Hina dasa

Drama Inspirational

4.6  

Hina dasa

Drama Inspirational

સ્વયંવર એક નવી પહેલ

સ્વયંવર એક નવી પહેલ

7 mins
549


ઘરરર કરતી ગાડી આવીને ઊભી રહી. અરુણાબેનનો હાથ પકડી પુત્ર વરુણ અને પુત્રવધુ મિહિકા નીચે ઉતર્યા. અરુણાબેને સામે નજર કરી તો "આશરો" એવું વંચાયું. અરુણાબેનને જોઈને જ તમર ચડી ગઈ. એમના પગ લથડીયા ખાવા લાગ્યા. 

જે દીકરાને આટલા દુઃખ સહન કરી મોટો કર્યો, એ આજે અહીં વૃદ્ધાશ્રમમાં મૂકવા આવ્યો ? હજી તો પાંચેક દિવસ પહેલા જ જ્યારે અરુણાબેનના સહેલી અલકાબેન મળવા આવ્યા ત્યારે કહેતા હતા કે,

"અરુણા ! તું બહુ નસીબદાર છે તારો દીકરો તને કેટલો સાચવે છે. આ જો મારો મિહિર પત્નીને લઈ અલગ રહેવા જતો રહ્યો. હું હવે એકલી રહું છું ઘરમાં. જેના માટે આખી જિંદગી ખર્ચી એ દીકરો જ એકલા મૂકીને જતો રહ્યો. જમવાનું બે ટાઈમ પહોંચાડી જાય ને એને થાય એણે એની ફરજ પૂરી કરી. હવે તો બસ ભગવાન પોતાની પાસે બોલાવી લે તો સારું. ઈશ્વર તારા વરુણ જેવો દીકરો બધાને આપે...."

અરુણાબેનની છાતી આ સાંભળી ગજ ગજ ફૂલી હતી. એમને પણ થયું કે વરુણ ને મિહિકા પોતાનો કેટલો ખ્યાલ રાખે છે. ક્યારેય ઉણપ નથી આવવા દેતા કોઈ વસ્તુની... હા, પણ એક ઉણપ તો એ લોકો પણ નથી ભરી શકવાના જીવનમાં..... અરુણાબેને એક નિસાસો નાખ્યો... કિરીટભાઈને સ્વર્ગસ્થ થયે લગભગ ચારેક વર્ષ થઈ ગયા. એમનો ખાલીપો જીવનમાં અરુણાબેન કાયમી અનુભવતા... 

અરુણાબેન નીચે પડતા પડતા રહી ગયા. વરુણે મજબૂતીથી માનો હાથ પકડી રાખ્યો. અરુણાબેનની આંખોમાં ઝળહળીયા આવી ગયા. એ મનમાં જ બોલ્યા,

"દીકરા, મા આટલી જ નડે છે તો સહારો શા માટે આપે છે, ઝેર જ આપી દીધું હોત તો. અલકા સાચું જ કહેતી હતી, ઘોર કલિયુગ આવી ગયો છે, કઈ વ્યક્તિ કેવી નીકળે એ કોઈનેય ખબર નથી પડતી. શ્રવણ જેવો દીકરો આજે શેતાન થઈ ઊભો છે, મને એક વખત કહી તો દીધું હોત હું ખૂણામાં પડી રહેત. અહીં મૂકવા આવવાની શી જરૂર હતી. એ પણ કહ્યા વગર જ. ટીવીમાં જ્યારે આવા કિસ્સા જોતી કે દીકરો મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી જતો રહ્યો ત્યારે બહુ દુઃખ થતું. આજે તો હું જ એ કમનસીબ કિસ્સો બની ગઈ. વહુએ પણ ક્યારેય જાણ પણ ન થવા દીધી કે હું એને આટલી ખટકું છું. હું ક્યાં કોઈને ભારે પડું એમ હતી. વરુણના પપ્પા ઘણું મૂકી ગયા છે મારે નામે. હે ભગવાન ! એવા તે ક્યાં કર્મોની સજા તું મને આપી રહ્યો છે, આના કરતાં તો તે વરુણના પપ્પાની સાથે મને પણ લઈ લીધી હોત તો.... મેં કાલે જ દીકરા ને વહુની વાત સાંભળી હતી, તું કહેતો હતો ત્યારે જ કે મમ્મી હમણાથી કઈક અલગ જ લાગે છે, એમનો સ્વભાવ કઈક બદલાયો હોય એવું લાગે છે, આપણે કાલે જ એમને 'આશરો' વૃદ્ધઆશ્રમમાં લઈ જઈશું, મિહિકા મને તારી વાત હવે સાચી લાગે છે.... હવે મા નો સ્વભાવ અલગ પણ લાગવા માંડ્યો, જેણે ઉછેરીને મોટા કર્યા એ જ હવે નથી ગમતા..."

