અમથી વાત
અમથી વાત


રાતના 2 વાગ્યા હશે, પાર્થ ઘસઘસાટ ઊંઘમાં ઊંઘી રહ્યો હતો. સપનાઓમાં શું જોતો હશે ખબર નહિ પણ ચહેરા પણ હળવી એવી મુસ્કાન હતી. સપનામાં મલકાતાં મલકાતાં ઓશિકા ને વળગીને આમતેમ પડખા ફરતો હતો ને એનો ફોન રણક્યો. ચાઈનીઝ લોકોની જેટલી જ આંખો ઉઘાડીને જોયું તો માલતીનો ફોન હતો.
"હેલો !" ભરપૂર ઊંઘ ભરેલા અવાજે પરાણે પરાણે પાર્થ બોલ્યો.
"હેલો પાર્થ, સાંભળો ને !" માલતી એ પોતાની જ અદામાં પાર્થ સાથે વાત ચાલુ કરી.
"હા જી, ફરમાવોને" પાર્થે પણ ખૂબ મીઠો જવાબ આપ્યો.
"તમારે મારી સાથે સાવ આવું કરવાનું છે ?" માલતી એ પાર્થને મીઠો ઠપકો આપ્યો.
"કેવું કરવાનું ?" પાર્થને જરા પણ ખબર ન'તી કે વાત શેની થઈ રહી છે.
"મને સપનામાં આવીને પજવો છો શું કામ ! ઊંઘવા પણ નહિ દેતા." માલતીનું આટલું મોડે સુધી જાગવાનું કારણ હવે છેક પાર્થને સમજાયું.
"હું મારી માલુ ને નહિ પજવું તો બીજા કોને પજવીશ !" કાલીઘેલી ભાષામાં બોલતો પાર્થ ઊંઘમાંથી બેઠો થયો.
"મારુ વાયડુ પાર્થુ" કહીને જાણે માલતી ફોન
માંથી જ પાર્થને વળગી પડી.
"ચલ તો હવે મને ભેટી ને જ સૂઈ જા એટલે સપનામાં પજવવા નહિ આવું." પાર્થ કોઈ નાના છોકરાને સમજાવતો હોય એવી રીતે માલતી ને કહ્યું.
"ના, મને પજવીને, એટલે હવે તમારે ય નથી સૂવાનું ને હું પણ નહીં સૂવ." માલતી એ સજાનું ફરમાન કરી દીધું.
"આજકાલ તું બહું વાયડી થઈ ગઈ છે." પાર્થે પ્રેમભરી નારાજગી વ્યક્ત કરી.
"હા હો ખબર છે લ્યો." મોઢું વાંકુ કરીને માલતી બોલી.
"મમ્મી-પપ્પા સૂઈ ગયા છે ?" પાર્થે પૂછ્યું
"હા એ લોકો તો ક્યારના સૂઈ ગયા છે અને મારે પણ સૂવું છે પણ તમે જુઓ ને ક્યાં સૂવા દો છો " જાણે પાર્થે માલતી ને ખરેખર જગાડી રાખી હોય એવી રીતે માલતી બોલી.
"ઓ મેડમ, મેં કશું નથી કર્યું હો. તમે અમારી ઊંઘ બગાડી છે, અમે તો અહીં એય ને મસ્ત ઊંઘતા હતા." પાર્થ ઊંઘમાંથી પૂરી રીતે ઉઠીને વાત કરવા લાગ્યો.
"ના તમે જ મારી ઊંઘ બગાડી..."
ક્યારેક ભરપૂર ઊંઘ આવતી હોય તો પણ સૂવાની ઈચ્છા નથી થતી હોતી ને આખી રાત થઈ જાય છે આવી જ અમથી વાતો.