તમને થયો ?
તમને થયો ?
એ આમ તો કોઈ સરિતા જેવી હતી, ક્યારેક સૌમ્ય તો ક્યારેક ચંચળ. સ્વભાવે આમ તો બોલકી અને મળતાવડી પણ મારી સાથે એ ઓછું બોલતી કેમકે એ મને સાંભળવાનું વધારે પસંદ કરતી. કોઈ સરિતા જાણે દોડતી દોડતી ને ઉછળકુદ કરતી સાગરના હૃદયમાં સમાય જાય એમ એ પણ જ્યારે મારાથી દૂર હોય ત્યારે એનું વ્યક્તિત્વ ચંચળ અને મશ્કરીખોર જેવું હતું, પણ જ્યારે એ મારી સાથે હોય ત્યારે જાણે એનું સંપૂર્ણ અસ્તિત્વ મટી જતું હતું, જાણે એ પૂરેપૂરી મારામાં સમાય જતી હતી, લાગતું જાણે મારામાં પણ 'હું' જ છું અને એનામાં પણ 'હું' જ છું. એ જાણે મારુ અભિન્ન અંગ બની ગઈ હતી, હું એના વગર સાવ પાંગળું અનુભવતો અને એ હોય ત્યારે જાણે હું ક્ષણે ક્ષણ માં જીવતો. આમ તો હું મિતભાષી પણ જ્યારે અને જેટલું પણ બોલું એ સંપૂર્ણ ઝીલી લેવા જ એ ખૂબ ઓછું બોલતી. એની હરએક અદામાં પ્રેમ હતો, એની હરએક હરકત માં સમર્પણ હતું. એની અમુક ટેવો જે એને મારા માટે એકદમ લાયક બનાવતી એ આજે પણ મને યાદ છે જેમકે ક્યાંય બેઠા હોય તો અકારણ જ મારો હાથ પકડીને બેસવું, જ્યારે પણ મળીયે ત્યારે કોઈ વૃક્ષને ફરતે વેલ વીંટળાઈ જાય તેમ મને વીંટળાઈ પડવું, ક્યારેક અચાનક અને અમથા જ મારા હાથ ફરતે પોતાના બંને હાથ વીંટાળી મારા ખભા પર ઢળી પડવું. મને દાઢી મૂંછ રાખવાનો શોખ હોવાથી ઘણીવાર કંઈ ખાતી વખતે દાઢી કે મૂંછ પર ચોંટી જાય ને બીજા કોઈ જોઈ ન જાય અને મારે ક્ષોભ માં ન મુકાવવું પડે એ માટે એ પોતાના પર્સમાંથી રૂમાલ કાઢી મારુ મોઢું સાફ કરી આપતી. મારાથી વધુ મને સમજવાવાળી માત્ર બે જ વ્યક્તિ હતી એક મારી માં અને બીજી એ. મને છીંક આવવાની હોય ને હું હજી ખિસ્સામાંથી રૂમાલ કાઢું એ પહેલાં એ મારી સામે પોતાનો રૂમાલ ધરી દેતી, એટલી હદે એ મને ઓળખતી હતી. અને હા એ પોતાના પર્સ માં 2 રૂમાલ રાખતી એક પોતાનો રૂમાલ જે અમારા બંને માટે વપરાતો અને બીજો એક એ કે જેના પર મેં એને પહેલો પ્રેમપત્ર લખી આપેલો, કંઇક અલગ કરવાના ચક્કરમાં મેં એને પહેલો પ્રેમપત્ર કાગળ પર નહિ રૂમાલ પર લખી આપેલો અને ત્યારથી જ એ રૂમાલ હંમેશા પોતાની સાથે લઈને જ ફરતી, પાગલ હતી સાવ. માનો મારી જિંદગી ડૂચો વળેલા કાગળ જેવું હતી અને એ.. એ એટલે એ ડૂચા વળેલા કાગળ પર લખાયેલી મસ્ત એક કવિતા. એ મારી સાથે હોવાથી મને કંઈ ખાસ ના લાગતું, પણ જો એ ના હોત તો હું કંઈ જ ન હોત એ વાતની મને ખબર હતી. સમજો ને કે કોઈ નોર્મલ માણસને પોતાના નોર્મલ હોવામાં કંઈ ખાસ નથી લાગતું હોતું પણ કોઈ ઉણપ વાળા વ્યક્તિને બધા નોર્મલ લોકો ખાસ લાગે છે બસ એવું જ કંઈ હતું. એના અલગ અલગ કિરદારથી હું વારંવાર મોહી જતો હતો, ક્યારેક માં ની જેમ સારસંભાળ કરે ક્યારેક કોઈ મિત્રની જેમ ટેકો આપે ક્યારેક પ્રેમિકાની જેમ પજવણી કરે ને ક્યારેક તો સાવ નાનું બાળક બની જાય. પરિસ્થિતિ માં ઢળી જવાની એની આવડત કંઈ અલગ જ હતી, જેમ પાણી કોઈપણ પાત્રનો આકાર લઈ લે એમ એ પણ કોઈ પણ સંજોગોને અનુરૂપ થઈ જતી હતી. ક્યારેક હું જો એને ખીજાય જાવ તો મોટી મોટી આંખોમાં મોતી સમા આંસુઓ ચળકવા લાગતા ને પછી મને ભેટી ને મારી છાતી પર માથું ઢાળીને મન ના ભરાય ત્યાં સુધી આંસુઓ સાર્યા કરતી ને હું પણ એનું મન ના ભરાય ત્યાં સુધી મારાથી અળગી ના કરતો. આટલું સગપણ, આટલું સમર્પણ અને આટલી અદ્વિતીય છોકરી સાથે કોને પ્રેમ ના થાય ?...... પણ મને ના થયો..
તમને થયો ?