વરુણ, મિહિકા ને અરુણાબેન વૃદ્ધાશ્રમની અંદર ગયા, સંચાલકશ્રી સામેથી જ આવકાર આપવા આવ્યા. વરુણ દર વર્ષે કિરીટભાઈની વરસી પર અહીં આવતો ને યથાશક્તિ દાન પણ આપતો. વળી પોતાનો જન્મદિવસ પણ અહીં જ ઉજવતો. લગભગ મોટાભાગના વૃદ્ધો વરુણને ખૂબ સારી રીતે ઓળખતા હતા. અરુણાબેન પણ એકાદ વખત અહીં આવ્યા હતા વરુણની સાથે. પણ આ વખતે તો કંઈક અલગ જ સંજોગ હતો. આ વખતે તો એ પણ બિચારા બની ગયા હતા. વરુણ બોલ્યો,

"મિહિકા તું ને મમ્મી અહીં બેસો હું આવું જરા મેનેજર સર સાથે વાત કરીને..."

મિહિકા ને અરુણાબેન એક બાંકડા પર બેઠા. અરુણાબેનને ઘણું કહેવું હતું, ઘણું ખીજાવું હતું પણ હવે શબ્દો જ નહતા નીકળતા, એમનાથી અમસ્તા જ રડી પડાય એમ હતું. હિંમત એકઠી કરી એ મિહિકા સાથે વાત કરવા જતાં હતાં ત્યાં જ વરુણ સામેથી આવતો દેખાયો. એ અરુણાબેન પાસે આવીને બેઠો. ઘડીભર મૌન છવાઈ ગયું. વરુણ માનો હાથ પોતાના હાથમાં લઈ બોલ્યો...

"મમ્મી ! તને યાદ છે પપ્પા હતા ત્યારે આપણે કેટલા ખુશ રહેતા, તારો લાંબો ચોટલો ને મોટો ચાંદલો કેટલી સરસ લાગતી તું. મને તો પેલાની જ મમ્મી જ ગમે છે, હવે તો તારો સ્વભાવ પણ સાવ જ બદલાઈ ગયો છો, તું મારી પહેલાની મમ્મી જેવી મમ્મી રહી જ નથી. મને કઈ વાત જ કરતી નથી, સાવ સુનમુન બસ કઈક વિચાર્યા જ કરે છે, નથી કશું બોલતી કે નથી કઈ કહેતી. મારે આવી મમ્મી નથી જોઈતી.."

વરુણ બોલતો બોલતો રડવા લાગ્યો. હવે મિહિકા બોલી,

"મમ્મી ! તમે મારી સાથે તો કશું નથી બોલતા, નથી મને કંઈ સૂચન કરતા કે નથી કઈ સલાહ આપતા. મારી બધી સહેલીઓની સાસુ બધીને કેટલું કહે, તમે તો કઈ બોલતા જ નથી, બસ એટલે જ મેં ને વરુણે નક્કી કર્યું છે તમારી એકલતા ભાંગવાનું...."

અરુણાબેન હજુ કઈ સમજતા જ ન હતા. એમની આંખોમાં આંસુ સાથે મૂંઝવણ પણ હતી. એ વરુણ સામે પ્રશ્નસુચક નજરે જોઈ રહ્યા. વરુણ ફરી બોલ્યો,

