ્યારે જ્યારે સંધ્યા એના બે બાળકો અને પતિ સાથે આ રસ્તેથી પસાર થાય છે તો અહીં જરૂર ઊભી રહે છે અને યાદ કરે છે એ રાત,નિશા અને એનું જીવન બદલી નાખતી એક રાતની મુલાકાત ને. . . .!
