Abid Khanusia

Inspirational

4  

Abid Khanusia

Inspirational

તો મોડુ થઈ જાત

તો મોડુ થઈ જાત

3 mins
230


એક નાનકડા શહેરની નવી બનેલી સોસાયટીમાં નિકુંજ અને મોહિનીએ નવો બંગલો ખરીદી થોડા સમય પહેલાં ત્યાં રહેવાનુ શરૂ કર્યું હતું. નિકુંજ યુવાન અને ઉત્સાહી હોવાથી તેને સર્વાનુમતે સોસાયટીના સેક્રેટરી તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. આ સોસાયટીમાં રહેતા લોકો સમૃધ્ધ હતા. 

લોકડાઉન થયાને એક મહિનો પસાર થઈ ગયો હતો. નિકુંજે સોસાયટીના સભ્યોની મિટિંગ બોલાવી તેમની સોસાયટીની બાજુની ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને મદદરૂપ થવા આહ્વાન કરતાં બધા લોકોએ ખૂબ સારો ફાળો લખવ્યો હતો. તે રકમમાંથી ઝૂપડપટ્ટીના સિત્તેર ઘરોને જરૂરિયાતનો સમાન પહોંચાડવાનું નક્કી કરવામાં આવ્યું હતું. 

જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની તૈયાર કરેલી કીટનું વિતરણ કરવા નિકુંજ અને સોસાયટીના બીજા પાંચ યુવાનો સાંજે તે ઝૂંપડપટ્ટીમાં ગયા હતા. મોહિની જમવા માટે નિકુંજની રાહ જોઈ રહી હતી. લગભગ દસ વાગ્યે નિકુંજ ઘરે પરત આવ્યો. ફ્રેશ થઈ તે ડાઈનિંગ ટેબલ પર ગોઠવાયો એટલે મોહિની બોલી “ નિકુંજ બધાને કીટ પહોંચી ગઈ ?”

નિકુંજ : “ હા, ભગવાનનો આભાર કે આપણે લોકોને મદદરૂપ થઈ શક્યા !. ખૂબ ગરીબ વસ્તી છે. આ વિકટ પરિસ્થિતિમાં ખરેખર તેમને ખાવાના ફાંફા છે.” એક સારું કાર્ય કર્યાનો સંતોષ તેના ચહેરા પર વર્તાતો હતો. 

 મોહિની : “ કોઈ કીટ બચી છે ?”

નિકુંજ : "ના, સિત્તેર ઘર માટે સિત્તેર કીટ બનાવી હતો. દરેકને આપી દીધી માટે કોઈ કીટ બચી નથી. પણ કેમ પૂછ્યું ?” નિકુંજના ચહેરા પર આતુરતા હતી.

મોહિની : “ પેલા ટેકરા પર એક મુસ્લિમ બાઈ રહે છે. તેનું નામ સકિના છે. તેને ત્રણ બાળકો છે. તેના ધણીએ બીજી બાઈ ઘરમાં બેસાડી છે અને સકિના અને બાળકોને ઘરમાંથી કાઢી મૂક્યા છે. તે પેલી ઝૂંપડપટ્ટીથી થોડે દૂર ટેકરા પર નાની ઝૂંપડી બનાવી ત્યાં રહે છે. લોકોના ઘરે કચરા પોતાં કરી તેનું અને તેના બાળકોનું ગુજરાન કરે છે. આજે સાંજે આપણા ઘરે આવી હતી અને કામ માગતી હતી. હમણાં સોસાયટીમાં કોઈને ઘરકામ માટે બોલાવવાની મનાઈ હોઇ મેં પણ તેને ‘કોઈ કામ નથી’ તેવું કહ્યું તો પણ તે થોડી વાર ઊભી રહી હતી. મને લાગે છે કામ કાજ વિના તેના ઘરમાં કોઈ રાશન નહીં હોય એટલેજ તે કામ માટે પૂછતી હશે.”

