તપસ્યાનું મૂલ્ય બે પૈસા
તપસ્યાનું મૂલ્ય બે પૈસા
એક સાંજની વાત છે. ભગવતી ભાગીરથીના પવિત્ર તટે, સંધ્યાના સોનેરી કિરણો ગંગાજીના ખળખળ વહેતા જળ પર અદ્ભુત રશ્મિઓ પાથરી રહ્યા હતા. દક્ષિણેશ્વરના શાંત વાતાવરણમાં સંત શ્રી રામકૃષ્ણ પરમહંસ મધુર સ્મિત સાથે બિરાજમાન હતા. તેમનો સ્વભાવ સહજ, નિષ્કપટ અને બાળકના જેવો નિર્દોળ હતો. પરંતુ, સૂર્યની તેજસ્વીતા જેમ કેટલાક આંખ અંજાવી દે છે, તેમ પરમહંસજીની અસીમ ખ્યાતિ અને લોકપ્રિયતા જોઈને એક સિદ્ધિ-અભિમાની યોગીના હૃદયમાં ઈર્ષ્યાની આગ સળગી રહી હતી.
અહંકારથી છલકાતો એ યોગી એક દિવસ પરમહંસજી પાસે આવ્યો. તેની આંખોમાં ક્રોધ અને અહંકારનો દવ સળગતો હતો. પરમહંસજીને નીચા દેખાડવાની કટુ ઈચ્છા સાથે તેણે તિરસ્કારપૂર્ણ સ્વરે પૂછ્યું, "હે રામકૃષ્ણ! તારામાં એવું તે શું ચમત્કારી તત્વ છે કે આખું જગત તને ‘પરમહંસ’ કહીને પૂજે છે? કે પછી આ બધું માત્ર જનતાને છેતરવાનું બહાનુ છે?"
પરમહંસજીએ પોતાની સહજ નમ્રતા અને શાંતિથી જવાબ આપ્યો, "ના ભાઈ, હું તો એક અત્યંત સામાન્ય માણસ છું. મારી પાસે ચમત્કારની કોઈ શક્તિ નથી."
યોગીનો અહંકાર વધુ ઉછળ્યો. તેણે મેણું મારતા કહ્યું, "જો તું સાચો પરમહંસ હોય તો આ સામે વહેતી ગંગાજીના જળ પર ચાલીને બતાવ! ઈસા મસીહ પાણી પર ચાલ્યા હતા, હનુમાનજી એક છલાંગે સમુદ્ર ઓળંગી ગયા હતા. જો તું આ પાણી પર ચાલી શકે, તો જ હું તને સાચો સાધુ માનું!"
પરમહંસજીએ સ્મિત સાથે કહ્યું, "ના ભાઈ, હું પાણી પર નથી ચાલી શકતો. કારણ કે પરમેશ્વરની એવી કોઈ ઈચ્છા નથી. હું ઈશ્વરની વિધાનની વિરુદ્ધ કેવી રીતે જઈ શકું?"
આ સાંભળી યોગીએ છાતી ઠોકીને ગર્જના કરી, "સાંભળ! મેં અઢાર-અઢાર વર્ષ સુધી હિમાલયની ઘોર સાધના કરી છે, ટાઢ અને તડકો સહન કર્યા છે! ત્યારે જઈને મને આ સિદ્ધિ મળી છે. આજે હું આ ગંગાજીના એક કાંઠેથી બીજા કાંઠે પાણી પર ચાલીને જઈ શકું છું!"
અહંકાર મનુષ્યના તમામ તપ અને જ્ઞાનને નષ્ટ કરી દે છે:
अहंकारविमूढात्मा कर्ताहमिति मन्यते। - (શ્રીમદ્ ભગવદ્ ગીતા - ૩.૨૭)
ગુજરાતી અર્થ: અહંકારથી મોહિત થયેલો અજ્ઞાની મનુષ્ય પોતાની જાતને જ સઘળા કાર્યોનો કર્તા માની બેસે છે.
