થોભો.. ગોળી છોડતા નહિ
થોભો.. ગોળી છોડતા નહિ
જ્યારે સમ્રાટ નેપોલિયન રશિયા સામે યુધ્ધમાં પીછેહઠ કરી રહ્યો હતો ત્યારે તે એક યહૂદી ગામમાંથી પસાર થયો. નાસી છૂટવાના બધા રસ્તાઓ બંધ જોઈને તે એક યહૂદી દરજીના ઘરમાં ઘુસી ગયો અને ધ્રૂજતા અવાજે કહ્યું " મને જલદી સંતાડી દે, રશિયનો મને જોશે તો મારી નાખશે" જોકે દરજીને ખબર નહોતી કે આ વ્યક્તિ કોણ છે પણ એક અજાણ્યા માનવી માટે તેના દિલમાં દયા જાગી. તેણે સમ્રાટ ને કહ્યું "પેલા પીંછાની પથારીની અંદર ઘુસી જાઓ અને સ્થિર થઈને પડ્યા રહો" નેપોલિયને દરજીના કહેવા મુજબ કર્યું. દર્દીએ નેપોલિયન પર એક ઉપર એક એમ ઘણી બધી પથારીઓનો ઢગલો કરી દીધો. થોડીવારમાં બે રશિયન સૈનિકો હાથમાં ભાલા સાથે દરવાજામાંથી અંદર ઘુસી આવ્યા."અહીં કોઈ છૂપાયું છે ?" તેમણે પૂછ્યું."કોણ મુર્ખ છે કે મારા ઘરમાં છૂપાય" દરજીએ જવાબ આપ્યો.સૈનિકોએ ઘરનો ખૂણેખૂણો તપાસી જોયો પરંતુ કોઈ મળ્યું નહિ. જતાં જતાં ખાતરી કરવા તેમણે પેલા પીંછાની પથારીના ઢગલા પર ભાલા ઘુસાડી ઘુસાડીને પણ તપાસ કરી જોઈ.છેવટે તેઓ ગયા અને દરવાજો બંધ થયો પછી પરસેવાથી રેબઝેબ અને કાંપતો નેપોલિયન પથારીમાંથી બહાર નીકળ્યો. તેના ચહેરા પર મોતનો ઓછાયો હતો.
દરજી તરફ ફરી ને તેણે કહ્યું "મારા ઉમદા મિત્ર, હું તમને જણાવવા ઈચ્છું છું કે હું સમ્રાટ નેપોલિયન છું. તમે મને મોતના મુખમાંથી બચાવ્યો છે એટલે તમે મારી પાસે ત્રણ વરદાન માંગી શકો છો. તમે જે માંગશો તે હું આપીશ."દરજીએ થોડું વિચાર્યું અને પછી કહ્યું." નામદાર, મારા ઘરની છતમાંથી છેલ્લા બે વર્ષથી ચૂવાક થઇ રહી છે પરંતુ મારી પાસે તે ઠીક કરાવવાના પૈસા નથી. તમે દયા કરીને તે ઠીક કરાવી આપશો ?""મૂર્ખ !" નેપોલિયને અધીરાઈ સાથે આશ્ચર્યથી કહ્યું " એક સમ્રાટ પાસેથી તું આટલું જ વરદાન માંગે છે.! પણ કાંઈ વાંધો નહિ, હું તારું છાપરું ઠીક કરાવી આપીશ. હવે તું તારું બીજું વરદાન માંગ,પણ જોજે આ વખતે તે કાંઈ કિંમતી હોય.!"દરજીએ માથું ખંજવાળ્યુ, તે ખરેખર મૂંઝવણમાં મુકાઈ ગયો હતો કે શું માંગી શકાય. અચાનક તેનો ચહેરો ચમકી ઉઠ્યો." કેટલાક મહિના પહેલા,નામદાર," તેણે શરુ કર્યું, " આ શેરીમાં બીજા એક દરજીએ દુકાન ખોલી છે અને મારો ધંધો ચોપટ થઈ રહ્યો છે. તેને કોઈ બીજી જગ્યાએ સ્થળાંતર કરવાનું કહેવા માટે આપને કોઈ તકલીફ તો નહીં પડે ને ?" નેપોલિયનના અણગમાથી બોલ્યો " કમઅક્કલ, હું તારા હરીફને શેતાન પાસે મોકલી દઈશ ! હવે તારે પ્રયત્ન કરીને ખરેખર અગત્યનું છે તે વિચારવું પડશે. પણ યાદ રાખજે,આ છેલ્લું વરદાન હશે."દરજી ભવાં સંકોરીને ખૂબ વિચાર્યું. "ક્ષમા કરજો નામદાર" એકાએક ઝીણી આંખ કરીને થોડી ટીખળી અવાજમાં તેણે પૂછ્યું ,"મને એ જાણવાની ખૂબ ઈચ્છા છે કે પેલા રશિયન સૈનિકો જ્યારે પથારીમાં ભાલા ભોંકી રહ્યા હતા ત્યારે આપને કેવો અનુભવ થયો ?" "મહામૂર્ખ" નેપોલિયન ગુસ્સાથી રાતોપીળો થઈ ગયો. " એક સમ્રાટને આવો પ્રશ્ન પૂછવાની તારી હિંમત કેમ થઈ ? તારી આ ધૃષ્ટતા બદલ આવતીકાલે સવારે હું તને ગોળીથી ઉડાવી દઈશ "તરત જ તેણે ત્રણ ફ્રેન્ચ સૈનિકોને બોલાવ્યા. સૈનિકોએ દરજીને હાથકડી પહેરાવીને કારાગૃહમાં પૂરી દીધો. તે રાત્રે દરજી સૂઈ ન શક્યો. આખી રાત તે ધ્રુજતો ધ્રુજતો રડતો રહ્યો અને ભગવાનને પ્રાર્થના કરતો રહ્યો. વહેલી પરોઢે તેને કોટડીમાંથી બહાર કાઢવામાં આવ્યો અને એક ઝાડ સાથે બાંધવામાં આવ્યો. સામે હથિયારબંધ સૈનિકોની ટૂકડી બંદૂકો તાકીને તૈનાત થઈ ગઈ અને તેની બાજુમાં એક ઓફિસર હાથમાં ઘડિયાળ લઈને ફાયરિંગનો ઓર્ડર દેવા તૈયાર થઈ ગયો.ઓફિસરે હાથ ઉઠાવ્યો અને ગણવાનું શરુ કર્યું : "એક - બે - ત્રણ --"અચાનક જ સમ્રાટનો એડીસી મારતે ઘોડે આવ્યો.."થોભો.. ગોળી છોડતા નહિ.." તેણે બૂમ પાડીને કહ્યું. પછી તે દરજી પાસે ગયો અને કહ્યું." હીઝ મેજેસ્ટી સમ્રાટે તમને ઉદારતાથી ક્ષમા આપી છે. તેમણે તમને આ ચીઠ્ઠી આપવાનું પણ કહ્યું છે."દરજીએ નિરાંતનો શ્વાસ લીધો અને ચીઠ્ઠી વાંચવાનું શરુ કર્યું." તારે તે જાણવું હતું ને," નેપોલિયને લખ્યું હતું "તારા ઘરમાં પીંછાની પથારી નીચે મને કેવું લાગ્યું હતું ? હવે તને બરાબર ખબર છે !"
