એક ગાય ની વાત
એક ગાય ની વાત
કોઈ એક નગરમાં હરિશંકર નામે એક વયોવૃદ્ધ ગૃહસ્થ રહેતા હતા. લોકમુખે તેમની છાપ અતિ ધાર્મિક, સદાચારી અને નેક ઈન્સાન તરીકેની હતી. કપાળે અડસઠ તીર્થનું તિલક, હાથમાં સ્મરણમાળા અને હોઠે રામનામ—આ તેમનો બાહ્ય શણગાર હતો. પોતે આજીવન જે કંઈ કર્યું, તે સર્વ માત્ર ને માત્ર ‘પુણ્ય’ જ છે એવા દૃઢ અહંકારના ઓથાર હેઠળ તેઓ જીવતા હતા.
તેમના ઘરમાં વર્ષોથી એક ક્રમ ચાલ્યો આવતો હતો. ઘરના તમામ સભ્યો ધરાઈને જમી લે, અન્ન વધે કે એંઠું બચે, તે બધું જ એક કથિરના વાસણમાં એકઠું કરી ડેલી બહાર મૂકી દેવામાં આવતું. ગામની નિરાધાર, નધણિયાતી ગાયોમાંથી કોઈ આવીને તે એંઠવાડ આરોગી જતી. હરિશંકર મનોમન હરખાતા કે રોજ એક ગાયને અન્ન આપી પોતે વૈકુંઠનું ભાથું બાંધી રહ્યા છે!
તેમનું આ અન્નદાન માત્ર મિથ્યા દંભ હતું. ગાયને શુદ્ધ, સાત્વિક અને સ્નેહસભર ભોજન આપવાને બદલે માત્ર કચરો ઠાલવવાની આ કુરૂઢિ હતી. સત્ય આ વરવી વાસ્તવિકતા જોઈને મૂંગા મોઢે રોતું હતું, પણ પાખંડના આંચળા હેઠળ ઢંકાયેલા અસત્યને ઉઘાડું કોણ પાડે?
यथा चित्तं तथा वाचो यथा वाचस्तथा क्रियाः।
चित्ते वाचि क्रियायां च साधूनामेकरूपता॥
(પંચતંત્ર)
અર્થ: સજ્જનોના મન, વાણી અને કર્મમાં એકરૂપતા હોય છે; જેવું મનમાં હોય તેવું જ વાણીમાં અને તેવું જ આચરણમાં પ્રગટ થાય છે.
હરિશંકરના અંતરમાં ઈશ્વરપ્રેમ નહોતો, માત્ર પુણ્યનો વ્યાપાર હતો. જે હૃદયમાં સાચા રામનો વાસ થાય, તેને તો સકળ સૃષ્ટિમાં પરમાત્માનો અંશ દેખાય. ગાયના મુખમાં એંઠવાડ પધરાવતી વખતે તેમને એ ન સમજાયું કે સામે ઊભેલી ગૌમાતામાં પણ એ જ જગન્નાથ બિરાજે છે. 'હાથીના દાંત ચાવવાના જુદા ને બતાવવાના જુદા'—તેવો આ દંભ વર્ષો સુધી ચાલતો રહ્યો.
કાળની ગતિ અવિરત છે. સમયની વણઝાર આગળ વધતી રહી. વૃક્ષ પરની કેસરી, મુલાયમ કૂંપળ લીલીછમ બની અને ઋતુચક્રના પ્રહારો વેઠી આખરે પીળી પડીને ખરી પડવાની અણી પર આવી પહોંચી. ઘરમાં દીકરા મોટા થયા, પરણ્યા અને નવી વહુઓનું આગમન થયું. ઘરનું રસોડું હવે નવી પેઢીના હાથમાં ગયું.
જ્યાં સંસ્કારનું સિંચન ન હોય, ત્યાં સમય જતાં સંબંધોમાં સ્નેહની સુવાસ સુકાઈ જાય છે. સતયુગ કે કળયુગ એ માત્ર બહારની વ્યવસ્થા નથી, અંતરની ચેતના છે. જ્યાં પ્રભુમય સમર્પણ અને પવિત્રતા હોય ત્યાં પ્રત્યેક ક્ષણે સતયુગ છે, અને જ્યાં સ્વાર્થ તથા સંવેદનાહીનતા હોય ત્યાં કળયુગનું સામ્રાજ્ય સ્થપાય છે.
શરીર હવે જર્જરિત થવા લાગ્યું હતું. હરિશંકર લાચાર વૃદ્ધાવસ્થાના ઉંબરે આવી ઊભા. જઠરાગ્નિ મંદ પડ્યો હતો, તીખું-તળેલું પચતું નહોતું. માત્ર મગનું પાતળું શાક કે દાળ—તેમના દેહને ટકાવી રાખવા માટે આટલો જ ખોરાક પૂરતો હતો.
ઘરની અન્નપૂર્ણા એવી તેમની ધર્મપત્ની તો ક્યારનીય સંસાર છોડીને અનંતની યાત્રાએ નીકળી ગઈ હતી. હવે ઘરની નવી વહુઓ પાસે એટલી ધીરજ નહોતી કે વડીલ માટે દાળ વીણે, કાંકરા સાફ કરે કે પ્રેમથી ધોઈને રાંધે. જેવું અનાજ કોથળામાંથી નીકળ્યું, તેવું જ સીધું તપેલીમાં ઓરી દેવામાં આવતું.
જ્યારે હરિશંકરના કાંસાના વાટકામાં દાળ પીરસાતી, ત્યારે તપેલીના તળિયે કડછી ઘસાવાનો કઠોર અવાજ આવતો: ઘસ... ઘસ... ઘસ...
દાળની સાથે તળિયે બેઠેલા ઝીણા પથ્થર અને કાંકરા કડછીમાં ઘસાઈને આવતા. દાંત વગરના પોચા પેઢા વચ્ચે જ્યારે એ કાંકરી ચગદાતી, ત્યારે આંખમાંથી અશ્રુની ધાર વહી જતી. પણ લાચારીનું બીજું નામ વૃદ્ધાવસ્થા છે. 'કર્યા ભોગવવા પડે' એ ન્યાયે, અપમાનનો આ કડવો ઘૂંટડો ગળે ઉતાર્યા વિના છૂટકો નહોતો.
વાવ્યું તેવું લણવું પડતું, જગનો એ અણમોલ નિયમ,
કર્મ તણા આ દર્પણ સામે, ચાલે ના કોઈ છળ-ભરમ;
પથ્થર દઈને પીડા વાવી, આજે પથ્થર પામ્યા આપ,
પુણ્ય ગણેલું પાપ નીકળ્યું, પ્રગટ્યું અંતરનું પરિતાપ.
ભગવાને બનાવેલી આ સૃષ્ટિમાં કર્મના હિસાબમાંથી કોઈ છટકી શક્યું નથી:
यथा धेनुसहस्रेषु वत्सो विन्दति मातरम्।
तथा पूर्वकृतं कर्म कर्तारमनुगच्छति॥
(મહાભારત, શાંતિપર્વ)
અર્થ: જેવી રીતે હજારો ગાયોના ટોળામાં પણ વાછરડું પોતાની માતાને બરાબર શોધી કાઢે છે, તેવી જ રીતે મનુષ્યે કરેલું કર્મ હજારોની ભીડ વચ્ચે પણ પોતાના કર્તાને શોધી જ લે છે.
સમયનું અંતિમ ચરણ આવી પહોંચ્યું. હરિશંકર ખાટલાવશ હતા. શ્વાસની ગતિ ધીમી પડી રહી હતી. ઓરડામાં પંખાના ઘરઘરાટ વચ્ચે વૈદ્યરાજનો ગંભીર અવાજ સંભળાયો, "હવે ગણતરીની ક્ષણો જ બાકી છે, હરિનામ સ્મરણ કરાવો."
બરાબર એ જ ક્ષણે, બાજુના રસોડામાંથી અવાજ આવ્યો: ઘસ... ઘસ...
કાંકરા ભરેલી તપેલીના તળિયે કડછી ઘસાવાનો એ જ પરિચિત, કર્કશ અવાજ વૃદ્ધના કાનના પડદા સાથે અથડાયો.
એ એક ક્ષણમાં હરિશંકરની ચેતના પરથી અજ્ઞાનનું પડળ ચીરાઈ ગયું. દાયકાઓ પહેલાં પોતે જે ગાયો આગળ એંઠવાડ અને એંઠી તપેલીઓ ઉતારી હતી, એ મૂંગા પશુઓની આંખોનો મૂક આક્રંદ આજે તેમની સમક્ષ મૂર્તિમંત થઈ ઊઠ્યો. 'ખાડો ખોદે તે પડે'—પોતે જીવનભર જેને ધર્મ માન્યો હતો, તે વાસ્તવમાં પોતાના જ ભવિષ્ય માટે પીડાનું ભાથું તૈયાર કરી રહ્યો હતો.
સત્ય સમજાયું ખરું, પણ આયુષ્યની દોરી તૂટવા આવી હતી. પશ્ચાત્તાપના આંસુ વહાવવા સિવાય હવે હાથમાં કશું બચ્યું નહોતું. પડદો પડી રહ્યો હતો અને કાળનો હિસાબ ચુકવાઈ ચૂક્યો હતો.
