સુંદર પરી
સુંદર પરી
આંખો મળી. ને હું સુંદર ઉપવનમાં આવી પહોંચ્યો . જાત જાતના ખુશ્બુદાર ફૂલો, એની આસપાસ નાચતા રંગેબેરંગી પતંગિયા અને જાત જાતના છોડવાઓ મજાના પર્વતો, ઊંચા ઊંચા અને એ પર્વતોની વચ્ચેથી વાંકીચુકી નદી પસાર થાય. ખળખળ ગીત ગાતો ધોધ અને નીચે કલકલ વહેતુ ઝરણું. ઉપર આકાશમાં અનેક રાતા પીળા તારલાઓ જાણે ગરબે ઘુમતા હોય એવા નજરે પડે. એક નહિ પાંચ પાંચ ચાંદા પોતાની શીતળ ચાંદની ફેલાવતા. અને હવે મેં દ્રશ્ય જોયું એ તમને કહું તો તમારું દિલ પણ નાચવા લાગશે ! કહું છું ઉતાવળ છે ? લો કહી જ દઉં કારણે મારી પાસે પણ ધીરજ નથી. \
સામેના બગીચામાં રૂપ રૂપનો અંબાર, નેણ નમણી, ગાલ ગુલાબી, હોઠ મીઠા મધ જેવા કેડ પાતળી એને જોઈને કઈ કઈક થાય એવી સોળ વરસની પરી સામેના હિંડોળા પર ઝૂલતી હતી.
દૂર ઉભા ઉભા હું એને નિહાળતો હતો. અનેક અરમાનો દિલમાં જાગી ગયા એને જોઈને હું ભાન ભૂલવા મંડ્યો. હવે ધીરજતા મારી જોડે હતી નહિ બસ ક્યારેય એની નિકટ જાઉં અને મારા દિલની વાત એને કહી દઉં. ડગલાં ભરતો હું એની પાસે જવા લાગ્યો. બસ અંતર હવે થોડુંક બાકી રહ્યું હતું. ત્યાં તો એ હિંડોળો તૂટ્યો અને એ પરી નીચે પડતા પડતા રહી ગઈ છેક મારી ઉપર પડી અને હું નીચે, પરીને તો કઈ ન થયું પણ થોડીકવાર પછી એક આશ્ચર્ય જનક ઘટના બની ગઈ. જેવી એ પડી તેના હોઠ મારા હોઠને સ્પર્શી ગયા હતા. જેથી એ પરીમાંથી પતંગિયાનું રૂપ લઈ ફરરર કરતી ઉડી ગઈ. અને હું આ બધું એકાએક જોતો જ રહી ગયો. કશું પણ માનવામાં આવે એમ નહોતું. છતાં પણ મારી સામે બન્યું હોવાથી માનવું પડ્યું.
હવે આ સોળ વરસની સુંદરી પતંગિયું બની ગઈ હતી. એના મનમાં પણ અનેક કોડ હતા. પણ સાવ અચાનક એવું થયું જે ખૂબ જ પીડાજનક થયું. એ પીડા ફક્ત એનાથી વિશેષ કોણ જાણી શકે. હવે હું મૂંઝવણમાં આવી ગયો હતો. કારણ કે જે કાંઈ પણ થયું એ મારા કારણે થયું હતું. હું એ પતંગિયાની પાછળ પાછળ દોડ્યો પણ એ કાંઈ કર્યું હાથમાં આવ્યુ નહિ. ઘણી મહેનત પછી એ પતંગિયું મારા હાથમાં આવ્યું. પણ એ પતંગિયું બિચારું મૂંગુ. એની આંખો ચોધાર રડતી હતી. મને કઈ સૂઝતું નહોતું કે હવે આનું હું શું કરું ? આ એવી દુનિયા હતી કે આ જગ્યા પર બીજું કોઈ દૂર દૂર હતું નહીં. શુ કરું ? ક્યાં જાઉં એવી મૂંઝવણમાં હું હતો. પતંગિયાને હળવેથી મેં ખિસ્સામાં મૂક્યું પવન આવે એ રીતે. મેં વિચાર્યુ કે કઈક તો એનો રસ્તો હશે જ કે આ પતંગિયુ પાછું પરીના રૂપમાં આવી જાય. વિચારતા વિચારતા હું આગળ ચાલી જતો હતો મેં ખાસુ અંતર કાપ્યું પણ કોઈ દેખાયું નહિ. હું ચાલીને થાકી ગયો હતો એટલે આરામ કરવા એક ઝાડ નીચે સુઈ જવાનું વિચાર્યું. કલાક પછી જ્યારે હું જાગ્યો અને ખિસ્સામાં જોયું તો પેલું પતંગિયુ ગાયબ ! હવે તો હું વધારે મૂંઝવણમાં આવી ગયો. હવે હું એને ક્યાં ગોતું ? એ મને ક્યાં મળશે હવે ! બિચારું બાપડું ક્યાં ગયું હશે એ ? એને કોઈ મારી નાખશે તો અરેરે આવું ન થવુ જોઈએ એની સાથે, નહિ તો ભગવાન મને ક્યારેય માફ નહિ કરે .
થોડી વાર થઈ તો એક પતંગિયું તરફડયા મારતું એક છોડ નીચે આવી ને પડ્યું. મેં નજીક જઈને જોયું તો એ એજ પતંગિયું હતું. મારામાં જીવ આવ્યો પણ એ બિચારું જીવવા માટે તરફડયા મારતું હતું. એને જોઈ મારી આંખો ભરાઈ ગઈ. મેં મનોમન નક્કી કર્યું કે હવે મારી જિંદગીનો એક જ ધ્યેય બસ આ પતંગિયાને એને અસલી રૂપ ગમે તે કરીને પાછું લાવી આપવું. હું એની શોધમાં ત્યાંથી નીકળી પડ્યો. પણ દૂર દૂર ઉપવન જ હતું બસ બીજું કંઈ નજરે આવતું નહોતું. અહીં કોઈ વ્યક્તિ પણ હતી નહિ. મનોમન હું હવે ભગવાન ને પ્રાર્થના કરવા લાગ્યો.
ત્યાં તો આકાશવાણી થઈ કે સાંભળ બેટા ! જો તું એને ફરીથી પરીના રૂપમાં જોવા માંગતો હોય. તો હું કહું એ ધ્યાનથી સાંભળ. મેં હા પાડી કહ્યું કે હું કોઈ પણ ભોગે એનું જીવન પાછું આપવા માંગુ છું. આકાશવાણીમાંથી અવાજ આવ્યો કે આ પતંગિયાના હોઠ પર તું જો ચુંબન કરે તો આ ફરી પરીના સ્વરુપમાં આવે. એટલું સાંભળતાં જો હું ઉતાવળે દોડ્યો. અને મને રોકતા કહ્યું કે જો તું એને ચુંબન કરીશ બસ એજ ઘડીએ તું મૃત્યુ પામીશ. મને તો મારા મૃત્યુની જરાયે પરવા ન હતી પરવા હતી તો બસ એ ઝૂલતી સુંદર પરીની જે મને બહુ ગમી ગઈ હતી. અને મેં એના હોઠ પર મીઠું ચુંબન કર્યું. અને સવાર પડી ગઈ !