"મમ્મી ! હું અહી તારો સ્વંયવર કરાવવા આવ્યો છું, અહીં કેટલાય એવા વૃદ્ધો છે જેમની ઈચ્છા ફક્ત થોડી ઘરની હૂંફ મળે એવી જ છે, હું ઈચ્છું છું કે તું તારા માટે એક હમઉમ્ર મિત્ર નક્કી કર કે જેની સાથે તું તારા દિલની વાતો કરી શકે. મમ્મી તને લાગશે કે હવે આ ઉંમરે આવું કરાય, પણ મમ્મી ઉંમર ગમે તે હોય મન હળવું કરી શકે એવો સાથી તો દરેકને દરેક ઉંમરે જોઈતો હોય. અમે અમારી દુનિયામાં વ્યસ્ત છીએ, તારા માટે સમય નથી પણ હોતો. તને સાંભળવા, તને સંભાળવા મને લાગે છે કોઈક તો હોવું જ જોઈએ. ને માટે જ હું તને અહીં લાવ્યો છું, દુનિયા શું કહેશે ? એ વિચાર છોડી દે મમ્મી ! જ્યારે તે એકલા હાથે પપ્પાના ગયા પછી બાળકોને મોટા કર્યા ત્યારે દુનિયા નહતી આવી તારો સાથ આપવા. હવે તારે નક્કી કરવાનું છે કે તારે કોને લઈ જવા છે આપણી સાથે, તું જ નક્કી કર. તું જેને પણ કહીશ એ વ્યક્તિ આપણા ઘરના સભ્ય બની જશે, અમે એને સહર્ષ સ્વીકારીશું..." 

અરુણાબેન તો જાણે થાંભલો થઈ ગયા. આંખમાંથી આંસુઓ જ વહેતા હતા. એમને ખબર નહતી પડતી કે દીકરાની વાત પર ખુશ થાય કે દુઃખી થાય...એ બોલ્યા,

"વરુણ ! હવે હું કેટલુંક જીવીશ દીકરા. મારે કોઈનીય જરૂર નથી. તું ને મિહિકા છો જ પછી શું જરૂર છે મારે, તમે બસ એક બાળક આપી દો મને એટલે એનું મોઢું જોઈ લઉં એટલે બસ ! બીજી કઈ તમન્ના નથી હવે જીવનમાં. હવે કઈ આવું બધું શોભે મને....."

અરુણાબેન વરુણની આંખોમાં જોઈ બોલ્યા. વરુણની આંખોમાં આંસુની ઝાંખપ હતી. એ અરુણાબેનને ગમે એમ કરી સમજાવવા માંગતો હતો. 

"મા ! એમ બસ જીવવા ખાતર જ જીવન જીવવું એવું કોણે કહ્યું. કોઈ એક વ્યક્તિના જવાથી જીવન ખતમ નથી થઈ જતું. જિંદગીનું થોડું કઈ નક્કી છે કે કેટલા વર્ષ જીવીશું. મૃત્યુની રાહ જોઈ કઈ જીવન જીવાતું હશે. અહીં જો કેટલા એવા લોકો છે જે બસ કોઈકનો સાથ ઝંખે છે, ને તારે પણ આ ઉંમરે એ જ જોઈએ છે ને ! મને જે યોગ્ય લાગ્યું એ મેં કર્યું, હવે તારી મરજી તારે જે કરવું હોય એ. પણ એક વાત સમજી લેજે તું દુઃખી, એકલી ને નિરાશ રહીશ તો ઘરમાં કોઈ ખુશ નહીં રહે..."

અરુણાબેન બોલ્યા, "વરુણ ! મારે અત્યારે ઘરે જવું છે બસ,બીજું કંઈ નથી કહેવું. ચાલ હવે ઘરે જઈએ..." 

વરુણ, અરુણાબેન અને મિહિકા ઉદાસ ચહેરે ઘરે જવા નીકળ્યા..

વરુણની આ પહેલ પછી ઘરનું વાતાવરણ થોડું ઉદાસ થઈ ગયું હતું. અરુણાબેન વરુણને ધરાર ખુશ કરવા પ્રયત્ન કરતા પણ વરુણ માનું માન રાખવા પૂરતું હસતો વળી પાછો એમ જ થોડો ઉદાસ થઈ જતો. અરુણાબેનને આ વાત બહુ ખૂંચતી હતી. એક દિવસ ડાઇનિંગ ટેબલ પર સાથે જમવા બેઠા ત્યારે અરુણાબેને વાત છેડી,

"મિહિકા ! હમણાં તારે બહુ મોડું થઈ જાય છે નહીં ઘરે આવવામાં ! હું તો આખો દિવસ કંટાળી જાઉં છું ઘરે. તું એક દિવસ પેલા યોગા ક્લાસનું કહેતી હતી તેમાં મને જોઈન કરાવી દઈશ. મારુ પણ મન હળવું થાય..." 

માની વાત સાંભળી વરુણ ખુશ થયો. એ બોલ્યો,

"મમ્મી ! હું પણ એ જ કહું છું તું તારા માટે પણ વિચાર, કોઈ તમને સુખી કે દુઃખી ન કરી શકે જ્યાં સુધી તમે પોતે જ તમને સુખી કે દુઃખી કરવા ન ધારો. મને ખુબ ગમ્યું તું તારા માટે વિચારતી થઈ એ."

અરુણાબેન બોલ્યા,

"શું કરવું દીકરા તારી ખુશીમાં જ મારી ખુશી છે, જો તું મારા આ નિર્ણયથી ખુશ થતો હોય તો હવે હું એ કરીશ, મારા ખુદ માટે જીવતા શીખીશ..."

અરુણાબેન ધીમે ધીમે ખુલતા ગયા, યોગા ક્લાસમાં ઘણા મિત્રો ને સખીઓ મળ્યા, એકબીજાના ઘરે આવવા જવાના વ્યવહાર ચાલુ થયા. એક દિવસ વરુણ મમ્મી પાસે આવી બોલ્યો,

"મમ્મી ! તને ઓલા શર્મા અંકલ કેવા લાગે છે ? "

અરુણાબેન કહે, "કેમ ?"

વરુણ બોલ્યો, " ના કઈ ખાસ નહીં, મને એમ થાય કંઈક વિચિત્ર માણસ છે, મૂડી ટાઈપના, એ એકલા જ રહે છે ને ! એટલે જ એકલા રહેતા હશે આમ ખાસ કોઈ સાથે હળતા ભળતા નથી તો ?"

અરુણાબેન બોલ્યા, " ના વરુણ ! એ તો બહુ મજાના માણસ છે, તને ખબર યોગા ક્લાસમાં સૌથી વધુ એ જ બધાને હસાવતા હશે. એ ન હોય તો કોઈને નથી ગમતું, પણ બિચારા આટલા સારા માણસ છે પણ એકલા રહે છે, કોઈ નથી એમનું આ દુનિયામાં...."

હવે વરુણ મનમાં મલકતા બોલ્યો, "મમ્મી ! એમને આપણી ઘરે લઈ આવીએ તો ? શું કહે છે તું ? એમને ઘર મળી જશે ને તને એમની કંપની..." 

અરુણાબેન વરુણ સામે કઈ પણ બોલ્યા વગર જોતા જ રહી ગયા, ફરી વરુણ બોલ્યો,

"મમ્મી ! મને ખબર છે તું ને શર્મા અંકલ ખૂબ સારા મિત્રો બની ગયા છો, હું તો એમને ઘણી વખત મળવા એમના ઘરે પણ જઉં છું. બિચારા એકલા રહીને થાકી ગયા છે, એ પણ ઘરની હૂંફ મળે એવું ઈચ્છે છે, તું હા પાડે તો એ આપણી સાથે રહેવા આવી જાય, ને હા લીગલી મારા પપ્પા બનીને જ હો, મમ્મી મેં પપ્પાના ગયા પછી પહેલી વખત શર્મા અંકલ સાથે આટલી ખુશ જોઈ છે. ખુશ થવાનો તારો હક છે મમ્મી ! ને એટલે જ મેં શર્મા અંકલને પણ વાત કરી દીધી છે, હવે બસ તારી હા ની રાહ જોવાય છે, તું હા પાડી દે એટલે કાલે જ કોર્ટ મેરેજ કરી લેવાના ને એમને આપણી સાથે રહેવા લાવી દેવાના....."

અરુણાબેનની આંખો દીકરાની નવી પહેલ જોઈ છલકાઈ ગઈ, અરુણાબેને પણ મૂક સંમતિ આપી જ દીધી, જીવનના બીજા પડાવમાં એક મિત્રના સાથ માટે.


Rate this content
Log in

Similar gujarati story from Drama