સ્વપ્નની સફરે
સ્વપ્નની સફરે
સુજીતસેન નામે એક રાજા હતો. સુંદર મહેલમાં રહેતો હતો.
રાજાને દરરોજ સ્વપ્નમાં એક મહેલ દેખાય અને એની બારીમાં ઊભેલી એક રૂપ રૂપનાં અંબાર જેવી પરી દેખાય.
દરરોજ એકનું એક સ્વપ્ન આવતું એટલે થયું કે આમાં કોઈક રાઝ તો જરૂર છે પણ કોણ ઉકેલી શકે !
એક દિવસ એ વિચાર કરતો બગીચામાં ઊભો હતો ત્યાં એના ખભા ઉપર એક બાજ આવીને બેસી ગયું.
બાજે રાજાને પૂછ્યું,"તમે કાંઈક પરેશાન
છો ? રાજાએ સ્વપ્નની વાત કરી."
બાજે કહ્યું કે, એ પરી તમને ત્યાં બોલાવે અને મહેલમાં રહેવાનું આમંત્રણ આપે છે."
"હા,પણ ત્યાં પહોંચવું કઈ રીતે ? એનો મહેલ તો વાદળોની વચ્ચે છે."
"અરે ! એમાં શું મોટી વાત છે.હું તમને ત્યાં મૂકી આવીશ પણ એનાં બદલામાં મને તમારે આ મહેલ આપવો પડશે"બાજે શરત મૂકી.
રાજા કહે,"ઓહો !મારે તો પછી એની સાથે એના મહેલમાં જ રહેવાનું છે ને ! તને મહેલ આપી
દઈશ પણ મને જલદીથી ત્યાં પહોંચાડી દે."
એમ કહીને મહેલની ચાવીઓ બાજને આપી દીધી.
રાજા તો બીજા દિવસે બગીચામાં બાજની રાહ જોવા લાગ્યો.
બાજ ખુદ રાજા બનીને આવ્યો અને કહેવા લાગ્યો," એ મુર્ખ રાજા, હું એક નાનું પક્ષી,મારા ખભા પર તું કેવી રીતે બેસી શકે ? તારામાં બુદ્ધિ નથી હવે તેં મહેલ અને રાજપાઠ બધું ગુમાવ્યુ. સ્વપ્ન તો સ્વપ્ન હોય એને તો સવારે ઊઠીને ભૂલી જવામાં જ ભલાઈ છે."
