સુમધુર સમય
સુમધુર સમય
આટલા દિવસ મેં મારા મનની જ વાત કરી..આ જે પણ એ જ કરવું છે પણ કોઇ અન્યની વાત સાંભળી આ વિષે લખવાની પ્રેરણા મળી તો આવો જાણીએ એ વાત.
વાત છે સોનાલીની ...અત્યારે લોકડાઉનમાં એના ઘરમાં તો આનંદ જ આનંદ છે. એ બંને પતિ-પત્ની, સાસુ-સસરા, દિયર-દેરાણીને બંને ભાઇના ચાર છોકરાં...ભર્યા ઘરમાં જાણે કોઇ પ્રસંગ જેવો માહોલ છે. પુરુષ વર્ગને બીઝનેસ...દેરાણીને જોબ ને બચ્ચાઓને સ્કૂલની- છુટ્ટી તે બધા એકબીજાના સાથને માણી રહ્યા છે.
જાતજાતના હેલ્ધી-ટેસ્ટી ફૂડની જ્યાફત માણતાં માણતાં ડાઈનીંગ ટેબલ પર જ જમાવટ થઈ જાય. જીવનમાં પહેલી વાર સતત સાથને સેલીબ્રેટ કરી રહ્યા છે.
આજનો દિવસ પણ હમણાંની રોજ જેવો જ ઉગ્યો હતો. બે કલાકની બ્રેકફાસ્ટ ટેબલ કોન્ફરન્સ પતાવી ત્યાં સાડા અગિયાર થઇ ગયાં. મોટા બધા ઘરની સફાઈ, ગાર્ડનીંગ જેવા કામ તો ઘરનાં સભ્યો વચ્ચે વહેંચી દીધા હોવાથી ફટાફટ પતી જતાં. મુખ્ય કામ રહેતું જે વસ્તુઓ મળે એમાંથી બધાંને મજા પડે એવી રસોઈ બનાવવાનું. સોનાલીની દેરાણી તો ફાયનાન્સ સેક્ટરમાં ખૂબ જ સારી નોકરી કરે એટલે ડોમેસ્ટિક કામ જેવાકે રસોઈ, ઘર વ્યવસ્થાને તુચ્છકારથી જ જૂએ..એ કહે આવા કામ કરવા પૈસા આપો કે હજાર માણસ મળી જાય. કોરોના જેવા સંકટની તો એને કલ્પના જ ક્યાંથી હોય..? આજની પરિસ્થિતિમાં તો કોઈ બાઇઓ કે મહારાજ તો ઘરમાં હતાં નહીં એટલે રસોઇ ને સર્વ વ્યવસ્થા સોનાલીને માથે જ છે. ટ્યૂશન ટીચરની ગેરહાજરીમાં પોતાના ને દેરાણીના એમ ચારે બાળકોના ઓનલાઈન અભ્યાસ પણ સોનાલીને કારણે પાર પડે છે. બહોળા કુટુંબ ને એકસૂત્રે રાખવાની એની આવડત અત્યારે રંગ લાવી રહી છે. દેરાણી પણ બનતી મદદ કરે જ છે..ખેર! આ બધાથી પરવારી દેરાણી- જેઠાણી ગાર્ડનમાં બેઠા હતાં.
અચાનક સોનાલીનો હાથ પકડી દેરાણી બોલી " ભાભી,મારે તમને સોરી કહેવું છે. હું મારી કમાવાની આવડત પર હંમેશા ગર્વ કરતી. તમને- તમારા કામને નીચા સમજતી...આજે અનુભવાય છે કે તમે ન હો તો હું સર્વ ને અરે! મારા ખુદનાં છોકરાઓ ને પણ આવા સંજોગમાં ન સાચવી શકું. થેંક્યુ!!!"......એન્જિનિયરીંગની ડીગ્રી ધરાવતી, ખૂબ ટેલેન્ટેડ સોનાલીને પોતે 'ઘર'ને સાચવવા ભૂતકાળમાં લીધેલ નિર્ણય પર આજે ગર્વ થયો.
આમ આ કપરો સમય ક્યાંક સંબંધોને સુમધુર બનાવે છે.