યોગીની આ દર્પોક્તિ સાંભળીને પરમહંસજીના ચહેરા પર અગાધ કરુણા ઊભરી આવી. તેઓ અતિશય શાંત અને નમ્ર અવાજે બોલ્યા, "મારા વહાલા ભાઈ! તેં તારા જીવનના મૂલ્યવાન અઢાર વર્ષ વ્યર્થ ગુમાવી દીધા. જ્યારે પણ મારે ગંગાની પેલે પાર જવું હોય છે, ત્યારે હું માત્ર હોડીવાળાને અવાજ આપું છું. તે મને બે પૈસામાં નદી પાર કરાવી દે છે. હવે તું જ વિચાર કર, જે કામ બે પૈસામાં થઈ શકે છે, તે માટે તેં અઢાર વર્ષની કઠોર તપસ્યા વેડફી નાખી! તો શું તારી આ અઢાર વર્ષની કમાણીનું મૂલ્ય માત્ર બે પૈસા જેટલું જ છે?"
પરમહંસજીનો આ માર્મિક પ્રહાર સાંભળીને યોગી કાપો તો લોહી ન નીકળે તેવો થઈ ગયો. તેનો અહંકાર ક્ષણભરમાં ઓગળી ગયો અને તે નિરુત્તર થઈને માથું ઝુકાવી રહ્યો.
"અધૂરો ઘડો છલકાય ઘણો." તપસ્યાનો હેતુ આત્મકલ્યાણ અને પરમાત્માની પ્રાપ્તિ છે, નાટક કે લોકેષણા નહીં.
भवन्ति नम्रास्तरवः फलोद्गमैः नवाम्बुभिर्भूरिविलम्बिनो घनाः।
अनुद्धताः सत्पुरुषाः समृद्धिभिः स्वभाव एवैष परोपकारिणाम्॥ - ભર્તૃહરિજી નીતિશતકમ્
વૃક્ષો ફળોથી લદાતાં નમી જાય છે, વાદળો નવા જળથી ભરાતાં નીચે નમે છે; તેમજ સજ્જનો પણ સમૃદ્ધિ કે સિદ્ધિ મળતાં વધુ નમ્ર બને છે. આ જ પરોપકારી પુરુષોનો સહજ સ્વભાવ છે. (નીતિશતકમ્ - ૭૦)
જેમ પાણી પર ચાલવાની ક્ષમતાથી કોઈ મોક્ષ પામી શકતું નથી, તેમ માત્ર બાહ્ય ચમત્કારો કરવાથી જીવન સાર્થક થતું નથી.
સિદ્ધિઓના આડંબરમાં તું ખોઈ બેઠો સાર,
અઢાર વર્ષની સાધનાનું મૂલ્ય બે પૈસા માત્ર!
નમ્રતા વિનાનું તપ છે નકામું અને નગણ્ય,
સમર્પણમાં જ ઈશ્વર મળે, એ જ સાચું પુણ્ય.
જીવનમાં અહંકાર અને ચમત્કારો પાછળ ભાગવા કરતાં આપણું મન તેમાં ન લગાવતા આપણા man અને બુદ્ધિ પ્રભુ ને સમર્પિત કરવામાં જ આત્મા ની સાર્થકતા છે.
मय्येव मन आधत्स्व मयि बुद्धिं निवेशय ।
निवसिष्यसि मय्येव अत ऊर्ध्वं न संशयः ॥ ८ ॥ श्रीमद्भगवद्गीता (अध्याय १२, श्लोक ८)
"તું તારું મન મારામાં જ સ્થિર કર અને તારી બુદ્ધિને પણ મારામાં જ પરોવી દે. ત્યાર પછી તું મારામાં જ નિવાસ કરીશ, એમાં કોઈ શંકા નથી."ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને અનન્ય ભક્તિનો માર્ગ બતાવતા કહે છે કે જ્યારે સાધક પોતાના મન અને બુદ્ધિ બંને સંપૂર્ણપણે પરમાત્માને સમર્પિત કરી દે છે, ત્યારે તે ભૌતિક બંધનોમાંથી મુક્ત થઈને ભગવાનના ધામને પ્રાપ્ત કરે છે.
