પ્રેમ એટલે ?
પ્રેમ એટલે ?


રાધિકા : શ્યામ, તને એક વાત પૂછું ?
શ્યામ : હા, પૂછને !
રાધિકા : પ્રેમ એટલે શું ?
શ્યામ : પ્રેમ એટલે પ્રેમ... પ્રેમ એ એક અનુભૂતિ છે, જે મારા માટે કંઈક અલગ હોય શકે ને તારા માટે કંઈક અલગ હોય શકે. કોઈ એવું માને કે પ્રેમ એટલે સમર્પણ ને વળી કોઈ એવું માને કે પ્રેમ એટલે કોઈનું અનહદ ગમવું. કોઈ એવું પણ માનતું હોય કે પ્રેમ એટલે એકબીજાને સાથ આપવો, ને કોઈ એવું માને કે એકબીજાને સમય આપવો. આમાંથી કોઈ પણ વ્યક્તિ પ્રેમ વિશે ખોટું છે એમ ન કહી શકાય, પ્રેમ એ કોઈ વૈજ્ઞાનિક સિદ્ધાંત નથી કે બધા માટે સરખો હોય. પ્રેમનું આ વૈવિધ્ય જ તેને મહાન બનાવે છે.
રાધિકા : તો તારા મતે પ્રેમ એટલે ?
શ્યામ : મારા મંતવ્ય મુજબ પ્રેમ એટલે જે કંઈ પણ આપણને કરવું ગમે, જે પ્રવૃત્તિમાં કોઈ પણ જાતનું જોર ના લાગવું પડે ને બધું આપમેળે જ થવા લાગે એ પ્રેમ. જેમ કે પહેલા વરસાદની ભીની માટીની સુગંધને શ્વાસમાં ભરી લેવાની ઈચ્છા છે પ્રેમ, એકાંતમાં બેસીને કોઈની યાદો વાગોળવું છે પ્રેમ, કોઈ ગમતી વ્યક્તિ સાથે કલાકોનો સમય પળવારમાં પસાર થઈ જાય એ છે પ્રેમ, તારા માટે મારું વાંસળી વગાડવું છે પ્રેમ, તારું મારી ૧૩-૧૩ વર્ષ રાહ જોવું છે પ્રેમ...
રાધિકા : અને તારો માખણ સાથેનો લગાવ પણ છે પ્રેમ...
અને બંને ખડખડાટ હસી પડ્યા.