નિકુંજ મોહિનીની વાત સાંભળી એકદમ ડાઈનિંગ ટેબલ પરથી ઊભો થઈ ગયો અને બોલ્યો “ મોહિની ઘરમાંથી થોડીક દાળ, ચોખા, તેલ, ચા, ગોળ , ખાંડ બે દિવસ ચાલે તેટલુ રાશન એક થેલીમાં ભરી દે. કાલે સવારે તેને પણ એક કીટ પહોંચાડી દઇશું પણ અત્યારે ઝડપ કર આપણે મોડુ નથી કરવું. આપણે તુરત જ તેના ઘરે જવું પડશે. આજના પેપરમાં મે વાંચ્યું હતું કે શહેરમાં એક માતાએ ભૂખથી પરેશાન થઈ તેના બે નાના નાના બાળકો સાથે ગાળા ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મારે આ બાઈને તે રસ્તે નથી જવા દેવી. બી ક્વીક. હું ગાડી કાઢું છું. સાથે આ રાંધેલી રસોઈ પણ લઈ લે જે. “

નિકુંજ અને મોહિની જ્યારે સકિનાની ઝૂંપડી પાસે પહોંચ્યા ત્યારે ઝૂંપડીમાં સન્નાટો હતો. નિકુંજે ઝૂંપડીની બહાર છુટી ઈંટો ગોઠવી બનાવેલા ચૂલા પર ટોર્ચનું અજવાળું ફેંકયું. ઘણા દિવસથી તેમાં આગ સળગી હોય તેવું લાગતું ન હતું. નિકુંજે ઝડપથી ઝૂંપડીનો દરવાજો ખખડાવ્યો. કોઈ સંચાર ન થતાં તેણે હળવો ધક્કો મારી ઝૂંપડીનો દરવાજો ખોલી નાખ્યો. ઓરડીનો નજારો જોઈ નિકુંજ અને મોહિની દ્રવી ઉઠ્યા. બે નાના બાળકો નિકર પહેરી રડતાં રડતાં જમીન પર ધૂળમાં સૂઈ ગયા હતા. તેમના ચહેરા પર રડવાથી સુકાએલા આંસુના લીસોટા જોઈ શકાતા હતા. મોટી દીકરી હીબકાં ભરી રહી હતી. સકિનાના હાથમાં એક મજબૂત કાથીનું દોરડું હતું. તેનો ચહેરો ભાવહીન હતો. કાથીના દોરડામાં ચાર ફાંસા બનેલા દેખાતા હતા. તેની નજર ઝૂંપડીની મોભ તરફ હતી. કદાચ તે તેની દીકરીના ઊંઘી જવાનો ઇંતેજાર કરી રહી હતી. 

નિકુંજે દોડીને સકિનાના હાથમાંથી દોરડું ઝૂંટવી લીધું. સકિનાએ ઠૂંઠવો મૂક્યો. માતાનો રડવાનો અવાજ સાંભળી બધા બાળકો જાગી ગયા અને મોટેથી રડવા લાગ્યા. મોહીનીએ સાથે લાવેલું તૈયાર ભોજન રડતાં બાળકો સમક્ષ પીરસી દીધું. બાળકો રડવાનું બંધ કરી બંને હાથની મૂઠીઓ ભરીને આરોગવાનુ શરૂ કરી દીધું. તેમના પેટમાં કદાચ ઘણા દિવસો પછી અનાજનો દાણો જતો હતો !. મોહીનીએ થોડીક વાનગીઓ સકિના સમક્ષ મૂકી. સાકીનાએ કોળિયો ભર્યો પરંતુ ગાળામાંથી ઊભરી આવેલા ડૂસકાના કારણે તે કોળિયો ગાળાની નીચે ઉતારી ન શકી. 

મોહિનીને લાગ્યું જો નિકુંજે ત્વરા ન દેખાડી હોત તો સાચેજ આજે મોડું થઈ જાત !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational