સત્યનો જય
સત્યનો જય
છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ, સાગર પીનારા ! અંજલિ નવ ઢોળજો બાપુ !
રેડિયોમાં ગાંધીજીના ભજનો, લોકગીતો, જીવનકથની વગેરે આવી રહ્યાં હતાં. ધીરજબેન ગાંધીજી સાથે વિતાવેલા થોડા એ દિવસોને યાદ કરી રહ્યાં.
અઠ્ઠાણું વર્ષની ઉંમરે ધીરજબેનનાં કાન, નાક, આંખ સાબૂત હતાં. પુત્રવધુ હજી કામેથી ઘરે આવી ન હતી. છ વાગે કાયમ ઘરે પહોંચી જનાર લક્ષ્મી આજે નવ થયા તો પણ આવી ન હતી.
હવે એ ચિંતામાં પડ્યા શું થયું હશે મારી લક્ષ્મી વહુને ! ત્યાં તો લક્ષ્મીને લઈને પોલીસ ઘરે આવી પહોંચી. ધીરજબેન તો પોલીસને જોઈને હેબતાઈ જ ગયા પણ લક્ષ્મીએ કહ્યું બા ચિંતા ન કરો. મારો સોનાનો અછોડો કાપીને કોઈ લઈને જતું હતું. મારું તો ધ્યાન પણ ન હતું પણ આ પોલીસભાઈએ તેને આબાદ પકડી દીધો અને ચેઇન તથા મને સહીસલામત ઘરે પાછા મૂકવા આવ્યા છે.
ધીરજબેનને હવે હૈયે ટાઢક વળી. પતિ હીરજીભાઈના અવસાન પછી એકના એક દીકરા મૂળજીને મોટો કર્યો હતો અને લક્ષ્મી જેવી સુસંસ્કારી મોભાદાર કુટુંબની દીકરી સાથે તેના લગ્ન કર્યા હતા પણ કુદરતને એ ખુશી લાંબા સમય માટે પસંદ ન હતી. લગ્નના સાત વર્ષ બાદ એક કાર એકસીડન્ટમાં તેનું મૃત્યુ થયું હતું અને પાંચ વર્ષના દીકરા મલયના ઉછેરની જવાબદારી હવે લક્ષ્મી અને ધીરજબેનને શિરે આવી હતી.
સદ્નસીબે લક્ષ્મી ડબલ ગ્રેજ્યુએટ હતી અને એક શાળામાં પ્રધ્યાપિકા તરીકે નોકરી કરતી હતી. મલય પણ આજ ચોવીસ વર્ષનો થઈ ગયો હતો અને તેના મામાની એક ફેક્ટરીમાં મિકેનિકલ એન્જિનિયર તરીકે કામ કરતો હતો.
થોડીવારમાં એ પણ આવી પહોંચ્યો અને મમ્મીની વાત સાંભળી તે થોડો ઊકળી પણ ગયો અને ધીરજબેન સામે જોઈને કહે, "બા આજે ગાંધીબાપુની જયંતિ છે અને તમે તેમની વાતો કરતા થાકતા નથી. સત્ય અહિંસાના માર્ગે ચાલનારા આ ગાંધીજીએ આઝાદી તો અપાવી પણ લાગે છે કે ભારત દેશ ગુલામીની એ જકડમાંથી હજી મુક્ત થયો નથી."
ધીરજબેન શાંતિથી સાંભળતા હતાં. મલયનું બોલવાનું ચાલુ જ હતું. લક્ષ્મી ક્યારેક વચ્ચે વચ્ચે ટપારતી હતી અને રસોઈ કર્યે જતી હતી. અંતે મલય થાક્યો અને ધીરજબેન સામે જોઈ કહ્યુ, "બોલો બા, હવે તમારે કંઈ કહેવું છે ?"
ધીરજબેને ખૂબ જ ધીરજ અને શાંતિથી જવાબ આપ્યો બેટા તારો ઉકળાટ હું સમજી શકું છું પણ હંમેશા સત્યનો જ જય થાય છે, ભલે સમાજમાં હજી ઘણી બધી બદીઓ છે, પણ અંતે તો સત્યને માર્ગે ચાલનારા કદી દુઃખી થતા નથી. સમાજને પણ સત્ય જીરવવામાં થોડી તકલીફ તો પડે છે, પણ એ તો જેવા જેના કર્મ."
રાતે દસ વાગે જમીને પરવાર્યા પછી ધીરજબેને ફરી રેડિયો ચાલુ કર્યો ત્યારે બાપુને શ્રદ્ધાંજલિ આપતો કાર્યક્રમ ચાલુ હતો.
વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે.. સાંભળતા સાંભળતા ક્યારે ધીરજબેન સપનાંની દુનિયામાં સરી પડ્યાં અને ગાંધીજી સાથે વિતાવેલા દિવસો જાણે સજીવન થઈ ઊઠ્યા !
