સુહાના સફર
સુહાના સફર
એક નાની બેગમાં માત્ર જરૂરિયાતનો સામાન ભરી અને હું મુસાફરી માટે તૈયાર થઈ ગઈ. મારા અત્યાર સુધીના જીવનમાં કદાચ આ બીજી વાર એવું બન્યું કે મારે એકલા કોઈ મુસાફરી કરવી પડે. સંજોગો પર એવા હતા કે જવું અનિવાર્ય હતું અને ઘરના બીજા બધા સભ્ય વ્યસ્ત હોવાથી મારે એકલા જવું પડે એમ હતું. છેલ્લે જ્યારે એટલા મુસાફરી કરી હતી ત્યારે મને થયેલો કડવો અનુભવ યાદ રાખીને આ વખતે મેં ખાસ યાદ રાખીને માત્ર એક નાની બેગમાં જરૂર પૂરતો સામાન લીધો હતો. મને બરાબર યાદ છે કે છેલ્લે જ્યારે હું એકલી મારી બહેનના ઘરે અમદાવાદમાં એક લગ્નપ્રસંગમાં હાજરી આપવા ગઈ હતી એ વખતે મારી પાસે કુલ ચાર નંગ સામાન હતો. એક મોટી બેગમાં મારા કપડા અને બીજી બે નાની બેગ,જેમાંથી એક બેગમાં મારા લગ્ન પ્રસંગમાં પહેરવાના કપડાં અને એસેસરીઝ અને સાથે બીજી બેગમાં ત્યાં બધાને આપવા માટેની વસ્તુઓ અને ચોથી એક નાની હેન્ડબેગ જેમાં પૈસા, મોબાઈલ વગેરે કિમતી સામાન હતો. જ્યારે હું ઘરેથી નીકળી ત્યારે મારા પતિ સુનીલે મજાક કરતાં કહ્યું પણ ખરું કે ચાર દિવસ માટે જાય છે એમાં આટલો બધો સામાન. ક્યાંક એવું તો નથી ને કે મારાથી કંટાળીને દૂર ક્યાંક એકલી જ ફરવા જાય છે. અને ચિડાઈને જવાબ આપ્યો હતો કે બહાર કોઈના ઘરે જઈએ તો સામાન તો થાય જ ને. ઘરમાં પહેરવાના કપડા અલગ, ક્યાંક બહાર જઈએ તો ત્યાં પહેરવાના કપડા અલગ વળી બધાની મેચિંગ એસેસરીઝ અને ચંપલ તો સાથે લેવા જ પડે ને પછી લગ્નમાં પહેરવાના અલગ અને વળી કોઈના ઘરે જઈએ તો ખાલી હાથ થોડું જવાય. બધા માટે કાંઈને કાંઈ તો લઈ જવું પડે ને. અને પછીથી આત્મવિશ્વાસથી હું સામાન લઈને સ્ટેશન પહોંચી અને જેવો પ્લેટફોર્મ પર પગ મૂક્યો ત્યાં તો મારો આત્મવિશ્વાસ ત્યાં લોકોની ભીડ જોઈને ડગી ગયો. આટલા બધા સામાન સાથે ટ્રેનમાં કેવી રીતે એકલી ચડીશ એ વિચારથી મનમાં થોડી ગભરામણ થવા માંડી. થોડી જ વારમાં પ્લેટફોર્મ પર ટ્રેન આવીને ઊભી રહી હું જેમ તેમ કરીને ધક્કામુક્કીમાં બીજાની થોડી મદદ લઈને ટ્રેનમાં ચડી ગઈ. અંદર પ્રવેશતાની સાથે મને થયું કે હાશ ! હવે શાંતિ. હવે સામે છેડે કોઈ મને લેવા આવશે એટલે ફરી કોઈની મદદ લઈને નીચે ઉતરી જઇશ. પણ મારો એ શાંતિનો અનુભવ માત્ર થોડી ક્ષણોનો હતો. હું જેમ તેમ કરીને બધા સામાન સાથે જેવી મારી સીટ નંબર પર પહોંચી એ નંબર પર બીજા કોઈ દુબલા પતલા બહેન બેઠેલા દેખાયા. ધક્કામુક્કી વચ્ચે પકડેલો મારો સામાન જોઈને હું બધું કેવી રીતે પાર પાડીશ એ વિચારથી ગભરાઈને હું ગુસ્સામાં તાડૂકી" તમને દેખાતું નથી તમે મારી સીટ પર બેઠા છો." મારી વાત સાંભળીને ઝંખવાઈ ગયેલા એ દુબલા પતલા બહેન બિચારા વિનંતી કરતા બોલ્યા" બહેન તમે કહેતા હો તો હું અહીંથી ઊઠી જઈશ પરંતુ જો મને બેસવાની થોડી જગ્યા મળી જાય તો સારું." મારી પાસે સામાન એટલો બધો હતો કે હકીકતમાં મને મારી દયા જ આવી રહી હતી, એવામાં હું એને બેસવાની જગ્યા આપો તો મારા હાથમાં રહેલી હેન્ડબેગ ને ક્યાં મૂકવી. એક મોટી બેગ તો ઉપર કેરિયર પર ગોઠવાઈ જાય અને બીજી બે નાની બેગ બેસવાની સીટની મૂકી શકાય એટલી જગ્યા હતી પણ હેન્ડબેગ તો મારે મારી સાથે જ રાખવી પડે. આમ જો આપણી સ્થિતિ દયનીય હોય ત્યાં બીજાને ક્યાં મદદ કરવી એમ વિચારીને મેં થોડો તોછડાઈથી જવાબ આપ્યો, જગ્યા જોઇતી હોય તો પૈસા ખર્ચીને ટિકિટ લેવી પડે." મારી વાત સાંભળીને પેલા બેન થોડા ઝંખવાઈ ગયા અને ત્યાંથી ઊભા થઈ ગયા. હું મારી સીટ પર ગોઠવાઈ ગઈ અને થોડી જ વારમાં તો બધું સેટ થઈ ગયું અને ટ્રેન એ ધીમી ગતિ પકડી.
