ઠંડી ચા
ઠંડી ચા
"ભાભી, મારો નાસ્તો અને દૂધ ટેબલ પર તૈયાર છે ? મારે આજે ઑફિસ જલદી જવાનું છે."મનન બોલ્યો.
"અનુ, મારા કપડાં અને બેગ રેડી કરી રાખજે. હું હમણાં નાહીને આવું છું."પતિદેવ અમિત ઉવાચ.
"ભાભી, મારો ડ્રેસ ઈસ્ત્રી કર્યો છે ?"નણંદ બોલી.
"વહુ બેટા, મારી ચા અને પેપર આપી જજે."સસરાજી બોલ્યા.
ખુશનુમા સવારમાં એક કપ તાજગીભરી ચા પી, થોડીવાર યોગા કરવાનો વિચાર કરતી અનુ ઘરના દરેકની એક પછી એક જરૂરિયાત પૂરી કરવા માટે પગમાં પૈંડા લગાવી દોડાદોડી કરી રહી હતી. બધાં ગયાં એટલે અનુ કપમાં કાઢેલી 'ઠંડી ચા' ગટગટાવી ગઈ. થોડા દિવસથી એના ફોઈસાસુ રહેવા આવ્યાં હતાં. એ રોજ સવારે આ નાટક જોતાં રહેતાં. બધાં પોતપોતાના કામે ગયાં એટલે એમણે અનુને પાસે બોલાવી કહ્યું, "અનુ બેટા, તેં આજે સવારની ચા પીધી ?"
"હા, ફોઈ ક્યારની પી લીધી હતી. કેમ તમને ચા પીવી છે ? બનાવી દઉં ?"
"અનુ, હું આવી તે દિવસથી જોઉં છું. તારી પાસે બધાં માટે 'સમય' છે ફક્ત તારા માટે જ નથી. તેં સવારની ચા છેક હમણાં પીધી તે મેં જોયું. તને ક્યારેય ગરમ ચા પીવાની ઈચ્છા નથી થતી ?" અનુની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં. તે બોલી, "ફોઈ, આખો દિવસ ઘરનું એટલું કામ પહોંચે છે કે મને મારા માટે સમય જ નથી મળતો. શું કરું ?"
"અનુ, તારી નણંદ નિશા કંઈ નાની નથી. એને એના કપડાં જાતે ઈસ્ત્રી કરવાનું કહે. અમિતને કહે નાહવા જવા પહેલાં બહાર ટેબલ પર બધું તૈયાર કરીને પછી નાહવા જાય. રસોડામાં ચા નાસ્તો તૈયાર કરી મનનને કહે બહાર લઈ જાય. ભાઈને પેપરને ચા હાથમાં આપી તે બરાબર છે પણ બીજાં બધાને હાથમાં ને હાથમાં બધું આપવાની આદત તું છોડી દે. તેં તારી જાતની શું હાલત કરી છે એ તો જો. તારી સુંદરતા, હોશિયારી અને સ્વભાવને લીધે મેં તને મારા ભત્રીજા માટે પસંદ કરી હતી પણ બે વર્ષમાં તો તારો દેખાવ સાવ કેવો થઈ ગયો છે ? હજી તો તને કોઈ સંતાન નથી. થશે પછી શું કરશે ?"
ફોઈની વાત સાંભળી અનુ એમને વળગી ધ્રુસકે ધ્રુસકે રડી પડી. ફોઈએ ક્યાંય સુધી એના માથા પર હાથ ફેરવ્યા કર્યો.
બીજે દિવસે સવારે ફોઈ અનુને લઈ ચાલવા નીકળી પડ્યાં. નજીકના પાર્કમાં બેસી બંનેએ થોડી વાર યોગ કર્યા. ત્યારબાદ બહાર જ ગરમાગરમ મસ્ત મસાલાવાળી ચા પી બંને ઘરે આવ્યાં.
"અરે! અનુ સવાર સવારમાં ક્યાં રખડવા નીકળી પડી હતી ? ખબર નથી પડતી મને ઑફિસ જવાનું મોડું થાય છે. હજી મારે નાહવાનું પણ બાકી છે. સમયનું કંઈ ભાનબાન છે કે નહીં ?"અમિતે એને ખખડાવી નાંખી.
"ભાભી, મારાં કપડાંને ઈસ્ત્રી પણ બાકી છે. આખો દિવસ ઘરમાં કરો છો શું ? મારા માટે એટલો સમય કાઢી નથી શકતાં ?"નણંદ નિશા બોલી.
"તમે ત્રણે અહીં બેસો. મારે તમારું કામ છે."ફોઈએ કહ્યું.
"અમિત, તને ખબર છે અનુ શું ભણી છે ?"
"હા, મારી પત્ની કેટલું ભણી હોય તે તો મને ખબર જ હોય ને ? એમ.બી.એ. કરી પી.એચ.ડી. કર્યું છે. એટલે જ તો મેં એને પસંદ કરી હતી."અમિતે કહ્યું.
"નિશા અને મનન, તમે કેટલું ભણ્યા છો ?"
"ફોઈ, મેં બી.એ. કર્યું છે અને મનને એમ.કોમ. પણ તેનું શું છે ? ભાભી આટલું ભણીને પણ ઘર જ સંભાળે છે ને ? મારી જેમ જોબ તો કરતાં નથી તો ઘરનું કામ તો વ્યવસ્થિત કરવું જોઈએ ને ?" નિશા બોલી.
"નિશા, અનુ તારાં કરતાં મોટી છે ઉપરાંત વધુ ભણેલી પણ છે. એ પણ ધારે તો જોબ કરી શકે એમ છે પણ જો એ પણ તારી જેમ જોબ કરવા લાગશે તો તમારા બધાના સમય કોણ સાચવશે ? કોઈ દિવસ તમે લોકોએ એને પણ પોતાના સપના છે, પોતાની ઈચ્છાઓ છે એનો વિચાર કર્યો છે ? એણે પોતાના સપનાઓ, પોતાની ઈચ્છાઓને રુંધિ નાંખી છે તમારા બધા માટે. તમારા સમય સાચવવા માટે એણે પોતાની મહત્વકાંક્ષાઓનું બલિદાન આપી દીધું છે. અમિત, તું જ જો તારી પત્નીના સ્વમાનનું રક્ષણ નહીં કરે તો ઘરના શા માટે એને માન આપે ? એની ઈચ્છાઓને સમજ, ઘરના વધારાના કામ માટે પૈસા ખર્ચી કોઈ માણસ રાખી લો. તમે બધાં પણ તમારા પોતપોતાના કામ જાતે કરવાની ટેવ પાડો. અનુ, સ્વમાની અને સુશીલ છે એટલે કંઈ બોલતી નથી. એને પણ બહાર નીકળી એના ભણતરનો ઉપયોગ કરવા દો. એ મુક્ત પંખીની પાંખો કાપી તમે તો એને જાણે આ ઘર રૂપી પીંજરામાં બંધ કરી દીધી છે; પણ જો આમ જ ચાલશે તો એ વધુ સમય પીંજરામાં નહીં રહે એટલું સમજી લો."
થોડીવાર સુધી ઘરમાં જાણે સોપો પડી ગયો, બધાંની વાચા હણાઈ ગઈ. પછી ધીરે રહીને અમિત ઊઠીને અનુ પાસે આવ્યો. "અનુ, મને માફ કર. હું આજ સુધી તારી લાગણીઓને સમજી ન શક્યો. મેં તારી સાથે એક સામાન્ય ઘરરખ્ખુ સ્ત્રીની જેમ જ વર્તન કર્યું કારણકે હું નાનપણથી આવું જ જોતો આવ્યો છું. પપ્પા, મમ્મી સાથે આવું જ વર્તન કરતાં હતા એટલે મારા મનમાં એ જ ગ્રંથિ બંધાય ગઈ હતી પણ તું નવા જમાનાની સ્ત્રી છે એ મેં વિચાર ન કર્યો. આજથી હું પણ તારો સમય સાચવીશ. તું તારા સપના પૂરા કરવા માટે મુક્ત છે."
"ભાભી, અમને માફ કરો. હવેથી અમે પણ અમારા કામ જાતે કરીશું. અમને અમારી ભૂલ સમજાય ગઈ છે."નિશા અને મનનને કહ્યું.
"બસ, સમય રહેતાં સૌને પોતાની ભૂલ સમજાય ગઈ એટલે ઘણું. ઘીના ઠામમાં ઘી પડી ગયું. હવે અનુને ઠંડી ચા નહીં પીવી પડે."ફોઈ બોલ્યાં.