જેવી મેં નજર ઉપર કરી અને બારી તરફ જોયું પેલા દુબલા પતલા બેન બરાબર મારી સામેની સીટ પર બેઠેલા દેખાયા. ત્યાં બેઠેલા એક બેનને એમની દયા આવી ગઈ અને એમણે એ બેનને બેસવાની જગ્યા આપી હતી એવો ખ્યાલ આવતા હું થોડી ઝંખવાઈ ગઈ. એક ક્ષણ માટે એ બેન અને મારી વચ્ચે આંખોનો સંપર્ક થયો અને મેં જેવો મારી આંખોથી જ દિલગીરી વ્યક્ત કરવાનો પ્રયત્ન કર્યો એ બહેને થોડી ધૃણા ભરી દ્રષ્ટિ નાખી અને તરત જ મારી સાથે આંખોનો સંપર્ક તોડી નાખ્યો. મને મારી ભૂલ સમજાઈ અને મારા વ્યવહારનો પસ્તાવો થયો. મારી અંદર ચાલી રહેલી અસુવિધાજનક અકળામણ ને કારણે મેં બીજા પર ગુસ્સો કર્યો એ વિચારથી મને મારી જાત પર અણગમો થયો.
થોડીવારમાં તો મારી આસપાસ બેઠેલા બધા જ લોકોની મંડળી જામી અને બધા ભેગા થઈને યાત્રાનો આનંદ લેવા માંડ્યા. કોઈક બેગમાંથી નાસ્તો કાઢીને બધા સાથે શેર કરતું તો કોઈ પર્સમાંથી ચોકલેટ કાઢીને બીજાનું મોં મીઠું કરતું. નાસ્તા અને અવનવી વાતો સાથે હળવી પળો માણી રહેલા બધા યાત્રાનો આનંદ લઈ રહ્યા હતા, જ્યારે હું ખૂણામાં એકલી બેઠી કંટાળાનો અનુભવ કરી રહી હતી. મને મારી યાત્રા એક બોજ સમી લાગવા માંડી. મેં એક-બે વાર એમની મહેફિલમાં જોડાવાનો પ્રયત્ન કર્યો પણ મારા ટ્રેનમાં પ્રવેશતાની સાથે મારા તરફથી જ થયેલા દુર્વ્યવહાર ને કારણે કોઈએ મારી સાથે સંપર્ક કરવામાં રૂચી ના બતાવી. મને મારા કરેલા દુર્વ્યવહાર માટે ખૂબ જ પસ્તાવો થયો. ધીરે ધીરે એક પછી એક સ્ટેશન આવતા ગયા અને મુસાફરીમાં અમુક લોકો ઉતરતા ગયા અને બીજા નવા મુસાફર આવતા રહ્યા. મારી આસપાસ બેઠેલા બધા જ એકબીજા સાથે હસી ખુશીને મળ્યા અને જેમ પોતાનું સ્ટેશન આવતું ગયું તેમ કેમ બધા એકબીજાની મદદ લઈને ઉતરતા ગયા. અને હું એકલી જ મારા નિશ્ચિત મુકામ પર પહોંચવાની રાહ જોતી રહી. જેવી મારી મંઝિલ આવી એવી મેં જેમ તેમ કરીને બધો જ સામાન ભેગો કર્યો અને ધીરે ધીરે નીચે ઉતરી ગઈ. ના તો મારી કોઈ નોંધ લીધી કે ના તો મને કોઈએ મદદ કરી. અને એમાં ભૂલ તો મારી જ હતી. હું ત્યાંથી જતી રહી પણ એ કડવો અનુભવ મને હંમેશ માટે યાદ રહી ગયો અને એટલે આ વખત આરામદાયી યાત્રા કરવાના હેતુથી માત્ર જરૂરતનો સામાન મારી સાથે લીધો.
જેવી પ્લેટફોર્મ પર ટ્રેન આવી હું આરામથી અંદર પ્રવેશી અમારી પર જઈને ગોઠવાઈ ગઈ, સીટ પર બેઠા પછી મારી નજર મારી બાજુમાં ઊભેલા એક બેન પર પડી, મેં તરત જ એમને મારી બાજુમાં મારી સીટ પર બેસવાનું આમંત્રણ આપ્યું અને એ બેન ખુશ થઈને મારી બાજુમાં આવીને બેસી ગયા. અને મારી યાત્રાની શુભ શરૂઆત થઈ. જેવી ટ્રેનની ગતિ પકડી આજુબાજુ બધા મુસાફરો એકબીજા સાથે વાતો કરીને હળવી ક્ષણોએ માણવા લાગ્યા. અને હું પણ એનો એક હિસ્સો બની ગઈ. એકબીજાની કંપનીમાં સમય ક્યાં જતો રહ્યો એની ખબર જ ના પડી અને હું મારા નિશ્ચિત મુકામ પર આવી ગઈ. જેવી હું ઊભી થઈ, મારી આજુબાજુ બેઠેલા બધા એ મને શુભેચ્છા અને સ્મિત સાથે વિદાય કરી અને હું નીચે ઉતરી ગઈ. આ વખતની યાત્રા એ મને શીખવ્યું કે જીવનનું પણ બસ યાત્રા જેવું જ છે. મન પર જેટલું બિનજરૂરી સામાન નો બોજ ઓછો એટલી જ યાત્રા હળવી અને આનંદમય !
